Case No. 369 Satya ni Shodh books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૮

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૩૮

અંગાર ટેબલ પર બેસી વ્હીસ્કીનો ઓર્ડર આપે છે. નીલિમા એને જુએ છે પણ બોલાવતી નથી. અંગાર હાય બોલે છે તો એને જવાબ આપતી નથી. અંગાર ફરી બોલાવે છે તો નીલિમા રડમસ ચહેરો કરે છે: “મારે આજે કોઈની સાથે વાત નથી કરવી... હું બહુ ઉદાસ છું...” નખરાં સાથે બોલી નીલિમા આખો પટપટાવે છે. એની આંખો જોઈ અંગારનો ગુસ્સો શાંત થઈ જાય છે.

અંગાર એનાં હાથ પર હાથ મૂકે છે: “કેમ? વાત ના કરવાથી ઉદાસી દૂર થઈ જશે?”

નીલિમા બીજો હાથ અંગારનાં હાથ પર મૂકે છે: “તમે મને માત્ર બે દિવસથી ઓળખો છો... છતાં મારી સાથે રોજ આ બારમાં થોડો સમય વિતાવો છો... અને એક વિક્કી છે... મને બે વર્ષથી ઓળખે છે પણ મારી સાથે બે મિનિટ વાત કરવાનો સમય નથી...”

અંગાર મનમાં ખુશ થાય છે. વિક્કીએ લેબ અને આશ્રમમાં તાળું મરાવ્યું એટલે એના પર દાજ ચડી હતી. ઉપરથી જે છોકરીને મેળવવા માંગતો હતો એની સાથે એની સગાઈ થઈ હતી. વિક્કી અને નીલું છૂટા પડી જાય તો એનો રસ્તો સાફ થતો હતો. વિક્કીને મોતને ઘાટ ઉતારવામાં કોઈ અવરોધ ના આવે અને નીલું સાથે પોતે લગ્ન કરી આજીવન એને પોતાની બનાવી શકાય. થોડી સેકન્ડમાં અંગાર ઘણા સપના જોઈ લે છે.

નીલિમા જાણીને ચૂપ બેસી રહે છે. અંગાર જેટલો સમય શાંત રહે એટલું વધારે સારું હતું. એને આગળ શું બોલવું એના માટે સમય મળતો હતો. અંગાર સપનાની દુનિયામાંથી બહાર આવે છે. નીલિમાનું ધ્યાન એના પર હતું. એ તરત રડવા લાગે છે: “તમને ખબર છે... મુંબઈ આવ્યે મારે બે દિવસ થયા છતાં એ મારી સાથે બે કલાક બીચ પર બેસવા નથી આવ્યો... મને દરિયાની લહેરો જોવાની બહુ ગમે છે... ત્યાં મારા મનને બહુ શાંતિ મળે છે... આજે સવારે મને પ્રોમિસ આપ્યું હતું કે સાંજે મને બીચ પર લઈ જશે... પણ કોઈ લેબમાં ગેરકાનૂની રીતે દવાઓ બનતી હતી. એ કેસનાં કારણે એણે પ્રોમિસ તોડી નાંખ્યું...”

નીલિમા રડતી હતી અને બોલતી હતી. લેબની વાત આવી એટલે અંગારનાં ચહેરા પર સખ્તાઈ આવી હતી. એ જોઈ નીલિમા ફરી બોલે છે: “તમને ખબર છે... એ લેબમાં નાના બાળકો સાથે અત્યાચાર કરવામાં આવતો હતો... મારી સામે એ રાક્ષસ આવે તો હું એનું ખૂન કરી નાખું એટલો મને ગુસ્સો આવ્યો છે... તો પછી વિક્કીને પણ આવ્યો જ હોય ને? હા માનું છું વિક્કીને ગુસ્સો આવ્યો હશે... તો પણ મારી સાથે પ્રોમિસ કર્યું હતું તો પૂરું કરવું જોઈએ ને?”

અંગાર સમજી શકતો નથી નીલું ગુસ્સે કઈ વાત પર થઈ છે. એકબાજુ વિક્કી ઉપર ગુસ્સો જતાવે છે તો બીજીબાજુ નાના બાળકો પર અત્યાચાર કરનારા પર ગુસ્સો જતાવે છે.

નીલિમાએ વાતો ચાલુ રાખી અંગારનાં ખભા પર માથું ટેકવી દીધું. અંગારને વિશ્વાસ નથી આવતો. એ પોતાના હાથ પર ચૂંટલો ખણી ખાતરી કરે છે. નીલિમા માથું ટેકવી વિક્કીની ફરિયાદ કરતી રહે છે. વિક્કી દૂરથી બધુ જોઈ પરાણે હસવાનું રોકી બેઠો હતો. નીલિમાનાં માથા પર હાથ મૂકવા અંગાર ઉતવાળો થાય છે.

વિક્કી એ વખતે વેઇટરને બૂમ પાડી નીલિમાને ચેતવે છે. નીલિમા માથું દૂર કરી ગ્લાસમાંથી બીયર પીવા લાગે છે: “તમને ખબર છે આજે વિક્કીએ બીજું પ્રોમિસ મારી સાથે બારમાં આવી ડાન્સ કરવાનું પણ આપ્યું હતું... પણ એ આવ્યો નહીં... મને ડાન્સ કરવાનું બહુ મન થયું છે... તમે મારી સાથે ડાન્સ કરશો?”

અંગાર જવાબ આપે એ પહેલા નીલિમા એનો હાથ પકડી ફ્લોર પર બધાની વચ્ચે લઈ જાય છે. અંગારનાં ગળામાં બન્ને હાથ ભરાવી ડાન્સ કરવા લાગે છે. અંગારને કોઈપણ હિસાબે નીલિમા સાથે મજા કરવી હતી. એ નીલિમા સાથે ડાન્સની મજા લેવા લાગે છે.

થોડીવાર બન્ને ડાન્સ કરે છે એટલે વિક્કી બહાર જઈ નીલિમાને ફોન કરે છે. નીલિમા ફોન પર ગુસ્સામાં વાત કરે છે. વિક્કીને માફી માંગવા માટે મજબૂર કરે છે. ફરી જો આવું કર્યું તો એ છોડીને જતી રહેશે એવી વાતો કરે છે. અંગારને ભેટી કાલે મળીશું કહી બાયનો ઈશારો કરી જતી રહે છે. નીલિમા જાય છે એ અંગારને ગમતું નથી પણ નીલું અને વિક્કી વચ્ચે ઝઘડો થવાથી થોડો ખુશ થાય છે.

***

બીજા દિવસે રીયા આપેલા સમય કરતાં એક કલાક મોડી આશ્રમ જાય છે. રાજુ નક્કી કરેલા સમય કરતાં વહેલા તૈયાર થઈ રીયાની રાહ જોતો હતો. રીયા નથી આવતી ત્યાં સુધી રાજુ કાગડોળે એની રાહ જોવે છે. રાજુ જેટલો વધારે અધિરીયો થાય એટલું કામ સારી રીતે અને જલ્દી પુરૂ થશે એવો રીયા અને પ્રતિકનો પ્લાન હતો.

પ્રતિક લાંબા વાળની વિગ અને ચિત્ર-વિચિત્ર મોતીઓની માળામાં ફોરેનનો પીઢ કેમેરામેન લાગતો હતો. લઘરવઘર કપડા ઘૂની માણસ હોવાની સાક્ષી પૂરતા હતા. પ્રતિકનો વેશ જોઇ એકવાર રીયા અને બચુકાકા હસી પડ્યા હતા. રાજુ સામે વેશ બદલવો જરૂરી હોવાથી પ્રતિકે ઘૂની માણસ જેવું દેખાવાનું નક્કી કર્યુ હતુ.

રીયાને જોઇ રાજુનાં જીવમાં જીવ આવે છે. રાજુએ ટીશર્ટ અને જીન્સ પહેર્યુ હતુ. રીયા સામે વઘારે એનર્જીક અને રોમેન્ટિક દેખાવા માટે આંખો પર ગોગલ્સ ચડાવ્યા હતા. રાજુ હમેંશા વ્હાઇટ શર્ટ અને સાદુ પેન્ટ પહેરતો હતો. આજે રીયા સામે વટ પાડવા માટે આદતથી વિપરીત કપડા પહેર્યા હતા. રીયા અને પ્રતિકને મનમાં ખૂબ હસવું આવે છે.

રીયા હાથ લંબાવે છે: "સોરી મી. રાજુ... અમને આવતા થોડું થઈ ગયું..."

રાજુ હાથ લંબાવવાની રાહ જોતો હતો. તરત બન્ને હાથ વચ્ચે રીયાનો હાથ પકડે છે: "કોઇ વાંધો નહીં... તમારે કોઇ મજબૂરી હશે... નહીંતો મને રાહ થોડી જોવડાવતા... તમારું કામ કેટલું કપરું છે હું જાણું છું... આજે તમને ફરિયાદનો કોઇ મોકો નહીં આપુ... આજે તમારે કામ વઘારે કરવાનું એટલે મેં તમારા નસ્તા અને જમવાની વ્યવસ્થા કરી દીધી છે... બીજું કશું જોઇતું હોય તો મને શરમાયા વગર કહેજો..."

રાજુ પોતે બોલતી વખતે શરમાવા લાગ્યો હતો. કોઇ દિવસ સ્ત્રી પાછળ આટલો ગાંડો થતા એના માણસોએ જોયો નહોતો. રાજુને રીયા પર કોઇ શક થયો નહોતો પણ એના માણસને દાળમાં કાળુ દેખાતું હતું. એના ખાસ માણસની નજર રીયા, પ્રતિક અને બચુકાકા પરથી હટતી નહોતી. પ્રતિક અને રીયા પણ કમ ખેલાડી નહોતા. એ બન્ને સાથે બચુકાકાને પણ આ વાત નજરમાં આવી હતી.

માણસનો શક દૂર થાય એ માટે ત્રણેય કામ કરવાની શરૂઆત કરે છે. લગભગ ત્રણ કલાક સુધી ત્રણેય કામમાં મશગુલ રહે છે. પ્રતિક બાળકો અને આશ્રમનો વિડિયો ઉતારતો રહે છે. બચુકાકા જુદા-જુદા ફોટાઓ પાડે છે. રીયા બાળકો અને રાજુ સાથે સવાલ પૂછી જવાબ કાગળમાં ઉતારે છે.

બપોરે જમવા બેઠા ત્યારે પણ પેલો માણસ ત્યાંથી એક મિનિટ માટે દૂર ગયો નહોતો. પ્રતિક અને રીયા આંખોથી ઇશારા કરે છે. બચુકાકા એ વખતે એ માણસ જોડે વાતો કરવા લાગે છે જેથી ઇશારા જોઇ શકે નહીં. રીયા ઇશારાથી પ્રતિકને પોતે તૈયાર હોવાનું કહે છે.

બીજા બે કલાક એ લોકો પહેલાની જેમ કામ કરતા રહે છે. એ સમય દરમિયાન બચુકાકાએ માણસ સાથે ખુબ વાતો કરી એના ફોટા લીધા. એ માણસને બાળકો વચ્ચે બેસાડી ફોટા પાડ્યા અને સવાલ પૂછ્યા. સાંજના પાંચ વાગવા આવ્યા હતા. રીયા અને પ્રતિક બન્ને રાજુને એની ઓફિસમાં લઈ જવાનું કહે છે. એનો માણસ આ સાંભળી તરત પાછળ આવે છે. રાજુ પહેલા એની ઓફિસમાં લઈ જવાની ના પાડે છે. રીયા એની મીઠી બોલીથી ઓફિસમાં રાજુનું શુટિંગ કરવા માટે સમજાવવા લાગે છે.

બચુકાકા અને પ્રતિક એ વાત પર ધ્યાન આપ્યા વગર એમનું કામ કરતા રહે છે. માણસ રાજુ પાસેથી ખસતો નથી. રીયા એની ચાલમાં સફળ થવાની હતી, એટલે માણસ આગળ આવી રોકવાનો પ્રયત્ન કરવા જાય છે ત્યાં એને થોડા ચક્કર આવે છે. હકિકતમાં બચુએ માણસની ગરદન પર હલકો હાથ મર્યો હતો જેનાથી એને ચક્કર આવે છે.

રાજુનું એના માણસ પર ધ્યાન જાય છે. રાજુ એને શું થયું પૂછે છે. રીયા જવાબ આપે છે: "રાજુભાઇ તમે અમારું ધ્યાન રાખવામાં તમારા માણસોએ લંચ કર્યુ કે નહીં તેનું ધ્યાન રાખ્યું નથી..."

રાજુ અને માણસ બન્ને કશુ વિચારે એ પહેલા રીયા નોકરને માણસ માટે લીંબુ શરબત લાવવા માટે કહે છે. રાજુ અને માણસ બોલે એ પહેલા ત્રણેય જવાની વાત કરે છે: "રાજુભાઇ મને લાગે છે આજે તમારું શૂટિંગ કરવામાં મજા નહીં આવે... તમે પણ થકી ગયા હોય એવું લાગે છે... તમારો બોડીગાર્ડ સવારથી ભૂખ્યો એક પગે ઊભો છે... મને એમની દયા આવે છે... આપણે તમારું શૂટિંગ કાલે કરીશું...”

બોલવાની સાથે એનો બધો સામાન બેગમાં ગોઠવવા લાગે છે. પ્રતિક અને બચુકાકા પણ સામાન પેક કરવાનું નાટક કરે છે. રાજુ બધાને જવા દેવા માંગતો નહોતો. રીયા અને પ્રતિક પણ જવા માંગતા નહોતા. એ લોકો રાજુની ઓફિસમાંથી બધા ડોક્યુમેન્ટ લેવા માંગતા હતા. સાચી માહિતી રાજુની ઓફિસનિ ફાઇલોમાં હતી. જ્યારે કાગળિયા હાથમાં આવે ત્યારે એમનો ઉઠાવેલો ખતરો સફળ થાય એમ હતો.

રીયા ખભા પર બેગ લટકાવી બોલે છે: “આજનું કામ ખૂબ સારી રીતે થયું છે... હવે અમને રજા આપો... આવતીકાલે અમે ફરી આવીશું... સૌથી પહેલા કાલે તમારી ઓફિસમાં શૂટિંગ કરીશું... અમે લોકો જ નહીં... તમને તમારી ઓફિસમાં તમારી ખુરશી પર બેસી બોલતા જોઇ દરેક લોકો ખુશ થઈ જશે... તમારા અનાથાશ્રમનાં બાળકો જ્યાં હશે ત્યાંથી તમને મળવા માટે દોડતા આવશે... મી. રાજુ તમે તો જાણો છો... બાળકો કોઇ દિવસ એમને ઉછેરનારને ભૂલતા નથી..."

નોકર લીંબુ શરબત લાવે છે એટલે રાજુ એ લોકોને પીવા માટે બેસવાનું કહે છે. રીયા નેપ્કિનથી ચહેરો લૂછવા લાગે છે. ખૂબ થાક અને પરસેવો થયો છે એવું બતાવી રીયા બોલે છે: “મી. રાજુ... આજે બહુ કામ કરી ખૂબ થાક લાગ્યો હતો... એમાં તમારા નોકરોએ લીંબુ શરબત બનાવ્યું એ બહુ લાભકારક છે... પણ મને એવું લાગે છે અહિયાં બેસી શરબત પીવા કરતાં બહાર હવે ઠંડો પવન શરૂ થયો હશે... ઠંડકમાં બેસી શરબત પીશું તો વધારે શરૂ રહેશે...”

રીયા શરબતનાં ગ્લાસની ટ્રે પોતાના હાથમાં લઈ બહાર તરફ ચાલવા લાગે છે. રીયાનાં હાથમાં ટ્રે જોઈ રાજુ નોકરને લડવા લાગે છે. રીયા ટ્રે સાઈડમાં મૂકી રાજુને શાંત રહેવા કહે છે. બચુકાકા એક ગ્લાસમાં ઊંઘની દવા નાંખી રાજુનાં માણસને આપે છે. આ બધુ નાટક માણસને દૂર કરવા અને રાજુને ઓફિસમાં જવા વિવશ કરવા માટે કર્યું હતું. બચુકાકા બીજા ગ્લાસમાં દવા મિક્સ કરે છે એ ગ્લાસ રીયાને આપી ઈશારો કરે છે.

રીયા: “મી. રાજુ... તમે ગુસ્સે ના થાવ... ચાલો આપણે અહિયાં જ શરબત પી લઈએ... અહિયાં ઠંડો પવન ભલે ના આવતો હોય બેસીને પીવામાં વાંધો નથી...”

રાજુ ગ્લાસ હાથમાં લઈ નોકરને ટ્રે ઓફિસમાં લાવવાનું કહે છે. રાજુ ઓફિસમાં આવી પોતાની ખુરશી પર આવી બેસી રીયાને સામે બેસવાનું કહે છે: “તમે મારૂ શૂટિંગ આજે કરી લો... મને કોઈ વાંધો નથી...”

રીયાનાં ચહેરા પર હાસ્ય અને આંખોમાં ચમક આવે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED