Pratyaksh-paroksh - 6 books and stories free download online pdf in Gujarati

પ્રત્યક્ષ-પરોક્ષ - ૬

પ્રત્યક્ષ-પરોક્ષ - ૬
ડો. હિના દરજી

પૂંજાભાઈ ખોંખારો ખાય છે: “રુહી, મારી પાસે આવીને બેસ...” રુહી એમની પાસે જઈ બેસે છે. એની નીરસ આંખોમાં કોઈ ઉત્સાહ કે પીડા દેખાતી નહોતી. જાણે એક અઠવાડીયામાં એના જીવનમાંથી બધા રસે વિદાઇ લઈ લીધી હતી. પૂંજાભાઈ એના માથા પર હાથ મૂકે છે.
રુહી અપલક નયને પૂંજાભાઈ સામે જોવે છે. એની આંખોની નીરસતા જોઈ પૂંજાભાઈને પણ દુ:ખ થાય છે. એ રુહીનાં માથા પરથી હાથ લઈ આલ્બમ પર હાથ ફેરવવા લાગે છે. બધા પૂંજાભાઈ સામે જોઈ રહ્યા હતા. એમની ચુપકીદી હવે બધાને કંટાળો આપી રહી હતી. પૂંજાભાઈ પોતે વાત ક્યાંથી શરૂ કરવી એ સમજી શકતા નહોતા, એટલે એ પોતે પણ અકળાયા હતા.
કેયૂરથી હવે ચૂપ રહેવાય એવું નહોતું. એ આગળ આવી પૂંજાભાઈનાં પગ પાસે બેસે છે. શ્રીધર પણ કેયૂર પાસે આવી એનો ખભો દબાવી ચૂપ રહેવા ઈશારો કરે છે. કેયૂર મુંજાઈને વિવશ નજરે શ્રીધર સામે જોવે છે. રુહીની હાલત જોવાતી નહોતી અને દાદાનું મૌન અકળાવતું હતું. શ્રીધર ફરી કેયૂરને સાંત્વના આપે છે. પૂંજાભાઈ બન્ને ભાઈઓની આંખમિચોલી જોતાં હતા. કેયૂર આશાભરી નજરે પૂંજાભાઈ સામે જોવે છે.
પૂંજાભાઈ આલ્બમ ખોલી પાનાં ફેરવવા લાગે છે. આલ્બમમાં કોઈનો ફોટો શોધતા હતા. એ આલ્બમને છેલ્લા અઠવાડીયાથી એ અનેકવાર જોઈ ચૂક્યા હતા. ઉમેશ અને મનીષા જાણતા હતા કે પૂંજાભાઈ આલ્બમ જોઈ વિચારોમાં ખોવાઈ જતાં હતા. ઉમેશ પિતાનાં ખભા પર હાથ મૂકે છે: “પપ્પા, હું મદદ કરું?”
પૂંજાભાઈ એક ફોટા પર હાથ ફેરવવા લાગે છે. એમની આંખોમાં પાણી આવે છે. એમની આંખો ભીની જોઈ બધા એમના બોલવાની રાહ જોવે છે. ગુંજન પાણીનો ગ્લાસ ફરી એમની સામે ધરે છે. પૂંજાભાઈ આંસુ લૂછી ગ્લાસ હાથમાં લે છે. પાણી પીધા પછી શ્રીધર સામે જોવે છે: “શ્રી, કેયૂર તમને બન્નેને ખબર છે... આ ફોટો કોનો છે?”
કેયૂર અને શ્રીધર સાથે ઉમેશ અને મનીષા પણ ફોટો જોવે છે. એ ફોટો બ્લેક અને વ્હાઇટ વર્ષો જૂનો એક સુંદર સ્ત્રીનો હતો. મનીષાએ તે સ્ત્રીનો ફોટો પહેલા જોયો હતો પણ એ કોણ છે તે ખબર નહોતી. ઉમેશ સિવાય કોઈ એ સ્ત્રીને ઓળખતું નહોતું. પૂંજાભાઈ આલ્બમમાંથી એ ફોટો બહાર કાઢી રુહીનાં હાથમાં મૂકે છે. રુહી એ ફોટો જોયા પછી ફરી પૂંજાભાઈ સામે જોવે છે. પૂંજાભાઈની આંખો ફરી અશ્રુથી છલકાઈ હતી. આંસુ લૂછી પૂંજાભાઈ એક ઊંડો શ્વાસ લે છે: “શ્રી, કેયૂર, મનીષા તમને આ સ્ત્રી કોણ છે એ ખબર નહીં હોય... કદાચ ઉમેશને પણ યાદ નહીં હોય...”
પૂંજાભાઈ ઉમેશ સામે જોવે છે. ઉમેશ પિતાનાં ખભા પર હાથ મૂકે છે: “પપ્પા, તમે જ્યારે કમળાકાકીને યાદ કરો છો, ત્યારે ઉદાસ થઈ જાવ છો... હું તમારા અંતરની વેદના થોડી સમજવા લાગ્યો છું... તમે કમળાકાકીની હકીકત કોઈને નહીં કહેવાનું મારી પાસેથી વચન લીધું હતું... શું તમે જાતે ભૂતકાળ ખોલવા માંગો છો?” પૂંજાભાઈની સાથે હવે ઉમેશની આંખોમાં પણ અશ્રુધાર દેખાઈ હતી.
પૂંજાભાઈ ફરી એ ફોટો જોઈ ભૂતકાળમાં પહોંચી જાય છે: “કેયૂર, રુહી આ ફોટો મારા કમળાકાકીનો છે... ખૂબ સુંદર હતા... એમના વિષે શું કહું? જેટલા સુંદર હતા એટલા સંસ્કારી પણ હતા... મારા કાકા સાથે એમના લગ્ન નક્કી થયા હતા... હું સાત વર્ષનો હતો... એ વખતે દાદા અને પપ્પાની સમાજમાં ખૂબ ઇજ્જત હતી... દાદા અને પપ્પા બાપદાદાનો ધંધો ચલાવતા... કાકાને ધંધામાં રસ નહોતો... એ વકીલ બનવા માંગતા હતા... દાદાએ એમને વકીલ બનવા માટે પરવાનગી આપી... પણ એમના મિત્રની દીકરી કમળા સાથે લગ્ન કરવા માટે કહ્યું... કાકાને કમળા સુંદર હોવાથી પહેલેથી પસંદ હતી... એમણે દાદાને વકીલ બની ગયા પછી કમળા સાથે લગ્ન કરવાની હા પાડી... દાદા રીત-રિવાજમાં ખૂબ માનતા... અને જમાના સાથે ચાલવામાં પણ માનતા હતા... કાકાએ કોઈવાર કમળાને મળવાની ઈચ્છા દાદાને કહી... જે છોકરી ઘરમાં વહુ બની આવવાની છે, એને મળવામાં કોઈ વાંધો નથી એમ કહી દાદાએ મળવાની છૂટ આપી... કમળા પણ ભાવિ પતિની ઈચ્છાને માન આપી મળવા માટે આવતી... કાકાએ એમની નાદાનીમાં બધી રેખા ઓળંગી નાંખી... જેના પરિણામ સ્વરૂપે કમળા લગ્ન પહેલા મા બનવાની હતી... કમળાનાં પિતાએ દાદા પાસે આવી વાત કરી... અને કમળા તથા કાકાનાં લગ્ન વહેલા લેવા માટે કહ્યું... દાદાને કાકા ઉપર ભરોસો હતો... એ લગ્ન પહેલા એવું કામ નહીં કરે એવું વચન આપ્યું હતું... દાદાએ ગુસ્સામાં કાકાને બોલાવી વાત સાચી છે કે નહીં તે પૂછ્યું... દાદાનો ગુસ્સો જોઈ કાકા સાચું બોલી શક્યા નહીં... એમણે ગભરાતા સ્વરે બાળકનો પિતા પોતે નથી એવું દાદાને કહ્યું... દાદાને છોકરા પર વિશ્વાસ હતો, એટલે એમણે કમળા કલક્ષણી છોકરી છે એવું કહી સગાઈ તોડી નાંખી... કાકાએ તે વખતે દાદાનાં ગુસ્સાથી બચવા ચોધાર આંસુ પાડતી કમળા સામે પણ ના જોયું... કમળા વાતોથી પોતાને નિર્દોષ સાબિત કરી શકી નહીં... એટલે એ રાતે પોતાને નિર્દોષ સાબિત કરવા કમળાએ પંખે લટકી આત્મહત્યા કરી લીધી... કાકાને કોઈ અંદાજ નહોતો કે કમળા પોતાને નિર્દોષ સાબિત કરવા માટે ગળે ફાંસો ખાસે...”
પૂંજાભાઈ એકીટસે બધુ બોલી ગયા હતા. થોડીવાર શ્વાસ લેવા રોકાય છે: “કમળાની અંતિમવિધિમાં અમારા ઘરમાંથી કોઈ ગયું નહીં... પણ એ દિવસ પછી કાકાની તબિયત બગાડવા લાગી... કમળાની બેવફાઇનાં કારણે કાકાની આવી હાલત થઈ છે એવું ઘરમાં બધાને લાગ્યું... થોડા મહિનાઓ સુધી કાકા ગુમસુમ એકલા રહ્યા... એમની હાલત દાદા અને પપ્પાથી જોવાતી નહોતી, એટલે એમણે બીજી છોકરી જોવાનું શરૂ કર્યુ... કોઈને ખબર નહોતી કે કાકાનાં હ્રદય પર કમળાનાં આપઘાતને ભાર દિવસે-દિવસે વધતો હતો... પોતે એક છોકરીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી એ વાત અંદરથી કોરી રહી હતી... કમળાએ એના પિતા અને પતિ માની ચૂકેલા કાકાની ઇજ્જત ના જાય એના માટે એ પગલું ભર્યું હતું... એ વાત કાકાને અંદરથી ખૂંચી રહી હતી... વધારે સહન કરી શક્યા નહીં એટલે એક દિવસ કાગળમાં પોતાનો ગુનો કબૂલ કરી એમણે પણ પંખે લટકી જીવન ટૂંકાવ્યું... કાકાનાં મૃતદેહને વળગી દાદાએ બહુ વલોપાત કર્યો... એક નિર્દોષ છોકરીએ પોતાના ગુસ્સા અને ખોટા દેખાડાનાં લીધે જીવ આપી દીધો હતો એ જાણી દાદાને પણ ખૂબ આધાત લાગ્યો... થોડી ક્ષણોનાં ગુસ્સા અને અહંકારે ઘરમાં માતમ ઊભો કર્યો હતો... એ દિવસથી દાદા અને પપ્પા કોડ ભરેલી કન્યાનાં મોત માટે પોતાને જબબદાર ગણવા લાગ્યા... એ બનાવ પછી દાદા વધારે જીવી શક્યા નહીં... પણ એમણે પપ્પાને વચન લેવડાવ્યું કે આપણાં ઘરનો કોઈપણ છોકરો લગ્ન પહેલા મર્યાદા ના ઓળંગે એનું ધ્યાન રાખવું... હું નાનો હતો કશું સમજતો નહોતો પણ મોટો થયો ત્યારે પપ્પાએ મને પણ એ જ વચન લેવડાવ્યું... જે મે પહેલા ઉમેશને પછી કેયૂરને લેવડાવ્યું... મારા પપ્પા હમેંશા મને કહેતા બેટા આપણાં પરિવારથી જે પાપ થયું છે એનું પ્રાયશ્ચિત કેવી રીતે થશે એ સમજ પડતી નથી?”
પૂંજાભાઈ રુહી સામે જોઈ એના માથા પર ફરી હાથ મૂકે છે: “રુહી વહુ... તું અમારા પરિવાર પર વર્ષોથી જે બોજ છે એને ઉતારવા આવી છે... અમારા પરિવારને પ્રાયશ્ચિત કરવાનો તેં મોકો આપ્યો છે... ઉમેશ, જે તારીખ નક્કી થઈ હતી એ જ તારીખે કેયૂર અને રુહીનાં ધામધૂમથી લગ્ન કરવાના છે...”
કેયૂર એ સાંભળી અધડૂકો ઊભો થઈ દાદાને વળગે છે. ઉમેશ અને મનીષા દીકરાને ખુશ જોઈ ખુશ થઈ જાય છે. પ્રદીપ અને દામિની ખુશ થઈ પૂંજાભાઈ સામે હાથ જોડે છે. ગુંજન અને શ્રીધર એકબીજા સામે જોઈ હસે છે. રુહીને પહેલા વિશ્વાસ આવતો નથી પણ બધાને ખુશ જોઈ એની નીરસ આંખોમાં દડદડ આંસુ વહેવા લાગે છે. એ ઊભી થઈ દાદાને પગે લાગે છે. સહેજવારમાં ઉદાસી છૂમંતર થઈ જાય છે અને એની જગ્યાએ ખુશી કિલ્લોલ કરે છે.
પૂંજાભાઈ ઊભા થઈ એને આશીર્વાદ આપે છે: “બસ હવે મારાથી વધારે બોલશે નહીં... એક અઠવાડીયાથી મુંજાતો હતો... આજે પપ્પા અને દાદાનાં ફોટા સામે એમને મેં પરિવારનું પ્રાયશ્ચિત કરવાનું વચન આપ્યું... પણ એ વાત બોલવાની હિમંત નહોતી થતી... કેયૂર, રુહી, શ્રી આપણાં પરિવારની ઇજ્જત હવે તમારા હાથમાં છે... મને રુહીને વહુ બનાવવાનો કોઈ વાંધો નહોતો... પણ એના બાળકનો પિતા કોણ છે એ ખબર પડી નહોતી એટલે હું અચકાતો હતો... રુહીની પવિત્રતા પર મને સહેજ પણ અવિશ્વાસ નહતો... પણ હવે એ વાત આપણાં બન્નેનાં પરિવારે ભૂલી જવાની છે... અને લગ્નની તૈયારી કરવાની છે... ઉમેશ હું અને શ્રી ઘરે જઈએ છીએ... તમે બધા કંકોત્રી ક્યારે લખવી છે એ નક્કી કરી ઘરે આવી જજો... ગુંજન હું રુહી વહુ માટે એક વસ્તુ લાવ્યો છું એ લેવા તું નીચે આવીશ?”
પૂંજાભાઈ જે રીતે આલ્બમ ઊંચકી આવ્યા હતા એ જ રીતે ફરી હાથમાં લઈ ઘરની બહાર જાય છે. શ્રીધર અને ગુંજન સાથે જાય છે. પૂંજાભાઈ ગાડીમાંથી એક બોક્સ કાઢી ગુંજનને આપે છે. ગુંજન એ લઈ ફરી લિફ્ટ બાજુ ફરે છે.
પૂંજાભાઈ એને ઊભા રહેવા માટે કહે છે: “ગુંજન મેં જાણીજોઇ આ બોક્સ ગાડીમાં મૂકી રાખ્યું હતું... જેથી હું તારી અને શ્રી સાથે વાત કરી શકું... શ્રી, ડ્રાઈવરને થોડીવાર ગાડીમાંથી બહાર નીકળવાનું કહે... મારે તમારા બન્ને સાથે ગાડીમાં બેસી થોડી વાત કરવી છે...”
શ્રીધર ડ્રાઈવરને કહે છે એટલે એ દૂર જઈ ઊભો રહે છે. પૂંજાભાઈ બન્નેને ગાડીમાં બેસવાનું કહી પોતે બેસે છે: “શ્રી, ગુંજન તમારે બન્નેએ મારૂ એક કામ કરવાનું છે... રુહી સાથે જે વ્યક્તિએ આટલું ખરાબ કામ કર્યુ છે... એ માણસને તમારે બન્નેએ શોધવાનો છે...”
પૂંજાભાઈની વાત સાંભળી શ્રીધર અને ગુંજન એકબીજા સામે જોવે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED