પ્રત્યક્ષ-પરોક્ષ - ૨ Dr Hina Darji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રત્યક્ષ-પરોક્ષ - ૨

પ્રત્યક્ષ-પરોક્ષ - ૨

ડો. હિના દરજી

 

અચાનક રુહી બેભાન થઈ હતી.  ઉમેશ તાત્કાલિક ડોક્ટરને બોલાવે છે.  ડોક્ટર આવી રુહીને તપાસે છે.  રુહી ભાનમાં આવી હતી.  ડોક્ટર સવાલ પૂછે છે.  રુહીનાં જવાબ સાંભળી ડોક્ટર ટેસ્ટ કરાવવાનું કહે છે: “ઉમેશભાઈ, રુહીને તમારે ટેસ્ટ કરાવવા માટે ક્લિનિક પર લાવવી પડશે...  કદાચ એ પ્રેગનેન્ટ છે...  સાચી વાત ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડશે...”

ડોક્ટરની વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ જાય છે.  રુહી ફરી બેભાન થાય છે.  કેયૂર બેલેન્સ ગુમાવી શ્રીધરને પકડે છે.  શ્રીધર ભાઈ સામે જોવે છે.  પૂંજાભાઈ ગુસ્સામાં રૂમમાંથી બહાર જાય છે.  દામિની જમીન પર ફસડાય છે.  પ્રદીપ કપાળ પર હાથ મૂકી સોફા પર બેસે છે.  મનીષા અને ઉમેશ એકબીજા સામે જોવે છે. 

ગુંજન ડોક્ટરનાં હાથ પકડે છે: “ડોક્ટર, તમારી કોઈ ભૂલ થાય છે...  લગ્નની તૈયારીમાં દીદીને સમયસર જમવાનો સમય મળતો નથી...  એટલે એને કમજોરી આવી ગઈ છે...  એ પ્રેગનેન્ટ ના હોઇ શકે...  હમણાં દીદી ભાનમાં આવી જશે...”

ગુંજન ખૂબ ઝડપથી દામિનીને ઊભી કરી પ્રદીપની બાજુમાં બેસાડે છે: “મમ્મી, તું હિમંત રાખ...  દીદી પ્રેગનેન્ટ ના હોય...  ચિંતા કરવાની જરૂર નથી...”

શ્રીધર પણ ગુંજનની વાતને સમર્થન આપે છે: “ગુંજન સાચું કહે છે...  ડોક્ટર અંકલ...  કોઈ ભૂલ થઈ રહી હોય એવું લાગે છે...”

કેયૂર: “હા, ડોક્ટર અંકલ…  મને પણ પૂરો વિશ્વાસ છે...  રુહી પ્રેગનેન્ટ નથી...”

ડોક્ટર: “ઉમેશભાઈ, બની શકે છે મારી ભૂલ થઈ શકે છે...  જો એવું જ હોય તો રુહીનાં ટેસ્ટ કરાવવામાં શું જાય છે?  સાચી વાત બહાર આવી જશે...  હું જાઉં છું...  આ તમારી ફેમિલી મેટર છે...  મારાથી વધારે રોકવાય નહીં...  તમે જે નક્કી કરો એ મને જણાવી દેજો...”

ડોક્ટર રૂમની બહાર જાય છે.  નીચે પૂંજાભાઈ એમની રાહ જોતાં હોય એમ બોલે છે: “ડોક્ટર...  તમે ઉપર જે બોલ્યા એ કેટલું સાચું છે?”

ડોક્ટર: “પૂંજાભાઈ...  આ ઘર સાથે વર્ષોથી જોડાયેલો છું...  હું ગાયનેક ડોક્ટર નથી...  પણ મારી પત્ની છે...  અને હું પણ ડોક્ટર છું...  મારી પત્ની અને હું દરેક કેસની ચર્ચા કરીએ છે...  એની વાતો પરથી અને રુહીનાં જવાબ સાંભળી મને લાગ્યું...  બની શકે હું ખોટો પડું...  જો હું ખોટો પડીશ તો મને વધારે આનંદ થશે...”

પુંજભાઇ ડોક્ટર સાથે વાત કર્યા પછી વિચાર કરવા લાગે છે.  થોડીવાર વિચાર કરી ઉપરનાં રૂમમાં પાછા આવે છે.  કેયૂરનાં રૂમમાં ડોક્ટરનાં ગયા પછી કોને શું બોલવું એ કોઈ સમજી શકતું નહોતું.  રૂહીને ભાનમાં લાવવા ગુંજન પાણી છાંટે છે.  રુહીનો હાથ પકડી કેયૂર બાજુમાં બેસે છે.  ઉમેશ અને મનીષાને શ્રીધર બેડ પર કેયૂરની બાજુમાં બેસાડે છે.  પૂંજાભાઈ પાછા રૂમમાં આવે છે.  શ્રીધર એમને સોફા પર બેસાડી ગુંજનની પાછળ આવી ઊભો રહે છે. 

રુહી ભાનમાં આવે છે.  બધાની હાજરીમાં કેયૂરને ભેટે છે: “કેયૂર, ડોક્ટર અંકલની કોઈ ગેરસમજણ થઈ લાગે છે...  એમની વાત ખોટી છે...” 

કેયૂર એને શાંત રાખવા પ્રયત્ન કરે છે: “હું જાણું છું રુહી…  તું ચિંતા ના કર...”

અત્યાર સુધી શાંત બેઠેલો ઉમેશ દીકરાનાં ખભા પર હાથ મૂકે છે: “કેયૂર, ડોક્ટર જે બોલીને ગયા તે કેટલું સાચું અને ખોટું એ ટેસ્ટ કરાવ્યા વગર ખબર નહીં પડે...  હું અને પપ્પા બન્ને એવું વિચારીએ છે કે રુહીનો ટેસ્ટ કરાવવો પડશે...”

કેયૂર: “પપ્પા, તમે પણ ડોક્ટર અંકલની ભાષા બોલો છો...  હું કહું છું કે એ જે બોલ્યા તે અશક્ય છે...  તો તમને મારા પર વિશ્વાસ નથી?”

પ્રદીપ ઊભો થઈ પૂંજાભાઈ સામે હાથ જોડે છે: “પૂંજાભાઈ...  છેલ્લા ચાર મહિનાથી કેયૂર અને રુહી સાથે છે...  બન્ને સાથે મુંબઈ અને દિલ્લી ગયા છે...  બની શકે કે એ લોકોથી લગ્ન પહેલા કોઈ ખોટું પગલું ભરાઈ ગયું હોય?  હું એવું નથી કહેતો કે ડોક્ટર ખોટા છે...  જો એ સાચા હોય તો પણ રુહીનાં પેટમાં તમારો વંશજ છે તે તમે સમજો છો ને?”

દામિની રડતાં-રડતાં પૂંજાભાઈને હાથ જોડે છે: “મારી દીકરીની જિંદગીનો સવાલ છે...”

ગુંજન: “મમ્મી, પપ્પા, તમે બન્ને એવું કેમ માનો છો કે ડોક્ટરની વાત સાચી છે?”

પૂંજાભાઈ બન્ને હાથ ઊંચા કરે છે: “મારે આ બાબત પર કોઈ ચર્ચા કરવી નથી...  ઉમેશ કાલે રુહીનાં ટેસ્ટ કરાવવાની જવાબદારી તારી છે...  ટેસ્ટમાં શું આવે છે એના પછી આપણે બીજી ચર્ચા કરીશું...” 

રુહી અને દામિનીની આંખોમાંથી દડદડ આંસુ પાડવા લાગે છે.  શ્રીધર દાદા પાસે આવે છે: “દાદુ, ભાભી આ ઘરની ઇજ્જત છે...  ડોક્ટર અંકલની વાત ખોટી સાબિત થશે તો ભાભીનું અપમાન કર્યું કહેવાશે...”

પૂંજાભાઈ શ્રીધરનાં ખભા પર હાથ મૂકે છે: “શ્રી, હું પોતે એવું ઈચ્છું છું કે ડોક્ટરની વાત સાચી ના પડે...  એવું થશે તો સૌથી વધારે ખુસી મને થશે...  અને હું જાતે રુહીવહુની માફી માંગીશ...  પણ જો સાચી પડી તો સૌથી વધારે દુ:ખ પણ મને થશે...”

પૂંજાભાઈ રુહીની નજીક આવે છે.  રુહી ઊભી થઈ એમને હાથ જોડે છે: “દાદા...  મને નથી ખબર શું સાચું છે...  મને બસ એટલી ખબર છે...  તમને આપેલું વચન પૂરું કરવા માટે મેં અને કેયુરે કોઈ રેખા ઓળંગી નથી...”

પૂંજાભાઈ એના માથે હાથ મૂકે છે: “હું જાણું છું...  કેયૂર મારી વાતનો અનાદર કરે નહીં...  તું જ કહે રુહી...  મનની શંકાનું સમાધાન થવું જોઈએ કે નહીં?”

રુહી ગાલ પરનાં આંસુ લૂછી આત્મવિશ્વાસથી બોલે છે: “થવું જોઈએ દાદાજી...”

પૂંજાભાઈ: “તો પછી શંકાનું નિવારણ તારા હાથમાં છે...

પૂંજાભાઈનાં શબ્દો ઘરમાં પથ્થરની લકીર સમાન હતા.  દરેક એમની વાત માનતા.  સ્વભાવનાં ગરમ હતા પણ ઘરપરિવારમાં પ્રેમ જળવાઈ રહે એના માટે સભાન રહેતા.  સમાજમાં માન અને મોભો સાચવવા માટે કાર્યશીલ હતા.  પૌત્રનાં લગ્નની ખુશીમાં અશુભ સમાચાર સાંભળ્યા હતા.  માન ખૂબ વ્યગ્ર થઈ ગયું હતું.  વાત સાચી પડે તો પૌત્ર સાથે બળજબરી નહીં કરી શકે અને દુ:ખી પણ નહીં જોઈ શકે.  ભગવાનને એક જ પ્રાર્થના કરતાં હતા કે ડોક્ટર ખોટા પડે.

રુહી ખૂબ ગભરાઈ ગઈ હતી, પણ દાદાની નજરમાં ફરી માન મેળવવા માટે ટેસ્ટ કરાવવા તૈયાર હતી.  કેયૂરને ખૂબ પ્રેમ કરતી હતી અને એને પણ દાદા માનથી જોવે એવું ઇચ્છતી હતી.  કેયૂરે બધી મર્યાદા સાચવી હતી એટલે ડોક્ટર ખોટા પડશે એવો વિશ્વાસ હતો.  એકવાર પોતે પ્રેગનેન્ટ નથી એવું ડોક્ટર કહેશે એટલે બધુ નિરાકરણ થઈ જવાની આશા હતી.

જીવનમાં પહેલી વાર કેયૂરને દાદાની વાત ના માનવાનો વિચાર આવે છે.  દાદાની વાતનું માન રાખવા નહીં, પણ સંસ્કાર જાળવી રાખવા માટે એણે રુહી સાથે લગ્ન પહેલા કોઈ સંબંધ નહોતો બાંધ્યો.  બન્ને સાથે રહ્યા પણ મર્યાદાનું પાલન કર્યું હતું.  રુહીનો કોઇની સાથે આડો સંબંધ નથી એ પૂરો વિશ્વાસ હતો.  તો પછી ડોક્ટરને એવું કેમ લાગ્યું હશે.  કેયૂર ખૂબ પ્રેમથી રુહીને આશ્વાસન આપે છે.  એકવાર ટેસ્ટ થઈ ગયા પછી બધુ બરાબર કરવાનું વચન આપે છે.

પ્રદીપ અને દામિની ડોક્ટરની વાત સાચી પડશે તો શું થશે એની ચિંતામાં હતા.  ઉમેશ અને મનીષાને પણ એ વાતનો ડર હતો.  દરેકનાં મનમાં કોઈ શંકા ઉદ્દભવી હતી.  લગ્નનાં ઉત્સાહમાં શંકા વિધ્ન લઈને આવી હતી.  દરેકનાં ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું હતું.  આવતીકાલનો દિવસ શું સત્ય લઈને આવશે એની દરેકને ઉત્સુકતા હતી.  દરેકનાં દિલમાં ડોક્ટર ખોટા પડે એવી ઈચ્છા હતી.

શ્રીધર કોઇની પાસે બેસવું એ નક્કી કરી શકતો નહોતો.  મમ્મી-પપ્પા સાથે, દાદા પાસે કે ભાઈ પાસે કોની પાસે બેસી થોડી વાત કરી એમનો ભાર હળવો કરવો તે સમજાતું નહોતું.  રુહીનો ટેસ્ટ પોઝિટીવ આવશે તો બહુ મોટી સમસ્યા ઊભી થશે.  ભાઈએ હજી સુધી રુહી સાથે કશું કર્યું નથી.  તો પછી મુસીબત આવવાના ભણકારા કેમ સંભળાય છે તે ખબર પડતી નહોતી.  આવનારી મુસીબત કોઈ વાર સંકેત આપતી હોય છે.  એવા સંકેત કેમ દેખાતા હતા એની વાત કોની સાથે કરવી એ મોટી મૂંઝવણ હતી.

શ્રીધર જેવી જ હાલત ગુંજનની પણ હતી.  રુહી અને ગુંજન એકબીજાથી કોઈવાત છુપાવતા નહોતા.  રુહી અને કેયૂર વચ્ચે કશું થયું નથી, એ ગુંજન સારી રીતે જાણતી હતી.  છતાં એનું મગજ રુહી પ્રેગનેન્ટ છે એવું કહેવા લાગ્યું હતું.  કોઈ મુસીબત આવવાની છે એવું એનું મગજ કહેતું હતું.

શ્રીધરને ગુંજન સાથે વાત કરવાનું મન થતું હતું.  એને જોઈ દિલમાં હલચલ થઈ હતી.  એની સાથે વાત કરી સમસ્યાનું નિરાકરણ શોધવાનો માર્ગ મળશે એવું લાગતું હતું.  ધાડિયાળમાં રાતનાં આગિયાર વાગ્યા હતા છતાં એ વિના સંકોચે ગુંજનને ફોન કરે છે.  ગુંજન પહેલી રીંગમાં જ ફોન ઉપાડે છે.  બન્ને થોડી સેકન્ડ કશું બોલતા નથી.

શ્રીધર ધીમા અવાજે બોલે છે: “ભાભી જમ્યા?”  ગુંજન માત્ર હુંકારો કરે છે.  “ગુંજન મને બહુ ખરાબ વિચાર આવે છે...  કાલે કદાચ ભાભી........”

ગુંજન નિસાસો નાંખે છે: “શ્રી, મને પણ ખરાબ વિચાર આવે છે...  કદાચ દીદી સાચે પ્રેગનેન્ટ છે...  પણ શ્રી, મને ખબર છે...  જીજુ અને દીદી વચ્ચે કશું થયું નથી...”

શ્રીધર: “મને પણ એ જ બીક છે...  એ બન્ને વચ્ચે કશું થયું નથી તો પછી આવું કેવી રીતે બન્યું હશે?”

ગુંજન: “એ તો મને પણ ખબર પડતી નથી...  શ્રી, હું દીદીને એ સ્થિતિમાં નહીં જોઈ શકું જે મને દેખાય છે...  એક છોકરી માટે આ વેદના બહુ કપરી હોય છે...  કાલે પોઝિટિવ રિપોર્ટ આવશે પછી હું કેટલાનું ધ્યાન રાખીશ?  દીદી તો જીવતે જીવ મરી જશે...”

શ્રીધર: “તો શું ભાઈને કોઈ તકલીફ નહીં પડે?  ગુંજન, કોને કેટલી તકલીફ પડશે અને કેટલું સહન કરી શકશે એ તો કહી શકાય નહીં...  પણ તારે અને મારે કાલે બહુ સ્ટ્રોંગ થવાનું છે...  એ ધ્યાન રાખજે...”

***

બીજા દિવસે કેયૂર, દામિની અને મનીષા હોસ્પિટલમાં રુહી સાથે આવે છે.  ડોક્ટર રુહીને ચેક કરે છે અને યુરીન ટેસ્ટ કરાવે છે.  જે ટેસ્ટ પોઝિટિવ આવે છે.  કેયૂર અને રુહીને હજીપણ વિશ્વાસ આવતો નથી કે એવું કેવી રીતે બની શકે?  દામિની બાંકડા પર શૂન્યમનસ્ક બેસી જાય છે.  દામિની પણ એ સાંભળી બેસી જાય છે.  કેયૂરનું મગજ ચકરાવે ચઢે છે.  રુહી ચક્કર ખાઈ નીચે પડે છે.

 

ક્રમશ:

રેટ કરો અને રિવ્યુ આપો

Dilip Malaviya

Dilip Malaviya 2 માસ પહેલા

Ruchi

Ruchi 2 માસ પહેલા

Yogesh Raval

Yogesh Raval 2 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 2 માસ પહેલા

Dixita Patel

Dixita Patel 2 માસ પહેલા