Bhuj: The Pride of India books and stories free download online pdf in Gujarati

ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા

ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા

-રાકેશ ઠક્કર

નિર્દેશક અભિષેક દુધૈયાએ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ને એવી ફિલ્મ બનાવી નથી કે કોઇપણ તેના પર અભિમાન કરી શકે. OTT પર સ્વતંત્રતા દિવસ પ્રસંગે રજૂ થયેલી અજયની 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' માટે ઘણી જ અપેક્ષા હતી. ફિલ્મ રજૂ થયા પછી મોટાભાગના સમીક્ષકોએ ટ્રેલર જોઇને જ સંતોષ માનવા જેવી હોવાનો અભિપ્રાય આપ્યો અને એના નિર્માતા પણ રહેલા અજય દેવગન પ્રત્યે સોશ્યલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરવામાં આવી. અજય દેવગને ૧૫ ઓગષ્ટના પર્વનો લાભ લેવા ફિલ્મ રજૂ કરી હતી. 'ભુજ' માટે અજયે વધારે મોટા દાવા કર્યા હતા. ત્યારે 'ભુજ' માં ઘણાં ફિલ્મ સ્ટાર હોવા છતાં તેને રેટિંગમાં એક સ્ટાર પણ કયા કારણથી આપવો એ વિચારવામાં આવી રહ્યું છે! IMDB ઉપર પણ અજયની છેલ્લી કેટલીક ફિલ્મો કરતાં ઘણું ઓછું રેટિંગ મળ્યું છે. 'ભુજ'માં બધું બનાવટી લાગે છે. એમ કહેવાય છે કે એને શા માટે બનાવી છે? ભલે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું કહેવાયું હોય પરંતુ ફિલ્મ તકનીકી રીતે એટલી નબળી છે કે તેની વીએફએક્સની સરખામણી વીડિયો ગેમ સાથે કરીને મજાક ઉડાવવામાં આવી રહી છે. દર્શકને ખબર જ હોય છે કે વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ એવી રીતે ઉપયોગ થવો જોઇએ કે તે અસલી લાગે. એમાં યુધ્ધને ફિલ્મી મારામારી જેવું બનાવી દીધું છે.

ફિલ્મમાં મુખ્ય કહી શકાય એવી એક ડઝન ખામીઓ કાઢવામાં આવી છે. રાત અને દિવસના દ્રશ્યો બતાવવામાં થયેલી ભૂલ જેવી નાની ખામીઓની તો વાત જ કરવા જેવી નથી. એક દ્રશ્યમાં અજય સામેની વ્યક્તિ પાસેથી રિવોલ્વર ઝૂંટવી લે છે ત્યારે ધ્યાનથી જોવાથી ખ્યાલ આવશે કે સામેની વ્યક્તિએ જ નહીં અજયે પણ પછી રિવોલ્વર તાકતી વખતે ટ્રીગર પર આંગળી જ મૂકી ન હતી! અજયના કપાળમાં જમણી બાજું વાગ્યું હોય છે પણ પછીના દ્રશ્યમાં તેના કપાળના ડાબા ભાગમાં પટ્ટી લગાવેલી હોય છે. ફિલ્મનો પ્રચાર કરતી વખતે એને વાયુસેનાના બહાદુર ઓફિસર વિજય કાર્ણિકના જીવનની સાચી ઘટનાથી પ્રેરિત ગણાવ્યા પછી શરૂઆતમાં કથાને કાલ્પનિક ગણાવી છે. અને ૧૯૭૧ માં ભારત-પાકિસ્તાનના યુધ્ધ પર આધારિત જે ઘટના પરથી બનાવવામાં આવી છે એનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. અસલ વાર્તા ભુજના એક ગામની સુંદરબેન અને બીજી ૩૦૦ સ્ત્રીઓની છે. જેમણે રાતદિવસની મહેનતથી પાકિસ્તાન દ્વારા ફેંકવામાં આવેલા બોમ્બથી તૂટી ગયેલા એરપોર્ટના રનવેની જગ્યાને ફરી બનાવી હતી. પાકિસ્તાન ફરી હુમલો કરે એમ હતું છતાં ૭૨ કલાકમાં એનું નિર્માણ કર્યું હતું. અને પાકિસ્તાન સામે હુમલો કરવા ભારતની સેના ત્યાં વિમાન લેન્ડ કરી શકી હતી. તેનું કામ ભુજના વિજય કાર્ણિકની દેખરેખમાં થયું હતું અને એ ભૂમિકા અજય દેવગને ભજવી છે. ફિલ્મમાં આ મુખ્ય વાતને યોગ્ય રીતે કહેવામાં જ આવી નથી. અને બીજી અનેક વાર્તાઓને એકબીજા સાથે જોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.

સામાન્ય દર્શકનું મનોરંજન કરવામાં ફિલ્મ સફળ થઇ હોય તો પણ વિષયને વિશ્વસનીય રીતે ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે. પાત્રોનો યોગ્ય રીતે વિકાસ જ કરવામાં આવ્યો નથી. 'ભુજ' ની સ્ટારકાસ્ટ નક્કી કરનાર નિર્દેશક પાસેથી પૈસાની વસૂલાત કરવી જોઇએ એમ કહેવાની નોબત આવી છે. એકપણ કલાકાર તેની ભૂમિકામાં ફિટ નથી. અજય દેવગનની સંવાદ અદાયગી દમદાર નથી. તે ખાસ પ્રભાવિત કરતો નથી. તેને તક પણ ઓછી મળી છે. અજયની કારકિર્દીની આ સૌથી નબળી ભૂમિકા ગણવામાં આવી છે. માત્ર દર્શકોને આકર્ષવા જ ફિલ્મમાં તેના જેવા મોટા સ્ટાર રાખવામાં આવ્યા હોય એવું લાગે છે. સોનાક્ષી સિંહા અને નોરા ફતેહીની ભૂમિકાઓ જબરદસ્ત હોવાનો પ્રચાર થયો હતો. અસલમાં તેમની ભૂમિકાઓ જબરદસ્તી રાખવામાં આવી છે. જે યુધ્ધની વાર્તા છે એમાં સોનાક્ષીવાળી ભૂમિકા મહત્વની હતી. છતાં ફિલ્મમાં તેની અવગણના થઇ છે. નોરાને ટ્રેલરમાં વધારે બતાવીને આશા જગાવી હતી. પરંતુ તે હજુ આવી ભૂમિકાઓ માટે સક્ષમ નથી એ દેખાઇ આવે છે. અજય દેવગને મિત્રતા નિભાવવા સંજય દત્તને ભૂમિકા સોંપી હોય એવું લાગે છે. અનેક લોકો સામે તેને કુહાડીથી લડતો બતાવાયો છે એ જોઇને કોઇને પણ હસવું આવે એમ છે. અજયની પત્ની બનતી પ્રણીતાને તો સમ ખાવા પૂરતો એક સંવાદ અપાયો નથી. કોઇ કલાકારોને સરખી તક જ અપાઇ નથી. નિર્દેશકને આટલી મોટી સ્ટારકાસ્ટ મળી પણ એનો કોઇ ઉપયોગ કરી શક્યા નથી. નિર્દેશકે ફિલ્મને ૧૯૭૧ ના યુધ્ધની રુંવાડા ઊભા કરી દે એવી વાર્તા પર કામ કરવાને બદલે તેને વેચવા પર જ વધારે ધ્યાન આપ્યું છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED