Case No. 369 Satya ni Shodh - 34 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૪

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૩૪

રોહિત પાસે લોક નંબર હતો. એ ખૂબ ઝડપથી અંગારનાં મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરે છે. બે મિનિટ જેવા સમયમાં એપ ડાઉનલોડ થઈ જાય છે એટલે અંગારનાં ફોનમાં એ એપ હિડન કરે છે. અંગારનાં ફોનનો બધો ડેટા રોહિતનાં ફોનમાં ઓપન થાય છે. રોહિત સમય ગુમાવ્યા વગર અંગાર નો ફોન પાછો ટેબલ પર મૂકી બહાર નીકળે છે.

રોહિત બહાર આવી નીલિમાને ફોન કરે છે. નીલિમાને ખબર પડે છે કે કામ થઈ ગયું. અંગારને વધારે હેરાન કરવા માટે વિક્કીનો ફોન છે એમ કહી ફોન ઉપાડે છે. અંગારની હાજરીમાં વિક્કી સાથે બહુ પ્રેમથી વાત કરવાનું નાટક કરે છે. વાત કરતી વખતે નખરાં જોઈ અંગારની ઈચ્છાઓ વધારે જાગે છે. પણ ભાઈને વચન આપ્યું હતું કોઈ ઉતાવળ નહીં કરે એટલે વિવશ થઈ હાથની મુઠ્ઠી વાળે છે.

કોઈને ફોન પર વાત કરતાં જુઓ તો દરેકને ફોન જોવાની ઈચ્છા થાય. નીલિમાને ફોન પર વાત કરતાં જોઈ અંગારને ફોન આવે છે. ખિસ્સામાં ફોન મળતો નથી. એ દોડી અંદર જાય છે. એની પાછળ એના માણસો પણ અંદર દોડે છે. ટેબલ પર ફોન જોઈ રાહત થાય છે. ટેબલ પરથી ફોન લઈ અંગાર ખિસ્સામાં મૂકે છે. સહેજ પણ વિચાર્યા વગર બન્ને માણસોને ઉપરા-છાપરી થપ્પડ લગાવે છે: “તમે બન્ને કશા કામનાં નથી... મારો ફોન અહિયાં રહી ગયો તો તમારા બન્નેની નજર પડી નહીં?”

અંગાર ફરી બન્નેને તમાચા મારે છે. બન્ને માણસોને ત્યારે ખબર પડે છે કે ત્યાં અંગારનો ફોન રહી ગયો હતો. બન્ને જ્યારે બહાર નીકળ્યા ત્યારે ત્યાં એ લોકોએ ચેક કર્યું હતું. ત્યારે ત્યાં ફોન નહોતો. તો પછી અત્યારે કેવી રીતે આવ્યો. રોહિત અને નીલિમા પણ આ ખેલ જોતાં હતા. એ લોકો જોવા માંગતા હતા કે અંગારને કોઈ શક થયો છે કે નહીં. એક માણસ બોલવાની કોશિશ કરે છે, પણ અંગરને ગુસ્સો આવે તો ખેંગાર સિવાય કોઈની વાત સાંભળતો નહીં. માણસોને શક થયો છે એ એમના વર્તન પરથી નીલિમા અને રોહિતને ખબર પડે છે. વધારે સમય ત્યાં રોકવાનાં બદલે એ બન્ને નીકળી જાય છે.

***

ખેંગાર સરગમ ડિસ્કો બારની ઓફિસમાં CCTV કેમેરાનું રેકોર્ડિંગ જોતો હતો. માણસોએ એને બધી વાત કરી. ખેંગાર કોઈ રિસ્ક લેવા માંગતો નહોતો એટલે હકીકતમાં શું થયું હતું એ જાણવા આવ્યો હતો. પહેલી નજરમાં રેકોર્ડિંગ જોતાં કશું વાંધાજનક દેખાતું નથી. પણ ફરીવાર ધ્યાનથી જોવાથી એક ભાઈ અંગારનો ફોન ટેબલ પર મૂકે છે, એટલું ખબર પડે છે. એમાં ભાઈની પીઠ દેખાય છે પરંતુ એ ભાઇનો ચહેરો દેખાતો નથી. ખેંગાર એ પીઠનો ફોટો દરેકને આપે છે અને એને શોધવા માટે કહે છે. એને ખતરાની ઘંટી સંભળાઈ હતી. આ વાત અંગારને કહેતો નથી, એને ખબર પડે તો ગુસ્સામાં શું કરી બેસે એ ખબર નહોતી. ખેંગાર બધી વાત અમદાવાદ રાજુને કહે છે અને વિડીયો પણ મોકલે છે. પહેલેથી અર્જુન અને કરણથી ડર હતો. અંગાર પર કોઈ મુસીબત આવે તો બન્નેમાંથી કોઈ સહન કરી શકે એમ નહોતું. એટલે દરેક બાબત પર વિચાર કરતાં હતા. ખેંગાર મોબાઈલનો શું ગોટાળો થયો છે એ જાણવાનું નક્કી કરે છે.

***

કરણ અને રોહિત મોબાઈલમાં અંગારનો ડેટા ચેક કરતાં હતા. સામે ટેબલ પર કોમ્પુટર હતું એના પર વિડીયોકોલથી વિક્કી અને નીલિમા એ બન્ને સાથે વાત કરતાં હતા.

કરણ: "રોહિત, તને પાક્કી ખાતરી છે... તારો ચહેરો CCTVમાં નથી આવ્યો?"

રોહિત: "હા કરણભાઈ... કારણકે મેં એ બારનાં દરેક CCTVમાં કયું ટેબલ દેખાતું નથી એ બધુ પહેલાથી ચેક કર્યું હતું... અને એ પ્રમાણે મેં બન્ને ટેબલ પસંદ કર્યા હતા..."

નીલિમા: "પણ રોહિત, જ્યારે તેં ફોન પાછો મૂક્યો ત્યારે તો દેખાયું હશે ને?"

વિક્કી: "નહીં નીલું, રોહિતે એનો ચહેરો ના દેખાય એનું પૂરું ધ્યાન રાખ્યું હશે... કરણભાઈ જો ચહેરો દેખાઈ ગયો હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી... આપણાં પ્લાન મુજબ મારે ખેંગારનાં ગઢમાં પગપેસારો કરવાનો હતો... એના બદલે આપણે રોહિતને ત્યાં મોકલીએ તો કેવું રહેશે?"

કરણ ધ્યાનથી અંગારની ખુફિયા માહિતી મોબાઈલમાં ચેક કરતો હતો. થોડીવાર બધા શાંત થઈ જાય છે. કરણ આ વખતે કોઈ ભૂલ કરવા નહોતો માંગતો એટલે પ્લાનિંગમાં કોઈ કચાસ રાખવી નહોતી. જે અગત્યનું દેખાય એને અર્જુનવાળી ડાયરીમાં લખે છે.

અર્જુનનાં એકઠા કરેલા પુરાવા અને અત્યારની માહિતીમાં માત્ર જગ્યા જુદી હતી પરંતુ કામગીરી જૂની જ હતી. ખેંગારે કોઈ કામગીરી બંધ કરી નહોતી ઉપરથી બાળકો અને છોકરીઓ પર અત્યાચાર વધ્યો હતો. બસ સ્થળ બદલી નાંખ્યા હતા. બાળકો પર દવાનું પરીક્ષણ કરવા માટે સંકટ હોસ્પિટલથી થોડા કિલોમીટર દૂર થોડી વેરાન જગ્યા પર નવી લેબ બનાવી કરવામાં આવતું હતું. છોકરીઓને અનાથાશ્રમનાં બદલે નવી લેબથી નજીક નવું બિલ્ડીંગ બનાવ્યું હતું એમાં રાખવામા આવતી હતી.

કરણ આ વખતે બધા અત્યાચારનાં અંત સાથે ખેંગાર અને અંગારનાં પણ અંત કરવા માંગતો હતો. ખેંગારે હજારો છોકરીઓ અને બાળકોની બરબાદી અને લાશ પર એનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું એ સામ્રાજ્યને જડ સાથે ઉખાડી નેસ્તનાબૂત કરવાનું હતું. બે વર્ષ પહેલા અર્જુન અને શંકરકાકાને ગુમાવ્યા હતા. આ વખતે કોઈનો જીવ જાય એવું કરવું નહોતું.

ડાયરી બંધ કરી કરણ બોલે છે: "વિક્કી તારો પ્લાન બિલકુલ બરાબર છે... તારા બદલે આપણે રોહિતને ત્યાં ગઢનો ભેદી બનાવી મોકલીશુ... પણ આપણે એ કામ નહીં કરીએ... એ કામ શુક્લાનાં હાથે આપણે કરાવીશું... રોહિત તારે કાલથી શુક્લાની ચાપલૂસી કરવાનું શરૂ કરવાનું છે... ખેંગાર ચોક્કસ રેકોર્ડિંગ શુક્લાને બતાવશે... શુક્લાએ રોહિતને બતાવશે... અને રોહિત જાતે કહી દેશે એ માણસ તેં પોતે છે... કારણકે રોહિતને ત્યાં કોઈએ તો જોયો હશે... આપણે છુપાવાની જરૂર નથી... શુક્લા સાથે રોહિત ફોડી લેશે..."

***

ખેંગાર અને કરણ બન્નેએ નવા યુધ્ધની શરૂઆત કરી હતી. એક અત્યાચારનો અંત લાવવા માંગતો હતો, બીજો પાપનાં સામ્રાજ્યની રક્ષા કરવા માંગતો હતો. એક દોસ્તનાં મોતનો બદલો લેવા માંગતો હતો. બીજો નાના ભાઈની દરેક ઈચ્છા કોઈપણ ભોગે પૂરી કરવા માંગતો હતો. એકે નક્કી કર્યું હતું કોઈપણ સંજોગોમાં જીતવાનું છે. બીજાએ સામેવાળાને હરાવવાનું નક્કી કર્યું હતું. બન્ને પોતાની રીતે યુધ્ધની તૈયારીમાં લાગ્યા હતા. બન્ને પોતાની બુધ્ધિ પ્રમાણે મોરચો તૈયાર કરી રહ્યા હતા. કોણ કોના પર ભારે પડે છે એ આગળનો સમય બતાવવાનો હતો. બસ શાંત રીતે યોગ્ય સમયે સાચી ચાલ રમવાની રાહ જોવાની હતી. આ યુધ્ધમાં એક જીત માનવાનો નહોતો અને એક હાર માનવાનો નહોતો.

કરણનાં વિચાર્યા પ્રમાણે ખેંગારે શુક્લાને વિડીયો બતાવ્યો હતો. શુક્લાએ જોઈ ખેંગારને કહ્યું ‘કશું ચિંતા કરવા જેવુ લાગતું નથી... તમને અંગારનાં ફોનમાં પણ કશું મળ્યું નથી... એના ફોનનું લોક ખોલી કશું મેળવવું એટલું સહેલું પણ નથી... અને બે મિનિટમાં એ થવું શક્ય નથી...”

છતાં ખેંગારનું મન રાખવા એ માણસ શોધવાનું વચન આપે છે. શુક્લા અને ખત્રી માણસ શોધવા પાછળ સમય બગાડવા માંગતા નહોતા. એ બન્ને નવા આવેલા પોલીસ રોહિતને આ કામ સોંપવાનું નક્કી કરે છે. રોહિત ચોકીમાં હાજર થયા પછી શુક્લા અને ખત્રીની જીહજુરી કરતો હતો. શુક્લાને ચાપલૂસી કરતો માણસ મળ્યો એની ખુશી હતી.

શુક્લા અને ખેંગાર બધું કરણનાં વિચાર્યા પ્રમાણે કરતાં હતા. કરણનાં કોઈપણ પ્લાન બનાવ્યા વગર એના પ્લાન પ્રમાણે થઈ રહ્યું હતું. ભવિષ્યમાં ઘણાં બનાવ આ શરૂઆતનાં બનાવથી પ્રભાવિત થવાનાં હતા. કરણ જીત તરફ એક કદમ આગળ વધ્યો હતો. ખેંગાર અને અંગાર એમના પાપોની સજા ભોગવવા નર્કનાં દરવાજા તરફ આગળ વધ્યા હતા.

શુક્લા વિડીયો રોહિતને આપી એને શોધવાનું કહે છે. રોહિત તરત શુક્લાને કહે છે ‘એ માણસ એ પોતે છે...’ શુક્લા બધી વાત ખેંગારને કહે છે. ખેંગાર એને મળવા આવવાનું કહે છે. શુક્લા જાતે એને લઈને જાય છે. રોહિત પોલીસડ્રેસમાં ખેંગારની ઓફિસમાં જાય છે. એની ઓફિસનાં મેઈન ગેટની બહારથી સિક્યોરિટીની વોચ શરૂ થતી હતી. ઓફિસમાં પચીસ જેટલા માણસો બંદૂક, રામપુરી ચાકુ જેવા હથિયાર સાથે સજ્જ હતા.

જ્યારે શુક્લા અને રોહિત ત્યાં પહોંચે છે ત્યારે અંગાર ત્યાં નહોતો. અંગાર જુદી જુદી છોકરીઓ સાથે સમય વિતાવી નીલિમા સાથે છે, એવું માની મન માનવતો હતો. અંગારને નીલિમા માટે બેબાકળો બનેલો જોવાની રોહિતની ઈચ્છા હતી, પણ એ દિવસે એ શક્ય બન્યું નહોતું. ખેંગારે સવાલો પૂછવાની શરૂઆત કરી પણ રોહિત શાંત બેસી રહે છે. શુક્લા ઘણી વાતોનો જવાબ આપે છે પણ રોહિત ચૂપચાપ ખેંગારનો અજંપો જોતો હતો.

થોડીવાર પછી રોહિત બધી આશંકાઓ દૂર કરવામાં સફળ થાય છે.: “જુઓ સર હું તો બારમાં દારૂ અને ડાન્સની મજા લેવા ગયો હતો... અહિયાં નવો આવ્યો છું... કોઈ દોસ્ત, સંબંધી સાથે રહેતું નથી... મુંબઈનાં ડાન્સ બાર વિષે બહુ સાંભળ્યું હતું... એની મજા લેવા માટે ગયો હતો... ચૂપચાપ દારૂ અને ડાન્સમાં ખોવાયો હતો ત્યાં પાછળનાં ટેબલવાળા ભાઈએ કોઈને લાફો માર્યો એનો અવાજ આવ્યો... હકીકતમાં જ્યારે એ ભાઈએ લાફો માર્યો ત્યારે એમનો મોબાઈલ નીચે પડી ગયો હતો... એ વખતે મને દેખાયો નહોતો... એ ભાઈ અને સાથે કોઈ સુંદર છોકરી હતી એ લોકો બહાર ગયા એના પછી મારૂ ધ્યાન નીચે પડેલા મોબાઈલ પર પડ્યું... મેં એમને શોધ્યા પણ એ મળ્યા નહીં... મેં ફોન લઈ ટેબલ પર મૂક્યો... કારણકે મને ખબર હતી જ્યારે એ ભાઈને મોબાઈલ યાદ આવશે ત્યારે એ લેવા ચોક્કસ આવશે... કેમ સર... કોઈ મુસીબત આવી છે?”

રોહિતનાં ખુલાસા પર શુક્લા અને ખેંગાર બન્નેને ભરોસો આવે છે. બીજી અનેક વાતો કરી એ દિવસે શુક્લા અને રોહિત ત્યાંથી પાછા ફર્યા હતા. રોહિતે એના વાક્ચાતુર્યથી ખેંગારનાં દિલમાંથી શક દૂર કર્યો હતો. આ મુલાકાત પછી ખેંગાર શુક્લા અને ખત્રીની જેમ રોહિત પર વિશ્વાસ કરવા લાગે છે. રોહિત એ વાતથી ખુશ હતો. એને કોઈ ઓળખાતું નથી એ વાતની સૌથી વધારે ખુશી હતી.

બે વર્ષની અંદર દરેકે પોતાના ચહેરાનાં રૂપરંગને બદલી નાંખ્યા હતા. કોઈએ નામ બદલ્યા નહોતા પણ એ નામ સાંભળીને પણ કોઈને કોઈ વિચાર આવતો નથી.

રોહિત જે જાણતો તરત કરણ અને વિક્કીને જણાવતો. રોહિત એ રાત્રે એક નાના છોકરા પર દવાનું પરીક્ષણ થવાનું છે તે કરણને જણાવે છે. આ માહિતી મેળવી કરણ નવી બનાવેલી લેબનો ખુલાસો દુનિયા સામે લાવવાનો દિવસ નક્કી કરે છે. કરણ ફોન કરી સંજયને ફરી એકવાર પત્રકાર બનવા અને પત્રકારોને એ જગ્યા પર ગમે તે પ્રકારે લઈ જવાની કામગીરી સોંપે છે.


ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED