Case No. 369 Satya ni Shodh books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૭

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૩૭

કરણ અને વિક્કી મુંબઈમાં બાળકોનાં માતા-પિતાની હત્યાનું કાવતરું ખુલ્લુ પડે ત્યારે, એ જ દિવસે પ્રતિક રાજુનાં કારનામાંને જગજાહેર કરે એવી યોજના બધાએ બનાવી હતી. એક જ દિવસે મુંબઈ અને અમદાવાદ બન્ને અનાથાશ્રમની કાળી કરતૂત બહાર આવે તો ખેંગાર, અંગાર અને રાજુ માટે મહા મુસીબત આવી પડે એમ હતું.

રીયા પૂરી તૈયારી સાથે રાજુનાં અનાથાશ્રમમાં આવે છે. રાજુનો સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો હતો. એ તૈયાર થઈ નીકળતો હતો. બહાર થોડો ઘોંઘાટ થાય છે. જવાની ઉતાવળ હતી એમાં કોઈ કચકચ થાય એ પસંદ નહોતું. શું થાય છે એ જાણવા માટે એ બહાર આવે છે. એક માણસ કોઈને રાજુભાઇ મળી શકે એમ નથી કહેતો હતો. રાજુ કોઈને મળવા માંગતો નહોતો. એ સીધો ગાડી તરફ આગળ વધે છે. એના કાનમાં કોઈ સ્ત્રીનો અવાજ સંભળાય છે. સ્ત્રી એની કમજોરી હતી. જતાં પહેલાં સ્ત્રી કેવી દેખાય છે એ જોવા માટે એ રોકાય છે. એના માણસની પીઠ દેખાય છે. સ્ત્રી ત્યાં સોફા પર બેઠી હતી. રાજુ થોડો સાઈડ પર આવે છે એને સ્ત્રીનાં પગ દેખાય છે. ઉજળા સફેદ પગ જોઈ રાજુ એક સેકન્ડ માટે તાકી રહે છે.

સ્ત્રી રાજુભાઇને મળવાનું એના માટે ખૂબ જરૂરી છે કહી મળવા માટે આજીજી કરતી હતી. સ્ત્રીનો કોયલનાં ટહુકા જેવો અવાજ સંભાળી રાજુ મુંબઈ જવા નીકળવાનું ભૂલી જાય છે. સ્ત્રીનો અવાજ, એના મુલાયમ પગ એને સ્ત્રી તરફ જવા માટે મજબૂર કરે છે. રાજુ એના માણસની પીઠ પર હાથ મૂકી એને બાજુ પર જવા કહે છે.

સ્ત્રીનો ચહેરો જોઈ રાજુ સંપૂર્ણપણે હોશ ખોઈ બેસે છે. નાજુક દિલ મોહી લે એવો ચહેરો, આંખોમાં ડૂબી જવાનું મન થાય એટલી નસીલી, સુરાહીદાર ગરદનમાં નખની ધાર વાગે તો લોહીના લીસોટા ઉપસી આવે એટલી પાતળી ચામડી. સ્ત્રી કહેવું ભૂલ ભરેલી લાગે. સુંદર છોકરી કહેવું વધારે સારું લાગે.

એ છોકરીએ ઢીંચણ સુધીનું ચુસ્ત ફીટીંગવાળું રેડ કલરનું સ્લીવલેસ વનપીસ પહેર્યું હતું. વનપીસની અંદર એના શરીરનાં દરેક અંગ દેખાતા હતા. રાજુ એના સૌંદર્યમાં ભાન ભૂલી એની સામે સોફા પર બેસી જાય છે અને એના માણસને ત્યાંથી જવા માટે કહે છે.

રાજુને બોલવામાં તકલીફ થાય છે. એ બોલી શકતો નથી. છોકરી એને જોઈ બોલે છે: “જુઓ મિસ્ટર, મારે આ અનાથાશ્રમનાં માલિક મી. રાજુભાઇને મળવું છે... એ ક્યાંક બહાર જાય છે એવું મને ખબર પડી... તમે પ્લીસ રાજુભાઈને બોલાવશો... તો મારૂ કામ આસાન થઈ જાય...”

છોકરીનાં શબ્દો સાંભળવામાં પોતે રાજુભાઇ છે એ કહેવાનું એને સુજયું નહીં. એનો માણસ આવી એ રાજુભાઇ છે એમ કહે છે. છોકરી તરત રાજુ સામે હાથ લંબાવે છે: “હેલો મી. રાજુ... હું રીયા... અનાથાશ્રમમાં રહેતા બાળકો ઉપર હું એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનવું છું... એના માટે દરેક શહેરનાં અનાથાશ્રમની માહિતી અને વિડીયો ઉતારવાનું કામ કરું છું... અમદાવાદમાં તમારા અનાથાશ્રમને અમારા પ્રોડ્યુશરે પસંદ કર્યો છે...”

રીયાનો હાથ પકડી રાજુ એની વાતો સાંભળતો રહ્યો. રીયા પણ હાથ છોડાવવાનાં બદલે એને વાતોમાં ઓળગોળ કરતી હતી. એ જાણતી હતી એની સુંદરતા પાછળ રાજુ દીવાનો થઈ ગયો છે. નખરાં કરતી એ બોલતી રહી. રાજુ માત્ર હાથ પકડીને મદહોશ થવા લાગ્યો હતો. એમાં રાજુનો કોઈ વાંક નહોતો. રીયા જાણીજોઇ એટલી સુંદર તૈયાર થઈ આવી હતી. સુંદર તો પહેલેથી હતી એમાં ટૂંકા વસ્ત્રો અને આકર્ષક મેકઅપ એને વધારે સુંદર બનાવતો હતો.

થોડીવાર થાય છે એટલે રીયા પોતાનો હાથ છોડાવે છે: “રાજુભાઇ તમારા ત્યાં મહેમાનને પાણીનો ભાવ પુછવામાં આવે છે કે નહીં? માફ કરજો... મને તરસ વધારે લાગી છે... એટલે.......”

રાજુ હવે થોડો સભાન થાય છે. સુંદર છોકરીને એવું નાં લાગવું જોઈએ કે એ ભાન ભૂલ્યો છે. એ નોકરને પાણી લાવવાનું કહે છે. પાણી પીતી વખતે રીયા જાણીજોઇ થોડું પાણી હોઠથી નીચે દદડાવે છે. પાણીનાં ટીપાં હોઠ પરથી દાઢી પર, દાઢી પરથી ગળા પર, ગળા પરથી છાતી પર ટપકે છે. રાજુ પોતાના પર કાબૂ રાખી શકતો નથી એ ઊભો થઈ રીયા નજીક આવે છે. રીયા પણ ચેતી ગઈ હતી. એ ઊભી થઈ રૂમમાં નાના બાળકોનાં ફોટાઓ લટકતા હતો, ત્યાં ઝડપથી જાય છે: “રાજુભાઇ હું માનું છું ત્યાં સુધી તમારા અનાથાશ્રમનાં બાળકોના ગ્રુપ ફોટાઓ છે?”

રાજુને પોતાના પર ગુસ્સો આવે છે. એની જાતને સંભાળે છે. પોતાની ઇમેજ સારી બનાવવા માટે બાળકોને ખૂબ પ્રેમ કરે છે એમ બતાવે છે: “હા... એ મારા જીવથી વધારે વ્હાલા બાળકોનાં ફોટા છે... હું દરેક વર્ષે એ લોકોનાં ગ્રુપ ફોટા પડાવું છું... ફોટા પડાવવાથી એ લોકોનાં ચહેરા પર જે ખુશી આવે એ જોઈ હું પણ ખુશ થઈ જાઉં છું... મા-બાપ વગરનાં બાળકોને માતા-પિતા બની દુનિયાદારીની સમજ આપવાનો પ્રયાસ કરું છું... જ્યારે બાળકનાં ચહેરા પર માસૂમ હાસ્ય આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું, ‘દરેક બાળકને ખુશ રાખવાની શક્તિ આપજે’... ભગવાન પણ સાથ આપે છે એટલી ખુશી છે...”

રાજુનાં મોઢે એના પોતાના વખાણ સાંભળી રીયાને બહુ ગુસ્સો આવે છે. બાળકો સાથે કેવું વર્તન કરે છે એ જાણતી હોવા છતાં અત્યારે એને રાજુનાં ખોટા વખાણ કરવા પડે છે. જે અનાથાશ્રમમાં એનું બાળપણ ખોવાઈ ગયું, ત્યાં બાળપણને કચરી નાંખનારાની વાહવાહી કરવી પડે છે. જે અનાથાશ્રમનો દરેક ખૂણો એના રુદનનો સાક્ષી છે, ત્યાં દરેક ખૂણામાં ખુશીઓ ભરેલી બતાવવી પડે છે. માતા-પિતાનાં હત્યારાને સારા માતા-પિતા બની બાળકોને પ્રેમ આપે છે એવી ખુશામત કરવી પડે છે. બાળકો પર અત્યાચાર કરનારાને બાળકોનાં રક્ષક કહેવું પડે છે. અનેક બાળકોને સારું જીવન આપવા માટે રીયા વખાણનાં પુલ બનાવે છે. રાજુ એ પુલ પર આકાશમાં પરી સાથે ઊડે છે એવા સપના જોવે છે.

અત્યારે આશ્રમમાં કેટલા બાળકો છે, એ ખબર નથી પણ દરેકને મુક્ત કરાવવા માટે ખોટા વખાણ કરવા જરૂરી હતા. અત્યારે રાજુ મુંબઈ જવાનું ભૂલી ગયો હતો એ વાતની ખુશી આગળ એના ખોટા વખાણ બહુ મોંઘા નહોતા. રીયાની વાતોમાં રાજુ અત્યારે કેટલા બાળકો છે. કેટલી ઉંમરનાં છે બધી માહિતી આપવા લાગે છે.

રીયાનો પ્લાન સફળ થઈ રહ્યો હતો એટલામાં રાજુનાં ફોન પર રીંગ આવે છે. ફોન ખેંગારનો હશે એ રીયાને પહેલેથી વિશ્વાસ હતો. રાજુ ફોન જોઈ અવઢવમાં મૂકાય છે. ખેંગાર જોડે વાત શું કરવી એ સમજાતું નથી. એટલે એ ફોન મ્યુટ કરી દે છે. રીયા એની સામે જોવાના બદલે આજુબાજુ નજર કરતી રહે છે. પોતાની પરેશાની પર રીયાનું ધ્યાન નથી એ વાતથી રાજુને હાશ થાય છે. એ ફરી રીયા સાથે વાતોમાં પરોવાય છે.

વાત કરતી વખતે રીયા પોતાની સામે જોવાનું ટાળતી હતી એ રાજુનાં ધ્યાનમાં આવે છે. પરંતુ છોકરીઓ કોઈ દિવસ સામે નજર કરી જોતી નથી એમ વિચારી એના સુંદર ચહેરાને જોતો રહે છે. જો રીયા સામે જોઈ વાત કરે તો પોતે એને નિહાળી શકશે નહીં એમ વિચારી ખુશ થાય છે.

રીયા અનાથાશ્રમનું શૂટિંગ કરવાની અને બાળકો સાથે વાતચીત કરવાની પરવાનગી માંગે છે. અનાથાશ્રમમાં કામ કરતાં કર્મચારીઓ અને બાળક દત્તક લેનાર દંપત્તિ અને બાળકોને મળવા માટેની વાત પણ કરે છે. રાજુ બધા કામ કરવા માટે હા પાડે છે. એને રીયા સાથે વધારે સમય વિતાવવો હતો, એના માટે આગળ શું પરિણામ આવી શકે એ વિચારવાનું સુજયું નહીં. રીયા બીજા દિવસે બધો સામાન અને બીજા બે માણસો લઈ આવી જશે એવું કહી રાજુની સામે હાથ લંબાવે છે. રાજુ ફરીવાર કોમળ હાથનો સ્પર્શ કરવા મળ્યો એનાથી ગેલમાં આવી જાય છે.

***

રાજુ ફોન ઉપડતો નહોતો એટલે ખેંગાર બરાબર ગુસ્સે ભરાયો હતો. રીયાનાં ગયા પછી રાજુ ફોન કરે છે. ખેંગાર ગાળોથો શરૂઆત કરે છે. રાજુ બહુ અગત્યનું કામ આવી ગયું હોવાથી બે દિવસ આવી શકશે નહીં એમ જણાવી ફોન મૂકી દે છે. ખેંગાર બહુ અકળાય છે પણ કશું કરી શકતો નથી.

અંગાર ગમે તે ભોગે આજે નીલુંને સંકજામાં લઈ વિક્કીનું કાસળ કાઢવા માટેની તૈયારી કરતો હતો. રાજુ આવે કે ના આવે અંગારને કોઈ ફર્ક પડતો નહોતો. જ્યારે ખેંગારને રાજુનાં આવવાથી ઘણી રાહત રહેશે એવું લાગતું હતું. રાજુ આમ અચાનક કયું કામ આવી ગયું તો આવવાની ના પાડે છે? આવવાની બધી તૈયારી થઈ ગઈ હતી. હું થોડીવારમાં નીકળું છું એવું કહ્યું પછી અચાનક ના કેમ પાડી? શું કારણ હશે? અનેક સવાલ ખેંગારનાં મનમાં આવ્યા હતા. રોહિત સમજી ગયો હતો રાજુને કયું અગત્યનું કામ આવ્યું છે. બધાને ગુસ્સામાં જોઈ અને રીયાનો પ્લાન સફળ થઈ રહ્યો છે, એ બન્નેની ખુશી હોવા છતાં ઉદાસ ચહેરે બેસી રહે છે.

***

રીયા ઘરે આવી પ્રતિક અને બચુકાકાને બધી વાત જણાવે છે. ફોન કરી કરણ અને વિક્કીને પહેલો પ્લાન સફળ થયો હોવાની વાત કરે છે. બીજા બે દિવસ રાજુને અમદાવાદ રોકી રાખવા માટે કરણ કહે છે. આજે બારમાં જઈ ફરી અંગારને નીલિમા મળવાની છે એ વાત વિક્કી કહે છે. કરણ બધાને સાવચેત રહી આગળ કામ કરવા માટે કહે છે. દુશ્મનો ચાલાક છે. એમને ગંધ આવી જાય કે નીલિમા અને રીયાને અર્જુને મોકલ્યા છે, તો બન્ને છોકરીઓની જિંદગી મુશ્કેલીમાં આવી શકે એક હતી.

***

એ રાત્રે નીલિમા બારમાં જાય છે ત્યારે અંગાર આવ્યો નહોતો. અંગાર બારમાં આવવા નીકળ્યો છે એવો રોહિતનો મેસેજ આવે છે. વિક્કી સાદા કપડામાં દાઢી-મૂંછથી દેખાવ બદલી નીલિમાનાં ટેબલથી દૂર બેસે છે. અંગાર આવે છે એટલે નીલિમા બીયરનો ગ્લાસ ઉપાડી પીવા લાગે છે.

અંગાર બારમાં આવી સીધો નીલિમાને શોધે છે. નીલિમા ખૂણામાં બેઠેલી દેખાય છે એટલે તરત એની પાસે જાય છે. એના માણસોને દરવાજા પાસે ઊભા રહેવા માટે કહે છે. નીલિમા જે ટેબલ પર બેઠી હતી એ ટેબલ CCTV કેમેરામાં સીધું દેખાતું હતું. વિક્કી જે ટેબલ પર બેઠો હતો તે ટેબલ CCTVમાં દેખાતું હતું પણ ખુરશી એવી રીતે હતી જે બિલકુલ દેખાય નહીં. બન્ને ટેબલની પસંદગી એમના પ્લાન પ્રમાણે કરવામાં આવી હતી.

અંગાર ટેબલ પર બેસી વ્હીસ્કીનો ઓર્ડર આપે છે. નીલિમા એને જુએ છે પણ બોલાવતી નથી. અંગાર હાય બોલે છે તો એને જવાબ આપતી નથી. અંગાર ફરી બોલાવે છે તો નીલિમા રડમસ ચહેરો કરે છે: “મારે આજે કોઈની સાથે વાત નથી કરવી... હું બહુ ઉદાસ છું...” નખરાં સાથે બોલી નીલિમા આંખો પટપટાવે છે. એની આંખો જોઈ અંગારનો ગુસ્સો શાંત થઈ જાય છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED