Case No. 369 Satya ni Shodh - 30 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 30

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ – ૩૦

ગાડી ચાલુ કરી કરણ ફોન લગાવે છે. ફોન પર્વતસિંહ ઉપાડે છે. અર્જુને એકઠો કરેલો સામાન મળી ગયો છે, એ જાણી પર્વતસિંહ કરણને સુરત આવવાનું કહે છે. કરણ ગાડી સીધી સુરત તરફ દોડાવે છે. હાથમાં આવેલા પુરાવા ખેંગાર, અંગાર અને રાજુને સજા અપાવવા માટે પૂરતા હતા. કરણને બધા પાસે પહોંચી ખેંગાર વિરુદ્ધ પગલાં લેવા માટેની રણનીતિ તૈયાર કરવી હતી.

સુરત જતા પહેલા કરણ જંગનું એલાન કરવા માંગતો હતો. દુશ્મનોને અર્જુન જીવતો હોવાની ખબર આપવા માંગતો હતો. ગાડી ઊભી રાખી અર્જુનનાં ફોનમાંથી ખેંગારને ફોન કરે છે. ખેંગાર ફોન પર અર્જુન નામ વાંચી આંચકો અનુભવે છે. અંગારને પરાણે શાંત રાખી ઘરે મોકલ્યો હતો. રાજુને ઇશારાથી કહે છે, અર્જુન મૃત્યુ પામ્યો છે તો એના ફોન પરથી કોણ ફોન કરે છે? રાજુ ફોન હાથમાં લઈ સ્પીકર ચાલુ કરે છે. કરણે અર્જુન બોલું છું કહીને મને મોત આપવામાં નિષ્ફળતા મળી એનું દુ:ખ છે કહી ખડખડાટ હસે છે. લડાઈની શરૂઆત થઈ ગઈ છે કહી ચેતવણી આપે છે. મારા ભાઈને સહી સલામત લઈ જાઉં છું, પરંતુ તારા ભાઈને મારાથી બચાવી નહીં શકે એવી બીક બતાવે છે. તારે કરવા હોય એટલા માણસો એકઠા કર, જેટલી ઓળખાણ લગાવવી હોય એટલી લગાવ, પરંતુ અંગારનું મોત મારા હાથે થશે એની ખાતરી આપે છે.

ખેંગારને સચેત કર્યા પછી કરણને થોડી શાંતિ મળે છે. પર્વતસિંહનાં કહેવા પ્રમાણે દુશ્મનો માટે અર્જુન હંમેશા જીવતો રહેવો જોઈએ, એ વાત સાર્થક કરવા માટે આવું નાટક કરે છે. અર્જુનને વચન આપતો હોય એમ બોલે છે, ‘પોતે કરણ અને અર્જુન બન્નેનો રોલ ખૂબ સારી રીતે કરશે... આજથી દુશ્મનોને કરણ અને અર્જુન બન્નેનાં પ્રકોપનો સામનો કરવો પડશે... ચિંતા નાં કરીશ અર્જુન... ખેંગાર અને રાજુ પર ધમકીની અસર શું થઈ, એ તો ખબર નથી... પણ એટલું નક્કી છે એ લોકો થોડા ટેન્શનમાં ચોક્કસ આવ્યા હશે... હવે રોજ એમના ટેન્શનમાં થોડો-થોડો વધારો કરતા રહેવાનું છે...’

કરણ ફરી વિચારોમાં ખોવાય છે. વિક્રાંત, પ્રતિક અને રોહિતને કોર્ટમાંથી ક્લિનચિટ મળી હતી. એ લોકો સાથે મળી હવે દુશ્મનોને ધૂળ ચટાડવાની હતી. અર્જુન અને શંકરકાકાનું બલિદાન અમર કરવાનું હતું. અનેક બાળકો અને છોકરીઓને નરકમાંથી બહાર લાવવાના હતા. ગેરકાનૂની રીતે ચાલતી દવાની ફેક્ટરીને નષ્ટ કરવાની હતી. શુક્લા અને ખત્રી જેવા ભ્રષ્ટાચારી પોલીસને લાંચ લેવાની સજા અપાવવાની હતી. આ બધા કામ સફળતાપૂર્વક પૂરા કરવા માટે ધીરજ, ખંત અને સફળ યોજનાની જરૂર હતી. બધાના મનમાં અર્જુનનો ડર જીવંત રાખવાનો હતો. અર્જુનનાં નામથી દુશ્મનો થર-થર કાંપવા લાગે એવો પ્લાન બનાવવાનો હતો.

ગાડી રસ્તા પર એકધારી સ્પીડથી ચાલતી હતી. કરણનાં મગજમાં પણ વિચારો એકધારી ગતિથી ચાલતા હતા. અર્જુનની મહેનત વ્યર્થ નહીં જાય. અર્જુને આટલા બધા પુરાવા એકઠા કેવી રીતે કર્યા હશે? એને બધા પુરાવા એકઠા કરવા માટે કેટલા વર્ષો લાગ્યા હશે? પપ્પાની મદદ વગર એ શક્ય નહીં બન્યું હોય. અર્જુનનું સપનું IPS બનવાનું હતું. IPS બની દેશની સેવા કરવા માંગતો હતો. એણે IPS બન્યા વગર પોલીસ એવોર્ડ મળે એવું કામ કર્યું હતું. અર્જુન પોલીસ બન્યા વગર પોલીસનું કામ કરતો હતો અને શુક્લા, ખત્રી જેવા લોકો પોલીસ બનીને ખેંગાર જેવાનો સાથ આપવાનું કામ કરતા હતા. અર્જુન સાથે વિતાવેલી અનેક યાદો અને એનું અધૂરું કામ પૂરું કરવાનાં નિર્ધાર સાથે કરણ સુરત પહોંચે છે.

***

મુંબઈમાં ખેંગાર અને રાજુ ફોન મૂક્યા પછી આધાતામાંથી બહાર આવ્યા નહોતા. અંગારનાં ગુસ્સાને જાણતા હતા. અંગારે તો પહેલા જ કહી દીધું હતું કે અર્જુનને મોતને ધાટ ઉતારવાનું પ્રપંચ સફળ થયું નહીં હોય. એની વાત સાચી પડી હતી. અર્જુને યમરાજા બની મોતનાં દર્શન કરાવ્યા હતા. અંગારને બચાવવા માટે બન્ને એને વિદેશ મોકલવાનું નક્કી કરે છે. ગમે તે પ્રકારે સમજાવી, લાલચ આપી પણ એને સમંદર પર મોકલવો જરૂરી હતો. ખેંગાર અને રાજુ બહુ સમજાવી, ફોસલાવી અંગારને જર્મની જવા માટે સમજાવે છે. બે કલાકની અંદર એની જર્મનીની ટિકિટ આવી જાય છે. બીજા દિવસે સવારમાં અંગાર જર્મની જવા નીકળવાનું હતું.

***

કરણ સુરત આવી સાધના પાસે માફી માંગે છે.

સાધના: “તને માફી ત્યારે મળશે જ્યારે તું ખૂનીઓને સજા આપીશ...”

કરણ: “સજા નહીં આંટી... એમને મોત મળશે... એમની હાલત જોઈ અપરાધી ગુનો કરવાનું બંધ કરશે... દરેક અપરાધીનાં હ્રદયમાં અર્જુનનાં નામનો ડર ઊભો થશે...” કરણ બન્ને હાથની હથેળી જોવે છે: “મારા આ હાથ આજથી અર્જુનનાં હાથ છે... આ હાથથી એના દુશ્મનોને નરકની યાતના આપીશ...”

પર્વતસિંહ: “કરણ, અર્જુને કયા ફોટા અને કાગળો એકઠા કર્યા છે એ બધુ જોતાં પહેલા તને બચુ સાથે ઓળખાણ કરાવું...” પર્વતસિંહ ઈશારો કરી બચુને આગળ બોલાવે છે: “આ બચુ છે... શંકરનો નાનો ભાઈ... બચુ કરાટેનો બ્લેક-બ્લેટ ધરાવે છે... એના હાથ નીચે કેટલાય લોકોને કરાટેમાં બ્લેક-બ્લેટ મળ્યો છે... અર્જુન, વિક્કી, પ્રતિક, રોહિત અને રિયાને એણે જ તાલીમ આપી છે...”

પર્વતસિંહ પ્રતિક અને રોહિતને પાસે બોલાવે છે: “આ પ્રતિક અને આ રોહિત છે... કરણ તને ખબર નથી પણ પ્રતિક અને રીયા સગા ભાઈ-બહેન છે... વિક્રાંતને અનેક જગ્યાએ ફ્રેકચર થયા છે... કાલે એનું ઓપરેશન કરવાનું છે... નીલિમા એની પાસે બેઠી છે...”

રીયા નાસ્તાની ડિશો લઈ આવે છે. પર્વતસિંહ રીયાનાં હાથમાંથી ટ્રે લઈ સુધાને પકડવા આપે છે: “કરણ, આ રીયા છે... અર્જુનને દરેક પગલે હિમંત આપનારી એની જીવનસંગિની... એના જેવી જ હોશિયાર, સમજદાર, વ્યવહારુ... મેં બન્નેને બહુ પહેલા લગ્ન કરી લેવા માટે કહ્યું પણ અર્જુન તારા વગર લગ્ન કરવા માન્યો નહીં... તારા લગ્ન થયા પછી મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ના માન્યો... અને હવે બધાને છોડી જતો રહ્યો... રીયાને એકલી મૂકી, બધાને સુખી સંસાર આપવાનું વચન અધૂરું રાખી ભગવાન પાસે લડવા ગયો...” પર્વતસિંહ દીવાલ પર લટકાવેલા અર્જુનનાં ફોટા સામે જોવે છે.

રીયા: “અંકલ અર્જુન હમેંશા ખેંગાર અને અંગારને સજા અપાવી કરણભાઈ સામે આવવા માંગતો હતો...”

પર્વતસિંહ: “હા બેટા... જાણું છું... કરણ, આ રીયા એ જ છોકરી છે જે રાજુનાં ચંગુલમાંથી છટકી સુભાષ જોડે આવી હતી...” કરણ માટે આ વાત નવાઈ પમાડે એવી હતી. પર્વતસિંહ દીકરાનાં ખભે હાથ મૂકે છે: “હા કરણ... અર્જુન એ દિવસે રીયાને પહેલી વાર મળ્યો હતો... સુભાષ સાથે જઈ એ બીજી છોકરીઓને બચાવવા માંગતો હતો... પરંતુ સુભાષ... ત્યારપછી અર્જુને કોઈ દિવસ રીયાનો સાથ છોડ્યો નથી... તને કોઈ તકલીફ કે ટેન્શન ના થાય એટલા માટે તારાથી દૂર રહેવાનું અર્જુને નક્કી કર્યું હતું... હકીકતમાં સુભાષનાં મોત પછી સાધનાભાભી અને વિક્કીને હું મુંબઇ લઈ આવ્યો હતો... અર્જુન અને રીયા આ ઘરમાં બચુ સાથે ટ્રેનીંગ લેવા રોકાયા હતા... રીયા એમના ચંગુલમાંથી છૂટી હતી પણ પ્રતિક ત્યાં ફસાયેલો હતો... પ્રતિકને અનાથાશ્રમમાં રોહિત સાથે સારી દોસ્તી થઈ હતી... આપણે મુંબઇ આવ્યા એના થોડા દિવસો પછી હું, અર્જુન, શંકર અને બચુ અમદાવાદથી પ્રતિક, રોહિત અને બીજા દસ બાળકોને છોડાવવામાં સફળ થયા હતા...”

કરણ ભૂતકાળની વાતો શાંત ચિત્તે સાંભળતો હતો. પપ્પા અને અર્જુને કેટલી મહેનત કર્યા પછી છોકરાઓને છોડાવ્યા હશે. અર્જુન અને રીયાએ કપરી મહેનત કરી કરાટેનાં દાવપેચ શીખ્યા હશે. બન્નેએ ખૂબ મહેનત કરી હશે.

રીયા: “કરણભાઈ તમે અત્યાર સુધી ખેંગાર, અંગાર અને રાજુ વિષે જાણ્યું એ બહુ ઓછું છે... આજે તમને ખેંગાર અને રાજુનાં બીજા પાપોની માહિતી પણ મળશે... હું અને પ્રતિક ભરુચમાં મમ્મી-પપ્પા સાથે રહેતા હતા... અચાનક એક દિવસ બન્નેનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું... એ વખતે જાણે ક્યાંથી રાજુ આવી અમને બન્નેને એના અનાથાશ્રમમાં લઈ ગયો... એ વખતે હું બાર વર્ષ અને પ્રતિક નવ વર્ષનો હતો... અમારા પરિવારમાં અમારા ચાર સિવાય કોઈ નહોતું... પપ્પા અને મમ્મી એમના ઘરના એકમાત્ર સંતાનો હતા... એટલે કોઈ સગા અમારા હતા નહીં... રાજુ અમને અનાથાશ્રમમાં લાવ્યો ત્યારે અમને બન્નેને ભગવાન લાગ્યો હતો... ધીરે ધીરે ત્યાંની બધી હકીકત સામે આવવા લાગી... ત્યાં અમારા જેવા અનાથ બાળકોનાં માતા-પિતા પણ કોઈને કોઈ રીતે મૃત્યુ પામ્યા હતા... દરેકને રાજુ એની જોડે લાવી રાખતો હતો... હકીકતમાં એ માસૂમ બાળકોને નહીં પણ એમની મિલકતને પચાવી જતો હતો... દરેક બાળકો પાસે કાગળોમાં સહી કરાવતો અને બાળકોનાં ઘરને વેચી પૈસા પડાવતો હતો... અમારી જેમ દરેક બાળકોની મિલકત એણે એના નામે અથવા વેચી હતી...”

પ્રતિક: “કરણભાઈ અમને બહુ મોડા ખબર પડી હતી કે અકસ્માત પણ રાજુ કરાવતો હતો... જે પરિવાર પાસે પોતાનું ઘર અને થોડો રૂપિયો હોય, તથા એ પરિવારનું કોઈ સગું ના હોય એવા લોકોને અકસ્માતનું સ્વરૂપ આપી હત્યા કરાવતો હતો... એમના બાળકોને અનાથાશ્રમમાં લાવી એમના રૂપિયાથી અય્યાસી કરતો હતો... એના અનાથાશ્રમનાં મોટાભાગનાં બાળકોનાં રૂપિયા અને ઘર અત્યારે પણ રાજુનાં નામે છે...”

પર્વતસિંહ: “રોહિત અને પ્રતિકનાં આવ્યા પછી બધાને બચુએ ટ્રેનીંગ આપી... બધાએ રાજુને બરબાદ કરવાનું નક્કી કર્યું... વિક્રાંત પણ અર્જુન સાથે આ બધામાં રસ લેતો હતો... અર્જુન ઘણીવાર મુંબઇ મને અને સાધનાભાભીને મળવા આવતો હતો... એનું પોલીસ બનવાનું સપનું પૂરું થાય એટલા માટે મેં એને UPSCની પરીક્ષા આપવા માટે મનાવ્યો હતો... એણે પરીક્ષા પાસ કરવા માટે મહેનત શરૂ કરી હતી... પરંતુ એના કિસ્મતમાં IPS બનવાનું નહીં હોય... કિસ્મત એણે બીજા રસ્તે લઈ જતી હતી... એક દિવસ એણે રાજુ અને ખેંગારને સાથે જોયા... બસ પછી તો બન્નેની કુંડળી શોધી નાંખી...”

કરણ સામે અત્યારે બધી વાતોનો ખુલાસો થયો હતો. આટલા વર્ષો દૂર રહ્યા એ દરમિયાન જે બની ગયું એ જાણવા મળ્યું હતું. એ બીજી વાતો જાણવા માંગતો હતો. કોઈને પૂછે એ પહેલા એની નજર રીયા પર પડે છે. રીયા અચાનક ચક્કર ખાઈ નીચે પાડવાની તૈયારીમાં હતી. કરણ દોડી એણે પકડે છે. પ્રતિક અને બચુનું ધ્યાન જતાં એ બન્ને પણ મદદે આવે છે. રીયા અચાનક બેભાન થઈ ગઈ હતી. બચુ ખૂબ જલ્દી ડોક્ટરને બોલાવે છે.

ડોક્ટર રીયાને ચેક કરતા હતા ત્યાં એને ભાન આવે છે. રીયા ડોક્ટરનાં સવાલોના જવાબ આપે છે. ડોક્ટર તપસ કરી બોલે છે: “રીયા તને ખબર પડે છે તને શું થયું છે?”

રીયા: “હા ડોક્ટર... મને ખાતરી નથી... પણ તમે જે પ્રમાણે પૂછો છો... એના પરથી મને લાગે છે હું મા બનવાની છું...”

રીયાનાં શબ્દો સાંભળી ઘરમાં સન્નાટો થઈ જાય છે. જો વાત સાચી હોય તો ખુશી મનાવવી કે દુ:ખ કરવું એમ બધા વિચારે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED