ચાંદની - પાર્ટ 41 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 41
આજે સવારથી એક પછી એક એમ રહસ્યો અનુરાગને અચંબિત કરી રહ્યા હતા.જે ડી. પણ આર.કે.નો ઘડી ઘડી બદલાયો મૂડ જોઈ વિચારમાં હતો.તેના મનમાં શું ચાલી રહ્યું છે તે બાબતે તે પણ અજાણ હતો
તેની લાખ કોશિશ છતાં તે આજે આર.કે.ના મનને કળી નહોતો શકતો.અને આજ વાત આજ સવારથી તેને ખૂંચતી હતી આટલા વર્ષોમાં પહેલી વાર તેણે આર.કે.નો આવો અંદાજ કદી જોયો નહોતો.પણ અત્યારે પોતાને ચૂપ રહેવામાં જ ભલાઈ છે.તેમ માની તે  કશું બોલતો ન હતો.

હવે આગળ...
    
પોતાના મમ્મી પપ્પાને અનુરાગ વિશે બધુ જણાવ્યા બાદ ચાંદની હળવી ફૂલ થઈ ગઈ હતી.હવે બસ તે જલ્દીથી અનુરાગને મળવા માંગતી હતી.આટલા લાંબા સમયથી બધું છુપાવ્યાનો બોજ દિલ પરથી ઉતરી ગયો હતો.

       માનવ મન ખૂબ વિચિત્ર છે.જ્યારે આપણા અંગત વ્યક્તિ કે સ્વજનથી કોઈ અગત્યની વાત છુપાવીએ ત્યારે તે આંખના કણાની માફક ખૂંચ્યા કરે છે. કહેવાય પણ નહિ અને સહેવાય નહીં તેવી હાલત હોય છે.અને જ્યારે તે અવ્યક્ત લાગણીઓ વ્યક્ત થઈ જાય એટલે અડધી જંગ તો એમ જ જીતી જવાય છે.એકાએક બધી મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આવી જાય છે.જ્યારે પોતાના સ્વજનોનો સાથ હોય ત્યારે ગમે  તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ ચટ્ટાન સમાન ઊભા રહેવાની તાકાત આવી જાય છે.

એક અનોખી ઊર્જા શરીર અને મનને રોમાંચિત કરી જાય છે.એક અજીબ આત્મવિશ્વાસ ખુદમાં છલકાવા  લાગે છે.
ચાંદની પણ કશુંક આવું જ મહેસૂસ કરી રહી હતી.

તે ઉભી થઈ અને મોબાઈલ હાથમાં લીધો.તે અનુરાગના આવેલ મેસેજ પર ફોન કરવા જતી હતી ત્યાં જ એક અજાણ્યા નંબર પરથી અનુરાગ અને તક્ષવી ના ચાર પાંચ ફોટો આવેલ જોઈ તે ત્યાં જ બેસી ગઈ.તેને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો. તેણે વારંવાર ફેરવી ફેરવી ને તે ફોટો જોયા. વિસ્મયતા ભરેલ તેની આંખો ફાટેલી જ રહી ગઈ.

****************

આર.કે.ની પાર્ટીમાં આવેલ મહેમાનો કેક કટિંગ ની રાહ જોઈ રહ્યા હતા.અને અનુરાગ તે વ્યક્તિની જેની રાહમાં.આર.કે.હતો.

થોડી વાર થઈ કે પાર્ટીમાં બે વ્યક્તિનું આગમન થયું. અનુરાગ ના આશ્ચર્યની કોઈ સીમા ન રહી.તે સ્ટેજ પરથી ઉતરીને દોડતો તેમને ભેટી પડ્યો.જાણે આજ સવારથી કશુંક ખૂટી રહ્યું છે તે અહેસાસ અત્યારે પૂર્ણ થયો.

તે બોલ્યો,"માસી,તમે  અહીંયા? "
એટલે આર.કે.આગળ આવીને બોલ્યો , "હા અનુ, તારા જન્મદિનની પાર્ટી તારા માસી અને અંજલી વગર કેમ થાય.મને બસ તેમનો જ ઇન્તજાર હતો.હજી આનાથી મોટું સરપ્રાઈઝ બાકી છે."

અંજલી અને રેણુકા બંનેને આર.કે. એ અનુરાગની બર્થ ડે પાર્ટીમાં બોલાવ્યા હતા.જ્યારે આર કે નો ફોન આવ્યો ત્યારે રેણુકા ને પણ ખૂબ આશ્ચર્ય થયું.પોતાની બહેનના મૃત્યુ બાદ કદી તે અહી આવી ન હતી.આટલા વર્ષો પછી આમ આર.કે.નું આમંત્રણ જોઈ પહેલા તો રેણુકાને વિશ્વાસ જ નહોતો આવતો.અને એટલે જ તે અહીંયા આવવા નહોતા ઈચ્છતા.પણ પછી અનુરાગનો વિચાર આવતા તે બધું ભૂલી અહી આવવા રાજી થઈ ગયા.

અને ખરેખર તેમને જોઈ  અનુરાગની ખુશીની કોઈ સીમા નહોતી.તેમના આવ્યા બાદ પાર્ટીની શરૂઆત કેક કટિંગથી કરવામાં આવી.પાર્ટીના દરેક લોકોએ અનુરાગને ભેટ સોગાત આપી.દરેક ગિફ્ટ ખૂબ કિંમતી હતી.અનુરાગને આ બધું ગમતું ન હતુ.પણ તે ચૂપ હતો. બર્થડે સેલિબ્રેશન બાદ આર.કે.ફરી સ્ટેજ  પર આવવા જતો હતો ત્યાં અનુરાગ તેની પાસે આવી  બોલ્યો, "આજની આ પાર્ટી અને ખાસ કરીને તેમાં માસીને બોલાવ્યા તે માટે  હું ખૂબ ખુશ છું.અને આપનો આભારી છું."

આર .કે.તેને ગળે લગાવતા બોલ્યા, "અનુ ,તું જેટલો તારા બાપને નિર્દયી માને છે તેટલો હું નથી."

"ચાલ ,હવે તને તારી જિંદગીની ખુબ સુંદર સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છું."

આર.કે.સ્ટેજ પર આવી અનાઉન્સ કરતા બોલ્યો, "વેલકમ માય ફ્રેન્ડ.આજના આ દિવસને યાદગાર બનાવવા માટે ,અને મારા અનુને તેની જિંદગીની સૌથી મોટી ખુશી આપવા જઈ રહ્યો છું.હું મારા પરમ મિત્ર કે જે મારા ભાઈ સમાન છે તેની દીકરી તક્ષવી સાથે મારા દીકરા અનુરાગની સગાઈનું એલાન કરું છું.આવતા અઠવાડિયે ખૂબ ધામધૂમથી અનુ અને તક્ષવી ની સગાઈ કરવામાં આવશે.આપ સૌને આ જોડીને આપના આશિષ આપવા ભાવ ભર્યું નિમંત્રણ છે."

"મારા અનુ માટેની મારી આ સરપ્રાઈઝ ભેટ.જેનો હું વર્ષોથી ઇન્તજાર કરી રહ્યો હતો." આટલું બોલી આર.કે. તક્ષવી અને અનુરાગનો હાથ પકડી તેને આગળ આવવા કહે છે.

જે. ડી.અને તક્ષવી તો આ સમાચાર સાંભળી ઉછળી પડ્યા. તક્ષવીના કદમો તો જાણે જમીન પર ટકતા ન હતા.તે અનહદ ખુશ હતી.તેનું નાનપણનું અનુરાગને પામવાનું સ્વપન, આજે પૂર્ણ થઈ રહ્યું હતુ.

પત્રકાર શેખાવત પાર્ટીની નાનામાં નાની બાબતનું રેકોર્ડિંગ અને ફોટાઓ લઈ રહ્યો હતો.આર.કે.પણ દરેક ન્યૂજ પેપરની હેડલાઈન, આજની પાર્ટીનાં સમાચાર થી ચમકતા હોય તેવું ઇચ્છતો હતો.એટલે તે શેખાવતને કશું કહેતો ન હતો.

પણ અનુરાગ તો આ સમાચાર સાંભળી આઘાતમાં સરી પડ્યો.તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેણે કલ્પના પણ નહોતો કરી કે આર.કે. આવો કોઈ નિર્ણય લેશે.
રેણુકા અને અંજલી પણ આ વાત સાંભળતા જ દુઃખી થઈ ગયા.કેમ કે બંને અનુરાગનું મન જાણતી હતી.અનુરાગનું માથું ગોળ ગોળ ઘૂમવા લાગ્યું.શું કરવું શું ન કરવું તે કંઈ સમજી નહોતો શકતો.તે સાવ સુન્ન થઈ ગયો હતો.તેની નજર સમક્ષ ચાંદનીનો માસુમ ચહેરો તરવરી ઉઠ્યો.

શું અનુરાગ આ સગાઈ માટે હા કહેશે?
એક અજાણી ( તક્ષ્વી) સાથેના ફોટો જોઇ ચાંદની શું નિર્ણય લેશે?
આ બધામાં શેખાવતનો શો રોલ હશે?
શું અનુરાગ અને ચાંદની હંમેશ માટે દૂર થઈ જશે?

જાણવા માટે વાંચતા રહો...

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"
30/5/2021


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 5 દિવસ પહેલા

Neepa

Neepa 2 અઠવાડિયા પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Nikita

Nikita 1 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા