Case No. 369 Satya ni Shodh - 25 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 25

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૨૫

વિશાલ: “સર... આજે સિંદે, ખત્રી અને શુક્લા બધાએ વિક્કી, પ્રતિક અને રોહિતને કોર્ટમાં લઈ જતી વખતે એન્કાઉન્ટર કરવાનો પ્લાન બનાવ્યો છે...”

આ સાંભળી કરણ પૂરો હોશ ખોઈ બેસે છે. હાથમાં અર્જુનની લાશ હતી. માતા-પિતા સાથે વાત થઈ નહોતી. એ લોકો ખતરામાં હતા કે સલામત હતા તે ખબર નહોતી. ઉપરથી બીજા સમાચાર એ મળ્યા કે વિક્કીનું એન્કાઉન્ટર થવાનું છે.

એકસાથે બધી મુસીબત આવી હતી. અર્જુનનાં મોતનો શોક મનાવવો? એના અંતિમ સંસ્કાર કરવા કે એને આપેલા વચન પ્રમાણે વિક્કીની રક્ષા કરવી? વિક્કીને બચાવવા જાય તો માતા-પિતાને શોધવા ક્યારે જાય? માતા-પિતા સુરક્ષિત જ્ગ્યા પર હોય તો પણ એમની ભાળ ના મળે ત્યાં સુધી મુંબઈ જેવા મોટા શહેરમાં ક્યાં શોધવા? ઉપરથી જે જ્ગ્યા પર કરણ હતો ત્યાં ખેંગારનાં માણસો આવી જાય તો પોતાનો જીવ પહેલા બચાવવો પડે એમ હતું. કરણ કોઈ દિવસ આટલો વિવશ થયો નહોતો. ભાઈ કરતાં પણ વિશેષ મિત્રનાં પાર્થિવ શરીરને રઝળતો મૂકી શકે એમ નહોતો. કરણે કેટલીય વાર મોટેથી રાડો પાડી, કદાચ થોડીવાર પહેલા અર્જુન ભાનમાં આવ્યો હતો એમ ફરી આવી જાય. પણ અર્જુન આ દુનિયાને અલવિદા કહી ચાલ્યો ગયો હતો.

કરણ કેટલીય વાર સુધી અર્જુનનાં માથામાં હાથ ફેરવ્યા કરે છે. આટલા વર્ષોની બાકી રહેલી કસર અંતિમ સંસ્કાર પહેલા પૂરી કરવી હતી. કરણને અચાનક અર્જુનનાં શરીરમાં ઝણઝણાટીનો અનુભવ થયો. કરણ આંખો લૂછી અર્જુનનાં ચહેરાને જુએ છે. બે ક્ષણ માટે એવો ભાસ થાય છે કે અર્જુનનાં શરીરમાં કંપન થયું. પરંતુ અર્જુનતો ચીર નિંદ્રામાં શાંતિથી સુતો હતો. સહેજ વાર પછી ફરીથી અર્જુનનાં શરીરમાં કંપન થઈ ત્યારે કરણને ખબર પડે છે, કે અર્જુનનો mobile phone vibrate થઈ રહ્યો છે. અર્જુનનાં ખિસ્સામાંથી કરણ ફોન કાઢે છે. કોઈ unknown નંબર હતો. ફોન કોઈ ચિર-પરિચિતનો હોય તો, નંબર સેવ કરેલો હોય. પરંતુ સેવ કર્યા વાગરાનો નંબર ચોક્કસ દુશ્મન હોઈ શકે છે.

દુશ્મન શબ્દ કરણનાં હૃદયમાં તીરની જેમ વાગે છે. કરણ એક ક્ષણનો વિલંબ કર્યા વગર ફોન ઉપાડે છે. સામે છેડે કોણ છે? શું બોલે છે? એ સાંભળ્યા વગર બોલવા લાગે છે: “કોણ છે તું? તે મારા દોસ્તની હત્યા કરાવી છે ને? તું જે કોઈ પણ હોય? રાજુ, ખેંગાર, અંગાર એક વાત યાદ રાખજે... જે વખતે તું મારી સામે આવ્યો... એ દિવસ તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે... મારા હાથેથી અર્જુનનાં એક-એક દુશ્મનને મોતનાં ઘાટ ઉતારીશ... અને મારા મિત્રનાં મોતનો બદલો લઇશ... તું ગમે ત્યાં સંતાઈશ... હું તને શોધી નાંખીશ...”

સામે છેડેથી અવાજ આવે છે: “કરણ! તું અર્જુન પાસે કેવી રીતે આવી ગયો?”

કરણ વધારે ઊંચા અવાજે બોલે છે: “અચ્છા! તને નવાઇ લાગે છે! મારા મિત્રની પાસે હું કેવી રીતે આવ્યો એ વિચારે છે! હું તારી જિંદગી બદતર કરી દઇશ... તારી ઊંઘ હરામ કરી નાંખીશ... તારું જીવન દુઃખોથી ભરપૂર કરી દઈશ... આ દુનિયામાં જેટલી તકલીફ, સમસ્યાઓ છે, બધું તારા જીવનમાં લાવીને મૂકી દઈશ...”

અર્જુનનાં ફોન પર પિતા પર્વતસિંહ વાતા કરતા હતા. એ હકીકતથી અજાણ કરણ મનમાં જે આવે તે બોલીને તેનો ઉભરો ઠાલવતો હતો. વાત ચાલુ હતી એ સમયે સામેથી એક ગાડી આવે છે. કરણ મિત્રનાં મોતની પાછળ એટલો પાગલ થઇ ગયો હતો, કે તે શું બોલે છે તેનું તથા ગાડી આવે છે એનું ભાન નહોતું. ગાડી તેની સામે આવીને ઊભી રહે છે. પર્વતસિંહ, સુધા, રાવજી અને સલિમ ગાડીમાંથી બહાર આવે છે. છતાં તેનું ધ્યાન જતું નથી. પર્વતસિંહ દીકરાનાં ખભા પર હાથ મૂકે છે. પરંતુ કરણનું ધ્યાન ફોન પર ગાળો આપવામાં જ હતું. પર્વતસિંહ ભાન ગુમાવી ચૂકેલા કરણનાં હાથમાંથી ફોન ખેંચે છે. કરણ માથું ઊંચું કરી જુએ છે. પિતાને સામે જોઈ સ્તબ્ધ થઈ જાય છે. એની આંખમાંથી પાણી દડદડ વહેવા લાગે છે

સુધા હિંમત કરી અર્જુનનું માથું પોતાના ખોળામાં મૂકે છે: “કરણ, હું સાધનાને શું જવાબ આપીશ? એના દીકરાનાં મોતનાં સમાચાર કેમ કરી આપીશ?” એની આંખોમાંથી પાણી વહેવાનું શરૂ થાય છે. કરણ પણ સુધાનાં ખોળામાં માથું મૂકી રડવા લાગે છે. પર્વતસિંહ અર્જુનનાં માથામાં હાથ ફેરવતા રોવે છે. પર્વતસિંહ, સુધા અને કારણ ત્રણેય અર્જુનનાં મોતને સહન કરી શકે એવી સ્થિતિમાં નહોતા. પણ સલિમ અને રાવજી પરિસ્થિતિની ગંભીરતા સમજતાં હતા. એ બન્ને અર્જુનનાં પાર્થિવ દેહને ઉપાડી ગાડીમાં મૂકે છે.

પર્વતસિંહનાં ખભા પર હાથ મૂકી સલીમ બોલે છે: “સર આપણે અહીંયાથી જલ્દી નીકળવું પડશે... નહીં તો અંગારનાં માણસો આવી જશે...” બધા ગાડીમાં બેસે છે. રાવજી બાઈક લઈ ગાડીની પાછળ હંકારે છે.

પર્વતસિંહ: “કરણ, હું, સુધા અને સલિમ અત્યારે જ રિયાનાં કાકાનાં ઘરે સુરત જઈએ છે... ત્યાં જ એના અંતિમ સંસ્કાર કરીશું...” કારણ શૂન્યમનસ્ક પિતાને સાંભળે છે. “રિયા બીજા બધાને લઈ મુંબઈની બહાર નીકળી ગઈ છે... ગુજરાત બોર્ડર પર એ અમારી રાહ જોશે... ત્યાંથી અમે બધા સાથે થઈશું... દુશ્મનો અમારામાંથી કોઈને શોધી શકશે નહીં... ”

કરણને પિતાની દીર્ધદ્રષ્ટિ પર માન થાય છે, અને પોતે ગુમાવેલા ભાનથી કરેલા વર્તન પર ગુસ્સો આવે છે. આવા કપરા સમયમાં ધીરજ અને ખંતથી કામ લેવાનું પિતાએ બરાબર શીખવાડયું છે, છતાં પોતે મૂર્ખ જેવુ વર્તન કર્યું હતું. એ પિતાને બોલતા શાંતિથી સાંભળે છે: “જો દીકરા... સુભાષનાં મોતનો બદલો હું લઈ શક્યો નથી... પરંતુ અર્જુનનાં મોતનો બદલો તારે લેવાનો છે... તારે અર્જુનની પાછળ જેટલું રડવું હોય એટલું પાંચ મિનિટ સુધી રડી લે... આ પાંચ મિનિટ પછી તને રડવાનો સમય મળશે નહીં... એ લોકોએ મને અને મમ્મીને મારવા માટે માણસો મોકલ્યા... આપણાં અર્જુનનો એક્સિડન્ટ કરાવી હત્યા કરી... મને એવું લાગે છે... વિક્કીનો જીવ પણ જોખમમાં છે... એ જેલમાં છે... એ લોકો કઈપણ કરી શકે છે... તારે વિક્રાંતને ગમે તેમ કરીને બચાવવાનો છે...”

કરણને વિશાલનાં શબ્દો યાદ આવે છે: “પપ્પા, એ લોકોએ આજે વિક્રાંતનું એનકાઉન્ટર કરવાનો પ્લાન બનાવ્યો છે...”

પર્વતસિંહ કડક શબ્દોમાં બોલે છે: “કરણ, તું શું કરીશ? હું નથી જાણતો? શંકર અને અર્જુનને એક દિવસમાં ખોયા છે... હવે કોઈને મોત આવ્યું તો હું તારો બાપ નથી...”

સુધા: “આવું કેમ બોલો છો.......”

પર્વતસિંહ: “બસ સુધા... અત્યારે તું વચ્ચે ના બોલીશ... જો વિક્રાંતને કે એના મિત્રોને કશું થયું તો હું કરણનું મોઢું આખી જિંદગી નહીં જોવું... આ મારૂ વચન છે...” પર્વતસિંહ ખિસ્સામાંથી ફોન કાઢી કરણને આપે છે: “આ ફોન લે બેટા... આ ફોન અર્જુનનો છે... એણે ઘણા પુરાવા એકઠા કર્યા છે... એ પુરાવા ક્યાં મૂક્યા છે એ મને ખબર નથી... પરંતુ એના ફોનમાં એવું કશુક તો તને મળી જશે, જે તને કામ લાગે... કરણ, બીજી એક અગત્યની વાત યાદ રાખજે... દુશ્મનો માટે અર્જુન હંમેશા જીવતો રહેવો જોઈએ... એના મોતનાં સમાચાર બહાર આવવા જોઈએ નહીં... અર્જુનનાં નામની બીક એ લોકોને હંમેશા સતાવતી રહેવી જોઈએ...”

પિતાની છેલ્લી વાત સાંભળી કરણનાં ઉદાસી ભર્યા ચહેરા પર એક આશાની લકીર ખેંચાય છે. અર્જુનને જીવતો રાખવાની વાતનો અર્થ ખૂબ સારી રીતે સમજે છે. દુશ્મનોનાં દિલમાં અર્જુન નામની બીક કાયમ રહેવી જરૂરી હતી. એ સલિમ સામે હાથ જોડે છે.

સલિમ હાથ પકડે છે: “સાહેબ... તમે મારા પર કરેલા ઉપકાર સામે મેં કશું નથી કર્યું... જ્યારથી સર અને મેડમ આવ્યા ત્યારથી હું અને રાવજી એમની સાથે હતા... મેં દુશ્મનોને જોયા અને બધાને લઈ હું ત્યાંથી તાબડતોબ નીકળી ગયો... હું બધાને સુરત સુરક્ષિત જગ્યા પર મૂકી પાછો તમારી મદદે આવી જઈશ...”

કરણ માતા-પિતાનાં આશીર્વાદ લે છે. છેલ્લી વાર મિત્રની છાતી પર માથું મૂકી ગમગીન થાય છે. સમય વેડફયા વગર ગાડીની બહાર આવે છે. સલિમની ગાડીને દૂર સુધી જતાં જોવે છે. જાણે પોતાનું શરીર બહાર ઊભું છે અને આત્મા ગાડીમાં ચાલ્યો ગયો. રાવજી સરની પાસે આવી પાણીની બોટલ આપે છે.

કરણ મોઢા પર પાણી છાંટે છે: “રાવજી, આપણે અત્યારે ક્યાં ઊભા છે? આપણે સીધા શ્ક્લાની ચોકી પર જવાનું છે? કેટલી વાર લાગશે? અને અત્યારે સમય કેટલો થયો છે?”

રાવજી: “સર આપણને એક કલાક લાગે? અત્યારે સવારનાં સાડા છ વાગવાની તૈયારી છે...”

કરણ એના અસલી પોલીસ દિમાગને કામે લગાડે છે: “તું બાઇક ચલાવ... મારે આ ફોનમાં કોઈ કામ આવે એવી વસ્તુ શોધવી છે...”

થોડી ક્ષણોમાં રાવજી અને કરણ શુકલાની ચોકી પર જવાનાં રસ્તે ફૂલસ્પીડે જતાં હતા. અર્જુનનાં ફોનમાં પાસવર્ડ હતો. કરણ મિત્રની જન્મતારીખ નાંખે છે. ફોન ઓપન થતો નથી. બે ક્ષણ વિચાર કરી કરણ પોતાની જન્મતારીખ નાંખે છે. ફોન તરત ઓપન થાય છે. ટેન્શન વાળી એ પળોમાં કરણની આંખમાં અર્જુનનાં પ્રેમની ખુશી અને મોતનું દુ:ખ બન્ને એકસાથે દેખાય છે. WhatsApp, Mail, gallery બધું ચેક કરે છે. ત્યાં કશું કામનું દેખાતું નથી. બાઇક પર બેસી તકલીફ પડતી હતી પણ એ મોબાઈલમાંથી માથું બહાર કાઢતો નથી. પંદર મિનિટ જેવી મહેનત કર્યા પછી એના હાથમાં કશું આવ્યું નહોતું. ગૂગલ ડ્રાઈવ ઓપન કરી જોવે છે. ત્યાં માત્ર એક વિડીયો હતો. એ વિડીયો ઓપન કરતાંની સાથે એની આંખોમાં ચમક આવે છે.

“રાવજી, કોઈ ચાની લારી કે નાની હોટલ જેવુ દેખાય એટલે ઊભો રહે... થોડી ચા પીતા ખત્રીની સવાર બગાડવી છે... આજે એને ચા પણ ઝેર સમાન લાગે એવો એનો વિડીયો મળ્યો છે...”

રાવજી સર સાથે કામ કરી એમની આદત સમજતો હતો. થોડે આગળ એક ચાની લારી પાસે બાઇક ઊભું રાખે છે. કરણ પહેલી ચા એક ઘૂંટમાં પી જાય છે. તરત બીજી ચા મંગાવે છે. એના શરીરમાં અને વિચારોમાં અચાનક સ્ફૂર્તિ આવી ગઈ હતી. ખત્રીને બરાબર સંકજામાં લઈ શકાય એવો વિડીયો હતો. મનમાં વિચારે છે. ‘ખત્રી હવે તું બરાબર ભીંસમાં આવ્યો. આ વખતે તને એવો સંકજામાં લઇશ કે તું પોલીસની નોકરીને નફરત કરીશ.’ કરણ એ વિડીયો ખત્રીનાં WhatsApp પર મોકલે છે.

રાવજી સામે આંખ મારી બોલે છે: “રાવજી, કોઈ એકાંત વાળી જ્ગ્યા પર લઈ લે... ખત્રી સાથે થોડી વાતો કરવી છે...”

બન્ને બાઇક પર ફરી સવાર થાય છે. જયારે વિડીયો જોઈ ખત્રીની આંખો પહોળી થઈ જાય છે. આખા શરીર પર પરસેવો અને ધબકારાની સંખ્યા વધે છે. એના ગળામાં શોસ પડે છે. બોલવાની કોશિશ કરે છે પણ જીભ સ્થિર થઈ જાય છે. સહેજ પણ અવાજ નીકળતો નથી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED