આપણાં મહાનુભાવો - ભાગ 20 - રણછોડ પગી Mrs. Snehal Rajan Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આપણાં મહાનુભાવો - ભાગ 20 - રણછોડ પગી

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

હાલમાં જ રજુ થયેલી હિન્દી ફિલ્મ ‘ભુજ - ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ (Bhuj - The Pride Of India) ખરેખર તો ‘પ્રાઈડ ઓફ ગુજરાત’ તરીકે ઓળખાતા રણછોડદાસ રબારી ઉર્ફે રણછોડ પગીની પરાક્રમગાથા છે. બનાસકાંઠાના નાનકડાં ગામમાં જન્મેલા રણછોડ રબારીએ રણપ્રદેશમાં પડતાં પગલાંની ભાષા ઉકેલવાની પોતાની કોઠાસૂઝ વડે અનેક વખત ભારતીય સૈન્યને મદદ કરી હતી. પગીની કરામતને લીધે વારંવાર મળતી હારથી અકળાયેલા પાકિસ્તાને તેમના માથા માટે ૫૦ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વતની હતા. બનાસકાંઠાના સુઈ ગામ નજીક સાવ નાનકડાં કસ્બામાં તેમનો જન્મ થયો હતો. 1965 અને 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકીસ્તાન સૈન્યના છક્કા છોડાવી રણછોડ પગીએ ભારતીય સૈન્યને જબરદસ્ત મદદ કરી હતી.

આ વિસ્તારમાં રણછોડ પગી એટલે એક એવો ભોમિયો હતા કે જે માત્ર વ્યક્તિના પગલા પારખીને કહી શકતા હતા કે કેટલા વ્યક્તિઓ હશે અને કેટલું વજન લઈ ગયા હશે. આ વ્યક્તિ એવા વ્યક્તિ હતા કે જે તે કચ્છનાં અંતરિયાળ ગામમાં જ્યાં તમે દૂર દૂર સુધી નજર કરો તો કાંઈ જ ન દેખાય તેવા ગામ વાસરડા ગામના હતા.

રણછોડ રબારીએ પગલાંઓ પારખવાની અનોખી કળા આપબળે હાંસલ કરી હતી. તેઓ પોતે તો ગાય ઉછેરનું કામ કરતા હતા. રણમાં ખોવાયેલા ઢોરને શોધવા માટે પગેરા ઓળખવાની આ કળા આગળ જતાં તેમને ભારતીય સૈન્યના ભોમિયા બનાવવામાં નિમિત્ત બની હતી. ઈ.સ. 1965 માં પાકિસ્તાને કચ્છનાં કેટલાંક વિસ્તાર પર કબજો જમાવી દીધો હતો, ત્યારે પ્રતિકાર કરવા પહોંચેલા ભારતીય સૈન્યને દિશા મળતી ન હતી. એ વખતે રણછોડ પગીએ રણના ટૂંકા છતાં સલામત રસ્તે ભારતીય સૈન્યને સરહદ સુધી પહોંચાડ્યું હતું. આ દરમિયાન તેમણે પગેરાંઓ પારખીને દુર્ગમ સ્થાને છૂપાયેલા 1200 જેટલાં પાકિસ્તાની સૈનિકોને પકડાવી દીધા હતા. આ ઘટના પછી રણછોડ પગી ભારતીય સૈન્યના માનીતા બની ગયા હતા.

58 વર્ષની ઉંમરે બનાસકાંઠાના પોલીસ અધ્યક્ષ વનરાજસિંહે તેમની પગી તરીકે નિમણૂક કરી હતી. આ વ્યક્તિ પગીનાં કામમાં એટલા બધા પારંગત હતા કે જે માત્ર ઊંટના પગના નિશાન જોઇને કહી શકતા હતા કે તેનાં પર કેટલા લોકો સવાર હશે.

તેઓ મનુષ્યના પગના નિશાન જોઇને તેઓ વજનથી લઈને ઉમર સુધીનો અંદાજ લગાવી શકતા હતા. આ નિશાન કેટલા સમય પહેલા પડ્યા હશે તેમજ તેના પરથી તેઓ આ વ્યક્તિઓ કેટલે પહોંચ્યા હશે તેની ચોક્કસ માહિતી આપી શકતા હતા.

ઈ.સ. 1971 ના યુદ્ધમાં પાકિસ્તાનનાં ભારે તોપમારા વચ્ચે ભારતીય સૈન્યને શસ્ત્ર સરંજામ અને રાશન વગેરે પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે સેનાપતિ સામ માણેકશાએ રણછોડ પગીની મદદ માંગી હતી. રણના જાણકાર રણછોડ પગીએ પાલીનગર ચેકપોસ્ટ નજીક અડિંગો જમાવીને રેગિસ્તાનના ટૂંકા રસ્તાઓ દ્વારા ભારતીય સૈન્યની સપ્લાય લાઈન બનાવી આપી હતી. રણછોડ પગી પર માણેકશાનો ભરોસો એટલો બધો હતો કે તેઓ તેમને ‘વન મેન આર્મી એટ ડેઝર્ટ ફ્રન્ટ’ (રણ વિસ્તારમાં એક માણસનું સૈન્ય) તરીકે ઓળખાવતા હતા.

ઈ. સ. 1971નાં યુદ્ધમાં પાકિસ્તાનના પરાજય પછી સેનાપતિ સામ માણેકશાએ દિલ્હી ખાતે ભવ્ય વિજયની પાર્ટીનું આયોજન કર્યું ત્યારે રણછોડ પગીને પણ આમંત્રિત કર્યા હતા. ત્યારે રણછોડ પગી પોતાની સાથે રોટલો, સૂકું લાલ મરચું અને ડુંગળી લઈને ગયા હતા.

ત્યાં જતી વખતે સામ માણેકશાએ તેમને લેવા હેલિકોપ્ટર મોકલ્યું હતું. પરંતુ તેમાં ચઢતી વખતે તેમની ખાવાનાની પોટલી નીચે જ રહી ગઈ હતી, જે લેવા માટે ફરીથી હેલિકોપ્ટર નીચે ઉતારવામાં આવ્યું હતું.

લશ્કરી અધિકારીઓએ કહ્યું કે ‘પગી, ત્યાં તો પાર્ટીમાં અનેક વાનગીઓ હશે. તમે આ બધું કેમ સાથે લો છો?’ પગીએ જવાબમાં કહ્યું કે, ‘મને આ ખોરાક જ ફાવે છે’ અને ખરેખર સૌના આશ્ચર્ય વચ્ચે, પાર્ટીની સ્વાદિષ્ટ વાનગીઓ છોડીને પગી સાથે લાવેલું પોટલું છોડીને રોટલો, મરચું અને ડુંગળી ખાવા બેસી ગયા હતા. એ જોઈને માણેકશાએ પણ રણછોડ પગીના ઘરના રોટલો-ડુંગળી ખાધા હતા.

રણ વિસ્તારમાં રહેતાં પશુપાલકો પોતાના ખોવાયેલા ઢોરઢાંખરને શોધવા માટે પગલાંઓના આધારે દિશા નક્કી કરતાં હોય છે. રણછોડ પગી નાનપણથી પગેરા પારખવામાં કાબેલ બની ગયા હતા. રણની ધૂળમાં પડેલાં પગલાંની ઊંડાઈના આધારે તેઓ પગલાનો સમય પણ કહી શકતાં હતા. ભારતીય સૈન્યના અધિકારીઓને આ કળા સમજાવતી વખતે તેમણે કેટલાંક પગલાંઓ પારખીને સમજાવ્યું હતું કે અહીં ત્રણ પ્રકારના પગલાં છે. મોટાં પગલાં પુરુષના છે. એ જરા વધારે ઊંડા છે અને જમણી તરફ ઝુકેલા છે. મતલબ કે તેણે માથા પર કશુંક વજન ઊંચકેલું છે. સાથે એક બાળક અને સ્ત્રી પણ છે. સ્ત્રીના પગલાં જમણે - ડાબે સહેજ ત્રાંસા પડે છે માટે તે ગર્ભવતી હોવી જોઈએ. અધિકારીઓએ નજીકના કસ્બામાં તપાસ કરી તો ખરેખર એક પશુપાલક પરિવાર ગર્ભવતી સ્ત્રી સાથે ત્યાંથી પસાર થયો હતો.

મૃત્યુ:-

ઈસ. 1901 માં જન્મેલા રણછોડ પગીએ 112 વર્ષનું લાંબું આયુષ્ય ભોગવીને વર્ષ 2013 માં વિદાય લીધી હતી. ભારતીય સૈન્યએ સન્માનના પ્રતીક સ્વરુપે આપેલ કોટ અને મેડલ તેઓ સન્માનપૂર્વક સાચવતા હતા. તેમણે કરેલ આટલા મહાન કાર્ય માટે એમને સહેજ પણ અભિમાન નહોતું. તેમનાં પુત્રો અને પૌત્રો પણ પોલીસદળ ઉપરાંત ભારતીય સૈન્યમાં સેવાઓ આપી રહ્યા છે.

સન્માન:-

ભારતના સીમા સુરક્ષા બળે એટલે કે (બીએસએફ) તેમની એક ચોકીનું નામ 'રણછોડદાસ' આપ્યું છે. તેમની એક પ્રતિમા પણ ત્યાં મૂકવામાં આવી છે. તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર પુરસ્કારો એનાયત કરાયા હતા. ઈ. સ. 2007માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાલનપુર ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમનું સન્માન કરાયું હતું.

તેઓ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ૧૧૨ વર્ષની વયે અવસાન પામ્યા હતા.

વાંચવા બદલ આભાર🙏

સ્નેહલ જાની

રેટ કરો અને રિવ્યુ આપો

Mehul Rajjadi

Mehul Rajjadi 6 માસ પહેલા

Mrs. Snehal Rajan Jani

Mrs. Snehal Rajan Jani માતૃભારતી ચકાસાયેલ 7 માસ પહેલા

સરસ માહિતી

Vipul Petigara

Vipul Petigara 7 માસ પહેલા

Hiral Makwana

Hiral Makwana 7 માસ પહેલા

Shetal  Shah

Shetal Shah 7 માસ પહેલા

શેયર કરો