Case No. 369 Satya ni Shodh books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૬

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૩૬

કરણ અને વિક્કીનાં મગજમાં બીજી યોજનાને આકાર આપવાની વાત ફરવા લાગી હતી. લેબ પકડાઈ જવાથી એ લોકોને નુકશાન ઘણું થયું હતું એ વાતથી કરણ અને વિક્કીને સંતોષ હતો. એ બન્ને દુશ્મનોને બધી રીતે ખુલ્લા પાડી પછી જેલમાં લઈ જવા માંગતા હતા.

ખેંગાર અને અંગારને ખબર પડતી નથી કે લેબ બાબતે વિક્કીને કેવી રીતે ખબર પડી? ખેંગાર, અંગાર, શુક્લા, ખત્રી અને રોહિત પાંચેય બેસી આ બાબતે ચર્ચા કરતાં હતા. ખેંગારનાં ફોન પર રીંગ આવે છે. એ નામ વાંચી ખેંગાર પોતાનો ફોન બધાને બતાવે છે. સ્ક્રીન પર અર્જુન નામ લખેલું હતું.

ખેંગાર ફોન ઉપાડે છે: “અર્જુન, મને હવે ખાતરી થઈ... મારી લેબ વિષે માહિતી તેં પેલા નવા પોલીસને આપી છે... તેં બહુ મોટી દુશ્મની લઈ લીધી...”

કરણ: “એ ખેંગાર... મને નાની દુશ્મનીનો શોખ નથી... મારી પસંદ હમેંશા ઊંચી રહી છે... મેં જ તારી લેબ વિષે છૂપી રીતે માહિતી પોલીસ સ્ટેશન પહોંચાડી છે... ભગવાનનો અહેસાન માન કે લેબ તારી છે એ વાત કરી નથી... મારે તને આમ આસાનીથી જેલ ભેગો કરવો નથી... તને તો બહુ પ્રેમથી... બહુ વધારે હેરાન કરી... તારી ઇજ્જતનાં ઘજાગરા ઉડાડી... રાતોની ઉંધ હરામ કરી... જેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે, એ બધી છોકરીઓનાં ચપ્પલથી માર ખવડાવી... માસૂમ છોકરાઓની લાતો ખવડાવી... પછી જેલ ભેગો કરીશ...”

અંગાર: “એ અર્જુન... આમ સંતાઈને કેમ વાતો કરે છે... તારામાં તાકાત હોય તો સામે આવી જા... આમ સંતાઈને બદલો લેવાના બદલે સામસામે એક દાવ રમી લઈએ...”

કરણ: “ઓ મૂરખનાં સરદાર... તારી બુદ્ધિ હજી પણ સુધરી નહીં... તું મૂર્ખામી જ કર્યા કર... બહુ જલ્દી મારી બીજી ચાલ રમીશ... તમે લોકો બચી શકો તો બચીને બતાવો... ગમે તેવી મોટી ઓળખાણ અને કરોડો રૂપિયા તમારા કશા કામમાં નહીં આવે... હું એવો સમય આવવા દઇશ નહીં કે તમે બચાવ માટે કોઈ પગલાં લો...

અંગાર: “અર્જુન મને લાગે છે ફોન પર જ ગેમ જીતવાનો તારો ઇરાદો છે? લેબ બાબતે સફળતા મળી એટલે તને એવું લાગે છે... તું જે બકવાસ કરે છે એ બધુ કરીને બતાવીશ... તારી બીજી કોઈ ચાલ હું સફળ થવા દઇશ નહીં...”

કરણ: “અંગાર, તું ખરેખર ડફોળ જ રહ્યો... તું મને રોકી શકીશ નહીં... તમારી બરબાદી મારા હાથે જ લખાઈ છે... અને હા... એક પછી એક દાવ રમી બદલો લેવાની જે મજા મને આવશે... એનો અંદાજ તમને બન્ને ભાઈને ક્યારેય નહીં આવે... જે દિવસે તારી સામે આવી ઊભો રહીશ ત્યારે તારી બોલતી બંધ થઈ જશે... ભગવાનને પ્રાર્થના કરજે... મારો સામનો કરવાનો તારો વારો આવે નહીં... ખેંગાર તારા ભાઈને જરા પકડીને રાખજે... હજી થોડા દિવસ એનું આયુષ્ય બાકી છે તે શાંતિ રાખી જીવી લેવાનું કહે...”

કરણ આટલું બોલી ખડખડાટ હસતો રહે છે. મોબાઈલનાં સ્પીકર પર સંભળાતું એનું હાસ્ય ત્યાં હાજર ખેંગાર, અંગાર, શુક્લા અને ખત્રીનાં કાનમાં પડઘા પાડે છે. રોહિત બધાના ચહેરા પર આવેલી પરેશાની જોઈ મનમાં ખુશ થતો હતો. અંગારથી હાસ્ય સહન ના થતાં એ ફોન કટ કરે છે.

કરણ હસવાનું બંધ કરી વિક્કીને ફોન કરે છે: “વિક્કી, લેબમાંથી જે ફાઇલ મળી છે એમાં અનાથાશ્રમનાં બાળકોનાં માતા-પિતાની અને એમની મિલકતની માહિતી કેટલી સાચી છે?”

વિક્કી ખુશ થતો બોલે છે: “કરણભાઈ, એ ફાઇલ જેકપોટ છે અને લેબમાંથી મળેલા પાઉડરનાં રિપોર્ટને આધારે ખેંગારની ફાર્મા લેબને હમેંશા માટે તાળું મારી શકાય એવું છે...”

કરણ: “છોટે તો પછી કોની રાહ જોવાની છે?”

વિક્કી: “ભાઈ... હું એક દિવસમાં બે ધડાકા કરવા માંગુ છું... બાળકોને અનાથ બનાવી એમની જિંદગી બદતર કરવાની ધૃણાસ્પદ વાત અને સંકટ હોસ્પિટલ અને ફાર્મા કંપનીની દવામાં હાનિકારક પાઉડરની મિલાવટ...”

***

કરણ અને વિક્કી રજેરજ બધી વાત પર્વતસિંહ અને કમિશ્નરને કરે છે. ખેંગાર વિરુદ્ધ અર્જુને પુરાવા એકઠા કર્યા એ તથા નવા હાથ લાગેલા પુરાવા બધાને ભેગા કરી વિક્કી દવાનું પરીક્ષણ અને બાળકોનાં માતા-પિતાનાં અકસ્માત કરાવી મિલકત પડાવી લેવાની વાતો જનતા સમક્ષ લાવવા માટે કમિશ્નરની હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે. સંજય ફરી એકવાર બધા પત્રકારોની મદદ લે છે.

પ્રેસ કોન્ફરન્સમાં કયા સવાલ પૂછવા એ પણ સંજય બધાને પહેલેથી જાણ કરી રાખે છે. કોન્ફરન્સમાં વિક્કી બધી વાતોનો ઘટસ્ફોટ કરે છે. પરંતુ આ વખતે પણ આ બધા બનાવો પાછળ ખેંગાર જવાબદાર છે એ વાત અધ્યાહર રાખે છે.

કોન્ફરન્સ પૂરી થાય છે પછી સંકટ હોસ્પિટલ, લેબ અને અનાથાશ્રમ બધાને તાળાં વાગે છે. ખેંગાર અને અંગાર હાથ મસળતા રહી જાય છે અને અનાથાશ્રમ અને લેબ સરકાર સીલ કરે છે. બે વર્ષ પહેલા આંગરે છોકરીઓને આશ્રમથી દૂર બીજી જ્ગ્યા પર રહેવાની વ્યવસ્થા કરી હોવાથી છોકરીઓનાં દેહવ્યાપારની વાત બહાર આવી નહોતી.

શુક્લા અને ખત્રી અત્યારે અર્જુન કરતાં વધારે ખેંગાર અને અંગારથી ડરતા હતા. બે વર્ષથી કોઈ તકલીફ વગર ખેંગારનાં આપેલા રૂપિયાથી જલસા કર્યા હતા. અર્જુનનાં નામનો ડર રહ્યો નહોતો. અચાનક અર્જુનનો ફોન આવ્યો. લેબ અને આશ્રમ સીલ થયા. ફાર્મા કંપની બંધ થઈ ઉપરથી અદાલતમાં કેસ ચાલશે ત્યારે કરોડો રૂપિયાનો દંડ ભરવાનો થશે. બન્નેએ પહેલા જેટલી મજા કરી હતી એનાથી અનેકઘણી વધારે તકલીફ આવવાની હતી. એના ડર માત્રથી બન્ને ગભરાઈ ગયા હતા. ગમે તે સમયે અંગાર લમણા પર બંદૂક મૂકી દેશે એ બીકથી બન્નેને પરસેવો વળતો હતો.

ખેંગાર અને અંગાર શું કરવું જોઈએ એ સમજી શકતા નહોતા. રોહિતનું કામ એ લોકોને માર્ગદર્શન આપવાનું હતું. રોહિત બધાના મનની સ્થિતિ સારી રીતે સમજી ગયો હતો. ખેંગાર અને શુક્લા વચ્ચે તિરાડ પાડવાનું કામ કરવાનું હતું. બન્ને વચ્ચે અંટસ ઊભી કેવી રીતે થાય એનો ઉપાય શોધતો હતો. શુક્લાએ સામે ચાલી ‘આ બેલ મુજે માર’ કહેવત સાચી પડે એમ રોહિતને ઉપાય બતાવ્યો.

શુક્લા પોતાને બચાવવા બોલે છે: “પેલો નવો ઇન્સ્પેક્ટર કોણ છે ક્યાંથી આવ્યો છે ખબર નથી... પાછો કમિશ્નર, DGP, IG બધાનો વ્હાલો છે... બસ બે દિવસમાં હું એની કુંડળી કાઢી તમને બતાવું છું... અને એને મુંબઈથી દૂર બીજે બદલી કરવી દઉં છું...”

રોહિત જોરથી હસે છે: “શુક્લાસર... તમે મજાક કરો છો... તમને નથી ખબર એ કોણ છે? શું ખોટું બોલો છો... અંગારભાઈ બારમાં જે છોકરી સાથે બેઠા હતા એ છોકરીનો ભાવિ પતિ છે... ખેંગારભાઈ તમને ખબર છે, એ નવો પોલીસ કમિશ્નરનાં ખાસ દોસ્તનો દીકરો છે... મને એમ કે શુક્લાસર બધુ જાણે છે... આખરે એ DYSP છે તો બધી માહિતી રાખતા હશે...”

રોહિત બોલવાનું બંધ કરી ચૂપચાપ ખુરશીમાં બેસી જાય છે. ખેંગાર આગ વરસાવતી નજરે શુક્લા સામે જુએ છે. શુક્લા અને ખત્રી રોહિતની ચાલ સમજી શકતા નથી. રોહિત બધી વાત જાણતો હતો અને પોતે નથી જાણતા એ ખેંગારને ગમ્યું નથી એ જાણીને પણ એ બન્ને પરાણે હસી બેસી રહે છે.

અંગારનો ગુસ્સો વધવા લાગ્યો હતો. જે છોકરી સાથે મનોરંજન કરવા માંગતો હતો એનો મંગેતર આફત બની આવ્યો હતો. નીલુંને મેળવી ના શકયાનો બધો ગુસ્સો વિક્કી પર હતો. શુક્લા અને ખત્રીને લખો રૂપિયા ખવડાવ્યા એ અત્યારે પાણીમાં બરબાદ થયા હતા. પોતે નીલુંનો સહારો લઈ વિક્કી સુધી પહોંચશે અને ખતમ કરશે એવું બોલી ત્યાંથી નીકળે છે. રોહિત ફરી મનમાં ખુશ થાય છે, ‘બચ્ચું તું નીલું સુધી જા તો ખરો શું કરવા ગયો છું એ પણ ભૂલી જઈશ’.

***

મુંબઈમાં કરણ અને વિક્કીએ મોરચો સંભાળ્યો હતો. હંસા અને કિશોર એમના ઘરે આવી ગયા હતા. સાધના, સુધા અને પર્વતસિંહ આર્યાને લઈ પોતાના ઘરે આવી ગયા હતા. કરણની પત્ની સંધ્યા અને પુત્ર ચિન્ટુ બે દિવસ પહેલા કરણ સાથેજ પોતાના ઘરે આવી ગયા હતા. સંધ્યાએ આર્યાની બધી જવાબદારી ઉપાડી લીધી હતી. ચિન્ટુને નાની બહેન મળી હતી એટલે એ ખૂબ ખુશ હતો. કરણનાં ઘરમાં ફરી હાસ્ય ફેલાયું હતું. દરેકને આવનારા દિવસો ખૂબ તકલીફ લઈને આવવાનાં છે એ ખબર હતી, પણ એકબીજાનો સાથ હોવાથી દરેક હિમંતથી કામ લેતા હતા.

સાધનાનાં ચહેરા પર ચિંતાની રેખાઓ રહેતી. આખો દિવસ ભગવાનનું નામ લેવામાં અને પૌત્રી આર્યાનું ધ્યાન રાખવામા વિતાવતી. સંધ્યા અને સુધા કોઈ બહાને એની સાથે આખો દિવસ વાત કરી એનું ધ્યાન બીજે દોરવાની કોશિશ કરતાં રહેતા. વિક્કી અને નીલિમા એમના ફ્લેટમાં આખો દિવસ યોજના વિષે નવા-નવા ઉપાયો વિચારતા સાથે દિવસમાં બે થી ત્રણ વાર સાધના સાથે વાત કરી લેતા. રોહિત વધારે પડતો સમય ખેંગારની ઓફિસમાં વિતાવતો અથવા સરકાર તરફથી મળેલા ક્વાર્ટરમાં રહેતો.

મુંબઈમાં ખેંગાર અને અંગારને જેલ ભેગો કરવા માટેની તડામાર તૈયારી થતી હતી. બીજીબાજુ રીયા, પ્રતિક અને બચુકાકા અમદાવાદ રાજુનું સામ્રાજ્ય જમીનદોસ્ત કરવા માટે આવી ગયા હતા. પર્વતસિંહે પ્રતિકની અમદાવાદમાં પોલીસ તરીકે નોકરી શરૂ કરાવી હતી. સુભાષ અને પર્વતસિંહની પોલીસચોકીમાં પ્રતિક ઇન્સ્પેક્ટર તરીકે હાજર થયો હતો. વર્ષો પહેલાં જે કામ સુભાષ, પર્વતસિંહ અને અર્જુનથી અધૂરું રહ્યું હતું એ કામ પૂરું કરવા માટે પ્રતિક અને રીયા પાછા એ જ્ગ્યાએ આવ્યા હતા. પ્રતિકે ક્વાર્ટર પણ અર્જુન રહેતો હતો એ લીધું હતું.

મુંબઈમાં લેબ અને અનાથાશ્રમની વાત ખેંગારે રાજુને કરી હતી. એ મુંબઈ જવાની તૈયારી કરતો હતો. એને ખબર નહોતી વાવાઝોડું મુંબઈમાં આવ્યું એવું તોફાન એના ત્યાં આવવા માટે નીકળી ગયું છે. કરણ અને પર્વતસિંહ જાણતા હતા, રાજુ બધી વાત જાણી મુંબઈ આવવા માટે નીકળશે. એ લોકોનો પ્લાન રાજુને અમદાવાદમાં રોકી રાખવાનો હતો. રાજુ મુંબઈ આવી જાય તો રીયા અને પ્રતિકનો પ્લાન સફળ થાય નહીં અને અમદાવાદનાં અનાથાશ્રમનો ભાંડો ખૂલવામાં વિલંબ થાય એમ હતું.

કરણ અને વિક્કી મુંબઈમાં બાળકોનાં માતા-પિતાની હત્યાનું કાવતરું ખુલ્લુ પડે ત્યારે, એ જ દિવસે પ્રતિક રાજુનાં કારનામાંને જગજાહેર કરે એવી યોજના બધાએ બનાવી હતી. એક જ દિવસે મુંબઈ અને અમદાવાદ બન્ને અનાથાશ્રમની કાળી કરતૂત બહાર આવે તો ખેંગાર, અંગાર અને રાજુ માટે મહા મુસીબત આવી પડે એમ હતું.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED