Pratyaksh-paroksh - 5 books and stories free download online pdf in Gujarati

પ્રત્યક્ષ-પરોક્ષ - ૫

પ્રત્યક્ષ-પરોક્ષ - ૫
ડો. હિના દરજી

રુહી ઘરે આવ્યા પછી નોર્મલ થવાની કોશિશ કરતી હતી. કેયૂર ઓફિસના કામમાં મન પરોવવાની કોશિશ કરતો હતો. બન્નેના માતાપિતા બને એટલું સંતાનોને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. પૂંજાભાઈ દિવસનો મોટાભાગનો સમય પોતાના રૂમમાં વિતાવતા હતા. જૂના આલ્બમ કાઢી વારંવાર ફોટા જોતાં રહેતા હતા. આખો દિવસ કોઈ વિચારમાં ખોવાયેલા રહેતા.
શ્રીધરે ઓફિસ જવાનું શરૂ કર્યુ હતું. શ્રીધર અને ગુંજન વચ્ચે થયેલી વાત પ્રમાણે એ બન્નેને ઓફિસનાં કોઈ કર્મચારી પર શક હતો. શ્રીધરે ઓફિસમાં કામ કરવાનાં બદલે બધાની હિલચાલ અને આદતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. ગુંજને રુહી સાથે પહેલાની જેમ વાતો અને મજાક-મસ્તી શરૂ કરી હતી. પરંતુ રુહીનાં ચહેરા પરથી ખુશી અને હશી બન્નેએ વિદાય લીધી હતી.
શ્રીધર અને ગુંજન આખા દિવસની વાત મોબાઈલથી એકબીજા સાથે કરતાં હતાં. એક અઠવાડીયા જેવો સમય પસાર થઈ જાય છે. છતાં પરિસ્થિતીમાં કોઈ સુધારો આવ્યો નહોતો. કેયૂર અને રુહી એકબીજાની યાદોમાં ખોવાયેલા રહેતા, પરંતુ દાદાને આપેલા વચનનાં કારણે વાત કરતાં નહોતા. કેયુરે કંકોત્રી ઓફિસમાં મૂકવી હતી એ વાત એણે ઉમેશને કરી હતી. ઉમેશે એ વાત પૂંજાભાઈને કરી હતી.
બન્ને ઘરમાં ઉદાસી ચારેતરફ ફેલાયેલી હતી. કેયૂરને દાદા સાથે વાત કરી લગ્ન માટે હા પાડવા માટે મનાવવાનું ખૂબ મન થતું હતું. રુહી સાથે જઈ વાતો કરી એનું મન હળવું કરવાની ઈચ્છા થતી હતી. દાદાનું મન રાખવા માટે બધી ઈચ્છા મનમાં દબાવી એમની સામે ધીમું હસી લેતો. પૂંજાભાઈ પૌત્રનાં દિલની સ્થિતિ સમજી શકતા હતાં. કેયૂરનાં હાસ્ય પાછળ સંતાયેલી ઉદાસી જોતાં હતા. એમનું મન પણ કેયૂરને ખુશ જોવા માટે આતુર હતું. પૂરું અઠવાડિયું વિચારોમાં અને જૂના ફોટાઓમાં ડૂબેલા રહ્યા. પોતાની જાત સાથે ખૂબ વાતો કરી. અનેક વિચારો કર્યા. દિવસ-રાતનો સમય જોયા વગર રૂમમાં આલ્બમને જોતાં રહ્યા અને જાત સાથે વાત કરતાં રહ્યા.
અઠવાડીયા પછી એક દિવસ સાંજે પૂંજાભાઈ ઉમેશ, શ્રીધર અને કેયૂરને ઓફિસથી ઘરે જલ્દી આવવાનું કહે છે. બધા આવી જાય છે એટલે પૂંજાભાઈ ડ્રાઈવરને ગાડી કાઢવાનું કહે છે. એ વખતે પૂંજાભાઈનાં હાથમાં એક જૂનું આલ્બમ હતું. ઘરનાં બધા સભ્યોને ગાડીમાં બેસવાનું કહે છે. કોઈ સવાલ પૂછ્યા વગર બધા ગાડીમાં બેસી જાય છે. ગાડીમાં કોઈ કશું બોલતું નથી. પૂંજાભાઈ કોઈ કીમતી વસ્તુ સાચવતા હોય એમ આલ્બમ છાતીથી લગાવીને બેઠા હતાં. પૂંજાભાઈ આલ્બમ લઈને કેમ આવ્યા છે એ સવાલ બધાને થયો, પણ કોઈએ કેમ લઈને આવ્યા છે એ ના પૂછ્યું. ડ્રાઈવર ગાડી ચૂપચાપ ચલાવતો રહે છે.
ગાડી રુહીનાં ઘરનાં રસ્તે ચાલતી હતી. એ રસ્તો જોઈ દાદા રુહીનાં ઘરે બધાને લઈ જાય છે એવી કેયૂરનાં મનમાં થોડી આશા બંધાય છે. શ્રીધરને પણ આ વાત મગજમાં આવે છે. શ્રીધર અને કેયૂર એકબીજા સામે જોઈ એ વાત કહે છે. કેયૂરનાં ચહેરા પર બહુ દિવસો પછી થોડી ખુશીની ઝલક દેખાય છે. એનું મન રુહીને જોવા માટે અધીરું થાય છે. રસ્તો જલ્દી પૂરો થાય અને રુહીનું ઘર જલ્દી દેખાય એના સિવાય મનમાં કોઈ બીજો વિચાર નહોતો. હરખથી દાદાને ભેટી આભાર વ્યક્ત કરવાની ઈચ્છા થાય છે. પણ દાદાએ શું નિર્ણય લીધો છે તે ખબર પડે નહીં ત્યાં સુધી શાંત રહેવું જરૂરી હતું. દાદા લગ્ન માટે રાજી થઈ જાય તો કોઈ સવાલ નહોતો, પરંતુ દાદાનો જવાબ ‘ના’ આવે તો શું? એ સવાલ ફરી મનમાં ઉછાળા મારતો હતો.
થોડીવારમાં ડ્રાઈવર રુહીનાં ઘરની નીચે આવે છે. પૂંજાભાઈ આલ્બમ લઈ નીચે ઉતરે છે. લિફ્ટમાં પણ એ આલ્બમ છાતીથી દૂર કરતાં નથી. ઉમેશ માંગે છે તો પણ પૂંજાભાઈ સાંભળ્યું ના હોય એમ ઊભા રહે છે. એમના મનમાં ખૂબ વિચારો ચાલતા હતા. ઘરની ડોરબેલ પણ એ જાતે દબાવે છે. એમણે નિર્ણય લીધો હતો એ ખબર પડતી હતી, પણ શું નિર્ણય લીધો છે એની અટકણ કરવી મુશ્કેલ હતી.
દામિની દરવાજો ખોલે છે. અચાનક જાણ કર્યા વગર બધા આવ્યા હતાં. થોડી સેકન્ડ માટે એ બધાને જોઈ રહે છે. બધાને અંદર આવવાનો વિવેક કરવાનું એને સૂઝતું નથી. પૂંજાભાઈ સૌથી પહેલા ઊભા હતા. પાછળ બીજા બધા ઊભા હતાં. કોઈનાં ચહેરા પર હાસ્ય નહોતું એ જોઈ દામિની પણ મૂંઝવણ અનુભવે છે. દામિનીને દરવાજા પર સ્થિર ઊભી રહેલી જોઈ પ્રદીપ અંદર થી ‘કોણ છે?’ પૂછે છે અને ગુંજન એની મમ્મી પાસે આવે છે.
પૂંજાભાઈને પરિવાર સાથે આવેલા જોઈ એના ચહેરા પર ચમક આવે છે. એ દામિનીને બાજુ પર ખસેડે છે. હાથથી બધાને અંદર આવવાનો ઈશારો કરે છે. પૂંજાભાઈ કશું બોલ્યા વગર આલ્બમ હાથમાં ફિટ પકડી સોફા પર બેસે છે. ઉમેશ અને મનીષા એમની પાછળ ઊભા રહે છે. પ્રદીપ સોફા પરથી ઊભો થાય છે. પૂંજાભાઈ આંખથી ઈશારો કરી એને બેસવાનું કહે છે. થોડીવાર સુધી બધા ચૂપચાપ પૂંજાભાઈ સામે જોઈ રહે છે.
કેયૂરની નજર રુહીને શોધતી હતી. પછી પોતાના વિચાર પર એને હસવું આવે છે. રુહી પોતાના રૂમમાં ઉદાસ બેઠી હશે એ ખબર હોવા છતાં બહાર એને શોધતો હતો. શ્રીધર અને ગુંજનની નજર એક થાય છે. ગુંજન આંખથી શું થયું પૂછે છે. શ્રીધર પણ આંખથી કોઈ આઇડયા નથી એવું કહે છે.
ગુંજન બહુ ઝડપથી પાણીની ટ્રે લઈ આવે છે. પહેલા પૂંજાભાઈ સામે ધરે છે. પૂંજાભાઈ આલ્બમ ખોળામાં મૂકી પાણી પીવે છે. થોડી ક્ષણની ચુપકીદી દામિની અને પ્રદીપને બહુ વસમી લાગે છે. પૂંજાભાઈ જલ્દી કશું બોલે એની બધા રાહ જોતાં હતાં.
પૂંજાભાઈ ગુંજન સામે જોવે છે: “ગુંજન, રુહીને પણ આહિયા લઈ આવીશ?”
ગુંજન ડોકું હલાવી રુહીને લેવા જાય છે. રુહીનો હાથ પકડી ગુંજન જ્યારે આવે છે ત્યારે એનો નિસ્તેજ અને મુરજયેલો ચહેરો જોઈ બધાને બહુ દુ:ખ થાય છે. બધાને જોઈને પણ રુહીનાં ચહેરા પર કોઈ ફરક આવતો નથી. એની હાલત જોઈ કેયૂર સૌથી વધારે માયુસ થાય છે. બધી લાજ-મર્યાદા બાજુ પર મૂકી રુહીને પોતાના બાહુપાસમાં લઈ સાંત્વના આપવા માટે તલપાપડ થાય છે. ચિંતા ના કરીશ હું આવી ગયો છું કહી એનું દુ:ખ દૂર કરવા માટે અધીરો બને છે.
પૂંજાભાઈ ખોંખારો ખાય છે: “રુહી, મારી પાસે આવીને બેસ...” રુહી એમની પાસે જઈ બેસે છે. એની નીરસ આંખોમાં કોઈ ઉત્સાહ કે પીડા દેખાતી નહોતી. જાણે એક અઠવાડીયામાં એના જીવનમાંથી બધા રસે વિદાઇ લઈ લીધી હતી. પૂંજાભાઈ એના માથા પર હાથ મૂકે છે.
***
હોસ્પિટલમાં ડો. નેહાને મળ્યા વગર છોકરી માતાપિતા સાથે નીકળી ગઈ હતી. બીજા દિવસે એ લોકો બીજા દવાખાને તપાસ કરાવવા ગયાં હતાં. બીજા ડોક્ટરે છોકરી મા બનવાની છે એ વાત જણાવી હતી. છોકરી અને એના માતાપિતા ભારે હ્રદયે ઘરે આવ્યા હતાં.
છોકરી સમજી શકતી નહોતી કે આવું કેવી રીતે બન્યું હશે. કોઈ છોકરા સાથે પ્રેમ સંબંધ નથી એવો છોકરી માતાપિતાને વિશ્વાસ અપાવે છે. આવું કેવી રીતે થયું એ સમજી શકાય એમ નહોતું. બીજા દિવસે એ લોકો હોસ્પિટલમાં ડો. નેહા પાસે છોકરીનું એબોર્શન કરાવવા માટે જાય છે. ફોર્મમાં બાળકનાં પિતાની સહી હોય તો જ એબોર્શન થશે એવું ડો. નેહા જણાવે છે. છોકરી ડો. નેહાને કરગરે છે. બાળકનો પિતા કોણ છે તે ખબર નથી એવી પરિસ્થિતીમાં માત્ર એની સહીથી એબોર્શન કરાવવા માટે કહે છે. નેહા એ વાત માટે ના પાડે છે.
એબોર્શન માટે ના પાડવાથી છોકરી બહુ અપસેટ થઈ જાય છે. છોકરીનાં પિતા એ વખતે થોડી હિમંત એકઠી કરી છોકરીને બીજા દવાખાને જવા માટે કહે છે. નેહાનાં કહ્યા પ્રમાણે બીજા દવાખાને પણ ફોર્મમાં બાળકનાં પિતાની સહી માંગશે એ વાત છોકરીનાં મગજમાંથી નીકળતી નથી. છોકરી માનસિક રીતે ભાંગી ગઈ હતી. માતાપિતાને બાથરૂમ જવાનું કહી હોસ્પિટલનાં ટેરેસ પર જાય છે. ત્યાંથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લે છે.
એના માતાપિતાને છોકરીનાં આત્મહત્યા કર્યાની દસ મિનિટ પછી ખબર પડે છે. માતાપિતા છોકરીનો લોહીથી ખરડાયેલો અને છૂંદાઈ ગયેલો ચહેરો જોઈ ખૂબ આક્રંદ કરે છે. છોકરીએ નિર્દોષ હોવાની ખાતરી પોતાનો જીવ આપીને સાબિત કરી હતી.
એ છોકરી જે દિવસથી ચેકઅપ માટે આવતી હતી તે દિવસથી હોસ્પિટલનો એક વોર્ડબોય એના પર ચાંપતી નજર રાખતો હતો. છોકરીની બધી વાતો એણે સાંભળી હતી. બીજા હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે ગઈ હતી ત્યાં પણ વોર્ડબોય એનો પીછો કરતો હતો. એ છોકરી જ્યારે ટેરેસ પર ગઈ ત્યારે એ માણસ પણ પાછળ ગયો હતો. છોકરીએ જ્યારે છલાંગ મારી ત્યારે વોર્ડબોયે એને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો.
વોર્ડબોય છોકરીને બચાવી શક્યો નહોતો. ખૂબ ઝડપથી નીચે આવી છોકરી જીવે છે કે નહીં એની ખાતરી કરે છે. છોકરીનો જીવ જતો રહ્યો છે એની ખાતરી થાય છે એટલે પરસેવો લૂછતો એ હોસ્પિટલનાં એક ડોક્ટરનાં રૂમમાં આવે છે. રૂમમાં ડોક્ટર પોલીસ સાથે ફોન પર વાત કરી હોસ્પિટલમાં એક છોકરીએ આત્મહત્યા કર્યાની વાત જણાવતા હતા.
ડોક્ટર ફોન કટ કરે છે પછી વોર્ડબોયને સટાક કરતો થપ્પડ મારે છે: “સાલા મૂરખ... એ છોકરીને ટેરેસ પર જતા જ તારે અટકાવી દેવીની જરૂર હતી... અને એ છોકરીને મરવું હતું તો બીજે જઈને મરી શકતી હતી... પણ મરી હોસ્પિટલમાં આવીને મરી...” ડોક્ટર વોર્ડબોયનું જડબું પકડે છે: “જો સાંભળી લે... પોલીસ આવે એટલે સવાલોનો વરસાદ કરશે... હોસ્પિટલનાં બધા સ્ટાફને પૂછશે... ગમે તે રીતે આ તપાસ વહેલી પૂરી કરાવવી પડશે... તારું ડાચું બંધ રાખજે...”
વોર્ડબોય ડોકું હલાવી સંમતિ આપે છે: “સાહેબ તમે કહેતા હોય તો હું થોડા દિવસની રજા લઈ લવું...”
ડોક્ટર ફરી સટાક કરી તમાચ લગાવે છે: “સાલા... કરીને મૂરખાની જેમ વાત... જો સાંભળી લે... જ્યાં સુધી પોલીસની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી તારે રજા લેવાની નથી... ડફોળ જેવા તું રજા પર ઉતરે એટલે પહેલો તારા પર એ લોકો શક કરશે... અને એટલે જ તારે રોજ જે સમય પ્રમાણે આવે છે, જાય છે, જે કામ કરે છે, એ બધુ રેગ્યુલર કરવાનું છે... સમજી ગયો... હવે મારે ફરી સમજાવવો ના પડે...”

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED