Case No 369 Satyani Shodh - 47 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૭

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”
ડો. હિના દરજી
પ્રકરણ - ૪૭

કરણ બંદૂકથી ઈશારો કરી રાજુને સોફા પર બેસવાનું કહે છે. સંજય અને વિશાલ એના માણસોને પકડી પોલીસચોકી લઈ જાય છે. રાજુ વિરોધ કરવાનું ટાળી સોફા પર બેસી જાય છે એટલે કરણ બંદૂક પેન્ટમાં મૂકે છે. રાજુ સમજી શકતો નથી કરણને કેવી રીતે ખબર પડી કે પોતે આવવાનો છે. એક મિનિટની અંદર એનો ગુસ્સો, બદલાની આગ, ભાઈને છોડાવવાની તાલાવેલી બધા પર પાણી ફરી વર્યું હતું.
રાજુ, અંગાર અને ખેંગાર ત્રણેય પોલીસ કસ્ટડીમાં કોઈ પ્રકારની મારામારી વગર આવ્યા હતા. બધાને આ વાત સપના જેવી લાગતી હતી. હમેંશા દસ-દસ માણસ સુરક્ષા માટે સાથે રાખતા ત્રણ માણસો એક ટીપું લોહી વહાવ્યા વગર પકડાયા હતા. બે દિવસ પહેલા જે ત્રણ માણસોને લઈ બધાની ઉંધ હરામ થઈ હતી. એ માણસોની ઉંધ કરણ, વિક્કી અને એમની ટીમે ઉડાડી હતી.
કુદરતનો નિયમ છે ‘જેવું કરો એવું ભોગવો’. આખું જીવન માસૂમ બાળકો સાથે અત્યાચાર કર્યા. એમના મા-બાપની હત્યા કરી એમની મમતા અને છત્રછાયાથી દૂર કર્યા. એમના શરીર સાથે અનૈતિક રીતે દવાઓ બનાવવા માટે પરીક્ષણ કરાવ્યું. છોકરીઓ સાથે બળજબરીથી દેહવ્યાપાર કરાવ્યો. અનેક છોકરીઓ પર બળાત્કાર કરી માનસિક યાતના આપી. કેટલીક નિબર્ળ છોકરીઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી. અનેક પરિવારની બરબાદીનું કારણ બન્યા.
માણસાઈ વિરુદ્ધ અનેક કર્યો કર્યા હતા. હવે એનું ફળ ભોગવવાનો સમય આવ્યો હતો. રાજુ જાણતો હતો કે ખેંગાર અને અંગાર બન્ને કસ્ટડીમાં છે. ખેંગારને ખબર નહોતી કે અંગાર અને રાજુ પકડાઈ ગયા છે. એ રીતે અંગારને ખબર નહોતી એના બન્ને ભાઈ પકડાઈ ગયા છે. ખેંગાર અને અંગાર એવું વિચારતા હતા કે બન્ને ભાઈમાંથી કોઈ તો ચોક્કસ જામીન પર છોડાવશે. ખેંગારને ચોકીમાં લાવવામાં આવ્યો ત્યારે એ પૂરી રીતે ભાનમાં હતો. નાનો ભાઈ સલામત અને બહાર છે એવું વિચારી ખુશ હતો. અંગાર બહાર છે, રાજુ પણ પોલીસનાં હાથમાંથી છટકી જવામાં સફળ થયો છે. બન્ને મળી એને છોડાવી જશે એવા વિશ્વાસ સાથે કોટડીમાં નિશ્ચિંત હતો.
જેલની કોટડીમાં આવ્યાનાં ઘણી વાર પછી અંગાર ભાનમાં આવ્યો હતો. ભાનમાં આવ્યા પછી કોઈ એની પૂછપરછ કરવા આવે એની રાહ જોતો હતો. કોટડીમાં પોતે કેવી રીતે આવ્યો જાણવા માટે ધમપછાડા કરતો હતો. મગજ પર જોર નાંખી બધુ યાદ કરતો હતો. છેલ્લે નીલિમાને બેડ પર બેભાન જોઈ હતી. પોતે ક્યારે અને કેવી રીતે બેભાન થયો? જેલની કોટડીમાં કેવી રીતે આવ્યો? પોતાનાં બનાવેલા પ્લાનમાં કેવી રીતે ફસાયો? એને જેલની કોટડીમાં કોણ લાવ્યું? કરણ, અર્જુન, વિક્કી? સવાલોનાં જવાબ મેળવવા માટે પાગલ થયો હતો એમાં કેટલા કલાકથી પાણી પીધું નથી કે અન્નનો દાળો પેટમાં ગયો નથી એ ખબર નહોતી.
અંગાર અનેક સવાલનાં જવાબ મેળવવા માટે ધુવાંપુવાં થયો હતો. ગુસ્સો એટલો બધો આવ્યો હતો, એની સામે જે પહેલો આવે એને મારવા માટે રૂમમાં કોઈ હથિયાર શોધતો હતો. જાણે પોલીસ ચોકીની કોટડીમાં એને માટે કોઈ હથિયાર મૂક્યું હોય. દિવસ છે કે રાત કોટડીમાં ખબર પડતી નહોતી. મોબાઈલ કે બીજો કોઈ સામાન એની પાસે નહોતો. ભાનમાં આવ્યો ત્યારથી કોઈને જોયા નહોતા. કોટડીની આજુબાજુ કોઈ દેખાતું નહોતું. કયાં આગળ-પાછળ માણસો ફરતા રહેતા, અત્યારે કોઈ માણસ જોવા મળતું નથી. કરણ અને વિક્કીએ અંગારને ગુસ્સે કરવા માટે એની સામે આવવાનું ટાળ્યું હતું. કોઈ હવાલદારને પણ એની સામે જવાની ના પાડી હતી.
એ જેટલો ગુસ્સે થાય એટલું એમના માટે ફાયદાકારક હતું. ૨૪ કલાક સુધી અંગારની સામે કોઈએ જવું નહીં એ નક્કી થયું હતું. ૨૪ કલાક એને ખાવાપીવા માટે કશું નહીં આપવાની બધાને સ્ટ્રીક વોર્નિંગ આપી હતી. માણસ ભૂખ્યો અને તરસ્યો થાય એટલે એની વિચાર કરવાની શક્તિ ક્ષીણ થઈ જાય. એને માત્ર તરસ છિપાવવા માટે પાણી અને ભૂખ પૂરી કરવા માટે ખોરાક દેખાય. પેટની આગ બદલો લેવાની આગને ઠંડી પાડી દે છે. મગજ કામ કરતું બંધ થઈ જાય છે એટલે પેટનો ખાડો પુરાવા માટે જે કરવાનું કહો એ કરવા તૈયાર થઈ જાય.
ખેંગાર સાથે પણ કોઈ પ્રકારની પૂછપરછ કરવામાં નહોતી આવી. એટલે ખેંગાર એવું વિચારતો હતો વધારે સમય એ ચોકીમાં નહીં રહે. એને કોટડીમાં જમવાનું આપ્યું એ બધુ ખાઈ શાંતિથી આરામ કરતો હતો. પીવા માટે ઠંડુ પાણી દર કલાકે આવી જતું હતું. એની સારી રીતે સેવા થાય છે એનું અભિમાન કરતો હતો. બહાર શું ચાલી રહ્યું છે એની કોઈ પરવા નહોતી. પોતે મોજમાં છે એ એના માટે પૂરતું હતું.
કરણ અને વિક્કી બન્ને રાજુને કોઈ ચોકીમાં લઈ જવાના બદલે પર્વતસિંહનાં બંગલાનાં પાર્કિંગમાં કેદ કરે છે. એને ખુરશી સાથે લોખંડની સાંકળથી બાંધ્યો હતો. મોઢા પર ટેપ મારી હતી. કોઈ સવાલ કરતાં પહેલા વિક્કી એના જમણા પગનાં પંજા પર હથોડીથી ત્રણવાર મારે છે. હથોડીનાં મારથી પગનાં પંજામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પંજાની આંગળીઓ અને અંગૂઠાની હાડકીઓ તૂટી ગઈ હતી. પગમાં અસહ્ય પીડા થતી હતી. મોઢા પર ટેપ લગાવેલી હોવાથી ચીસ બહાર નહોતી આવી પણ એનો જીવ આંખોનાં ડોળા સાથે બહાર આવી ગયો હતો.
રાજુ મારની પીડા સહન કરે એ પહેલા કરણ એના મોઢા પરથી ટેપ ઉખાડી એની સામે ખુરશી લઈ બેસી જાય છે: “જો રાજુ, આ અમદાવાદ નથી કે તારો બોડીગાર્ડ ફરીથી આવી તને છોડાવી જશે... અને તને જાણીને ખૂબ આનંદ થશે કે રીયાએ તારા બોડીગાર્ડને પકડાવી દીધો છે... તારા બધા માણસો અમદાવાદ પોલીસસ્ટેશનમાં દંડાઓનો માર ખાઈ રહ્યા છે... અંગાર અને ખેંગાર પકડાઈ ગયા છે એ તો તને ખબર પડી ગઈ હશે... અમને થોડી છોકરીઓ મળી છે જેને અંગારે કોલગર્લ બનવા માટે મજબૂર કરી હતી... મારે તારી પાસે માત્ર બીજી છોકરીઓ ક્યાં રાખવામા આવી છે એ જાણવું છે... તું સારી રીતે બતાવીશ તો ઠીક છે... નહિતો આજે નહીં તો કાલે અમને માહિતી મળી જશે...”
રાજુનું વાળ પકડી વિક્કી પાછળ ખેંચે છે: “તું બતાવીશ તો તને જેલની કોટડીમાં લઈ જઈશું... અને કોર્ટમાં કેસ ચલાવીશું... જો નહીં બતાવે તો આ પાર્કિંગમાં તારો છેલ્લો શ્વાસ જશે અને તારી લાશ પણ તારી ખુરશી નીચે દફનાવીશું... દુનિયા સામે તને ભાગેડુ જાહેર કરી તારી શોધખોળ કરવાનું નાટક કરીશું... તારે શું કરવું એ તારા પર છે... જેટલો સહકાર આપીશ એટલું આયુષ્ય વધશે...”
કરણ અને વિક્કીની વાત સાંભળી રાજુ રહી સહી હિમંત હારી ગયો હતો. બહાર એવું કોઈ નહોતું જે એને બચાવવા આવે. જવાબ ના આપીને વહેલું મોતને નોતરું આપવાની તાકાત નહોતી. બીજી બે જગ્યાઓનાં સરનામા એ કરણને આપે છે. એ બન્ને જગ્યા પર પહેલાની જેમ કરણ શુક્લા અને ખત્રીને છોકરીઓને લાવવાનું કામ કરાવે છે. શુક્લા અને ખત્રી પણ આ વખતે કોઈ વિચાર કર્યા વગર અર્જુન એટલે કે કરણ કહે એમ છોકરીઓને છોડાવી લાવે છે.
એ રાત્રે કરણ શુક્લા અને ખત્રીને પણ સુવા દેતો નથી. રાજુને શુક્લાની ચોકીમાં મોકલવામાં આવે છે. કરણ શુક્લા અને ખત્રી પાસે કેસ નંબર ૩૬૯ ફરી ખોલવા માટે કોર્ટમાં અરજી મોકલવા તૈયાર કરાવે છે. નીલિમા પર બળાત્કાર કરનાર માણસ અમદાવાદથી પકડાયો છે એવું બતાવી તાત્કાલિક કેસ શરૂ કરવા માટે કહેવામાં આવે છે. પર્વતસિંહ અને મુંબઇનાં કમિશ્નર વહેલી સવારે જજ સાથે વાત કરી કોર્ટમાં કેસ તરત ચાલુ કરવા માટે સમજાવે છે.
રાજુને બીજા દિવસે કોર્ટ સમક્ષ હાજર કરવાનો હતો. શુક્લા અને ખત્રી જાણતા હતા નીલિમા પર બળાત્કાર અંગારે કર્યો હતો. અર્જુન આ વાત ખૂબ સારી રીતે જાણતો હતો છતાં રાજુ ઉપર આ કેસ ચલાવવા માંગતો હતો. આ કરવા પાછળનું કારણ શું હતું એ બન્ને સમજી શકતા નથી. આ કામ કરાવવા પાછળ નક્કી અર્જુનનો કોઈ મોટો આશય હતો. શુક્લા અને ખત્રીને ખબર નહોતી કે અંગાર અને ખેંગાર પકડાઈ ગયા છે. બહુ વિચાર કર્યા પછી એ બન્ને એવું વિચારે છે કે રાજુનાં માધ્યમથી અંગારને ફસાવવાનો પ્લાન અર્જુન બનાવે છે.
શુક્લા અને ખત્રી બન્ને અંગારનાં ભયથી થોડા ગભરાતા હતા. રાજુને કોર્ટમાં લઈ જવાની વાત અંગારને ખબર પડશે તો શું થશે એ વિચારી શકાય એમ નહોતું. પરંતુ અર્જુનનાં કહ્યા પ્રમાણે કામ ના કરવા માટે કોઈ કારણ નહોતું. બન્ને બધુ જાણીને અજાણ બની પોતાની ડ્યૂટી કરવા માટે મજબૂર હતા. ભગવાનનું નામ લઈ કરણનાં કહ્યા પ્રમાણે ખૂબ ઝડપથી અરજી અને કેસ ફાઇલ તૈયાર કરે છે. હવે બન્નેને અર્જુન અને અંગારથી ભગવાન જ બચાવી શકે એમ હતું.
રાજુને તો ખબર પણ નહોતી કે કાલે કોર્ટમાં એના ઉપર નીલિમા પર બળાત્કાર કરવાનો કેસ શરૂ થશે. એને પગમાં અસહ્ય પીડા થતી હતી. એ દુ:ખમાં બીજા કોઈ વિચાર નહોતા આવતા. શુક્લા અને ખત્રીની જેલમાં કરણ એને કેમ લાવ્યો એ વિચારવાની શક્તિ પણ એનામાં રહી નહોતી. એ બન્નેને જોઈ થોડી રાહત જરૂર થઈ હતી.
ઘણો સમય થયો છતાં કોઈ દેખાતું નહોતું એટલે અંગાર વધારે ઉશકેરાયો હતો. એણે બૂમો પાડી કોઈ આવે તો બોલાવવાનું શરૂ કર્યું. એની રાડો બહાર સંભળાતી હતી પણ બધા ચૂપચાપ એમનું કામ કરતાં રહ્યા. ઘણીવાર બૂમો પાડવાથી કોઈ આવ્યું નહીં એટલે અંગારે સળીયા પર લાતો મારવાનું શરૂ કર્યું હતું. હાથથી સળીયા ખેંચવા લાગ્યો હતો. હાથપગ હલાવવાથી અને રાડો પાડવાથી તાકાત ઓછી થઈ હતી. દસ કલાક જેટલો સમયથી પેટમાં કશું ગયું નહોતું. તાકાત ઓછી થતી હતી એમાં આ બધુ કરવાથી શક્તિ વધારે ઓછી થઈ હતી. એને હવે થાક વરતાવા લાગે છે. ગળું અને જીભ સુકાવા લાગે છે.
પાણી અને ખોરાક ના મળવાથી શરીરમાં કેટલી કમજોરી આવે છે, એ કોઈ દિવસ અંગારને ખબર નહોતી. પાણી માંગે ત્યાં ખેંગાર દૂધ હાજર કરતો હતો. નાના માસૂમ બાળકોને અંગાર ઘણીવાર આ રીતે ભૂખ્યા તરસ્યા રાખતો હતો. એ બાળકોની કેટલી ખરાબ હાલત થતી હતી એની નાની ઝલક એને કરણે દેખાડી હતી. જીવનમાં પહેલી વખત એને પાણી અને ખોરાકનું મહત્વ સમજાયું હતું.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED