Case No. 369 Satya ni Shodh - 29 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 29

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૨૯

નીલિમા: "વિક્કી તું મારું નામ લેવાનું ભૂલી ગયો... હવે તારી સામે ઉભેલી આ નીલિમા ડરપોક અને ગભરું નથી રહી... મારા પર જે અત્યાચાર થયો એનો બદલો અંગાર સાથે હું જાતે લઈશ... મારે બહું પહેલા તારી વાત માની રિયાદીદીની જેમ કરાટે અને કસરત ચાલુ કરવાની જરૂર હતી... અંગારે જ્યારે મારા શરીર સાથે રમત રમવાની શરૂ કરી ત્યારે હું માનસિક અને શારિરીક રીતે એનો સામનો કરવા માટે સક્ષમ નહોતી... હવે માનસિક રીતે તૈયાર છું... શારિરીક રીતે રિયાદીદી અને બચુકાકા સાથે કાલથી ટ્રેનિંગ શરૂ કરૂ છું..."

નીલિમાને આ રીતે આત્મવિશ્વાસથી બોલતા ક્યારેય કોઇએ જોઇ નહોતી. હમેંશા ઓછું બોલનારી અને શાંત રહેનારી નીલિમા આજે ઉંચા અવાજે બોલી હતી. જ્યારે અંગારે એના પર બળાત્કાર કર્યો ત્યારે નીલિમા ડરેલી અને લાચાર હતી. આજે એ નીલિમાએ રણસિંગુ ફૂક્યું હતું. નીલિમાનો આ ફેંસલો રાજૂ, ખેંગાર અને અંગારને ધોળા દિવસે તારા દેખાડવાનો હતો.

***

કરણ એક હોટલમાં આવે છે. અત્યારે ઘરે જવાથી રાજુનાં માણસોની નજરમાં ફરી આવી જવાય એમ હોવાથી કરણ હોટલમાં રહેવાનું વિચારે છે. સાથે આવેલો સલિમનો માણસ ગાડીની ચાવી કરણને આપી પાછો જાય છે. કરણ રૂમમાં આવી જમવાનો ઓર્ડર આપી ન્હાવા જાય છે. સાવરમાંથી જેમ પાણી વિના રોક્યે વહેતું હતું, એમ કરણનાં મગજમાં વિક્કી ચોકીમાં આવ્યો પછી બનેલા બધા ઘટનાક્રમ પસાર થવા લાગે છે. છેલ્લે વ્હાલસોયા મિત્રએ એના હાથમાં છેલ્લો શ્વાસ લીધો, એ યાદ આવતા ભીની આંખોમાં આંસુ છલકાય છે. પાણીનો ફોર્સ માથા પર પડતો હતો પણ એની અસરથી આખું શરીર ભીનું થતું હતું. એ જ રીતે એની આંખો સાથે એનું અંતર, આખું શરીર રડતું હતું. ઘણીવાર સુધી એ રડતો રહ્યો સાથે એનું શરીર પાણીથી પલળતું રહ્યું. મગજમાં અર્જુનનાં મોતનો બદલો લેવા માટે શું કરવું વિચાર હતો અને દિલમાં દોસ્તને ખોવાનું રૂદન હતું. મનમાં અર્જુનને વચન આપે છે, 'વિક્કીને આજીવન ભાઇની કમી નહીં થવા દે અને દુશ્મનોને રોવડાવી-રોવડાવી મોત આપશે.'

હુંફાળા પાણીથી ન્હાવાથી એના શરીરમાં તાજગી ફેલાય છે. મનને વચન આપવાથી દિલ થોડું હળવું થાય છે. જમ્યા પછી આગળ શું કરવું એમ વિચારી જમવાનું શરૂ કરે છે. જમતી વખતે બેડ પર મૂકેલી બેગ દેખાય છે, જે એ ઘરેથી લઈને નીકળ્યો હતો. જમવાનું અધુરૂ રાખી બેગ ખોલે છે. એમાંથી અર્જુનની ડાયરી દેખાય છે, જે અર્જુને વિશાલને આપી હતી. એ ડાયરીમાં એક એડ્રેસ હતું જ્યાં કરણને આવવા માટે કહ્યું હતું. એ યાદ આવતા કરણ નક્કી કરે છે, પહેલાં આ એડ્રેસ પર જવાનું છે. ત્યાં નક્કી અર્જુને એકઠા કરેલા પુરાવા સંતાડયા હશે, અથવા એવું કશું અવશ્ય જાણવા મળશે જેનાથી ખેંગાર સાથે બદલો લેવા માટે મદદ મળી રહે.

ચહેરા પર ખુશી આવે છે. ઝડપથી જમવાનું પુરૂ કરી અર્જુનની બતાવેલી જગ્યા પર જવા માટે નીકળે છે. આખા રસ્તે અનેક વિચાર આવે છે. ખેંગાર વિરુધ્ધ પુરાવા નહીં મળે તો પુરાવા એકઠા કરવા માટે બહું સમજી-વિચારી, કોઇને શક ના થાય એમ કામ કરવું પડશે. પુરાવા મળશે તો ખેંગારની ચોટલી કેટલી હાથમાં આવશે તે જોયા પછી ખબર પડશે. એકલા પુરાવાથી કામ નહીં બને. એનો ઉપયોગ કરતા પહેલા એના પરિણામ વિશે પણ વિચારવું પડશે. ખેંગાર મુંબઇનું મોટું માથું છે. એની ઓળખાણ મુખ્યમંત્રી સુધી છે. એની વિરુધ્ધ જતા દરેક મોટા પોલિટિકલ નેતાઓ ડરે છે. આવી પરિસ્થિતિમાં એને સજા અપાવવું બહું મુશ્કેલ હતું. કરણ પણ નક્કી કરે છે, જો નાનો અમથો પુરાવો હાથમાં આવશે તો એનો ઉપયોગ ચાલાકીથી કરશે.

વિચારોમાં ક્યારે બતાવેલી જગ્યા આવી ગઈ તે કરણને ખબર ના પડી. અર્જુનનું બતાવેલું સરનામું બે માળનો નાનકડો બંગલો હતો. કરણ દૂરથી એક પોલીસની ગાડી બહાર ઊભેલી જુએ છે. પોતે દૂર ગાડી ઊભી રાખી કોઈ જુએ નહીં એમ નજીક જાય છે. બંગલાની બહાર ખત્રીની ગાડી ઊભી હતી. ગાડીની અંદર કોઈ બેઠું નહોતું. બંગલાનો ગેટ ખુલ્લો હતો. ગેટ પર વિરેન ગાંધીનાં નામની નેમપ્લેટ લટકતી હતી.

કરણ ગેટથી દૂર ઉભો રહી જુએ છે. સિંદે અને એક હવાલદાર ઘરનું તાળું તોડતા હતા. એ જોઈ કરણ વિચારે છે, શુક્લા અને ખત્રી અથવા ખેંગારને આ ઘરમાં પુરાવા હોવાની બાતમી મળી છે. મગજ શાંત રાખી મગજ સાથે દલિલ કરે છે. શુક્લાના દગા પછી ખેંગાર એની ચોકીનાં પોલિસવાળા પર ભરોસો ના કરે તો પછી સિંદેને શુક્લા અને ખત્રીએ ઘરમાં કશું શોધવા માટે મોકલ્યો હતો. કરણ ખૂબ સાવચેતીથી અવાજ ના થાય એમ ગેટની અંદર જઈ બંગલાની પાછળ જાય છે. બંગલાની પાછળ આવી કરણ અંદર થતી વાતચીત સાંભળવાની કોશિશ કરે છે. એનું અનુમાન સાચું હતું. ખત્રીએ સિંદેને રાજુ અને ખેંગાર વિરુધ્ધ અર્જુને જે પુરાવા શોધ્યા હતા એ શોધવા મોકલ્યો હતો. સિંદે અને હવાલદાર બંગલામાં નીચે દરેક જગ્યા પર ઉથલ-પાથલ કરે છે, પણ કશું મળતું નથી.

નીચે પૂરા ઘરમાં જોયા પછી બન્ને ઉપરનાં રૂમોમાં શોધવા માટે જાય છે. બન્ને દરવાજો ખુલ્લો રાખી ઉપર ગયા હતા. એ તકનો લાભ લઇ કરણ મુખ્ય દરવાજાથી અંદર આવી નીચેનાં બેડરૂમની બાથરૂમમાં સંતાઈ જાય છે. સિંદે અને હવાલદાર અડધો કલાક મહેનત કરી નીચે આવે છે. સિંદે નીચે આવી કોઇને ફોન કરી કશું મળ્યું નથી એમ કહે છે. કરણે અંદાજ લગાવ્યો કે ફોન શુક્લાને કર્યો છે. સિંદે વાતોમાં શુક્લા સર બોલ્યો એટલે કરણને ખાતરી થઈ ગઈ. શુક્લાને મળેલી માહિતી પ્રમાણે અર્જુને ઘણાં પુરાવા એના ઘરમાં સુરક્ષિત જ્ગ્યા પર સંતાડયા હતા. આખો બંગલો ફેંદી નાખ્યો પણ કશું હાથમાં આવ્યું નહીં. સિંદે અને હવાલદારે બધા કબાટ, ડ્રોવર, સોફા, ટેબલ, ડબલબેડ તમામ વસ્તુઓ ઉપરનીચે કરી જોઈ પણ એક ચબરખી હાથમાં આવી નહીં.

