ચાંદની - પાર્ટ 44 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 44

આર.કે.મૂછમાં લુચ્ચું હસ્યો અને પોતાની આગવી અદાથી, હીરા જડિત વિંટીઓથી ભરેલ આંગળીઓને ટેબલ પર ટહેલાવતો બોલ્યો, " હરજીત અને સોમો, આ બંને મારા જ માણસો છે.જે મારા ઈશારે કામ કરતા હતા.આફટર ઓલ મારો દીકરો ક્યારે શું કરે છે તેની મને જાણ તો હોવી જોઈએને ! આટલું બોલી,ખંધુ હસતા ફરી હરજીતને આંખોથી કંઈક ઈશારો કર્યો.

હરજીતે તે જોઈ તરત જ હોલમાં રહેલ વિશાળ સ્ક્રીન પર એક વીડિયો કેસેટ ચાલુ કરી.

કેસેટમાં જોવા મળેલ વિડિયો જોઈ અનુરાગના પગ તળેથી જમીન સરકી ગઈ.તે અનહદ આશ્ચર્ય સાથે પૂતળું બની ગયો.તેની મોટી મોટી આંખો અચરજથી પહોળી થઈ ગઈ. તેને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

હવે આગળ...

ટી. વી. પરના સમાચાર જોઈ ચાંદનીના પરિવારમાં સનાંટો છવાઈ ગયો.તેમને ચાંદનીના અરમાન જાણે સળગી રહ્યા હોય તેવું લાગ્યું.ચાંદની પોતે પણ સ્તબ્ધ હતી.તેને એક પળમાં બધું ગુમાવી દીધું હોય તેવું લાગતું હતું.થોડીવાર તે ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ.

પણ ચાંદનીના પિતા ખૂબ હિંમત વાળા હતા. લોકોને ઓળખવાની તેનામાં ગઝબ સૂઝ હતી.તે સમાચાર જોઈ થોડી વાર શાંતિથી બેઠા.તેમના દિમાગમાં અનુરાગ અને તેના પિતા સાથેના સંબંધોની જે વાત ચાંદનીએ કરી હતી તે ઘૂમવા લાગી.થોડી વાર બાદ જાણે તેમને ઘણું બધું સ્પષ્ટ થયું હોય તેમ તે નિશ્ચિંત થઈને બેઠા. તેમણે ચાંદનીને પોતાની પાસે બોલાવી તેના માથે પ્રેમ ભર્યો હાથ મૂક્યો.તેને સાંત્વના આપતા કહ્યું,

"મારી ચાંદ તો ખૂબ હિંમત વાળી છે.આમ પરિસ્થિતિ જોઈને ભાગે નહિ.પરિસ્થિતિને જાણી તેનો સામનો કરે તેવી છે.તો આજે શું થયું ? કેમ આમ સાવ તૂટી પડી. ટી.વી. સામેના દ્ર્શ્યો એક તરફી છે. તને ક્યાંય તેમાં અનુરાગની સંમતિ જોવા મળી ? તે કદાચ તસ્વીર,અને વિડિયોમા અનુરાગની આંખોનાં ભાવને જોવાની કોશિશ જ નથી કરી ! "

"બેટા, પ્રેમ ક્યારેય એકલો નથી આવતો સાથે થોડું જાજું દર્દ તો હોય જ છે.પ્રેમનું બીજું નામ વિશ્વાસ છે.આટલી જલ્દી તને અનુરાગ પરથી ભરોસો તૂટી ગયો ? "

"મારા દીકરા, તને ખબર છે મે અનુરાગને તેની પ્રથમ મુલાકાતે જ ઓળખી લીધો હતો.અને એ જ સમયે તારો હાથ તેના હાથમાં સોંપવાનું નક્કી કર્યું હતું.તેની આંખોમાં મને સચ્ચાઈ દેખાઈ.તે ખુદ ગમે તેટલી મુશ્કેલી વેઠશે પણ તને કે તારા પ્રેમને આંચ નહિ આવવા દે. અને વાત રહી આ તસવીરોની તો જે દેખાય તે સત્ય જ છે તેમ કદી ન માનવું.ઘણી વાર જે દેખાતું હોય, વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત હોય. એવા સમયે જરૂર છે ધીરજની ! મનને શાંત રાખી સંજોગો સામે લડવું એ જ સાચી સમજદારી છે."

મને વિશ્વાસ છે મારી દીકરી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી પોતાના માટે રસ્તો ખુદ બનાવશે.

ચાંદનીના પિતા ખૂબ સ્નેહ અને શાંતિથી તેને સમજાવી રહ્યા હતા.તેની વાત સાંભળી ચાંદનીના મનને નીરવ શાંતી મળી.તેનું દર્દ, અનુરાગને ખોવાનો ડર બધું જ જાણે ગાયબ થઈ ગયું.એક નવી ઊર્જા અને શક્તિ તેના રોમરોમમાં વ્યાપી ગઈ.તે બોલી,

"પપ્પા, તમે એક દમ સાચી વાત કરી.તમારી વાતો એ મારી આંખ સામેનું ધૂંધળું આવરણ હટાવી દીધું. સત્યના હંમેશ બે પાસા હોય છે. એક આપણે જે જોઈએ અને વિચારીએ તે અને બીજું જે હકીકતમાં હોય તે. તમારી આ શીખ હું ભૂલી ગઈ. નાનપણથી તમે હંમેશ હિંમતથી લડતા શીખવ્યું છે. એક પળ માટે મારો વિશ્વાસ ડગમગી ગયો. પણ હવે એવું કદી નહિ થાય."

પ્રેમ અને વિશ્વાસ તો એક સિક્કાની બે બાજુ છે. એકની ગેરહાજરી વરતાય એટલે બીજો અધૂરો ! લાગણીની લીલાશ તો જ અકબંધ રહે જો સમયે સમયે તેમાં સ્નેહની સાથે સાથે વફાદારીનું પણ સિંચન થાય.

ચાંદનીની વાત સાંભળી તેના પિતાને રાહત થઈ. તે બોલ્યા, "બેટા, સબંધોનું ગણિત ખૂબ અટપટું હોય છે. તેને સમજવા દિલ અને દિમાગ બંનેથી કામ લેવું પડે. અત્યારે અનુરાગને તારા સાથ અને સહકારની જરૂર છે. તું તેની કમજોરી નહિ પણ તાકાત બનીને એક ચટ્ટાનની માફક ઉભી રહેજે.કોઈ પણ પરિસ્થિતિમાં તેનો હાથ અને સાથ નહિ છોડતી. "

ચાંદની તેના પોતાની વાત સાંભળી આંખોમાં આંસુ સાથે તેના મમ્મી પપ્પાને ભેટી પડી.એટલે તેની મમ્મી બોલ્યા,

"બેટા, હું એ દિવસની રાહ જોઉ છું જે દિવસે તું અનુરાગની દુલ્હન બને."

દરેક માતા પોતાની જેમ ચાંદનીના માતા પિતાએ પણ પોતાની દીકરીના લગ્નના સપના સજાવ્યા હતા, પણ તે એ વાતથી અજાણ હતા, કે કુદરતે તો પોતાના કંઇક અલગ જ ચોકઠાં ગોઠવી રાખ્યા છે.

ચાંદનીએ કોઈ પણ ભોગે અનુરાગને મળવાનો નિર્ધાર કર્યો. મનમાં અતૂટ વિશ્વાસ અને હિંમતથી તેણે કઈંક પ્લાન બનાવ્યો.

**********************

આર.કે.ના ફાર્મ હાઉસમાં હરજિતે જ્યારે સી. ડી.ચાલુ કરી ત્યારે અનુરાગ તે જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો. આર.કે. આવું પણ કરશે તે તો તેણે કદી વિચાર્યું ન હતું

સી. ડી.ના એક પછી એક દૃશ્ય જોઈ અનુરાગના શરીરમાં લખલખું પસાર થઈ ગયું.

હરજીત અને સોમો અટ્ટહાસ્ય કરી રહ્યા હતા.
સી. ડી.માં અનુરાગ અને ચાંદનીની પ્રથમ મુલાકાતથી છેલ્લી મુલાકાત સુધીનું રેકોર્ડિંગ હતું. કોલેજના ગાર્ડનમા બંને બેઠા હોય તે બાધા ફોટો હતા. આખી સી. ડી.બંનેના ગળાડૂબ પ્રેમની સાબિતી દેતી હતી.

અનુરાગને હવે બધું સમજાઈ ગયું હતું.આર.કે. એ હરજીત અને સોમાંને પોતાની જાસૂસી માટે રાખી તેની પળ પળની ખબર રાખી હતી.અને એટલે જ તે ચાંદની સાથેના સંબંધમાં આગળ વધે તે પહેલાં તેને પોતાની પાસે બોલાવી લીધો.

તક્ષવી પણ આ બધો તમાશો જોઈ અચંબિત થઈ ગઈ હતી. તેની આંખો છલકાઈ રહી હતી.
કેમ કે,આર.કે. એ તેને ચાંદની વિશે કશું જણાવ્યું ન હતું.

તક્ષવી રડતા રડતા બોલી,
"અનુરાગ, તું મને પૂછતો હતો ને કેમ મે તને સગાઈ ની વાત ન કરી. પણ સાચું કહું તો મને તારા આ પ્રેમ વિશે કશી ખબર ન હતી. મને તો એમ જ લાગતું કે જેમ હું તને અનહદ ચાહું છું તેમ તું પણ મને ચાહે છે.એટલે જ તને સરપ્રાઈઝ આપવા મે કશું ન જાણવાનું નાટક કર્યું."

તક્ષવીની વાત સાંભળી અનુરાગ બોલ્યો,
"જવાબ તારે નહિ આર.કે. એ આપવાનો છે.તારી સાથે મને કોઈ નિસ્બત નથી. તું શું વિચારે , શું કરે તેનાથી મને કોઈ ફર્ક નથી પડતો. મારી જીંદગીમાં તું ક્યાંય કદી નહોતી. અને કદી આવી શકીશ નહી. ખબર નહિ કેમ પણ મને તારા શબ્દો પર જરા પણ વિશ્વાસ નથી. તારી સાથે હું નિરાંતે નીપટીશ ."

અત્યારે જવાબ મારે આર.કે.પાસેથી જોઈએ છીએ જે બાપ કહેવાને પણ લાયક નથી. એક બાપ થઈ દીકરાની જાસૂસી કરે તે કેટલી શર્મનાક વાત છે. જ્યારે બાપ જ દુશ્મન બન્યો હોય ત્યારે અન્યની શું વાત કરવી !

આંખોમાં આગ વરસાવતો અનુરાગ બોલ્યો, "બોલો મિસ્ટર આર.કે.આખરે તમે શું કરવા માંગે છે ? શા માટે આ જાસૂસી ? બધું જાણવા છતાં સગાઈની જાહેરાત કેમ ? એક બાપ થઈ શા માટે દીકરાની ખુશીઓને આગ લગાવો છો ?
આજે મારે મારા બધા સવાલના જવાબ જોઈએ. ક્યારેક તો એવું લાગે છે કે તમે મારા બાપ હોય જ ન શકો. કેમ કે એક બાપ આટલો ક્રૂર કેમ થઈ શકે !"

************************

શેખાવત પોતાની દીકરી મનસ્વીને જોઈ ચોંકી ગયો.તે બોલ્યો, "અરે...! મનું તું અહીંયા ક્યાંથી ? હોસ્ટેલમાંથી ક્યારે આવી ? તને કેટલી વાર કીધું આમ જાહેરમાં મને ન મળ."

શેખાવતની વાત સાંભળી મનસ્વી નકલી ગુસ્સો કરતા બોલી, "ડેડું, હું આટલા સમય પછી મળી તેની કોઈ ખુશી નથી તમને ? ન વ્હાલ... ન વાત ... છે તો બસ તમારા પ્રશ્નો ! મારી તમારી સાથે કિટ્ટી."

મનસ્વી પગ પછાડતી ચાલવા લાગી. શેખાવત "મનું.. મનું.." કરતો તેની પાછળ દોરાયો.

તેણે મનસ્વીનો હાથ પકડી પોતાની ગાડીમાં બેસાડી. અને કહ્યું, "બેટા, તું જાણે છે હું આવું વર્તન કેમ કરું છું.બેટા હું નથી ઈચ્છતો કે ભૂતકાળનું પુનરાવર્તન થાય. "

વાત કરતા કરતા શેખાવતની આંખો ભીંજાઈ ગઈ.
"આર.કે. સાથેની મારી લડાઈમાં તને કંઈ થશે તો હું જીવી નહીં શકું. આજે મે ખૂબ મોટો ધમાકો કર્યો છે. આ રહ્યા તેના વિડીઓ."

શેખવતે એક કેમેરો મનસ્વીને આપ્યો. જેમાં આર.કે.ની પાર્ટીના વિડિયો હતા.

મનસ્વી તે જોઈ બોલી, "ડેડી, આ બધામાં તેના દીકરા અનુરાગનો શો દોષ ? તેની આંખો કેટલી નિર્દોષ લાગે છે ! "

શેખાવત પોતાની દીકરીના મનોભાવ વાંચવાની કોશિશ કરી રહ્યો. તેની આંખોમાં તેને અનુરાગને જોઈ અનોખી ચમક જોવા મળી.

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"

આર.કે.અને શેખાવતની ભૂતકાળની કડીઓ ક્યાં જોડાયેલ છે ?
ચાંદની અનુરાગ સુધી કેવી રીતે પહોંચશે ?
આર.કે.અનુરાગના પ્રશ્નો સાંભળી શું કરશે?
શું છે મનસ્વીના મનમાં ?
તક્ષવી હવે શું કરશે ?

જાણવા માટે વાંચતા રહો.


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 3 માસ પહેલા

Nalini

Nalini 5 માસ પહેલા

Amritlal Patel

Amritlal Patel 6 માસ પહેલા

narendra

narendra 7 માસ પહેલા

Neepa

Neepa 7 માસ પહેલા