Case No. 369 Satya ni Shodh - 41 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૪૧

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૪૧

પરંતુ કરણ અને વિક્કીનાં મગજમાં હવે એક વાત ફરતી હતી. જે છોકરીઓ સાથે કોલ ગર્લનું કામ બળજબરીથી કરાવવામાં આવતું હતું એ છોકરીઓને કેવી રીતે બચાવવી. કારણકે કોઇને એ છોકરીઓને ક્યાં રાખવામાં આવે છે એની ખબર નહોતી.

જીત ખૂબ નજીક આવી હાથતાળી આપી પાછી ફરી હતી. અંગાર અને ખેંગાર બહુ ચાલાકીથી છટકયા હતા. એ લોકો આટલી સરળ રીતે આંખમાં ધૂળ નાંખી પલાયન થઈ જશે એવો કરણ અને વિક્કીને કોઈ અંદાજ નહોતો. ગાંડો થયેલો હાથી તારાજી સર્જે છે એવી રીતે અંગાર હવે કેવો વિનાશ કરશે એનું કોઈ અનુમાન નહોતું. કેટલી છોકરીઓની જિંદગી પર જોખમ હતું એ જાણકારી ના હોવાથી બધા વધારે ચિંતામાં હતા. છોકરીઓ તો આ બધી બાબતથી અજાણ હતી. ન્યૂઝ પર સમાચાર જોઈ અમુક છોકરીઓ ખુશ, તો થોડીક હવે કઈ મુસીબતનો સામનો કરવો પડશે એ વિચારથી દુ:ખી થઈ હતી.

બે દિવસથી દરેક પોલીસ ખેંગાર અને અંગારને શોધવામાં લાગી હતી. પરંતુ એ લોકોનાં કોઈ સમાચાર મળ્યા નહોતા. એવું કોઈ સ્થળ નહોતું જ્યાં પોલીસે તપાસ ના કરી હોય પરંતુ બન્ને ભાઈની કોઈ ખબર કે માહિતી મળતી નથી. કરણ, સંજય અને વિશાલનાં બધા ખબરીઓ કામે લાગ્યા હતા છતાં કોઈ કામની જાણકારી મળતી નથી. કરણે બન્ને ભાઈનું ઠેકાણું મેળવવા માટે સલિમને પણ કહ્યું હતું. સલિમે પોતાની રીતે એના માણસોને કામે લગાડ્યા હતા. આ બધા બનાવો વચ્ચે એક સારી બાબત થઈ હતી, બાળકો NGOની દેખરેખ નીચે ડર વગરની જિંદગી જીવવાની કોશિશ કરતાં હતા.

રાજુ પોલીસ કસ્ટડીમાં આવ્યા પછી પણ વકીલ સાથે વાત કરી શકતો નથી. એનો બોડીગાર્ડ વકીલને મળી બધી વાત કરે છે. વકીલ પોલીસચોકીમાં રાજુને મળવા આવે છે ત્યારે પણ કોઈ અગત્યની વાત થઈ શકતી નથી. બધા પુરાવા રાજુને સજા તરફ લઈ જતાં હતા. કેસ જીતવાની શક્યતા બહુ ઓછી છે એવું વકીલ કહે છે જેનાથી રાજુને વધારે ગુસ્સો આવે છે અને વકીલ ઉપર હાથ ઉગામે છે. હાથ ઉગામવાથી વકીલ સામેથી કેસ છોડવાની વાત કરે છે. બીજા દિવસે કોર્ટની પહેલી તારીખ હતી. આટલી જલ્દી બોડીગાર્ડ બીજો સારો વકીલ કરી શકતો નથી. રાજુને બે દિવસનાં રિમાન્ડ મળે છે અને પોલીસને ત્યાં સુધી રાજુ પાસેથી ગુનાઓ કબૂલ કરાવવા માટે કહે છે.

રાજુને બચાવવા માટે ખેંગાર અને અંગાર કોઈ પગલું ભરશે એવી પ્રતિક અને પર્વતસિંહને શક્યતા લાગતી હતી. કોઈ ગરબડ ઊભી ના થાય એના માટે પર્વતસિંહ અમદાવાદ પ્રતિકને મદદ કરવા આવી ગયા હતા. કમિશ્નર અને પર્વતસિંહે એમના કામનાં અનુભવનો ભરપૂર ઉપયોગ કરી રાજુનાં બચવાના તમામ માર્ગ બંધ કર્યા હતા. બોડીગાર્ડ પણ હિંમત હારી ગયો હતો. બોડીગાર્ડ ખેંગારનો કોન્ટેક કરવાની બહુ કોશિશ કરે છે પણ નિરાશા હાથ લાગે છે. રાજુને બચવાની કોઈ ઉમ્મીદ દેખાતી નથી. ચારેબાજુ બસ ઘોર અંધકાર નજરે પડે છે.

બધા પોતાને સોંપવામાં આવેલા કર્યો કરવામાં લીન હતા. કોઈને ખબર નહોતી કે ખેંગાર અને અંગાર એ લોકોની ખૂબ જ નજીક હતા. અંગારનાં એક મિત્રનાં ફ્લેટ પર બન્ને આટલા દિવસથી સંતાયા હતા. એ ફ્લેટ પર વિક્કી પોતે પોલીસની ટુકડી સાથે તપાસ કરવા માટે ગયો હતો. પણ ફ્લેટમાં અંગારનાં મિત્રનાં પરિવારને જોઈ એ લોકોને કોઈ શક થયો નહોતો. અંગારે એ દિવસો દરમિયાન નવી યોજના બનાવી હતી. એણે કરણ, અર્જુન અને વિક્કીની સાચી હકીકત મેળવી હતી. બારમાં એ નીલિમાને મળતો હતો એ પણ સમજી ગયો હતો.

અંગારને શાંત રહી કામ કરતો જોઈ ખેંગારનાં દિલને બહુ પ્રસન્નતા થાય છે. નીલિમા પર અનેક વાર બળાત્કાર કર્યા પછી પણ એને સંતોષ થયો નહોતો. અર્જુન આવી બધાને છોડાવી ગયો ત્યારે નીલિમાને પૂરી ભોગવી નથી એનો વસવસો રહ્યો હતો. જે છોકરી પાછળ ગાંડો થયો એ એને ફસાવવા માટે આવી હતી એ જાણી એને આનંદ આવે છે. ફરીથી નીલિમાને પામવા માટે અને અર્જુન, કરણ તથા વિક્કીને પાઠ ભણાવવા માટે અંગાર મેદાનમાં ઉતારવાની તૈયારી કરતો હતો.

વિક્કીને વધારે ચિંતા નીલિમા અને રીયાની થતી હતી. રાજુ સામે રીયાની સચ્ચાઈ આવી ગઈ હતી પણ પ્રતિક અને પર્વતસિંહનાં ત્યાં હોવાથી રીયા સલામત છે એ ખાતરી હતી. વિક્કી કે નીલિમાને અંદાજ નહોતો કે અંગાર સાચી વાત જાણી ચૂક્યો છે. અંગારે એક સાથે અનેક પ્લાન બનાવ્યા હતા. એના મિત્રની મદદ દ્વારા રાજુનાં બોડીગાર્ડને સંદેશો મોકલાવે છે. કોર્ટમાં લઈ જતી વખતે રસ્તામાં પોલીસને ગેરમાર્ગે દોરી રાજુને છોડાવવાની યોજના સમજાવે છે. અંગારે સામે ચાલી સંપર્ક કર્યો એટલે બોડીગાર્ડનાં જુસ્સામાં વધારો થાય છે. આટલા દિવસથી સરને છોડાવવા માટે ફાંફા મારતો હતો એમાં એને અંગાર અને ખેંગારનો સહારો મળે છે. બોડીગાર્ડ પણ રાજુને એ પ્રમાણે છોડાવવાનો અંગારને વિશ્વાસ અપાવે છે.

નક્કી કરેલી યોજના મુજબ રાજુને કોર્ટમાં લઈ જતા હોય છે, ત્યારે બોડીગાર્ડ રસ્તા વચ્ચે હાથમાં બંદૂક અને બીજો સમાન લઈ પોલીસ સાથે મૂઠભેડ કરવાની પૂરી તૈયારી સાથે રાહ જોતો હતો. દૂરથી ગાડી આવતી જોઈ બંદૂકથી નિશાન લગાવી પોલીસની ગાડીનાં ટાયરને ગોળી મારી પંચર કરે છે. એ જ વખતે ધુમાડો કરે એવો બોમ્બ ચાલુ કરી પૂરા રસ્તા પર ધુમાડો ફેલાવે છે. રાજુનાં જીવમાં જીવ આવે છે. બોડીગાર્ડને જોઈ ખુશ થઈ ગેલમાં આવી જાય છે. બાજુમાં બેઠેલા હવાલદારની રાઇફલ ખેંચી એને ઘક્કો મારે છે.

પ્રતિક એ જ ગાડીમાં આગળ બેઠો હતો. ગાડીનાં દરેક કાચ તૂટી ગયા હતા. ગાડી ઘસડાઇ ત્યારે ઊડેલા કાચનાં ટુકડા એના માથામાં વાગ્યા હતા તેથી માથામાં ઇજા થઈ હતી. પ્રતિકને ચક્કર આવતા હતા છતાં ગાડીમાંથી બહાર આવી રાજુને પકડવા દોડે છે. પોલીસની બીજી ગાડી દૂર હતી એ ગાડીમાં બેસેલા લોકોને આગળ ધુમાડાનાં કારણે કશું દેખાતું નહોતું. બોડીગાર્ડે બરાબર જગ્યા પર બોમ્બથી ધુમાડો કર્યો હતો. પ્રતિક રાજુ સુધી આવે એ પહેલા બોડીગાર્ડ એના માથામાં લોખંડનો રોડ મારે છે. જે હવાલદારને રાજુએ ઘક્કો માર્યો હતો, એ ત્યાં સુધી ઊભો થઈ રાજુનાં બન્ને હાથને પાછળથી પકડે છે. બોડીગાર્ડ આવી હવાલદારનાં માથામાં રોડ મારી બેભાન કરે છે. પ્રતિક અને હવાલદાર પર દસ સેકન્ડની અંદર બોડીગાર્ડે પ્રહાર કર્યો હતો.

પ્રતિકને માથામાંથી દડદડ લોહી વહેવા લાગ્યું હતું છતાં થોડું ભાન હતું. એ પોતાની બંદૂક કાઢી રાજુ પર નિશાન લગાવે છે. રાજુ એ જોઈ બોડીગાર્ડને આગળ ઘરે છે. પ્રતિકની બંદૂકમાંથી નીકળેલી ગોળી બોડીગાર્ડનાં હાથને છોલી નીકળી જાય છે. પ્રતિક બીજી ગોળી ચલાવે એ પહેલા બોડીગાર્ડ રાજુને ગાડી બતાવી બેસવા માટે કહે છે. રાજુ વિલંબ કર્યા વગર ગાડીમાં બેસે છે. બોડીગાર્ડ પ્રતિક તરફ બીજો ધુમાડાવાળો બોમ્બ ચાલુ કરી નાંખે છે. પ્રતિકને ધુમાડામાં દેખાતું બંધ થાય છે. એની બીજી ગોળી હવામાં ગાયબ થઈ જાય છે. અંગારનાં કહ્યા પ્રમાણે બોડીગાર્ડ રાજુને છોડાવવામાં સફળ થાય છે.

પ્રતિક બેભાન થઈ ગયો હતો. ધુમાડો ઓછો થાય છે એટલે બીજી ગાડીમાં બેઠેલી પોલીસની ટુકડી એને હોસ્પિટલ લઈ જાય છે. પ્રતિકને માથામાં દસ ટાંકા લેવા પડે છે. ડોક્ટરનાં કહેવા પ્રમાણે એને સાજો થતાં ઓછામાં ઓછા ત્રણ મહિના જેવો સમય થવાનો હતો. રાજુને છોડાવવા માટે અંગાર અને ખેંગાર કોઈ પગલું ભરશે એવી ધારણા હતી પણ, બોડીગાર્ડ આટલી હિમંત કરી રાજુને છોડાવી જશે એવું ધાર્યું નહોતું. આ બનાવથી કરણ અને વિક્કી સાથે બધાને આધાત લાગ્યો હતો. રીયા ભાઈની હાલત જોઈ શકતી નહોતી. એની સામે રાજુ આવે એ ઘડીએ એના માથામાં રોડ મારી મોતને ઘાટ ઉતારવા માટે ઉતાવળી થઈ હતી. પર્વતસિંહ અને કમિશ્નરે એને શાંત પાડી હતી.

અમદાવાદમાં આ બનાવ બન્યો ત્યારે મુંબઇમાં બીજી ઘટના બનવાની તૈયારી હતી. રાજુનાં ભાગી જવાથી બધા આઘાતમાં આવ્યા હતા. પણ મુંબઈમાં જે ઘટના બનવાની હતી એનાથી કેટલાકની ઘડકન બંધ થઈ જવાની હતી. પોતાનું માથું ભીંત સાથે અથડાવી પાગલ થવાના હતા. અંગારનાં કહેરથી લોકો ભયભીત થવાના હતા. કોઈને કલ્પના નહોતી કે અંગાર કઈ ઘટનાને સ્વરૂપ આપવાનો હતો.

જે દિવસે રાજુ પોલીસ હીરાસતમાંથી ભાગે છે એ દિવસે અંગારે નીલિમાનું અપહરણ કરવાની યોજના બનાવી હતી. લેબવાળો બનાવ બન્યા પછી વિક્કીએ નીલિમાને કરણનાં ઘરે સાધના પાસે જતાં રહેવાનુ કહ્યું હતું. પોતાના એ ઘરે જવાથી બધાનો જીવ મુશ્કેલીમાં મુકાશે એવું વિચારી નીલિમાને વિક્કી સાથે ફ્લેટ પર રોકવાનું યોગ્ય લાગ્યું હતું. વિક્કીએ એની ઈચ્છાને માન આપી બે હવાલદારને ફ્લેટ પર સુરક્ષા માટે ગોઠવ્યા હતા.

વિક્કીનો ફ્લેટ સેકન્ડ ફ્લોર પર હતો. ફ્લેટની બહાર બે હવાલદાર હોવાથી આગળથી જઈ શકાય એમ નહોતું. અંગારે ફ્લેટની પાછળ બાલ્કનીમાંથી નીલિમાને લેવાની યોજના બનાવી હતી. એના નસીબે પાછળની બાજુનાં પાર્કિંગમાં ઓછા વાહનો પાર્ક કરેલા રહેતા હતા. ભગવાન એના પર થોડો વધારે ખુશ હોય એમ ઇલેક્ટ્રિસિટીનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી એમની મોટી નિસરણી પાછળ પડેલી હતી.

અંગારની યોજના સફળ બનાવવામાં નિસરણી અગત્યનો ભાગ ભજવે છે. પાછળ બહુ વ્યકિતની અવર- જવર નહોતી રહેતી એમાં પણ બપોરનાં સમયે પાછળ કોઈ ભાગ્યે ડોકિયું કરતું. અંગારે બધી તપાસ કર્યા પછી બપોરનો સમય પસંદ કર્યો હતો. નિસરણી પરથી સીધો એ નીલિમાનાં બેડરૂમની બાલ્કનીમાં આવી જાય છે. એ સમયે નીલિમા કબાટમાં કપડાં ગોઠવતી હતી. એને બાલ્કનીમાં અવાજ સંભળાય છે. બાલ્કનીમાં કોઈવાર પક્ષીઓ આવતા હતા. બહાર કોઈ પક્ષી આવ્યું હશે એમ વિચારી નીલિમા દરવાજો ખોલી બહાર આવે છે.

બહાર પક્ષીનાં બદલે અંગારને જોઈ નીલિમા ચોંકે છે. દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરે એ પહેલા અંગાર ઘડીનાં છઠ્ઠા ભાગમાં નીલિમા પર બેભાન કરવાનું સ્પ્રે છાંટે છે. નીલિમા તરત બેભાન થઈ જાય છે. અંગાર સાવચેતીથી નિસરણી પરથી નીલિમાને લઈ ઉતરે છે. ફ્લેટનાં કોટની બહાર પાછળની બાજુ એનો મિત્ર ગાડી લઈ ઊભો હોય છે. અંગાર એના મિત્રની મદદથી સહેલાઈથી નીલિમાને ઉઠાવવામાં સફળ થાય છે.

એ દિવસે અમદાવાદમાં રાજુને બોડીગાર્ડ ભગાડી જાય છે અને મુંબઈમાં નીલિમાને અંગાર ઉઠાવી જાય છે. એક દિવસમાં બે બનાવ બને છે જેની કોઈએ કલ્પના કરી નહોતી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED