Case No. 369 Satya ni Shodh - 21 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 21

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૨૧

મંગળ શુક્લાનો ખબરી છે, એ જાણ્યા પછી મંગળ પાસેથી વાત કઢાવવા માટે કરણે રાવજીને કહ્યું હતું. કરણનાં કહ્યા પ્રમાણે રાવજીએ મંગળને ખુબ દારૂ પીવડાવ્યો અને થોડી વાત કઢાવી હતી. એ વાત કરણને કહેવા માટે રાવજી હોસ્પિટલમાં પર્વતસિંહનાં રૂમમાં આવે છે. પર્વતસિંહ સુવાનું નાટક કરતા હતા એમની હાજરીમાં રાવજી જણાવે છે કે, આજની રાત નીલિમાની અંતિમ રાત્રી બનાવવા માટે રાજુએ હોસ્પીટલમાં માણસો મોકલ્યા છે. સંજય અને શંકરકાકા હોસ્પિટલમાં નીલિમાની સુરક્ષા માટે ગયા હતા. શંકરકાકા રાજુનાં કોઈપણ માણસને નીલિમા સુધી પહોંચવા નહીં દે એવી કરણને ખાતરી હતી, પરંતુ એને પણ કંઈક અજુગતું થવાના એંધાણ આવતા હતા.

રાવજીની વાત સાંભળી પર્વતસિંહ બેઠા થાય છે. પિતા અને પુત્ર એકબીજા સામે તાકે છે. પિતાને ખાતરી થાય છે કે દીકરાએ કેસ નંબર - ૩૬૯ છોડ્યો નથી. પુત્ર પિતા સામે વિવસ થઈ ઊભો રહે છે. પર્વતસિંહ જાણતા હતા આજની રાત બહુ કપરી સ્થિતિ લઈને આવી છે. સુરક્ષિત સ્થાન પર જવાનો સમય આવી ગયો છે એવી પિતા અને પુત્ર વચ્ચે માત્ર બે મિનિટની ટૂંકી વાતચીત થઈ. એ વાતચીત પૂરી થયા પછી કરણે પર્વતસિંહને રાવજી સાથે કોઈને ખબર ના પડે તે રીતે હોસ્પિટલમાંથી ગાયબ થવા માટે કહ્યું. વિશાલને ફોન કરી કોઈને ખબર ના પડે એ રીતે સુધાને ઘરની બહાર લાવવાનું કામ બતાવ્યુ. સુધા અને પર્વતસિંહને સલીમનાં ગેરેજની પાછળ રાખેલી રૂમમાં સુરક્ષિત પહોંચાડવાનું વિશાલ અને રાવજીને કહી કરણ ખૂબ ઝડપથી નીલિમાની હોસ્પિટલમાં આવે છે.

રાજુ જ્યારે ફોન પર શંકરને મારી નાખવાનું તથા અર્જુન અને નીલિમાને એની પાસે લાવવાનું ફોન ઉપર કહેતો હોય છે, તે જ સમયે કરણ ત્યાં આવી પહોંચે છે. રાજુની વાત શંકર, અર્જુન અને કરણ ત્રણેય સાંભળે છે. પાંચ માણસો વચ્ચે શંકર અને અર્જુન ઘેરાયેલા હતા. શંકરનાં માથામાંથી લોહી વહેતું હતું તે ઉભો થવા માટે અસક્ષમ હતો. અર્જુન માર ખાઈને અધમૂઓ થયો હતો. જીગરજાન મિત્રને જોઈ કરણ ખુશ થયો હતો પણ ત્યાં રચાયેલી સ્થિતિ જોઈ અત્યંત દુ:ખી હતો. એકબાજુ મિત્રને ગળે લગાડવા માટે આતુર હતો અને બીજીબાજુ પિતા સમાન કાકા અને મિત્રને કેવી રીતે બચાવી શકાય એ સવાલ હતો. એ વખતે કરણ અને શંકર વચ્ચે ત્રીસ ફૂટ જેટલું અંતર હતું. એ કાકાને મદદ કરવા માટે દોડે છે.

બરાબર એ જ સમયે શંકર માથામાંથી વહેતા લોહીની પરવાહ કર્યા વગર, અર્જુનને મારથી બચાવવા માટે હથોડીવાળા માણસનાં બન્ને પગ પોતાની તરફ ખેંચે છે. હથોડીવાળો માણસ ચત્તો જમીન પર પટકાય છે. અચાનક જમીન પર પડવાથી તેના હાથમાંથી હથોડી ઉછળે છે અને એના જ કપાળ પર ઉપરથી ધડામ દઈને પડે છે. જમીનમાં માથું પછડાયું હોય છે અને કપાળ પર હથોડી પડે છે, આમ ડબલ મારથી હથોડીવાળો માણસ તરત જ ભાન ખોઇ બેસે છે.

શંકરે કરેલા અચાનક હુમલાથી અર્જુનમાં હિંમત આવે છે. તે એક સાથે બે માણસનાં ગળા પકડી લોબીની ત્રણ ફૂટ ઊંચી લોખંડની રેલિંગ પર પછાડે છે. અર્જુનનો પ્રહાર ખુબ જ તાકાત વારો હતો. એક માણસ રેલિંગ કુદાવી નીચે પડે છે. બીજા માણસને માથામાં રેલિંગ વાગે છે અને એના માથામાંથી લોહી નીકળવા લાગે છે. ત્રીજો અને ચોથો માણસ શંકર અને અર્જુનને પકડવા આગળ આવે છે ત્યાં સુધી કરણ આવી જાય છે. એ ઊંચો કૂદકો મારી ત્રીજા માણસનાં માથા પર કોણીથી જોરદાર પ્રહાર કરે છે. ત્રીજા માણસને તમ્મર આવે છે. અર્જુન ચોથા માણસનાં પેટમાં બન્ને હાથથી ઉપરા-છાપરી પાંચ વાર મુક્કી મારે છે. અર્જુનને પગ આગળ લોખંડનો સળિયો દેખાય છે એ લઈ ચોથા માણસનાં પેટમાં પૂરી તાકાતથી મારે છે. ચોથો માણસ પણ ગડથોલિયું ખાઇ નીચે પડે છે.

કરણ અને અર્જુન બન્ને શંકર પાસે આવે છે. શંકર બેભાન થયો હતો. એની આજુબાજુ લોહીનું ખાબોચિયું ભરાયું હતું. કરણ અને અર્જુનની નજર એક થાય છે. એ નજરમાં બન્નેને શંકર માટેનો પ્રેમ અને ચિંતા દેખાય છે. બન્નેમાંથી કોઈ ડોક્ટરને બોલાવવા જાય એ પહેલાં ત્યાં ડોક્ટર, નર્સ અને વોર્ડબોય આવે છે. એ લોકો ત્યાં થયેલી મારામારીનો અવાજ સાંભળી દોડી આવ્યા હતા. ડોક્ટર તાબડતોબ શંકરને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. બન્ને મિત્રો એકબીજાને ભેટે છે.

અર્જુન બહુ પ્રેમથી કરણનાં માથામાં હાથ ફેરવી બોલે છે: “નીલિમાને લઈ સંજય અને બીજા બેઝમેંટમાં ગયા છે... ત્યાં પણ ખતરો છે... તું અહિયાં ઓપરેશન થિયેટરની બહાર ઊભો રહે... હું બેઝમેંટમાંથી નીલિમા અને બીજા લોકોને બહાર લઈ જવું છું...”

કરણ કઇંપણ બોલે એ પહેલાં અર્જુન લિફ્ટ તરફ દોડે છે. કરણ પણ અર્જુન સાથે જવા માંગતો હતો પણ શંકરને એકલો મૂકી શકાય એમ નહોતો. જો રાજુનાં માણસો ફરી આવે તો શંકરની ટ્રીટમેંટ સ્થગિત કરાવી શકતા હતા.

જે સમયે ઉપર લડાઈ ચાલતી હતી એ સમયે બેઝમેંટમાં નીલિમા તથા સંજય, રીયા, હંસા અને કિશોર ૮૫૪૦ નંબરની એમ્બ્યુલન્સમાં બેસી ગયા હોય છે. ફોનવાળા માણસે માત્ર અંદાજ લગાવી બેઝમેંટમાં બીજા માણસોને જવાનું કહ્યું હતું. એનો અંદાજ સાચો સાબિત થયો હતો. સંજયને સહેજ પણ ખ્યાલ નહોતો કે રાજુનાં માણસોમાંથી એકે બુરખાની અંદર કિશોરનાં બુટ જોયા હતા. શંકરનાં કહ્યા પ્રમાણે એમ્બ્યુલન્સમાં બેસી સવાર પડવાની રાહ જોવાની હતી.

બેઝમેંટમાં જ્યારે રાજુનાં માણસો આવે છે ત્યારે લિફ્ટ ખાલી જોવે છે. સંજય અને રીયા કાચમાંથી ત્રણ માણસોને જોવે છે. ખતરો હજુ આંટા મારે છે એ જોઈ બન્ને સચેત થાય છે.

પહેલો માણસ: “કોઈ ગાડી બહાર ગઈ હોય એવું લાગતું નથી... લિફ્ટ અહીંયા આવી છે... એટલે એ લોકો નીચે આવ્યા છે એ વાત પાક્કી છે...”

બીજો માણસ: “એકપણ ગાડી બહાર ગઈ નથી તો એ લોકો દેખાતા કેમ નથી... શું એ લોકો જાદુગર છે! અહિયાં થી અલોપ થઈ ગયા!”

ત્રીજો માણસ: “નક્કી એ લોકો અહિયાં પાર્કિંગની કોઈ ગાડીમાં સંતાઈને બેઠા છે... ચાલો વારાફરતી ગાડીઓ ચેક કરવાનું શરૂ કરો...”

સંજય અને બીજા બધા આ વાત સાંભળતા હોય છે. હંસા ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે અને કિશોર દીકરીને સંતાડવાની કોશિશ કરવા લાગે છે. રિયા બન્નેને શાંતિથી બેસવા માટે ઇશારો કરે છે. સંજય બહારની સ્થિતિ પર ચાંપતી નજર રાખે છે. ત્રણે માણસ પાર્કિંગમાં રાખેલી બધી ગાડીઓ ચેક કરતા હતા. ૮૫૪૦ નંબરની એમ્બ્યુલન્સથી એ લોકો બહુ દૂર નહોતા. એક જ મિનિટની અંદર ત્રણે માણસો એમ્બ્યુલન્સ સુધી આવી શકે એમ હતું. ડ્રાઇવરની સીટ પર કોઈ બેઠેલું નહોતું. બધા પાછળ નીલિમા સાથે બેઠા હતા. કોઈ એમને જોઈ જાય તો તરત ગાડી ચલાવી બહાર જવું પડશે એ વિકલ્પ કોઈનાં મગજમાં આવ્યો નહોતો.

જ્યારે રાજુ અને ખેંગાર જેવા ખતરનાક માણસો સામે સામનો કરવાનો હોય ત્યારે અનેક પાસા પર વિચાર કરી પગલું ભરવું પડે. પરંતુ કોઈ પાસે બધી શક્યતાઓ વિચારવાનો સમય નહોતો. કરણ ઈચ્છતો હતો નીલિમા જલ્દી ભાનમાં આવે. એટલે એણે કસ્ટોડિયલ ડેથની વાત ઉપજાવી હતી. પરંતુ એ સમયે કરણને અંદાજ પણ નહોતો કે રાજુ અને ખેંગારનો સામનો કરવાનો છે. જ્યારે નર્સે ફોનનું રેકોર્ડિંગ સંભળાવ્યું ત્યારે કેસ નંબર - ૩૬૯નાં માસ્ટર માઇન્ડનું નામ ખબર પડી. જો પહેલા કરણને ખબર પડી હોત કે બોસ કોણ છે તો એ નીલિમાને ભાનમાં લાવવા માટે ઉતાવળ ના કરત. પરંતુ કિસ્મત જે કરવા ધારે એમાં મીન મેખ ના રહે.

ત્રીજો માણસ ૮૫૪૦નાં દરવાજા સુધી આવી ગયો હતો. બીજા બે માણસો ત્યાંથી દૂર નહોતા. રિયા અને સંજય બે હતા જ્યારે રાજુના ત્રણ માણસ હતા. સંજય અને રિયા એકબીજાને આંખોથી ઈશારો કરી લડવા માટે તૈયાર હોવાનું કહે છે. ત્રીજો માણસ એમ્બ્યુલન્સની અંદર જુએ છે. એને અંદર કિશોર દેખાય છે: “એ લોકો આ એમ્બ્યુલન્સમાં લાગે છે...”

બીજા બે માણસો આવે એ પહેલા સંજય દરવાજો ખોલી ત્રીજા માણસને પાટુ મારે છે. ત્રીજો માણસ પાછળ ઊભેલી ગાડી સાથે અથડાય છે. સંજય નીચે ઉતરી ડ્રાઈવર સીટનાં દરવાજા તરફ જાય છે. રીયા દરવાજો લોક કરે છે. સંજયનો ઇરાદો માણસો સાથે લડવાના બદલે એમ્બ્લુયન્સ લઈ દૂર જવાનો હોય છે, પરંતુ બીજો માણસ ડ્રાઇવર સીટનાં દરવાજાની નજીક આવી ગયો હતો એટલે તેની સાથે સંજયને લડાઈ કરવી પડે છે. ત્યાં સુધી ત્રીજો માણસ એમ્બ્યુલન્સનો દરવાજો ખખડાવવા લાગે છે. પહેલો માણસ પણ ત્રીજા માણસ સાથે એમ્બ્યુલન્સનો દરવાજો ખખડાવે છે. હવે અંદર બેસી રહેવાનો કોઈ મતલબ ન હોવાથી રિયા બહાર આવે છે.

કિશોર તરત એમ્બ્યુલન્સનો દરવાજો લોક કરે છે. દરવાજા આગળ ઉભેલા બન્ને માણસોનાં ઉગમેલા હાથ સુંદર સ્ત્રીને જોઈ અટકી જાય છે. રિયા એ ક્ષણનો ફાયદો ઉઠાવી પહેલા માણસને પગ તથા ત્રીજા માણસને હાથથી એકસાથે પ્રહાર કરે છે. ત્યાં સુધી સંજય બીજા માણસને ધૂળ ચટાડી ચૂક્યો હોય છે. એ રિયાની મદદે આવે છે. બન્ને જણ બેય માણસને હંફાવી જલ્દી હોસ્પિટલથી દૂર જવા માંગતા હતા. રિયા કરાટેનાં દાવપેચની અડદથી પહેલા માણસ અધમૂઓ કરે છે. પરંતુ ત્રીજો માણસ વધારે ચાલાક અને તાકાતવાળો હતો. સંજય અને ત્રીજા માણસ વચ્ચે લાંબી લડાઈ થાય છે. ત્રીજો માણસ સંજય ઉપર ભારે પડી રહ્યો હતો. ત્રીજા માણસને આસાનીથી મારી શકાતો નહોતો એમાં રિયાને બેઝમેંટમાં બીજા ચાર માણસ આવતા દેખાય છે.

રિયા: “સંજયભાઈ બીજા ચાર ખવીસ આવી રહ્યા છે...”

સંજય એ બાજુ નજર કરે છે: “તમે એમ્બ્લુયન્સ લઈને જાવ... હું આ લોકોને સંભાળું છું...”

રિયા: “પણ તમને એકલા મૂકીને કેવી રીતે જવું...”

સંજય: “બીજા લોકો આવશે તો આપણે બન્ને પકડાઈ જઈશું... તમે મારી ચિંતા ના કરશો... તમે જલ્દીથી એમ્બ્યુલન્સ લઈને અહિંયાથી નીકળો...”

બીજા માણસો એમની નજીક આવે એ પહેલા નીલિમાને એ લોકોથી દૂર લઈ જવાનું વધારે અગત્યનું હતું. રિયા સમય ગુમાવ્યા વગર તરત જ એમ્બ્યુલન્સની ડ્રાઈવર સીટ પર બેસે છે. નવા આવેલા ચાર માણસો રોકવા માટે એમ્બ્યુલન્સની સામે ઊભા રહે છે. રિયા એક માણસને હડફેટ મારી ગાડી બહાર નીકળવાનાં ઢાળ પર લઈ લે છે. જો એમ્બ્યુલન્સ તરત બહાર લઈ જવી પડે તો એવું કદાચ શંકરે વિચાર્યું હશે, એટલે ગાડી એવી રીતે મૂકેલી હતી જ્યાંથી તરત ઢાળ ચઢી ઉપર જતું રહેવાય. રિયાએ આ તકનો પૂરો લાભ લઈ ગણતરીની સેકન્ડમાં એમ્બ્યુલન્સને હોસ્પિટલની બહાર લીધી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED