આપણાં મહાનુભાવો - ભાગ 11 - ભગવાન દત્તાત્રેય (ભાગ 1) Mrs. Snehal Rajan Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આપણાં મહાનુભાવો - ભાગ 11 - ભગવાન દત્તાત્રેય (ભાગ 1)

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.

ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ🙏🙏🙏

ચાલો, આજે જોઈએ ભગવાન દત્તાત્રેય વિશે. એ વિષ્ણુના અવતાર છે કે શિવના કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના એ એક ચર્ચાનો વિષય હંમેશા જ રહ્યો છે. તેમને ગુરુ વંશના પ્રથમ ગુરુ, સાધક, યોગી અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. તેમનામાં ઈશ્વર અને ગુરુ બંને રુપ સમાયેલા છે. હિંદુ માન્યતા અનુસાર દત્તાત્રેયે પારદથી વ્યોમયાન ઉડ્ડયની શક્તિની જાણ કરાવી હતી અને ચિકિત્સાશાસ્ત્રમાં ક્રાંતિકારી અમલીકરણ કર્યું હતું. જોઈએ એમનાં વિશે થોડી માહિતી.

પૌરાણિક ગ્રંથોમાં મળતાં ઉલ્લેખો મુજબ અશ્વત્થામા, બલિ, હનુમાન, વ્યાસ, વિભીષણ, કૃપ અને પરશુરામ આ સાત ચિરંજીવીઓની જેમ ભગવાન દત્તાત્રેય પણ સર્વત્ર વ્યાપ્ત છે અને ચિરંજીવ છે. એમનાં સાચા ભક્તોને એઓ આસપાસ હોવાનો અનુભવ થાય છે.

દત્તાત્રેયનો જન્મ માગશર સુદ પૂનમ છે, જે દત્ત ભક્તો ધામધૂમથી ઉજવે છે. 'દત્ત' શબ્દનો અર્થ છે આપેલું. દત્ત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે ખુદને આપ્યા છે. તેઓ અત્રિના પુત્ર હોઈ, તેમનું નામઅત્રેય "અત્રેય" પણ છે. તેમની ઓળખ છે શંખ, ચક્ર, કમળ, ત્રિશૂળ, કમંડળ અને ડમરું. નીચેનાં શ્લોક પરથી જ જાણી શકાય છે.

માલા કમંડલું લસે કર નીચલામાં,
ડમરું ત્રિશૂલ વચલા કરમાં બિરાજે |
ઉંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર,
એવા નમું વિધી હરીશ સ્વરુપ દત્ત ||

નાથ પરંપરામાં દત્તાત્રેય ભગવાનને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. નાથ લોકોનાં આદિનાથ સંપ્રદાયનાં તેઓ આદિ ગુરુ છે. તેઓ યોગનાં પ્રથમ એવા ભગવાન છે કે જેમણે અનોખી રીતે તાંત્રિક લાક્ષણિકતાઓ રજુ કરી હતી. દત્તાત્રેયને અદ્વૈત વેદાંત પરના ગ્રંથ ત્રિપુરા રહસ્યના લેખક માનવામાં આવે છે, જે તેમણે પરશુરામને ભેટ સ્વરૂપે આપ્યો હતો.

ચાલો જોઈએ તેમનાં જન્મ સાથે જોડાયેલી કથા.

એક વખત નારદમુનિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય ભગવાનની પત્નીઓને અનસૂયાનાં પતિવ્રતની વાત કહી. તેમણે ખૂબ પ્રશંસા કરી. આથી આ ત્રણેય દેવીઓને થોડી ઈર્ષ્યા થઈ અને પોતપોતાનાં પતિઓને અનસૂયાનું પતિવ્રત ઓછું કરવા વિનંતી કરી. એક વખત જ્યારે અત્રિ ઋષિ ઘરે ન હતાં ત્યારે આ ત્રણેય દેવો મહેમાન બનીને અનસૂયા પાસે જઈને ભોજનની માંગણી કરે છે. પરંતુ શરત મૂકે છે કે જો તે નિર્વસ્ત્ર થઈને ભોજન પીરસશે તો જ તેઓ ખાશે. અનસૂયા દ્વિધામાં પડી જાય છે. જો તે પરપુરુષ સામે નિર્વસ્ત્ર થાય તો પતિવ્રત ઓછું થઈ જાય અને ન માને તો અતિથિધર્મનો અનાદર થાય અને અતિથિઓ અત્રિની બધી શક્તિઓનો નાશ કરે.

અતિથિઓની આવી વિચિત્ર માંગણી સાંભળીને અનસૂયા એટલું સમજી જાય છે કે આ કોઈ સાધારણ અતિથિઓ તો નથી જ. આથી તે પોતાની ધ્યાન શક્તિથી પોતાનાં પતિનો સંપર્ક કરે છે અને તેઓ તેને જણાવે છે કે નિર્વસ્ત્ર થવામાં કોઈ વાંધો નથી. કારણ કે અનસૂયા પોતે કામવાસનાથી મુકત છે. એ ધ્યાનમાંથી બહાર જ આવે છે કે અતિથિઓ કહે છે, "ભવતિ ભીક્ષામ દેહી" (ઓ માતા! અમને થોડું ભોજન આપો) અને આડકતરી રીતે તેણીને માતા તરીકે સંબોધે છે. આથી તે નક્કી કરે છે કે તેઓને પોતાના બાળકો માનશે અને તેમની ઈચ્છા અનુસાર તેમને દાન આપશે. આ સમયે અનસૂયાની આ મહત્તા અને વિચારોના કારણે જ્યારે તે ભોજન પીરસવા આવે છે, ત્યારે ત્રણેય ભગવાન નાના બાળક બની જાય છે અને તેણીની છાતીમાંથી દૂધ ઝરવા માંડે છે. ત્યારબાદ તેમને સ્તનપાન કરાવીને પારણામાં સુવડાવે છે. અત્રિ જ્યારે પાછા ફરે છે અને અનસૂયા પાસેથી પારણામાં સૂતેલા ત્રણેય દેવોના ગુણગાન સાંભળે છે. દેવો તેમના મૂળ સ્વરૂપમાં જાગે છે અને અનસૂયાના પતિવ્રતની પ્રશંસા કરે છે અને સાથે જ તેણીને એક વરદાન આપે છે. અનસૂયા તેમને વિનંતી કરે છે કે આ ત્રણેય ભગવાન તેના બાળક તરીકે જન્મ લે. આથી શિવ, વિષ્ણુ અને બ્રહ્માનાં અવતાર તરીકે અનુક્રમે દુર્વાસા, દત્તાત્રેય અને ચંદ્રદેવનો જન્મ થયો.

સામાન્ય રીતે દત્તાત્રેય ત્રણ મસ્તક સાથે ચિત્રમાં દેખાય છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું સાંકેતિક સ્વરૂપ છે. ઉપરાંત ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય; રચના, રક્ષણ અને વિનાશ; અને ચેતનાના ત્રણ ભાગ: જાગવું, સ્વપ્ન જોવાં અને સ્વપ્ન વિનાની ઊંઘનુ પણ પ્રતીક માનવામાં આવે છે. દત્તાત્રેયને કલ્પવૃક્ષ નીચે તેમની શક્તિ સાથે ધ્યાન કરતા તેમના અનુચર તરીકે કામધેનુ ગાય જોવા મળે છે. તેમની સામે 'અગ્નિકુંડ' અથવા 'કુંડ', અને તેમની આસાપસ ચાર શ્વાન નિરૂપવામાં આવે છે. ચાર જુદા જુદા રંગના શ્વાન દત્તાત્રેય સાથે રહેતા, જેઓ ચાર વેદોનું પ્રતિનિધિત્વ કરે છે. આ શ્વાન જંગલી અને પાળેલા એમ બંને છે તેમજ વફાદાર અને ઉપાસનાના પ્રતિક સમાન છે.

દત્તાત્રેય એ સૌથી જૂનાં દૈવી સ્વરૂપોમાંનાં એક ગણાય છે, કારણ કે તેમનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ થયો છે. અથર્વવેદના ભાગ દત્તાત્રેય ઉપનિષદ માં તેમને ભક્તોને મોક્ષ મેળવવા, દુન્યવી બંધનોથી મુક્ત કરવા માટે બાળક, મંદબુદ્ધિના માણસ અથવા રાક્ષસના સ્વરૂપે પ્રગટ થઈ શકે તેવી સક્ષમતા ધરાવતા વર્ણવામાં આવ્યા છે. ભારતમાં 1000 વર્ષ પૂર્વે પ્રચલિત તાંત્રિક પરંપરા પ્રમાણે જોઈએ તો દત્તાત્રેયના એક માત્ર ધડનો ખુલાસો કરી શકાય. ગોરખનાથે અઘોરી પરંપરાને દૂર કરી આજના લોકોમાં સ્વીકાર્ય એવું સભ્ય સ્વરૂપ નાથ સંપ્રદાય બનાવ્યો. સમય પૂર્વે થઈ ગયેલાઓમાં દત્તાત્રેય ખૂબ શક્તિશાળી મુનિ રહ્યા હશે, સદીઓ વીતતા તેમને દત્તાત્રેય સ્વરૂપે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હશે.

ખૂબ નાની ઉંમરમાં દત્તાત્રેય દિગંબર અવસ્થામાં ઘર છોડીને પૂર્ણતાને પામવા જતા રહ્યા હતા. પુરાણો પરથી એવું પ્રતીત થાય છે કે એમણે જીવનનો ઘણો ખરો સમય ઉત્તર કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તેમજ ગુજરાતમાં નર્મદાના કિનારે ગાળ્યો છે. ઉત્તર કર્ણાટકનું શહેર, જે હાલમાં ગંગાપૂર તરીકે ઓળખાય છે, ત્યાં તેઓ મૂર્તસ્વરુપ પામ્યા હતા. દત્તાત્રેયના મૂળ પદચિહ્ન ગિરનારની પર્વતમાળાના સૌથી ઊંચા શિખર ઉપર આવેલા હોવાનું માનવામાં આવે છે. ત્રિપુરા રહસ્ય માં એવો ઉલ્લેખ જોવા મળે છે કે, શિષ્ય પરશુરામે દત્તાત્રેયને ગંધમાદાન પર્વત પર ધ્યાન કરતા જોયા હતા.

ત્રિપુરા-રહસ્ય પરંપરાગત રીતે દત્તાત્રેય દ્વારા લખાયેલ મૂળ દત્ત સંહિતા અથવા દક્ષિણામૂર્તિ સંહિતા નું સંક્ષિપ્ત રૂપ છે એવું માનવામાં આવે છે. આ ખૂબ જ વિસ્તૃત લખાણને તેમના શિષ્ય પરમાશુર દ્વારા સંક્ષિપ્ત કરવામાં આવ્યું, તેમના શિષ્ય સુમેઘા હરિતાયાન દ્વારા તેનું લેખન કરવામાં આવ્યું હતું. આથી જ કેટલીક વાર આ લખાણોને હરિતાયન સંહિતા તરીકે પણ ઓળખવામાં આવ્યા.

ત્રિપુરા રહસ્ય એ ત્રણ ભાગમાં વિભાજીત છે. પ્રથમ ભાગ, મહાત્મય ખંડ અથવા દેવીના ઉદ્દભવ સાથે સંકળાયેલ છે. દેવી ત્રિપુરાના મંત્ર અને યંત્રને લલિતા અથવા લલિતા સુંદરી તરીકે ઓળખવામાં આવે છે. બીજો ભાગ જ્ઞાન ખંડ અથવા જ્ઞાન પરના ખંડમાં ચેતના, આત્મજ્ઞાન અને મુક્તિ જેવા વિષયો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. કમનસીબે, અંતિમ ભાગ ચર્ય ખંડ અથવા આચરણ અંગેનો વિભાગ ખોવાઈ ગયો હોવાનું અને કેટલાકના મતે તે નષ્ટ થઈ ગયો હોવાનું મનાય છે.

તાંત્રિક પરંપરામાં ત્રિપુરોપસ્તિપદ્ધતિ એ શ્રી દત્તાત્રેય દ્વારા લખવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આનો ઉલ્લેખ ત્રિપુરારહસ્ય માં કરવામાં આવ્યો છે. પરશુરામકલ્પસૂત્રમ માં સંક્ષિપ્ત તંત્ર પણ શ્રી દત્તાત્રેય દ્વારા લખવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

નાથ સંપ્રદાયની આંતરાષ્ટ્રીય નાથ યથાક્રમ પ્રમાણે અવધૂત ગીતા એ દત્તાત્રેય દ્વારા ગવાયેલ ભવ્ય રજૂઆતનો અર્ક છે, જે તેમના બે શિષ્ય સ્વામી તેમજ કાર્તિક દ્વારા લખવામાં આવી છે. સ્વામી વિવેકાનંદ તેને ઉચ્ચકક્ષાએ લઈ ગયા હતા. વાસ્તવિક રીતે મૂળ સાત પ્રકરણનું છે.

દત્તાત્રેય પરંપરાઓ:-
દત્તાત્રેય પરંપરાઓને અતિ ટૂંકાણમાં જોઈએ.

1. પૌરાણિક પરંપરા:
દત્તાત્રેયના તમામ શિષ્યોમાં કર્તવર્ય સહસ્ત્રાર્જુન તેમનો પ્રિય શિષ્ય હતો. અન્ય શિષ્યોમાં અલ્લારકા, સોમવંશનાં રાજા આયુ, યાદવોનાં રાજા યદુ, અને પરશુરામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અવધૂતોપનિષદ અને જબલોપનિદમાં સંકૃતિનું નામ પણ તેમનાં શિષ્ય તરીકે આપેલ છે.

2. શ્રી ગુરુચરિત્ર પરંપરા:
આ પરંપરા શ્રીપદ્દ શ્રીવલ્લભથી શ્રી નરસિંમ્હા સરસ્વતી સુધી વિસ્તરે છે. શ્રી જનાર્દનસ્વામી, એકનાથ, દશોપંત, નિરંજન રઘુનાથ, નારાયણ મહારાજ જાલવંકર, માણિક પ્રભુ, સ્વામી સમર્થ, શિરડીના સાંઈ બાબા, શ્રી વાસુદેવનંદ સરસ્વતી એ આ પરંપરાના દત્ત અવતાર મનાય છે.

3. નિરંજન રઘુનાથ પરંપરા:
તેમનું સાચું નામ અવધૂત હતું. તેમનાં ગુરુ શ્રી રઘુનાથસ્વામીએ તેમને નિરંજન નામ આપ્યું હતું. મહારાષ્ટ્રનાં નાસિક, જૂન્નાર, કાલામ્બ, કોલ્હાપુર, મિરાજ જેવા સ્થળોએ તેમનાં ઘણાં શિષ્યો હતાં. તેમનો વારસો સુરત, વડોદરા, ગિરનાર અને ઉત્તર ઝાંસીથી આગળ સુધી ફેલાયેલો છે. તેમનાં સૌથી જાણીતા શિષ્ય નારાયણ મહારાજ જાલવંકર છે. આ શિષ્યએ મોટા ભાગે માળવા વિસ્તારમાં કામ કર્યું છે. સપ્તસાગર એ તેમનું પ્રખ્યાત સાહિત્ય છે.

આ સિવાય પણ આ પરંપરામાં બીજા ઘણાં શિષ્યોનો સમાવેશ થાય છે. આ પરંપરાનું મુખ્ય તત્ત્વજ્ઞાન ભાગવત ધર્મ છે, અત્તાત્રે તેમનો સંપ્રદાય છે અને વિહંગમ તેમનો માર્ગ છે.

4. સકલમત સંપ્રદાય પરંપરા:
સકલમત એટલે તમામ ધર્મોનો સ્વીકાર. દત્ત સંપ્રદાયનું આ સ્વરુપ રાજવી પ્રકારનું ગણાય છે. અહીં શ્રી ચૈતન્ય દેવ મુખ્ય આરાધ્ય દેવ છે. આ સંપ્રદાય સોનું, મોતી, હીરા, ભવ્ય પોષાક, સંગીત, કલા વગેરેને પરંપરાનો જ એક ભાગ ગણે છે. તમામ લોકોને એકસમાન ગણવામાં આવે છે. આ પરંપરાના કેટલાક શિષ્યોમાં બાપાચાર્ય, નારાયણ દિક્ષીત, ચિન્મય બ્રહ્યાચારી, ગોપાલબુઆનો સમાવેશ થાય છે.

5. અવધૂત પંથ પરંપરા:
બેલગામ નજીક બાલકુંદરીના શ્રી પંતમહારાજ બાલકુંદરીકર દ્વારા અવધૂત પંથ શરૂ કરવામાં આવ્યો હતો. અવધૂત પરના લેખમાં અવધૂત તત્વચિંતન અને પરંપરા અંગે વધુ માહિતી આપવામાં આવી છે. આ પરંપરાના મુખ્ય શિષ્યોમાં ગોવિંદરાવજી, ગોપાલરાવજી, શંકરરાવજી, વામનરાવ અને નરસિંહ રાવ છે. તેમને "પંત-બંધુઓ" એટલે કે પંત-ભાઈઓ તરીકે ઓળખવામાં આવે છે. આ સંપ્રદાય બાલકુંદરી, દાદી, બેલગામ, અકોલ, કોચારી, નેરાલી, ધારવાડ, ગોકાક, હુબલી સુધી ફેલાયેલો છે.

6. ગુજરાતમાં પરંપરા:
વડોદરાના શ્રી વામનબુઆ વૈદ્ય એ શ્રી કલાવિત સ્વામીની પરંપરાના છે. વડોદરાનું નરસિંહ સરસ્વતી મંદિર આ પરંપરાને આગળ ધપાવે છે. ગુજરાતમાં દત્ત-પંથનો ફેલાવો કરનારા દત્તાત્રેયના પ્રમુખ અનુયાયીઓમાં નારેશ્વરના શ્રી રંગ અવધૂત મહારાજ મુખ્ય હતા.

શ્રી રંગ અવધૂત મહારાજ દ્વારા લખાયેલ દત્તબાવની અને ગુરુલીલામૃત ખૂબ જ પ્રખ્યાત છે. ડૉ. એચ. એસ. જોષીએ ઓરીજીન એન્ડ ડૅવલપમેન્ટ ઑફ દત્તાત્રેય વર્શિપ ઈન ઈન્ડિયા નામનું પુસ્તક લખ્યું છે.

મહર્ષિ પુનિતાચાર્યજી મહારાજ ભગવાન દત્તાત્રેયના ભક્ત છે, જેઓ ગુજરાતના જુનાગઢ ખાતે ગિરનાર સાધના આશ્રમમાં નિવાસ કરે છે.15 નવેમ્બર 1975ના દિવસે તેમને ભગવાન દત્તાત્રેય ના દિવ્ય દર્શનનો અનુભવ થયો હતો. તેઓ ભગવાન દત્તાત્રેય દ્વારા આપવામાં આવેલા મંત્ર " હરિ ઓમ તત્સત્ જય ગુરુદત્ત " અને "સહજ ધ્યાન યોગ" ના પ્રચારક છે.

ભગવાન દત્તાત્રેયને ઔદુમ્બરનું વૃક્ષ પ્રિય છે. આ વૃક્ષમાં સિદ્ધ ગુરુઓનો વાસ હોય છે. જયાં ઔદુમ્બર હોય ત્યાં દત્તકૃપા હોય જ. રોગ અને મૃત્યુ ત્યાં પ્રવેશી શકતા નથી. તેની પ્રદક્ષિણા કરનાર દત્તકૃપાનો અધિકારી બને છે.

શુક્રાચાર્યને ભગવાન શંકર પાસેથી જે સંજીવની વિદ્યા પ્રાપ્ત થઈ હતી તે પણ દત્તાત્રેય ભગવાન દ્વારા જ આપવામાં આવી હતી.

જે દત્તાત્રેયનું નિત્ય સ્મરણ કરે છે, તેને કોઈ બાધા કે પિશાચ પીડા થતી નથી. જયાં દત્તધૂનનો નાદ સંભળાય છે તે ત્યાં સિદ્ધ યોગીઓ પહોચી જાય છે. જયાં તેમની પૂજા આરતી થાય છે ત્યાં સમૃદ્ધિ અને વિદ્યા નિવાસ કરે છે. દર ગુરૂવારે જે તેમની બાવન દત્તબાવની કરે છે તેમનાં જીવનના તમામ કષ્ટ દૂર થાય છે અને તેમનાં પર દત્તાત્રેય ભગવાનની કૃપા સદાય રહે છે.

ભગવાન દત્તાત્રેય વિશે વધુ જોઈશું આવતાં અંકમાં.....

રેટ કરો અને રિવ્યુ આપો

bhavna

bhavna 6 માસ પહેલા

Barot Manish

Barot Manish 6 માસ પહેલા

priyanka vagashiya

priyanka vagashiya 11 માસ પહેલા

અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi
Mamta Soni Pasawala

Mamta Soni Pasawala 12 માસ પહેલા

શેયર કરો