ફોન મુકી સિંદે હવાલદારને કહે છે: “આ વખતે શુક્લા સાહેબને ખોટી માહિતી મળી લાગે છે... આ ઘરમાંથી કોઈ પુરાવા મળવાના નથી... આ ઘરમાં હોય તો મળે ને... આપણે હજી શોધખોળ ચાલુ રાખી છે એમ જ સાહેબને લાગવા દે... ચોકી પર મોડા પાછા જઈશું.... અત્યારે આપણું લાવેલું તાળું ઘરને માર અને સીલ કર... મને ભૂખ લાગી છે... બહાર કશે નાસ્તો કરવો પડશે...”

સિંદે અને હવાલદાર ઘરને તાળું મારી જાય છે. કરણ બાથરૂમની બહાર આવે છે. ઘરની હાલત જોઈ કરણને સિંદે પર ખૂબ ગુસ્સો આવે છે. ઘરને સીલ કરવાની વાત સિંદેએ કરી એટલે હવે આ બંગલો શુક્લાની કસ્ટડીમાં હતો. કરણ ઘરમાં એક-એક ચીજ પર નજર ફેરવતો હતો. સિંદેએ આખું ઘર ફેંદયું હતું એટલે એ પ્રમાણે કરવાની જરૂર નહોતી. ડ્રોઇંગરૂમ અને રસોડામાં અર્જુન વસ્તુઓ સંતાડે નહીં એ દેખીતી વસ્તુ હતી. નીચેનાં બેડરૂમનું કબાટ ખોલે છે. કબાટમાં સાધનાની સાડીઓ હતી એટલે, એ રૂમ સાધનાનો હતો. અર્જુન આવી અગત્યની વસ્તુઓ પોતાના રૂમમાં જ મૂકે એટલે એનો રૂમ પહેલા ચેક કરવો જોઈએ એવું વિચારી કરણ ઉપર જાય છે. એક બેડરૂમનું કબાટ ખોલે છે એમાં લેડીસનાં કપડાં હતા.

કરણ બીજા બેડરૂમનું કબાટ ખોલે છે એમાં પેન્ટ,શર્ટ હતા. દીવાલના કોર્નર પર બુક્સનો રેક હતો. રેકની બાજુ દીવાલ પર અર્જુન અને વિક્કીનો ફોટો લટકતો હતો. બે ક્ષણ માટે કરણ એ ફોટો જોયા કરે છે. રેકની બધી બુક્સ સિંદેએ નીચે પાડી દીધી હતી. કરણ બુક્સ પર ઉપરથી નજર ફેરવે છે એને કશું કામનું દેખાતું નથી. કબાટની અંદરની ધારો પર હાથ ફેરવે છે. ટીવીની પાછળ લાકડાનું પાટિશન હતું, એને ધ્યાનથી જુએ છે કદાચ એની પાછળ કશું મૂક્યું હોય.

કરણ આખો રૂમ ચેક કરે છે પણ કશું મળતું નથી. એને ખાતરી હતી કે આ રૂમમાં એવી કોઈ વસ્તુ ચોક્કસ છે, જે અર્જુન એને આપવા માંગતો હતો. કરણ ફરી રૂમમાં બધું જોવે છે પણ કશું હાથમાં આવતું નથી. ડબલબેડ આખો ત્રણથી ચાર વાર ફંફોસે છે. બાથરૂમમાં પણ બધું બે વાર ચેક કરે છે. બાલ્કની, બારી, બારણાંને હાથ ફેરવી ચેક કરે છે. દરેક પડદાં હલાવી જુએ છે. આ બધું કરતી વખતે અવાર-નવાર એની નજર દીવાલ પર લટકાતા ફોટા પર જતી હતી. જાણે અર્જુન ફોટામાંથી એની સાથે વાત કરી કહેવા માંગે છે, કે તું જે શોધે છે તે આ જ્ગ્યા પર છે.

કરણ ફોટો ઉતારી એના પર હાથ ફેરવે છે: “અર્જુન, શું કહેવા માંગે છે? કાશી ખબર પડતી નથી? આ ફોટા દ્વારા તું કઇંક કહે છે... પણ મારા કાન સુધી એ શબ્દો આવતા નથી...”

કરણ ફોટાને દીવાલ પર પાછો લટકાવવા જાય છે ત્યારે ત્યાં ખીલ્લીની આજુબાજુ બીજું કઇંક દેખાય છે. ખીલ્લીની આજુબાજુ ગોળ સર્કલ હતું. ખીલ્લી દબાવે છે એટલે ગોળ સર્કલ થોડું મોટું થાય છે અને રેક દરવાજાની જેમ ખૂલે છે. ખરેખર દરવાજાની બહારની બાજુ રેક બનાવવામાં આવ્યો હતો. એ દરવાજાની અંદર નાની રૂમ હતી. એ રૂમની અંદર બે રેક હતા. એમાં થોડી ફાઈલો, ડાયરી, કાગળિયા, ફોટા અને બે-ત્રણ કેમેરા હતા. એક નાની સૂટકેશ હતી.

કરણ સૌથી પહેલા ફાઈલો ચેક કરે છે. એક ફાઇલ ઉપર રાજૂ લખેલું હતું. બીજી ફાઇલ ઉપર ખેંગાર લખેલું હતું. એવી રીતે બધી ફાઈલો પર નામ લખેલા હતા. ડાયરીમાં ખેંગાર અને રાજૂની બધી ઓફિસોની માહિતી લખી હતી. કાગળિયામાં અનાથાશ્રમમાં લાવવામાં આવેલા નાના બાળકોના પરિવારની માહિતી હતી. નાના બાળકો અને એમના માતાપિતાનાં તથા જુદી-જુદી છોકરીઓનાં અનેક ફોટા હતા. કેમેરામાં પણ અનેક ફોટા હતા. બીજી પણ અનેક વસ્તુઓ હતી જે ખેંગાર અને અંગાર સાથે સંકળાયેલી હતી. કરણ છેલ્લે સૂટકેશ ખોલે છે. સૂટકેશમાં ખેંગારની માસૂમ અનાથાશ્રમ અને સંકટ હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિની માહિતી હતી.

કરણને પુરાવા મળ્યા હતા જે અર્જુને એકઠા કર્યા હતા. થોડી વિગતો વાંચી કરણને ખેંગાર અને અંગાર પર વધારે ક્રોધ આવ્યો હતો. બન્ને ભાઈ રાક્ષસ હતા. એ લોકો ફાર્મા કંપનીની દવાઓ બનાવવા માટે જીવતા બાળકો પર જાત-જાતના પ્રયોગ કરતા હતા. અનેક બાળકોએ જીવ ગુમાવ્યા હતા. અનેક છોકરીઓને વિદેશ અને દેશમાં વેચવામાં આવી હતી. અનેક છોકરીઓ પર અસંખ્ય વાર બળાત્કાર થયા હતા.

કરણ બધો સામાન હેન્ડબેગમાં ભરે છે. જેટલું બને એટલું જલ્દી ત્યાંથી નીકળી જવું યોગ્ય હતું. સિંદે ગમે તે સમયે ત્યાં પાછો આવી શકે એમ હતો. રેક ફરી પહેલા જેમ કરે છે. ફોટો પાછો લટકાવે છે. નીચે આવી ડ્રોઈંગરૂમનો સ્લાઇડિંગ દરવાજો ગાર્ડનમાં ખૂલતો હોય છે, એ દરવાજો ખોલી બહાર આવે છે. ઝડપથી કોટ કૂદી ગાડી સુધી જાય છે ત્યારે દૂરથી સિંદે અને હવાલદારને આવતા જોવે છે. બરાબર સમયસર બંગલાની બહાર આવી ગયાથી એને નિરાંત થાય છે.

ગાડી ચાલુ કરી કરણ ફોન લગાવે છે. ફોન પર્વતસિંહ ઉપાડે છે. અર્જુને એકઠો કરેલો સામાન મળી ગયો છે, એ જાણી પર્વતસિંહ કરણને સુરત આવવાનું કહે છે. કરણ ગાડી સીધી સુરત તરફ દોડાવે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED