પ્રત્યક્ષ-પરોક્ષ - ૧ Dr Hina Darji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રત્યક્ષ-પરોક્ષ - ૧

માનવ ભગવાનનું સુંદર સર્જન.  કહે છે માનવ તરીકે જન્મ લેવા માટે ૮૪ લાખ યોનિમાંથી પસાર થવું પડે છે.  ભગવાનનાં બનાવેલા સંસારમાં દરેક જીવને ૮૪ લાખ યોનિમાં જન્મ લેવો પડે છે.  તમામ યોનિમાં મનુષ્ય યોનિ સૌથી શ્રેષ્ઠ ગણાય છે.  દરેક માનવનો ચહેરો એકબીજાથી જુદો, કોઈનાં નાકનો ઘાટ બીજાનાં નાકનાં જેવો નહીં.  આંખ, ગાલ, કાન, હોઠ કોઈની સાથે મળતું ના આવે.  અવાજનું તો કહેવું શું, કોઈનો અવાજ પણ બીજા જેવો સાંભળવા ના મળે એવી અજાયબ ભરેલી વાચા આપી છે.  દરેકની વિચારવાની શક્તિ અને કામ કરવાની ધગસ જુદી છે.  કોઈનો સ્વભાવ સારો તો કોઈની કામ કરવાની આવડત સારી.  દરેક માણસ બીજાથી અલગ તરી આવે. 

ભગવાને માનવને બુદ્ધિની અણમોલ ભેટ આપી છે.  કોઈ એનો સારા કામ માટે, પોતાની તરક્કી માટે, લોકકલ્યાણ માટે, પરિવારની ખુશીઓ માટે જેવા અનેક કર્યો કરવા ઉપયોગ કરે છે.  કોઈ માણસનું વર્તન ઘરમાં શાંત તો ઘરની બહાર ગુસ્સાથી ભરેલું હોય.  માનવ સમય અને સંજોગો પ્રમાણે વર્તન કરવામાં દિવસે-દિવસે પાવરધો બનતો જાય છે.  એટલે કે તમારી સામે અને તમારી પાછળ એના બે રૂપ હોય છે.  તમારી સામે માનવનું જે રૂપ જોવા મળે, જેને તમે ખુલ્લી આંખોથી જોઈ શકો, સમજી શકો એને પ્રત્યક્ષ રૂપ કહેવાય છે.  કેટલાક માણસનું પરોક્ષ રૂપ હોય છે, જે તમે ખુલ્લી આંખે જોઈ શકતા નથી, માણસનું આવું રૂપ હોય એ વિચારી શકતા નથી, માની શકતા નથી, આવા રૂપને પરોક્ષ રૂપ કહેવાય છે.

આ સ્ટોરી એવા માનવને કેન્દ્રમાં રાખી લખવામાં આવી છે.  જેનું પ્રત્યક્ષ રૂપ ખૂબ દયાવાન, મદદશીલ અને કર્તવ્યનિષ્ઠ છે.  એ જ વ્યક્તિનું પરોક્ષ રૂપ અત્યંત ક્રૂર અને દયાહીન છે.  આશા રાખું છું મારી બીજી નવલકથાની જેમ આ સ્ટોરી પણ આપને ખૂબ પસંદ આવશે.

 

પ્રત્યક્ષ-પરોક્ષ - ૧

ડો. હિના દરજી

 

અમદાવાદનાં સૌથી મોટા ઉદ્યોગપતિ ઉમેશભાઈનાં મોટા દીકરા કેયુરનાં લગ્ન રુહી સાથે નક્કી થયા હતા.  ઘરમાં ખુશીનું વાતાવરણ હતું.  દીકરો મનપસંદ છોકરી સાથે પરણવાનો હતો એટલે બધા વધારે ખુશ હતા.  કેયુર અને રુહીનાં લવ કમ એરેન્જ મેરેજ થવાના હતા.  બન્નેની મુલાકાત ઉમેશની ઓફિસમાં થઈ હતી.  રુહી મધ્યમ પરિવારમાંથી હતી.  એના પપ્પા એક કંપનીમાં નોકરી કરતાં હતા.  રુહી એમ. કોમ. કર્યા પછી પપ્પાને મદદ કરવા માટે નોકરી શોધતી હતી.  પેપરમાં ઉમેશની કંપનીની જાહેરાત વાંચી રુહી ઇન્ટર્વ્યુ આપવા ગઈ હતી.  રુહીનું એજ્યુકેશન અને જવાબ આપવાની ચતુરાઇ જોઈ ઉમેશે નોકરી પર રાખી હતી. 

કેયૂર પણ બાપદાદાનાં ધંધામાં રસ રાખી ઓફિસ આવતો હતો.  કેયૂર અને રુહીને ઘણીવાર સાથે કામ કરવાનું થતું.  રુહીની સુંદરતા પર કેયૂર ફીદા હતો.  રૂહીને પહેલીવાર જોઈ ત્યારથી એનો દીવાનો થયો હતો.  કામ વખતે કામ અને ટાઇમપાસ વખતે ટાઇમપાસ કરવાની કેયૂરની આદત હતી.  કામ પૂરું થાય પછી પણ એ રુહી સાથે સમય વિતાવવા માટે બહાના શોધતો રહેતો. 

ખરાબ નજરથી સ્ત્રીને જોવાનાં સંસ્કાર કેયૂરનાં નહોતા એ થોડા સમયમાં રુહી સમજી ગઈ હતી.  બન્ને કલાકો સાથે કામ કરે પણ કેયૂરનાં હાથનો સ્પર્શ કોઈ દિવસ રુહીને થાય નહીં.  કેયૂરનો સ્ત્રીઓને સન્માન આપવાનો સ્વભાવ રુહીને ગમવા લાગ્યો હતો.  કેયૂરનો ચોખ્ખાબોલો સ્વભાવ ધીમે-ધીમે રુહીને પસંદ આવવા લાગ્યો.  વાતો-વાતોમાં બન્નેની નજર એક થવા લાગી હતી.  છુપાઈને એકબીજાને જોવાની હરીફાઈ થવા લાગી.  નજરની આપ-લેથી દિલની વાતો શરૂ થઈ.  થોડા સમયમાં બન્નેને એકબીજા પ્રત્યે અનહદ પ્રેમની અનુભૂતિ થઈ. 

કેયુરે રુહી સાથે વાત કરવાનાં બદલે માતા-પિતા ઉમેશ અને મનીષા સાથે વાત કરી.  કરોડપતિ બિઝનેશમેન ઉમેશે દીકરાની પસંદગી વધાવી લીધી.  રુહીની આવડત જોઈ એ પોતે ખુશ હતો.  મનીષાને તો બસ દીકરાની ખુશીમાં ખુશી હતી. 

ઉમેશે એના પિતા પુંજાભાઈ સાથે વાત કરી.  પુંજાભાઈ સંસ્કાર બાબતે ખૂબ કડક હતા.  પૌત્રવધૂ મધ્યમ પરિવારમાંથી આવે એની સામે કોઈ વાંધો નહોતો.  એમણે બસ એક વાત કહી.  ઘરની વધૂ સંસ્કારવાળી અને પરિવારનું માન-સન્માન જાળવે એવી હોવી જોઈએ.  પુંજાભાઈનાં પિતા, દાદા, પરદાદા બધાની સમાજમાં ખૂબ આબરૂ હતી.  સમાજમાં ઊભી કરેલી આબરૂને બે પગથિયાં વધારે ઉપર ચઢાવે એવી પૌત્રવધૂ લાવવાની એમની ઈચ્છા હતી.  પુંજાભાઈને ઉમેશ અને કેયૂરે રુહી એમની ઈચ્છા પર ખરી ઉતરશે એવી ખાતરી આપી.

કેયુરે ઘરમાં બધાને રાજી કર્યા પછી રુહીને પ્રપોઝ કર્યું.  એ દિવસે ઉમેશ, મનીષા અને પુંજાભાઇ રૂપિયો અને નાળિયેળ સાથે રુહીને ઘરે આવ્યા.  રુહીનાં માતા-પિતા પ્રદીપ અને દામિનીને દીકરી માટે આટલું સારું માંગુ આવ્યું એ જોઈ રાજી થઈ ગયા.  છતાં રુહીની મરજી પૂછી જવાબ આપવાની વાત કરી.  જ્યારે કેયુરે પ્રપોઝ કર્યું, ત્યારે એ સમયે એનું માંગુ લઈ માતાપિતા પ્રદીપ પાસે બેઠા હતા.  કેયૂરને પોતાનાં પ્રેમ પર વિશ્વાસ હતો.  એ વિશ્વાસ સાચો સાબિત થયો.  રુહીએ લગ્ન માટે ‘હા’ પાડી.

ઉમેશનો નાનો દીકરો શ્રીધર મુંબઈમાં MBA કરતો હતો.  પ્રદીપની નાની દીકરી ગુંજન અમદાવાદમાં MCA કરતી હતી.  બન્નેનું છેલ્લું વર્ષ હતું.  એટલે કેયૂર અને રુહીનાં વિવાહ સાદાઈથી કરવામાં આવ્યા.  શ્રીધર અને ગુંજનની પરીક્ષા પૂરી થાય પછી સારું મહુર્ત જોઈ લગ્નનો દિવસ નક્કી કરવામાં આવ્યો. 

કેયૂર અને રુહીનાં વિવાહ થઈ ગયા હોવાથી ઓફિસનાં કામે દિલ્લી અને મુંબઈ જવાનું થાય ત્યારે બન્ને સાથે જતાં હતા.  પુંજાભાઈને લગ્ન પહેલા કેયૂર અને રુહી સાથે ફરે એમાં વાંધો નહોતો પણ બહારગામ સાથે જાય તે પસંદ નહોતું.  પરંતુ બદલાતા જમાના સાથે રહેવું જોઈએ તે સારી રીતે સમજતા હતા.  પુંજાભાઈએ કેયૂર અને રુહી પાસે લગ્ન પહેલા શારીરિક સંબંધ ના બાંધવા માટેનું વચન લીધું હતું.  એમને વિશ્વાસ હતો પૌત્ર વચનભંગ નહીં કરે.

કેયૂર અને રુહીએ દાદાનાં વચનનું પાલન કર્યું હતું.  બન્ને સાથે ફરતા પરંતુ રેખા ઓળંગી નહોતી.  કેયૂર અને રુહીને ખુશ જોઈ બન્ને પરિવારનાં લોકો ખુશ થઈ જતાં.

દિવસો પસાર થવા લાગ્યા.  જોતજોતામાં લગ્નની તારીખને મહિનો બાકી રહ્યો.  ગુંજનની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી.  શ્રીધરની પરીક્ષા ચાલુ હતી.  જે દિવસે શ્રીધર પરીક્ષા પૂરી કરી અમદાવાદ આવે એ દિવસે મનીષાએ રુહીને સાડીઓ અને ધારેણાં પસંદ કરવા માટે ઘરે બોલાવવાનું નક્કી કર્યું.  મનીષાએ સુરતથી સાડીઓનાં વેપારી અને ખાનદાની સોનીને ઘરેણાં લઈ ઘરે આવવાની વ્યવસ્થા કરી હતી, જેથી થોડા સમયમાં બધી જોઈતી વસ્તુઓ મળી જાય.

રુહી અને શ્રીધર ત્રણવાર મળ્યા હતા.  પ્રદીપ અને દામિનીને શ્રીધર એકવાર મળ્યો હતો.  પરંતુ શ્રીધર અને ગુંજન પહેલા મળ્યા નહોતા.  નક્કી કરેલા દિવસે ગુંજન, પ્રદીપ અને દામિની ‘જીવીબાભવન’માં આવે છે.  ઉમેશની માતાનું નામ ‘જીવી’ હતું.  માતાનાં નામ પર ઉમેશે ઘરનું નામ રાખ્યું હતું.  રુહી વહેલી મનીષાને મદદ કરવા માટે આવી ગઈ હતી.  ગુંજન પહેલીવાર કેયૂરનાં ઘરે આવી હતી.  શ્રીધર અને ગુંજન પહેલીવાર એકબીજા સામે આવ્યા હતા.  બન્ને શેક હેન્ડ કરે છે. 

સૌથી પહેલા બધી સ્ત્રીઓ સાડીઓ પસંદ કરે છે.  ગુંજન પોતાના માટે સાડી પસંદ કરતી હતી.  એક સાડી ખભા પર નાંખી અરીસા સામે જોતી હતી.  દૂરથી શ્રીધર મોઢું બગાડી એ સાડી ના પાડે છે.  ગુંજન એ સાડી મૂકી બીજી સાડી ખભા પર મૂકી શ્રીધર સામે જોવે છે.  એ વખતે પણ શ્રીધર મોઢું બગાડી ના પાડે છે.  ત્રીજી સાડી લઈ ગુંજન ફરી ઈશારો કરે છે.  એ વખતે શ્રીધર હાથથી સુંદર લાગે છે નો ઈશારો કરે છે.  ગુંજન ધીમું હસી એના તરફ જોઈ રહે છે.  શ્રીધર પણ સામે હળવું હસે છે.  શ્રીધર અને ગુંજન પહેલી મુલાકાતમાં એકબીજા પ્રત્યે આકર્ષાયા હતા.

સાડીઓ લેવાઈ જાય છે પછી બધા જમવા બેસે છે.  જમતી વખતે કેયૂર અને રુહીનાં ઇશારા ગુંજન અને શ્રીધર જોઈ જાય છે.  પુંજાભાઈ જમતી વખતે નહીં બોલવાનો આગ્રહ રાખતા હતા.  એ વાત રુહીએ પોતાનાં ઘરમાં બધાને કરી હતી.  જમવાનું પૂરું થાય છે ત્યાં સુધી બધા શાંતિથી જમે છે.  પુંજાભાઈ જમ્યા પછી આરામ કરવા જાય છે.  ચૂપ બેઠેલા શ્રીધરને જાણે બોલવા માટે પરવાનગી મળી ગઈ.

રુહી સામે જોઈ શ્રીધર બોલે છે: “ભાભી, રિશેપ્સનમાં પહેરવા માટે હું શુટ મુંબઈથી કરાવીને લાવ્યો છું...  ચાલો તમને શુટ બતાવું...  શું ખાતરી તમારો વિચાર બદલાઈ જાય...”  રુહી પાસે આવી એના ખભા પર હાથ મૂકે છે: “ભાઈનો શુટ હજુ તૈયાર થઈને આવ્યો નથી...  મારો શુટ તૈયાર છે...  હું પણ તૈયાર છું...  શું વિચાર છે તમારો મારા માટે?”

મનીષા આંખો કાઢી શ્રીધરને હાથ બતાવે છે: “શ્રી, મારા હાથ સળવળે છે દીકરા...  સીધી રીતે કેમ નથી કહેતો ભાઈ-ભાભી તમારે થોડી વાતો કરવી હોય તો જાવ...  દામિનીબેન મારો શ્રી બહુ મજાકિયો છે...  કેયૂર બેટા...  તું, શ્રી, રુહી અને ગુંજન ઉપર તારા રૂમમાં વાતો કરો...  સોનીને આવવાની હજી કલાકની વાર છે...  હું અને દામિનીબેન અહિયાં બેસી થોડી વાતો કરીશું...  ઉમેશ તમે પ્રદીપભાઇને આપણાં રૂમમાં આરામ કરવા લઈ જાવ...

કેયૂરનાં રૂમમાં બધા આવે છે એટલે કેયૂર જોરથી શ્રીધરને ધક્કો મારી બેડ પર ફેંકે છે.  શ્રીધરનું ગળું પકડે છે: “અચ્છા બચ્ચું...  તું શુટ તૈયાર કરીને આવ્યો છે...  અને રુહીને મારી સામે પ્રપોઝ કરે છે...  ચાલ મને અને ભાભીને સોરી બોલ...”

શ્રીધર મજાકનાં મૂડમાં હતો.  કેયૂરને વળતો ધક્કો મારી ઊભો થઈ સીધો રુહીનાં પગ પાસે આવી એક પગ ઊભો રાખી બેસે છે અને એક હાથ રુહી તરફ લંબો કરે છે: “રુહી...  સાચું કહું છું...  શુટ તૈયાર છે...  તારી મરજી હોય તો હું તૈયાર છું...”

હવે કેયૂર ચૂપચાપ બેડ પર બેસી જાય છે.  રુહી અને ગુંજન એકબીજા સામે જોયા કરે છે.  રુહીને શું બોલવું એ ખબર પડતી નથી.  શ્રીધર હજી પણ મજાકનાં મૂડમાં હતો: “જોયું ને રુહી...  હવે તો કેયૂર પણ થાકીને બેસી ગયો...  તું ચિંતા ના કરીશ...  ઉમેશ અને મનીષાને હું ચપટી વગાડી સમજાવી દઇશ...  અને મારો પૂંજોતો કોઈ દિવસ મને ના પાડે જ નહીં...”

રુહી અને ગુંજન ચૂપ ઊભા હતા.  શ્રીધર સિરિયસ થઈ બોલતો હતો.  કેયૂરથી રહેવાતું નથી એટલે એ હસી પડે છે: “શ્રી...  બસ કર...  રુહી...  એ મજાક કરે છે...”

શ્રીધર હવે હસી પડે છે.  એ ઊભો થઈ રુહીની બાજુમાં આવી ઊભો રહે છે: “સોરી ભાભી...  તમારી સાથે થોડી મજાક કરી...  પણ હવે સિરિયસ વાત કહું...”  ગુંજન પાસે આવી શ્રીધર ફરી ઊભા પગે બેસે છે: “ભાભી તમે નહીં તો તમારી બહેન મારે ચાલશે...  ગુંજન તારો શું વિચાર છે?”

કેયૂર ઊભો થઈ શ્રીધરનો હાથ પકડી ઊભો કરે છે: “અચ્છા બેટા...  આ તું બોલ્યો એ મજાક છે કે પછી?”

ગુંજનનો હાથ પકડી શ્રીધર એની આંખોમાં આંખ પરોવે છે: “ના ભાઈ…  આ મજાક નથી...  ગુંજન તો મારા દિલમાં ગુંજારવ કરવા લાગી છે...”

ગુંજન અને કેયૂર બન્ને મુંજાવા લાગે છે.  શ્રીધર ફરી હસવા લાગે છે.  કેયૂર એનો કાન પકડે છે: “શ્રી...  ફરી મજાક...”  શ્રીધર હસી ગુંજન સામે જોઈ આંખ મારે છે.  ગુંજનને શ્રીધરનાં મજાકમાં હકીકતનો આભાસ થયો હોય છે.  શ્રીધરનાં પેટમાં કેયૂર મુક્કી મારે છે.  શ્રીધર બહુ વાગ્યું હોય એમ બેડ પર પડે છે.  કેયૂરને નાનાભાઈની મજાક ખબર પડી જાય છે.  એ રુહી જોડે જાય છે: “રુહી...  શ્રી રોજ આવી કોઈને કોઈ મજાક કરતો રહેશે...  એટલે ચિંતા કરતી નહીં...”

રુહીનાં કાન સુધી કેયૂરની વાત ગઈ હતી.  પણ એના મગજ સુધી ગઈ નહોતી.  જ્યારે શ્રીધર અને કેયૂર વચ્ચે વાતો થતી હતી ત્યારથી એને ચક્કર આવતા હતા.  એ બહુ મુશ્કેલીથી દીવાલનો ટેકો લઈ ઊભી હતી.  કેયૂર અને શ્રીધરની કોઈ વાત એણે સાંભળી નહોતી.  કેયૂર પાસે આવે છે એટલે એના ખભા પર માથું ઢાળી દે છે.  રુહી અચાનક બેભાન થઈ હતી.  શ્રીધર અને ગુંજન એ જોવે છે.  બન્ને ત્યાં આવે છે.  કેયૂર અને શ્રીધર બન્ને રુહીને બેડ પર સુવાડે છે.  ગુંજન બહાર કહેવા જાય છે. 

અચાનક રુહી બેભાન થઈ હતી.  ઉમેશ તાત્કાલિક ડોક્ટરને બોલાવે છે.  ડોક્ટર આવી રુહીને તપાસે છે.  રુહી ભાનમાં આવી હતી.  ડોક્ટર સવાલ પૂછે છે.  રુહીનાં જવાબ સાંભળી ડોક્ટર ટેસ્ટ કરાવવાનું કહે છે: “ઉમેશભાઈ, રુહીને તમારે ટેસ્ટ કરાવવા માટે ક્લિનિક પર લાવવી પડશે...  કદાચ એ પ્રેગનેન્ટ છે...  સાચી વાત ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડશે...”

ડોક્ટરની વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ જાય છે.

 

ક્રમશ:

રેટ કરો અને રિવ્યુ આપો

Ruchi

Ruchi 2 માસ પહેલા

Meghna

Meghna 2 માસ પહેલા

Vijay

Vijay 2 માસ પહેલા

Shantilal Thakor

Shantilal Thakor 3 માસ પહેલા

Rakesh Trivedi

Rakesh Trivedi 3 માસ પહેલા