Case No. 369 Satya ni Shodh - 28 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 28

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૨૮

ગણતરીની સેકન્ડમાં ત્રણેય મિત્રો ગાડીમાં બેસે છે. કરણ ફોન કરી શુક્લાને ત્યાંથી નીકળી જવા કહે છે અને ફરી વિડીયોની ધમકી આપે છે. શુક્લા ગાડી લઇ જાય છે એટલે કરણ ઝડપથી ગાડી લઈ નીકળે છે. રાવજીને પાછળ કોઇ ગાડી આવે છે કે નહીં એ જોવા માટે ત્યાં રાખે છે. કરણનાં ગયા પછી પાંચ મિનિટ સુધી કોઇ શંકાસ્પદ વાહન દેખાતું નથી.

ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી કરણ ત્યાંથી વિશાલ બીજી ગાડી સાથે જ્યાં રાહ જોતો હોય છે ત્યાં પહોંચે છે. ગાડીમાં બે-ત્રણ વાર વિક્કી કહી બોલાવે છે પણ વિક્રાંત બેભાન થઈ જતો હતો.

પ્રતિક: “કરણભાઇ... એ લોકોએ અમને બહુ માર્યા... સૌથી વધારે વિક્રાંતને માર પડ્યો... એ લોકો અમને આજે ખેંગાર જોડે લઈ જવાના હતા... પણ અમે નક્કી કર્યું હતું... ગમે તે થાય ગુનો કબુલ નહીં કરીએ... અમને તમારા અને અર્જુનભાઈ પર વિશ્વાસ હતો... તમે અમને મદદ કરવા આવશો...”

વિક્રાંતને થોડું ભાન આવે છે. દર્દ ભરેલા અવાજ સાથે બોલે છે: “કરણભાઇ... ભાઈ ક્યાં છે?”

આટલું બોલી ફરી બેભાન થઈ જાય છે. કરણ કોઈ જવાબ આપતો નથી. ત્યાં સુધી વિશાલની ગાડીવાળી જગ્યા આવી જાય છે. વિશાલ હાથમાં કપડાંની બેગ પકડી ઊભો હતો. બીજી ગાડીમાં બેસતા પહેલા કરણે ત્રણેયને કપડા બદલવા કહ્યું. પ્રતિક અને કરણ પહેલા વિક્કીનાં કપડાં બદલે છે. રોહિતને કપડાં બદલવામાં વિશાલ મદદ કરે છે. રોહિતનાં કપડાં બદલાય છે એટલે બીજી ગાડીમાં બેસે છે. વિશાલ અને કરણ સાચવી વિક્કીને બીજી ગાડીમાં બેસાડે છે. ત્યાં સુધી પ્રતિક કપડાં બદલી ગાડીમાં બેસતા પહેલા કરણને ભેટે છે. વિશાલ અંગૂઠાનો ઈશારો કરી ગાડી ચલાવી કરણની આંખોથી ઓજલ થાય છે.

આ બનાવ માત્ર બે મિનિટની અંદર બન્યો હતો. કપડાં અને ગાડી બદલવી જરૂરી હતી. કરણને શક હતો કે શુક્લા કોઈ ચાલાકી કરી કપડાં કે ગાડીની અંદર ટ્રાન્સમીટર મૂકી ગાડી ક્યાં જાય છે એ જાણી શકે છે. એટલે પહેલેથી સલિમને બીજા કપડાં વિશાલવાળી ગાડીમાં મૂકવા માટે કહ્યું હતું. કરણે એના માટે પણ કપડાં મંગાવ્યા હતા. વિશાલ સુરત જવાનો રસ્તો પકડે છે અને કરણ પૂના જવાનો રસ્તો પકડે છે. કરણ પૂનાનાં રસ્તે પૂરઝડપે આગળ વધતો હતો.

દસ મિનિટ જેવો સમય થાય છે એટલે રાવજીનો ફોન આવે છે: “સર, શુક્લા તાઢો પડ્યો... પંદર મિનિટ સુધી કોઈ શંકાસ્પદ વાહન દેખાયું નથી... શુક્લા અને ખત્રીને નોકરી અને ઇજ્જત, રૂપિયા કરતાં વધારે વ્હાલી નીકળી...”

કરણ: “મને ખબર હતી... મારી ધમકી આપ્યા પછી શુક્લા કે ખત્રીની હિંમત ના થાય... પણ હજુ ખતરો ટળ્યો નથી...”

રાવજી: “સર હું ચોકીએ જવું છું... ત્યાં બધુ સંભાળી લઇશ...”

કરણ: “નહીં રાવજી... તારે કોર્ટમાં જવું પડશે... મારા કહ્યા પ્રમાણે થાય છે કે નહીં એ જોવાનું કામ તારું છે... ત્રણેયને ક્લિનચિટ મળી કે નહીં તે જાણવું જરૂરી છે...”

રાવજી જી સર કહી ફોન મૂકી કોર્ટ જવા નીકળે છે. કરણ મનમાં વિક્રાંતને હેમખેમ જેલમાંથી બહાર કાઢી શક્યો એના માટે ભગવાનનો આભાર માને છે. પૂના હાઇવે પર સલિમનાં બીજા ત્રણ માણસ ગાડી સાથે ઊભા હતા. એ લોકો પાસે ગાડી ઊભી રાખી કરણ કપડાં બદલી એક માણસને ચાવી આપે છે. સલિમનાં બે માણસ ગાડી લઈ પૂના તરફ આગળ વધે છે. ત્રીજો માણસ કરણને નવી ગાડીમાં બેસાડી પાછા મુંબઈ તરફ જાય છે.

***

ખેંગારની ઓફિસમાં ગરમ વાતાવરણ થયું હતું. કોર્ટે ત્રણેય છોકરાઓને ક્લિનચિટ આપી છોડી દીધા હતા. શુક્લા પોતાની વાત પરથી ફરી ગયો હતો એટલે ખેંગાર એને પાઠ ભણાવવા માંગતો હતો. છોકરાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, કહી ફોન બંધ કરી દીધો હતો એની દાઝ ચઢી હતી. ખત્રીનો ફોન પણ બંધ આવતો હતો. શુક્લા અને ખત્રી બન્ને ગભરાઈ ક્યાંક સંતાયા હતા. ખેંગાર અને રાજુ એમના માણસો પર ગુસ્સો કાઢી ગાળો આપતા હતા. આટલી સરસ યોજના બનાવી હતી એના પર પાણી ફરી વર્યુ હતુ. પરંતુ અર્જુનનો એક્સિડન્ટ કરવામાં સફળ થયા હતા એની ખુશી હતી. સાથે વિક્કી છૂટી ગયો એ વાત અંગારને કેવી રીતે કહેવી એ ખબર પડતી નહોતી. અંગાર ત્રણ દિવસથી આજની રાહ જોતો હતો. ક્યારે વિક્કી હાથમાં આવે અને એની ખોપડીમાં બંદૂકની ગોળી ધરબી દે એની રાહ જોતો હતો.

બધા ચિંતાયુક્ત ચહેરા સાથે બેઠા હતા ત્યાં બંદૂકથી ફાયરિંગ કરતો અંગાર આવે છે. બધા માણસો ગભરાઇ અંગાર સામે જોવે છે. આજે કોઇનું મોત નિશ્ચિત હતું. કોનો નંબર આવશે એ વિચારે બધા અંગાર સામે દયામણું મોઢું કરી જોવે છે. અંગાર ગુસ્સામાં કોઇનું ખૂન કરી દે એ પહેલા, ખેંગાર એના હાથમાંથી બંદૂક ખેંચી લે છે: "બેટા, આટલો ગુસ્સો સારો નહીં... આ આપણાં જ માણસો છે... તારે ચિંતા કરવાની જરૂર નથી... એ લોકો પકડાઇ જશે..."

અંગાર કાચની ત્રિપોઇ પર હાથ પછાડે છે: "પણ ક્યારે ભાઇ? એ લોકોને અહીંયા લાવવાનાં બદલે શુક્લા કયા દવાખાને લઈ ગયો? સાલો બીકણ કોઇ ગુફામાં સંતાયો છે..." એક માણસની ફેંટ પકડે છે: "ત્યાં કરણ પણ એના ઘરમાંથી ક્યારે છુમંતર થઈ ગયો, એ પણ આ ડફોળોને ખબર પડી નહીં... સાલાઓ તમે બધા બંગડીઓ અને સાડી પહેરી ઘરમાં રહો... આપણાં પાંચ દિવસમાં નક્કી કરેલા પ્લાનને એ લોકોએ પાંચ કલાકની અંદર અસફળ બનાવી દીધો... અને આપણે આગળ શું કરીશું એ સુધ્ધા ખબર નથી..."

અંગાર ગુસ્સામાં મોટેથી રાડો પાડતો રહ્યો. રાજુ અને ખેંગાર એને શાંત પાડવા મથતા હતા. અચાનક રાજુને અમદાવાદનો છોકરો હતો એ કહેવાનો અર્થ સમજાય છે: "ખેંગાર...... સાલા શુક્લાએ અમદાવાદનાં છોકરાએ નીલિમાનો બળાત્કાર કર્યો છે... એવું કહીં અમદાવાદ તપાસ કરવાની પરમિશન લીધી... એનો મતલબ એ થયો કે હવે પોલીસ અમદાવાદનાં મારા અનાથાશ્રમમાં આવશે... આ બધું શુક્લાની જોડે કરાવવામાં આવ્યું છે... નક્કી કાલે રાત્રે અર્જુન એક્સિડન્ટમાં બચી ગયો છે... અથવા બીજું કોઇ એની મદદ કરી રહ્યું છે..."

રૂમમાં અચાનક શાંતિ પથરાય છે. બધાનાં મગજમાં અંગારનો ડર ફેલાયો હતો એમાં બધાની બુધ્ધિ ઘાસ ચરવા ગઈ હતી. રાજુની વાત સાંભળી બધાની વિચારશક્તિ કામે લાગે છે.

અંગાર: "ભાઇ... તમે સાચું કહો છો... એ અર્જુનની મદદ બીજું કોણ! કરણ કરે છે..." ફરી એક માણસની ફેંટ પકડી બે તમાચ લગાવે છે: "પણ આપણા આ બીકણ અને મુર્ખ લોકોની આંખ નીચેથી કરણ ક્યારે ભાગ્યો એ ખબર પડી નહીં..." બીજા માણસને એક તમાચો મારે છે: "અને પાછા કરણને શોધવાના બદલે એ લોકો ઉતરેલું ડાચું લઈ અહીંયા ઇનામ લેવા આવે છે..."

અંગાર ફરી ગુસ્સામાં ગમે તેમ બોલવા લાગે છે. ખેંગાર એને ભેટી બધા માણસોને બહાર જવા ઇશારો કરે છે: "બેટા... આ કરણ અને અર્જુનની જુગલજોડી આપણે ભરબજારમાં તોડીશું... બસ શાંતિ રાખ... તું તારે કોઇ સુંદર રમકડું બગલમાં લઈ સુઇ જા... એ લોકોનાં મોતનો સામાન હું અને રાજુભાઇ એકઠો કરીયે છીએ..."

***

વિશાલ ગણતરીનાં કલાકોમાં સુરત નજીક દરિયા કિનારાનાં એક નાનકડા ગામડામાં આવે છે. એક કલાક પહેલાં સલિમ બધા તથા અર્જુનનાં પાર્થિવ દેહ સાથે પહોંચ્યો હતો. રિયા અને નીલિમાની આંખો રડીને સુઝી ગઈ હતી. સુધા ખોળામાં અર્જુનનું માથું રાખી ભગવાનને પ્રાર્થના કરતી હતી. પર્વતસિંહ અને સલિમ બધી વ્યવસ્થામાં લાગ્યા હતા. સાધના દૂરથી અર્જુનને પલકારો માર્યા વગર જોતી ભગવાનની માળા ફેરવતી હતી. હંસા અને કિશોર એની બાજુમાં બેઠા હતા. અર્જુનનાં દેહને વળગી રિયા આક્રંદ કરતી હતી. નીલિમા શાંત રાખવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હતી.

રિયાને ભેટી પ્રતિક એના માથે હાથ ફેરવે છે. વિક્રાંતને ભાન આવ્યું હોય છે. અર્જુનને જોઇ એની આંખો ભીની થાય છે, પણ આંસુ નીચે પડવા દેતો નથી. સૌથી પહેલાં રિયાને ભેટે છે. રિયા ખૂબ રડે છે, વિક્રાંત માત્ર બરડા પર હાથ ફેરવે છે. અર્જુનનાં પગ પાસે રોહિત બેસે છે. પ્રતિક એની બાજુમાં બેસે છે. વિક્રાંત માતા સામે જોવે છે. સાધનાનાં ચહેરા પર દુ:ખ સ્પષ્ટ દેખાતું હતું, પણ આંખો કોરી હતી. જાણે રડી અને આક્રંદ કરી અર્જુનનાં આત્માને દુ:ખ નહોતું આપવું. મનભરીને દીકરાને અંતિમવાર જોઇ લેવા માંગતી હતી. સાધનાને આટલી શાંત જોઇ પર્વતસિંહ અને વિક્રાંતને થોડી શાંતિ લાગે છે.

વિક્રાંત લથડાતા પગે અર્જુનનાં માથા પાસે આવે છે. સુધાનાં ખોળામાંથી અર્જુનનું માથું પોતાનાં ખોળામાં મૂકે છે. ભાઇનાં ચહેરા પર કેટલીય વાર સુધી હાથ ફેરવે છે.

સાધના શાંત અવાજ સાથે બોલે છે: "વિક્કી ભાઇને લઈ જવાની તૈયારી થઈ ગઈ છે... એને વધારે રાહ ના જોવડાવીશ... વર્ષોથી મારો દિકરો શાંતિથી સૂતો નહોતો... એટલે ભગવાને એને ચીરનિંદ્રાની ભેટ આપી છે... હવે એને હેરાન કર્યા વગર વિદાય આપી દે... પછી તારે એનું અધુરૂ કામ પુરૂ કરવા માટે મથવાનું છે... એનાં હત્યારાઓ ધરતી પર વધારે શ્વાસ લેવા ના જોઇએ..."

સાધના પૂરી રીતે સ્વસ્થ હતી. દિકરાનાં મોતનું દુ:ખ એને ઉપરથી નીચે હલાવી ગયું હતું. પરંતુ નાના દિકરાને બદલો લેવા માટે તૈયાર રહેવાનું કહી એને કમજોર બનાવવો નહોતો. વિક્કી મા ને સારી રીતે ઓળખતો હતો: "મા... ભાઇનું મૃત્યુ વ્યર્થ નહીં જાય... અનેક છોકરીઓ અને નાના બાળકોને બચાવવા માટે એમણે જે કાર્ય હાથ પર લીધું છે... એને હવે હું, કરણભાઇ, પ્રતિક, રોહિત અને રિયાભાભી આગળ વધારીશું..."

નીલિમા: "વિક્કી તું મારું નામ લેવાનું ભૂલી ગયો... હવે તારી સામે ઉભેલી આ નીલિમા ડરપોક અને ગભરું નથી રહી... મારા પર જે અત્યાચાર થયો એનો બદલો અંગાર સાથે હું જાતે લઈશ..."

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED