ચાંદની - પાર્ટ 29 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 29

રાજ શાવર લઈને બહાર આવ્યો. તેને  થોડું સારું લાગી રહ્યું હતું .તેના મગજમાં મિસ્ટર વાગલેની વાતો ઘુમતી હતી. ચાંદનીને લઈને તેની ચિંતા વધતી જતી હતી. તેણે મનોમન નક્કી કર્યું કે આજ પછી ચાંદનીની સાથે તે  હંમેશા રહેશે. તેને ઘરથી બહાર ક્યાંય પણ એકલી જવા નહીં દે.

વિચારોમાં ને વિચારોમાં તે બેડમાં આડો પડ્યો .તેનું ધ્યાન બેડ પાસે  રહેલ,  ટેબલ પર પડેલી ચાંદનીની ડાયરી પર પડ્યું. ડાયરી જોતાં જ રાજ ચમકીને ઊભો થયો. આ તેજ ડાયરી હતી જે થોડા સમય પહેલા પોતે ચાંદનીને પૂછ્યા વગર વાંચવા લીધી હતી. અને આખરે  ચાંદનીને ખબર પડતા તેણે તેને પરત આપી દીધી હતી.

ફરી આજ ડાયરીને  ટેબલ પર પડેલી જોઈ તેને આશ્ચર્ય થયું.  ડાયરી અહીંયા ક્યાંથી ?   પણ તરત  જ તેને હોટેલમાં કહેલા ચાંદીના શબ્દો યાદ આવ્યા.

"રાજ, હું ખુદ તને મારા ભૂતકાળમાં ભાગીદાર કરી તેની સફર કરાવીશ !"

એટલે તરત જ તેને સમજાઈ ગયું કે ડાયરી ચાંદની એ જાતે જ અહીંયા મૂકી છે. પોતાને  વંચાવવા માટે.. કદાચ તે આવીને જ્યારે શાયર લેવા ગયો ત્યારે ચાંદની આવીને ડાયરી મુકી ગઈ હશે. તે વિચારતો હતો કે ચાંદની પ્રત્યક્ષ રહી બધી વાત ન કરી શકે એ માટે પોતાની ડાયરી  સોંપી ગઈ છે.

રાજને  ડાયરી જોતા જ ખુશી થઈ. અને એ ખુશીનું કારણ હતું ડાયરીમાં રહેલ ભૂતકાળ કરતાં ચાંદનીએ  પોતાના પર મુકેલો અડગ વિશ્વાસ ! અને એ  વિશ્વાસના સહારે  ચાંદની  પાનાંમાં  અકબંધ પોતાની જિંદગી સોંપી ગઈ.

કોઇપણ સંબંધનો પાયો હંમેશાં વિશ્વાસ હોય છે. પ્રેમ હોય પણ વિશ્વાસ ન હોય તો એ સંબંધ ખોખલો બની બહુ જલદી પોતાનો દમ તોડી દે છે.  એક વિશ્વાસ જ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વ્યક્તિને સંબંધોની દોરને  બાંધી રાખવાનું પ્રેરક બળ પુરૂ પાડે છે.

ચાંદની માટેના અનહદ પ્રેમના બદલામાં ચાંદનીએ પોતાના પર કરેલા અતૂટ વિશ્વાસ , રાજ માટે અવર્ણનીય ખુશી હતી.

બીજા શબ્દોમાં કહીએ તો ચાંદનીએ ખુદ આજે રાજને પોતાની જિંદગીમાં દાખલ થવાનો  હક આપ્યો હતો. અને આ હકે રાજના નિસ્વાર્થ પ્રેમને  ઉત્કૃષ્ટ આયામ  પર પહોંચાડી દીધો હતો!

રાજે ડાયરી હાથમાં લીધી. આ એજ ડાયરી હતી જેને વાંચવા  રાજ બેતાબ હતો,  પણ આજે આ ડાયરી દિલમાં નવા સ્પંદન જગાવતી હતી. જે ચાંદનીને  તે અનહદ ચાહતો હતો તેની કોઈ અન્ય સાથેની પ્રેમ કહાનીની દાસ્તાન પાનાંમાં અકબંધ થઈ તેના હાથમાં હતી.એટલે જ ડાયરી ખોલતા પહેલા તેના  મનમાં કેટલાય ભાવ આકાર લઇ રહ્યા હતા. રાજે  હિંમત કરી ધ્રુજતા હાથે ડાયરી ખોલી.

આગળ વાંચેલા બે ત્રણ પેજ  પલ્ટાવ્યા તેણે ફરી આગળ વાંચવાનું શરૂ કર્યુ.રાજની આંખ સામે  જાણે બધા જ પાત્રો તાદ્રશ્ય થઈ રહ્યા.

******************

ચાંદની અને અનુરાગ રોજ કોલેજમાં મળતા.ઘણો સમય સાથે પસાર કરતા.બંને એકબીજાને અનહદ ચાહવા લાગ્યા હતા. આમને આમ કોલેજના બે વર્ષ પૂરા થઈ ગયા.અનુરાગ ચાંદની કરતા એક વર્ષ આગળ હતો  એટલે તેની કોલેજ પૂર્ણ થઈ ગઈ.અને છેલ્લા વર્ષમાં અનુરાગ કોલેજ ફર્સ્ટ આવ્યો.પોતાના ક્લાસમાં ચાંદની પણ ફર્સ્ટ હતી.

બંને ભણવામાં ખૂબ હોંશિયાર હતા.અને ભણવાની પ્રયોરિટી સમજતા હતા.એટલે પોતાની લાગણીઓને પોતાના અભ્યાસના આડે ન આવવા દીધી.

પણ મુશ્કેલીનો દોર હવે શરૂ થયો. ચાંદનીનું કોલેજનું છેલ્લું વર્ષ ચાલતું હતું.અને અનુરાગ હવે માસ્ટર કરવા માટે બીજી કોલેજમાં જતો.એટલે બંનેને મળવાનો સમય ઓછો મળતો હતો.

હવે બંનેનું મળવાનું એક જ ઠેકાણું હતું . અંજલીનું ઘર.
અંજલી અને ચાંદની સાથે જ કોલેજ જતા.અને આવતાં જતાં થોડો સમય અંજલિના ઘરે બંને મળી લેતાં.

અંજલિના મમ્મી કે જે અનુરાગના સગા માસી રેણુકા બહેનને પણ આ સંબંધનો કોઈ એતરાઝ નહોતો.

એક દિવસ અનુરાગ તેની માસી રેણુકા બહેન પાસે આવ્યો.અને બોલ્યો,

"માસી હું વિચારું છું કે હું ચાંદની અને મારા પ્રેમની વાત ચાંદનીના  મમ્મી-પપ્પાને કહું અને ચાંદની સાથેના મારા લગ્નની પણ વાત કરવી છે. તમે સાથે આવી વાત આગળ વધારશોને?"

અનુરાગની વાત  સાંભળી રેણુકા બહેન ખૂબ ખુશ થયા .પણ બીજા જ પળે તેના ચહેરાના ભાવ બદલાઈ ગયા.તે બોલ્યા,

"અનુ , તને નથી લાગતું કે તું ચાંદનીના મમ્મી પપ્પાને  મળે એ પહેલા તારે બીજા કોઈને મળી લેવું જોઈએ ? ચાંદની , ફક્ત તને જાણે છે. તારા વિશે નહીં ! જો બેટા ,હું જાણું છું કે તું ચાંદનીને સાચો પ્રેમ કરે છે. અને ચાંદની તારા જીવનમાં આવનાર પ્રથમ છોકરી છે .હું એ પણ જાણું છું કે ચાંદની પણ તને અનહદ ચાહે છે .ચાંદનીના ના આવ્યા બાદ જ તું  જિંદગીને સાચા અર્થમાં જીવવા લાગયો છે અને એ વાતની મને અનહદ ખુશી છે. પણ જે વાત તું ચાંદનીથી છુપાવે છે એ ?"

"માસી, હું ચાંદનીથી  કશું છુપાવવા નથી માંગતો. પણ ચાંદનીને ખોવાના ડરે હું તેને કશું કહી પણ નથી શકતો."

"અનુરાગ, હકીકત એ હકીકત હોય છે. ખરાબ કે સારી ..અને જેનાથી તું ભાગે છે , એ હરદમ તારો પીછો કરે છે. એ વાત તું પણ સારી રીતે જાણે છે .અને અચાનક એ કોઈ દિવસ તારી અને ચાંદની સમક્ષ આવી જશે ત્યારે ?"

આટલું સાંભળતા જ અનુરાગ થરથર કાંપવા લાગ્યો..

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 6 દિવસ પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા

Reena

Reena 3 માસ પહેલા

Urmila Patel

Urmila Patel 3 માસ પહેલા