ચાંદની - પાર્ટ 31 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 31પાછળના ભાગમાં જોયું કે...


અનુરાગ બહાર નીકળીને જોયું તો બે કદાવર માણસો એક સ્વિફ્ટ ડીઝાયર લઈ અનુરાગની રાહ જોતા હતા.


તેમને જોતાં જ અનુરાગને યાદ આવ્યું કે આ બંને એ જ વ્યક્તિ છે જે ઘણા સમયથી અનુરાગનો પીછો કરતા હતા.


કૉલેજથી લઈ અનુરાગ અને ચાંદની આશ્રમ સુધી એટલે કે જ્યાં પણ બંને  ગયા હતા  ત્યાં દરેક જગ્યાએ આ બંને માણસો અનુરાગનો પીછો કરતા.એક પળમાં અનુરાગના મનમાં દરેક ઘટના ફિલ્મની રીલની માફક અનુરાગના મસ્તિષ્કમાં ફરી વળી.અનુરાગ એ બંને સાથે બેસી તેમની ગાડીમાં રવાના થયો. જતાં જતાં પણ તેનું મન ચાંદની સાથે વાત કરવા બેતાબ હતું.ચાંદનીને ફરી મળી શકશે કે નહીં તે વિચારી તેના શરીરમાં કંપારી છુટી ગઈ.


હવે આગળ....


ચાંદનીનું મન ખૂબ વિહવળ હતું. વારંવાર તેને  અનુરાગ,  પોતાને મળ્યા વગર ગયો,  તે વિચાર તેના મનને ડંખ્યા કરતો હતો. તેનું દિલ કેટલીક આશંકાઓથી ઘેરાઈ ગયું હતું. તેને અનુરાગ ઉપર  ખુદથી વધુ વિશ્વાસ હતો , પણ બસ  અનુરાગની ચિંતા તેને,  સતત કંઇક અમંગળની આશંકામાં  ઘેરી વળી હતી.


ચાંદનીની બધી મૂંઝવણ અને ભયની  વ્યથાને પામી જતા રેણુકા બહેન બોલ્યા," ચાંદની, અનુની ચિંતા ન કર. તેને કંઈક અગત્યનું કામ હશે.  તો જ તેનો ફોન બંધ હોય.  જેઓ તે ફ્રી થશે એટલે સૌથી પહેલા એ તને જ ફોન કરશે. તું અને અંજલિ અંદર વાતો કરો. હું તમારા બંને માટે કંઇક નાસ્તો બનાવું છું."


રેણુકા બહેનની વાત સાંભળી ચાંદીના મનને જરાક ટાઢક વળી,  પણ વારંવાર મન અનુરાગની પાસે દોડી જતું .તે થોડી સ્વસ્થ થતા બોલી," માસી હમણાં કશું ન બનાવો . મારે મારી  મમ્મી સાથે માર્કેટ જવાનું છે .અને મમ્મી મારી રાહ જુએ છે. હું પછી આવીશ."   આટલું કહી અંજલિને બાય કરી તે નીકળી ગઈ.


આટલું કહી ચાંદની પોતાના ઘરે જવા રવાના થઈ ગઈ. બસ તે જલદીથી અનુરાગનો  ફોન આવે તેનો ઇંતજાર કરતી હતી. અંજલિના ગયા બાદ રેણુકાબેનના  અત્યાર સુધી દબાવી રાખેલ અશ્રુઓ વહી રહ્યા...


****************


અનુરાગ એ બંને કદાવર વ્યક્તિઓ સાથે બેસી નીકળી ગયો હતો. તેમની ગાડી બહાર હાઇવે પર આગળ વધી રહી હતી. અનુરાગના દિલમાં ચાંદનીની ચિંતા દબાયેલી હતી .પણ પોતે જે મક્કમતાથી નીકળ્યો હતો એ માટે તેણે થોડો સમય ખૂબ હિંમત રાખી ,દિલ થી નહીં પણ દિમાગથી વિચારવું જરૂરી હતું!  અને એ માટે તેણે થોડો સમય ચાંદનીના વિચારોને મન પર હાવી થતા રોકવાના હતા .થોડો સમય ચાંદનીની યાદોથી દૂર રહી પોતાની મંઝિલ પામવાની હતી. એટલે જ અનુરાગે ખૂબ મક્કમ મન કરી ચાંદનીના ખ્યાલોને પોતાના દિલના એક ખૂણામાં ધરબી દીધા!


લગભગ ચાર કલાકના ડ્રાઇવ બાદ ગાડી હાઇવેથી અંદરની બાજુ જતા એક રસ્તા તરફ વળી અનુરાગે ખૂબ જ સિફતાઈથી  બાજુમાં બેસેલી એ વ્યક્તિને તેનું નામ પૂછ્યું એટલે તે વ્યક્તિ બોલ્યો,


"નામ તો શું , પુરી કુંડળી ખબર પડી જશે!  બસ થોડી રાહ જોઈ લ્યો.."


આ સાંભળી  અનુરાગ મનમાં મુસ્કુરાતા બોલ્યો," હું તમારી કુંડળી જાણું છું."


થોડી વાર બાદ ગાડી હાઈવે અને શહેરથી ઘણે દૂર ખૂબ અંદરના વિસ્તારમાં આવેલી એક વિશાળ બંગલો તરફ વળી. તેની  આસપાસ ખેતર અને થોડે દૂર એ ખેતરોની વચ્ચે એક આલીશાન ફાર્મ હાઉસ.


બંગલાના  ભવ્ય અને વિશાળ મુખ્ય ગેટ પાસે જાણે એક ઝેડ પ્લસ સુરક્ષા હોય તેટલા સિક્યુરિટી ગાર્ડ  ભરેલી ગને ઉભા  હતા. અનુરાગની ગાડી , એ સુરક્ષાકર્મીઓની નજર હેઠળથી બંગલોના વિશાળ ગેટમાં પહોંચી .


બંગલોના મુખ્ય ગેટથી બંગલોના પ્રવેશદ્વાર વચ્ચે લગભગ એક કિલોમીટર જેટલું અંતર.  અને એટલામાં દર  200 મીટરે  બે બે સિક્યુરિટી  ગાર્ડ ભરી બંદુકે ઉભા હતા. અનુરાગ  બધા ને જોઈ રહ્યો.


થોડીવારમાં ગાડી એક વિશાળ પોર્ચ ,  કે જ્યાં દુનિયાની


મોંઘી મોંઘી લેવિશ ગાડીઓ પાર્ક હતી ત્યાં પાર્ક થઈ.


સાથે ઉભેલા બે વ્યક્તિમાંથી એક વ્યક્તિએ અનુરાગને  આગળ વધવાનો ઈશારો કર્યો .અને એ વ્યક્તિ પણ તેની પાછળ ચાલતો થયો .અને બીજો વ્યક્તિ  પોતાનો ફોન કોઇને લગાવી બીજી બંગલાની બીજી બાજુ ગયો.


થોડું ચાલતા અનુરાગ અને તે વ્યક્તિ બંગલાની અંદર પ્રવેશ્યા.અંદર પ્રવેશતા જ એક ભવ્યાતિભવ્ય અને ખૂબ વિશાળ હોલ હતો .વિદેશી  ફર્નિચર અને મોંઘા તેમજ લેવીશ અવનવા પોસ્ટરોથી તેની સજાવવામાં આવ્યો હતો. હોલની મધ્યમાં એક રાઉન્ડ સીડી હતી જે ઉપરના માળ તરફ જતી હતી.


અનુરાગ આ બધું જોઈ સ્તબ્ધ થતો ઉભો રહી ગયો. અનુરાગની  આંખ સામે  આજથી ૧૦ વર્ષ પહેલાનો સમય તરવરી રહ્યો . જ્યારે તે ૧૫ વર્ષનો હતો. ત્યારે તે  આખરી વારને  પ્રથમવાર આ સ્થળે આવેલો. એ સમયે અહીં ખેતરમાં એક ઘર હતું. ઘર તો શું પણ એક  અડ્ડો! અને આજે ? અનુરાગ વિચારી રહ્યો.


દસ વર્ષના સમયગાળામાં આટલું બધું બદલાઈ ગયું. આટલી ભવ્યતા અને આ માણસ?  કેટલાય પ્રશ્નોથી તેનું માથું ફાટફાટ થઇ રહ્યું હતું .તેના કાનમાં તેની માતાના આખરી શબ્દો કે છે તેને  તેની માસી પાસેથી સાંભળવા મળ્યા હતા તે ગુંજી રહ્યા હતા. " મારા અનુરાગને  તું  દૂર રાખજે અને બચાવજે અને આ શબ્દો પાછળ સંભળાતું એક  અટ્ટહાસ્ય !"


અનુરાગને  જાણે બધું ગોળ-ગોળ ફરતું દેખાયું. તેનું શરીર જાણે લથડિયા ખાતું હોય તેવું લાગ્યું . જાણે કોઈ માથામાં હથોડા મારી રહ્યું ! ત્યાં જ પાછળથી એક પહાડી અને ક્રૂર અવાજ તેના કાને અથડાયો..


"અનુરાગ ,વેલકમ !  હું તારી જ રાહ જોતો હતો. મારી પાસે પહોંચવામાં તે દસ વર્ષ કાઢી નાખ્યાં. પણ કંઈ વાંધો નહીં.. તારી સાચી જરૂર મારે હવે જ છે !"


અનુરાગ તે  અવાજ સાંભળતા જ અવાજની દિશામાં ફર્યો.


૬ ફૂટ હાઇટ,t થોડી સફેદી આવેલી લાંબી દાઢી, કરચલીવાળો ચહેરો, ફેન્સી ચશ્મા પાછળ  ક્રૂર આંખો અને ચહેરા પર લુચ્ચું  સ્મિત !  ગળામાં એક જાડી સોનાની ચેઇન અને તેવી જ જાડી લકી હાથ પર.બ્લેક ડેનિમ જીન્સ અને આછો પીળો કુર્તો પહેરેલ એક 55 વર્ષનો પુરુષ કે જેને દુનિયા આર. કે. ના નામથી  ઓળખતી હતી. આર. કે. એટલે રણજીત કોઠારી , પોતાના વિસ્તારનો નામચીન નેતા !. જેની પહોંચ છેક સરકાર સુધી હતી.


આર.કે ધીમા પગલે અનુરાગ તરફ આવી રહ્યો હતો. તે જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ અનુરાગની આંખોમાંથી


અગન જવાળા વરસવા લાગી.ભયંકર ગુસ્સામાં અનુરાગે બાજુમાં ઊભેલા ગાર્ડના કમર પરથી એક પિસ્તોલ ખેંચી આર. કે. ને મારવા આગળ ધરી...


ક્રમશઃ


Bhumi Joshi "સ્પંદન"

કોણ છે આર.કે. ?

શું  સંબંધ છે અનુરાગનો આર.કે. સાથે?

એવું કયું રાઝ છે જે અનુરાગ ચાંદનીથી છુપાવે છે ?
જાણવા  માટે વાંચતા રહો.. ચાંદની...એક દિલધડક પ્રેમકથા !

રેટ કરો અને રિવ્યુ આપો

Manisha

Manisha 5 દિવસ પહેલા

narendra

narendra 5 દિવસ પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Reena

Reena 3 માસ પહેલા

Nikita

Nikita 3 માસ પહેલા