આપણાં મહાનુભાવો - ભાગ 13 - ડૉ. શ્રીકાંત જીચકર Mrs. Snehal Rajan Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આપણાં મહાનુભાવો - ભાગ 13 - ડૉ. શ્રીકાંત જીચકર

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.

મહાનુભાવોનો પરિચય આગળ વધારતાં આજે એવા વ્યક્તિની વાત કરવી છે જે ભારતની સૌથી વધુ ભણેલ વ્યક્તિ છે. તેમનાં ભણતરને કારણે જ તેમનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. દેશમાં સૌથી નાની વયે વિધાયક બનવાનું બહુમાન પણ એમનાં ફાળે જાય છે. તેઓ માત્ર 26 વર્ષની ઉંમરે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બન્યા હતા.

તેમનો જન્મ 14 સપ્ટેમ્બર 1954નાં રોજ મહારાષ્ટ્રનાં એક સુખી સંપન્ન મરાઠી જૈન ખેડૂત કુટુંબમાં કટોલ ખાતે થયો હતો. એમની પાસે 20 જેટલી ઉચ્ચ ડિગ્રીઓ હતી. આ ઉપરાંત કેટલીક ડિગ્રીઓ એવી હતી કે જેની પરીક્ષા તેમણે આપી હતી અને પાસ પણ કરી હતી, પરંતુ ઉચ્ચ અભ્યાસના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી એમને આપવામાં આવી ન હતી. એમની દરેક ડિગ્રી એમણે ફર્સ્ટ ક્લાસ કે પછી ગોલ્ડ મેડલ સાથે જ પાસ કરી હતી. ઈ. સ. 1973થી ઈ. સ. 1990 સુધીનો સમય એમણે યુનિવર્સીટીની વિવિધ પરીક્ષાઓ આપવામાં જ વિતાવ્યો હતો.

તેઓ ઈ. સ. 1980નાં બેચનાં IPS તેમજ IAS અધિકારી પણ રહ્યા હતા. ત્યારબાદ ચાર જ મહિનામાં રાજીનામું આપી દીધું હતું. ઈ. સ. 1981માં તેઓ મહારાષ્ટ્ર સરકારમાં વિધેયક બન્યાં બાદ એ સમયે એકસાથે 14 પોર્ટફોલિયો મેળવી સૌથી વધુ પ્રભાવશાળી રહ્યા હતા. તેમનાં કાર્યકાળ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર પોલીસમાં પણ ઘણાં સુધારા કર્યા હતા. તેમની પોતાની એક અંગત લાયબ્રેરી પણ હતી, જેમાં 52000થી વધુ પુસ્તકો હતાં. આ માટે તેમનું નામ લિમ્કા બુક ઑફ રેકોર્ડસમાં નોંધાયું છે.

ઈ. સ. 1992થી ઈ. સ. 1998 દરમિયાન રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. આ સમયમાં તેઓ ઘણી સમિતિઓનાં સદસ્ય રહ્યા હતા અને ત્યાં ઘણાં બધાં નોંધનીય કાર્યો કર્યાં હતાં.

ઈ. સ. 1991માં તેમને કેન્સર નિદાન થયું એ પણ છેલ્લાં સ્ટેજનું. ડૉક્ટરે તેમને કહી દીધું હતું કે હવે તેમની પાસે માત્ર એક મહિનો છે. પરંતુ આધ્યાત્મિક વિચારો ધરાવતાં શ્રીકાંતે જીવવાની આશા છોડી ન હતી. તેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે ત્યાં એક સંન્યાસીનો પણ ઈલાજ ચાલી રહ્યો હતો. આ સંન્યાસીએ તેમને હિંમત આપી હતી. આ સંન્યાસીએ તેમને સંસ્કૃત ભાષા શીખવા તથા શાસ્ત્રોનું અધ્યયન કરવાની સલાહ અને પ્રેરણા આપી. સંન્યાસીએ તેમને કહ્યું, "તુ આટલો જલદી મરી નહીં શકે. હજુ તો તારે ઘણું કામ કરવાનું છે." અને જાણે કે ચમત્કાર થયો હોય એમ શ્રીકાંત સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા.

હોસ્પિટલથી ઘરે ગયા બાદ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો અને પોતાનું સંપૂર્ણ ધ્યાન સંસ્કૃત ભાષા ભણવામાં લગાવ્યું. છેવટે તેઓ સંસ્કૃતમાં ડી. લિટ.ની ઉપાધિ મેળવીને જ અટક્યા. ડી. લિટ. એ કોઈ પણ શાખાની ભણતરની સૌથી ઉચ્ચ પદવી છે. આ ડીગ્રી મેળવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, "સંસ્કૃત ભાષાનાં અભ્યાસ પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મારી જ્ઞાન મેળવવાની જીજીવિષા તૃપ્ત થઈ ગઈ છે."

તેમણે પૂણે ખાતે સંદિપની સ્કૂલની સ્થાપના કરી. નાગપુરમાં કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, જેનાં પ્રથમ કુલપતિ તેઓ પોતે જ હતા. હવે તેમનું એક જ સપનું હતું કે દરેક ઘરમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સંસ્કૃત વિદ્વાન બને અને કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ જેવી બિમારી ન થાય.

તેઓ ભારતનાં એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેમની પાસે નીચે મુજબનું જ્ઞાન કે પદવી હતાં:

1. ડૉક્ટર
2. વકીલ
3. IPS અધિકારી
4. IAS અધિકારી
5. વિધાયક
6. મંત્રી
7. સાંસદ
8. ચિત્રકાર
9. ફોટોગ્રાફર
10. પત્રકાર
11. કુલપતિ
12. મોટિવેશનલ સ્પીકર
13. સંસ્કૃત વિદ્વાન
14. ગણિત વિદ્વાન
15. ઈતિહાસકાર
16. સમાજશાસ્ત્રી
17. અર્થશાસ્ત્રી
18. કવિ

ડૉ. શ્રીકાંત જીચકરે મેળવેલ ઉપાધિઓ:-

1. M. B. B. S. M. D. Gold medalist
2. LLB, LLM
3. MBA
4. Bachelor in journalism
5. M. A. English
6. M. A. Hindi
7. M. A. History
8. M. A. Psychology
9. M. A. Sociology
10. M. A. Political Science
11. M. A. Archeology
12. M. A. Anthropology
13. M. A. Public Administration
14. IPS
15. IAS
16. D. Lit. Sanskrit
17. DBM
18. M. A. Philosophy
19. M. A. Indian culture
20. M. A. Economics

ઈ. સ. 1999માં રાજ્યસભાનું ઈલેક્શન હાર્યા પછી એમણે દેશનાં વિવિધ ભાગોમાં ફરવાનું શરુ કર્યું. લોકોનાં સ્વાસ્થ્ય, ભણતર અને ધર્મને લગતી ખોટી માન્યતાઓ દૂર કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપવા માટે શ્રીકાંત દેશનાં અલગ અલગ ભાગોમાં ફર્યા અને પોતાનું વક્તવ્ય આપ્યું. આ સમયગાળા દરમિયાન તેમણે ભારતનું યુનેસ્કોમાં પણ પ્રતિનિધિત્વ કર્યું હતું.

પરંતુ હંમેશા અનુભવાયું છે તેમ સ્વામી વિવેકાનંદ, શંકરાચાર્ય, રામાનુજન, સ્વામી દયાનંદ સરસ્વતી કે પછી અન્ય કોઈ મહાન વિભૂતિઓ બહુ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા તેવી જ રીતે શ્રીકાંત જીચકર પણ માત્ર 49 વર્ષની નાની ઉંમરમાં એક ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. 2 જૂન 2004નાં રોજ રાત્રીનાં સમયે તેઓ પોતાના એક મિત્રના ઘરેથી તેમનાં ઘરે નાગપુર જઈ રહ્યા હતા ત્યારે એક બસ સાથે તેમનો ગંભીર અકસ્માત થયો અને તેઓ આ દુનિયા કાયમ માટે છોડી ગયા.

સંસ્કૃત ભાષાનાં પ્રચાર, પ્રસાર અને અધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનું તેમનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.

ડૉ. જીચકર પાસે શીખવા જેવી કોઈ ખૂબ જ અગત્યની બાબત હોય તો એ કે આપણે આપણાં હ્રદય અને આપણાં લક્ષ્યને જ અનુસરવું જોઈએ. આ જ બાબત આપણને એક સુંદર સફળતા તરફ દોરી જાય છે.

વાંચવા બદલ આભાર🙏
- સ્નેહલ જાની

રેટ કરો અને રિવ્યુ આપો

Hetal Togadiya

Hetal Togadiya 7 માસ પહેલા

Narendra Ramji Gala

Narendra Ramji Gala 8 માસ પહેલા

Pintu Bhatti

Pintu Bhatti 11 માસ પહેલા

Mrs. Snehal Rajan Jani

Mrs. Snehal Rajan Jani માતૃભારતી ચકાસાયેલ 11 માસ પહેલા

એક સરસ પ્રતિભાનો પરિચય

Umesh Donga

Umesh Donga 11 માસ પહેલા

શેયર કરો