પ્રત્યક્ષ-પરોક્ષ - ૪ Dr Hina Darji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રત્યક્ષ-પરોક્ષ - ૪

પ્રત્યક્ષ-પરોક્ષ - ૪ 
ડો. હિના દરજી

પૂંજાભાઈ કેયૂર પાસે આવે છે: “કેયૂર, અત્યારે હું તને આ લગ્ન માટે હા નથી કહેતો...  પણ રુહી એબોર્શન કરાવે તો વિચારીશ...  રુહી તને પણ કહું છું...  મારે વિચાર કરવા માટે સમય જોઈએ છે...  અને એવી આશા રાખું છું કાલે એબોર્શન થઈ જશે...”
પૂંજાભાઈ જે બોલીને ગયા એના પર રુહી અને કેયૂરને વિશ્વાસ આવતો નથી.  પૂંજાભાઈએ આડકતરી રીતે રુહીને પૌત્રવધૂ તરીકે સ્વીકારી હતી.  પ્રદીપ અને દામિની બન્ને રુહીને એબોર્શન કરાવવા માટે સમજાવવા લાગે છે.  ઉમેશ અને મનીષાને કોઈ તકલીફ હોય એવું દેખાતું નહોતું, પણ બન્ને મૂંઝાયેલા હતા.  ગુંજન અને શ્રીધર બહાર દાદા પાસે જાય છે.  ઉમેશ અને મનીષા પણ એ બન્નેની સાથે બહાર આવે છે.
પૂંજાભાઈ મોબાઈલ પર ડોક્ટર સાથે વાત કરતા હતા.  પરિવારની ઇજ્જત ના ઉછળે અને કોઈને જાણ ના થાય એ રીતે એબોર્શન કરાવવાનું પૂંજાભાઈ નક્કી કરે છે.  ઉમેશ પિતા પાસે આવી બેસે છે: “પપ્પા, મને સમજાતું નથી...  તમે આ નિર્ણય બધુ વિચારીને લીધો હશે...  પણ પછી આગળ ભવિષ્યમાં તમને નિર્ણય પર પસ્તાવો થયો તો?”
ઉમેશ બોલતો હતો ત્યારે પ્રદીપ, દામિની, રુહી અને કેયૂર પણ બહાર આવી ગયા હતા.  દાદાના બદલે શ્રીધર જવાબ આપે છે: “પપ્પા, દાદાને પસ્તાવો થશે કે નહીં એના કરતાં તમને આ સંબંધથી કોઈ તકલીફ છે કે નહીં એ જાણવું જરૂરી છે...  દાદાએ વિચારવા માટે સમય માંગ્યો છે...   એમણે લગ્ન માટે હા નથી પાડી...”
કેયૂર : “હા પપ્પા, દાદાએ મને રુહીને મુસીબતમાંથી ઊગારવા માટેનો માર્ગ બતાવ્યો છે...  રુહી સાથે જે બન્યું તે ખૂબ આઘાતજનક છે...  પણ એ આઘાતમાંથી એને ઉગારવાની મારી જવાબદારી છે...  કાલે રુહી સાથે હું હોસ્પિટલ આવીશ...  બાળકનાં પિતા તરીકે ફોર્મ પર હું સહી કરવા રાજી છું...”
પૂંજાભાઈ ઊભા થાય છે: “કેયૂર, રુહી તમારે બન્નેએ મને બીજું વચન આપવું પડશે...  જ્યાં સુધી હું કોઈ  નિર્ણય ના લવું ત્યાં સુધી તમે બન્ને એકબીજા સાથે વાત નહીં કરો...  કાલે એબોર્શન થયા પછી તમે બન્ને આ વચનનું પાલન શરૂ કરશો...”  પૂંજાભાઈ ઊંડો શ્વાસ લે છે: “પહેલા આપેલું વચન તમે પાળ્યું છે...  એ હું જાણું છું...  મારૂ બીજું વચન પણ પાળશો એવી આશા રાખું છું...  પ્રદીપભાઇ હું કદાચ લગ્ન માટે ના પડું તો અત્યારથી તમારી માફી માંગુ છું...”  પૂંજાભાઈ રુહીનાં માથા પર હાથ ફેરવી ચાલવા લાગે છે.
રુહી: “દાદાજી હું તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ...  કેયૂર સાથે લગ્ન થાય કે ના થાય...  તમારું સ્થાન મારા દિલમાં બહુ ઊંચું છે...  અને જીવનભર રહેશે...”
પૂંજાભાઈ ચાલવા લાગે છે: “ઉમેશ, મનીષા ચાલો ઘરે જઈએ...  મારે થોડું એકાંત જોઈએ છે...”
***
સ્પર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદની હાર્ટલાઇન સમાન ગણાય છે.  જ્યાં દરેક પ્રકારનાં ગંભીર અને જીવલેણ રોગનાં ઈલાજ શક્ય છે.  ગુજરાત અને ભારતનાં દરેક ખૂણાનાં રહેવાશી આ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે.  આ હોસ્પિટલમાં આવ્યા પછી બીમાર માણસની અડધી બીમારી આપોઆપ દૂર થઈ જાય છે.  હોસ્પિટલનો સ્ટાફ દરેક દર્દીનું ખૂબ ચોકસાઇથી ધ્યાન રાખે અને અનુભવી ડોક્ટર ગમે એવી બીમારીને જડમૂળથી દૂર કરવા માટે દિવસ-રાત પ્રયત્ન કરે.  હોસ્પિટલમાં કુશળ ડોક્ટર પાસે સારવાર કરાવી મોટાભાગનાં લોકો હસતાં ચહેરે વિદાય લે.
સ્પર્શ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.  આ હોસ્પિટલનો પાયો વર્ષો પહેલા જમનાદાસનાં પિતા ગોપાલદાસે નાંખ્યો હતો.  ગોપાલદાસ ગર્ભશ્રીમંત હતા.  પરંતુ એમની માતા કેન્સરની બીમારીમાં અકાળે મૃત્યુ પામ્યા હતા.  એ જમાનામાં કેન્સર જેવા જીવલેણ રોગ માટે હોસ્પિટલ નહોતા.  માતાનો જીવ રૂપિયા દ્વારા બચાવી શક્યા નહોતા.  એ વાતે ગોપાલદાસને ડોક્ટર બનવા માટે અને મોટી હોસ્પિટલ બનાવવા માટે પ્રેરણા આપી હતી.  પિતાનાં આશીર્વાદથી ગોપાલદાસ ડોક્ટર બન્યા.  લાખો રૂપિયા ખર્ચી સ્પર્શ હોસ્પિટલનું બાંધકામ કરાવ્યું.  
આજે વર્ષો પછી હોસ્પિટલનાં ટ્રસ્ટી તરીકે એમના વંશજ દેખરેખ રાખે છે.  જમનાદાસે પોતે ડોક્ટર તરીકે ઘણા વર્ષો હોસ્પિટલમાં કામ કર્યું છે.  અત્યારે જમનાદાસનો પુત્ર ક્લ્યાણદાસ ડોક્ટર તરીકે સેવા આપે છે.  કલ્યાણ હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે.  એના હાથમાં જાદુ છે.  ગમે તેવો હ્રદયરોગનો દર્દી કલ્યાણ પાસે સારવાર કરાવી ચિંતામુક્ત જીવન જીવવા લાગે.  કલ્યાણ સાથે એમબીબીએસ ભણતા બીજા દોસ્તો અન્ય રોગોનો ઈલાજ કરે છે.  
ગાયનેક વિભાગની હેડ નેહા અને કલ્યાણ સાથે એમબીબીએસ કરતાં હતાં.  આજે ગાયનેક વિભાગની બહાર એક છોકરી રિપોર્ટની ફાઇલ હાથમાં લઈ રડતી હતી.  એની સાથે એનાં માતા-પિતા આવ્યા હતાં.  છોકરી નેહાને મળવા માંગતી હતી.  નેહા કોઈ ઓપરેશનમાં હોવાથી મળી શકે એમ નહોતી.  
છોકરી નર્સને ફાઇલ બતાવે છે: “નર્સ, આવું કેવી રીતે શક્ય હોય...  હું પ્રેગનેન્ટ કેવી રીતે બની શકું...  હું કુંવારી છું અને મારે કોઈ છોકરા સાથે સંબંધ નથી...  તમારા રિપોર્ટમાં કોઈ ભૂલ લાગે છે...  મારે નેહા મેડમને એકવાર મળવું છે...”
નર્સ: “મેડમ ઓપરેશનમાં છે...  તમે રાહ જુઓ...”
છોકરી હતાશ થઈ મમ્મી પાસે આવી બેસે છે: “મમ્મી, પપ્પા મને લાગે છે આપણે આ હોસ્પિટલમાં સમય બગાડી રહ્યા છીએ...  આપણે બીજી હોસ્પિટલમાં જઈએ...  મારા રિપોર્ટ નક્કી બીજી કોઈ સ્ત્રી સાથે બદલાઈ ગયા છે...”
છોકરીનાં પિતા: “જો બેટા...  તું સાચે મા બનવાની હોય તો એ છોકરા સાથે હું હાથ જોડીને વાત કરીશ...  એને તારી સાથે લગ્ન કરવા માટે આજીજી કરીશ...”
મમ્મી: “હા, દીકરી...  હું પણ તારા પિતા સાથે સંમત છું...”  
છોકરી: “પપ્પા, મેં તમને કેટલી વાર કહ્યું...  મારે કોઈ છોકરા સાથે લફરુ નથી...  અને મારે કોઈ છોકરા સાથે સેક્સ સંબંધ નથી...  આ હોસ્પિટલમાં રોજ કેટલા બધા પેશન્ટ આવે છે...  મારો રિપોર્ટ બદલાઈ ગયો છે...  એટલે જ કહું છું...  કોઈ ભીડ ના હોય એવી હોસ્પિટલમાં જઈએ...”
***
બીજા દિવસે હોસ્પિટલમાં રુહીનું એબોર્શન થઈ જાય છે.  રુહી ભાનમાં આવે છે પછી ભારે હ્રદયે કેયૂરને જવા માટે કહે છે.  બન્ને જાણે છેલ્લી મુલાકાત હોય એમ ઉદાસ હતા.  આવેલી મુસીબત ટળી હતી સાથે બન્નેને અલગ રહેવા માટે મજબૂર કરી ગઈ હતી.  ઉપરાંત દરેકનાં મનમાં અનેક સવાલ લાવી હતી.  બાળકને દુનિયામાં આવતા પહેલા દૂર કરવામાં આવ્યું હતું.  પરંતુ બાળકનો પિતા કોણ હશે એ સવાલે બધાની ઊંઘ ઉડાડી હતી. 
હમેંશા હસતી અને પ્રેમથી બોલતી રુહીનાં હોઠો પરથી હાસ્ય દૂર અંતરિક્ષમાં વિલીન થયું હતું.  રુહીને એબોર્શન કરાવવા લઈ ગયા ત્યારે કેયૂર પર કંકોત્રી છપાઈને તૈયાર થઈ ગયાનો ફોન આવ્યો હતો.  કેયુરે કંકોત્રી ઘરે લાવવાના બદલે ઓફિસમાં લઈ જવાનું કહ્યું.  શ્રીધર અને ગુંજન બધુ સાંભળીને ચૂપ હતાં.  
રુહીએ કેયૂરને જવા માટે કહ્યું ત્યારે એની આંખોમાં આંસુ નહોતા.  અનરાધાર આંસુ જ્યારે બંધ થાય છે ત્યારે આંખોમાં આંસુની જગ્યા નીરસ ખાલીપણું લે છે.  અત્યારે રુહીની આંખો પણ નિસ્તેજ અને કોરી હતી.  રુહીએ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો એ જોઈ કેયૂર થોડો હળવો થયો હતો.  દાદાને આપેલું વચન પાળવા માટે રુહી અને કેયૂર એકબીજાને સાથ આપતા હતાં.  
મનીષા અને દામિની બાળકોનો સંસાર શરૂ થતાં પહેલા પૂરો થતાં જોઈ શકતા નહોતા.  કેયૂર વધારે રોકાઈ રુહીને કમજોર બનાવવા માંગતો નહોતો.  પોતે રુહી સામે કમજોર પડી રડી પડે એ પહેલા જતાં રહેવાનુ વિચારે છે: “શ્રી, હું મમ્મીને લઈ ઘરે જવું છું...  તું રુહી, આંટી અને ગુંજનને ઘરે મૂકી આવજે...”
કેયૂર પાછળ ફરી રુહીને જોયા વગર બહાર નીકળી જાય છે.  રુહી પણ કેયૂરને જતો જોતી નથી.  એની બંધ આંખોમાંથી બે ટીપાં સરકી આવે છે.  કોઈનું ધ્યાન એનાં પર ના જાય એનાં માટે આંખો પર હાથ આડો મૂકે છે.  શ્રીધર અને ગુંજન પણ મનીષાની પાછળ બહાર જાય છે.  
ગુંજન દરવાજાનાં ગોળ કાચમાંથી રુહીને જોવે છે.  શ્રીધર એની બાજુમાં આવી ઊભો રહે છે.  રુહી હજી પણ આંખો પર આડો હાથ રાખીને સૂતી હતી.  દામિની એની બાજુમાં ખુરશી પર બેસે છે.  ગુંજનની આંખોનાં ખૂણા ભીના થાય છે: “શ્રી, મુસીબત દૂર થઈ કે નવી મુસીબત આવવાની છે એ સમજાતું નથી...  મારે દીદીની આવી હાલત કરનારને શોધવો છે...”
શ્રીધર: “મારે પણ શોધવો છે...  જ્યારે એ માણસ મારા હાથમાં આવશે તે ઘડીએ એનાં જીવનનો અંત આવશે...  હું પાતાળમાંથી પણ એ નરાધમને શોધી લાવીશ...  ભાઈ કહેતો હતો જ્યારે એ સુરત ગયો એ દિવસો દરમિયાન ઘટના બની છે...  એ દિવસો દરમિયાન ભાભી ક્યાં ગયા હતાં એ જાણવાનું છે...”
ગુંજન: “એ દિવસો દરમિયાન દીદી ઓફિસે જતી હતી...  તો ઓફિસમાં.......”
શ્રીધર: “બની શકે છે...  અમારી ઓફિસમાં કોઈ રાક્ષસ હોઈ શકે છે...  કાલથી હું ઓફિસે જવાનો છું...  ત્યાં જઈ બધા ઉપર ચાંપતી નજર રાખવાનો છું...  કાલથી મારૂ કામ શરૂ થઈ જશે...”
ગુંજન એની સામે જોવે છે: “શ્રી, કાલે મને દાદાજીનું નવું સ્વરૂપ જોવા મળ્યું...  મને આશા નહોતી કે એ દીદીને મુસીબતમાંથી બહાર કાઢવા માટે એબોર્શન કરાવવાની વાત કરશે...  અને ખાસતો જીજુને સહી કરવા દેવા રાજી થશે...”
શ્રીધર દરવાજા પાસેથી દૂર જઈ ચાલવા લાગે છે: “મને પણ આશ્ચર્ય થયું એમના સાથ આપવાથી...”
ગુંજન સાથે ચાલવા લાગે છે.  શ્રીધર પેસેજમાં મૂકેલા બાંકડા પર બેસે છે: “તને ખબર છે ગુંજન...  હું નાનો હતો ત્યારે દાદા મને કહેતા કે દરેક માણસનાં અનેક રૂપ હોય છે...  એમાં ખાસ કરીને દરેક માણસમાં બે રૂપ તો અવશ્ય હોય છે...  એક પ્રત્યક્ષ રૂપ જેને આપણે જોઈ શકીએ છીએ...  એનાથી આપણને માણસનો સ્વભાવ, બીજા સાથે વર્તન કરવાની રીત, એની રહેણી-કરણી બધુ જોઈ શકીએ છીએ...  બીજું માણસમાં પરોક્ષ રૂપ હોય છે...  જે આપણે જોઈ શકતા નથી...  બહારથી શાંત દેખાતો માણસ અંદરથી બહુ ગુસ્સાવાળો હોઈ શકે છે...  અને બહારથી ગુસ્સાવાળો માણસ અંદરથી શાંત હોઈ શકે છે...”
ગુંજન: “એટલે બહારથી સારો દેખાતો માણસ અંદર કપટી હોઈ શકે છે...  બહાર નિર્દોષ દેખાતો માણસ અંદરથી ગુનેગાર હોઈ શકે છે…” 
શ્રીધર હકારમાં માથું હલાવે છે: “અને એવા જ કોઈ માણસે...”
ગુંજન એની વાત વચ્ચે કાપે છે: “એવા જ કોઈ માણસે દીદી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે...”
શ્રીધર: “હા એવું જ કઇંક...  પણ હું એ માણસને શોધીશ...  અને જેલની હવા ખવડાવીશ...”
ગુંજન હાથ લંબાવે છે: “શ્રી, એ કામમાં મને સાથીદાર બનાવીશ?”
શ્રીધર હાથ પકડી લે છે: “હા, આપણે બન્ને એ લંપટ માણસને શોધીશું...”

ક્રમશ:

રેટ કરો અને રિવ્યુ આપો

Ruchi

Ruchi 2 માસ પહેલા

Neelam Luhana

Neelam Luhana 2 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 2 માસ પહેલા

Meghna

Meghna 2 માસ પહેલા

Dixita Patel

Dixita Patel 2 માસ પહેલા