Case No. 369 Satya ni Shodh - 17 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 17

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૧૭

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૭

કરણ દિલ પર હાથ મૂકી બોલે છે: “અર્જુન... એ વખતે હું કશું જાણતો નહોતો... આ વખતે એવું નહીં થાય... સોમવારે તને મળવા આવું છું... આપણે બન્ને વિક્કીને બહાર લાવીશું...”

કરણને પપ્પા પર બહું માન થાય છે. તમે અર્જુનને સજાથી બચાવવા જે કોઈપણ પગલાં ભર્યા તે બહુ સમજી-વિચારીને ભર્યા હશે. અર્જુનને નવું નામ આપ્યું. ખતરાથી દુર લઇ ગયા. બધું જ તમે અર્જુન માટે કર્યું. બધાની નજરોથી દૂર રાખવાનું તમારું કારણ હું સમજી શકું છું. મને ખબર પડે તો હું અર્જુનને મળ્યા વગર રહી ન શકત. અર્જુનનાં જીવને જોખમ હતું. દુનિયાની નજરોમાં તમે અર્જુનને મૃત જાહેર કર્યો.

મને ખબર હતી પપ્પા તમે ખૂબ જ સારા ઇન્સ્પેક્ટર છો. એક સારા મિત્ર છો. એક ગુનેગારને સજાથી બચાવવા માટે જે કંઇ પણ કર્યું એનાથી તમારા હૃદયને પીડા પહોંચી હશે. ફરજ ચૂકીને પણ તમે મિત્રતા છોડી નથી. હું માનું છું ત્યાં સુધી તમે સાધનાઆંટી, અર્જુન અને વિક્રાંતને કદી એકલા છોડ્યા નથી. તમે હર હંમેશ એમની સાથે ઉભા રહ્યા છો. તો પછી અત્યારે એવું તો શું બન્યું છે પપ્પા, તમે મજબૂર બન્યા છો? વિક્રાંતને જેલમાં જવું પડ્યું છે. દસ વર્ષ પહેલાં અમદાવાદમાં અનાથાશ્રમની છોકરીઓનો બનાવ બન્યો હતો. અત્યારે દસ વર્ષ પછી મુંબઈમાં પણ અનાથાશ્રમની છોકરીઓનો બનાવ બન્યો છે. સાથે માસુમ છોકરાઓનાં જીવનનો સવાલ છે.

બધી બાબતે વિચાર કરતાં ઘણું બધું સમજમાં આવે છે. અમદાવાદ અને મુંબઈનાં અનાથાશ્રમ પાછળ એક જ વ્યક્તિઓનો હાથ હશે. કદાચ એ લોકોને અર્જુનનાં જીવિત હોવાની ભનક લાગી ગઈ છે. અર્જુનને બહાર લાવવા માટે વિક્રાંત અને એના મિત્રોને ફસાવવામાં આવ્યા હોય એવું મને લાગે છે. પરંતુ આટલી મોટી ઘટના કેવી રીતે બની? એ લોકોને અર્જુનનાં જીવિત હોવાની ખબર કેવી રીતે પડી? એ બધું સમજવાનું બાકી છે. પપ્પા હું કોઈપણ હિસાબે આપણા પરિવારને, અર્જુન, વિક્રાંત, સાધનાઆંટી કોઈનાં ઉપર ખતરો નહીં આવવા દઉં. અનાથાશ્રમની છોકરીઓ અને છોકરાઓને પણ કોઇ નુકસાન નહીં પહોંચવા દઉં. બસ એકવાર દિલ ખોલીને મારી સાથે વાત કરો. બધી વિગતો મને જણાવો તો મને ખબર પડે.

બધી શક્યતાઓ વિચારતા ઘણો સમય પસાર થાય છે. whatsapp પર સંજયનો મેસેજ આવે છે. ‘નીલિમાનાં ભાનમાં આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે’. કરણ એ વાંચીને ખુશ થાય છે. એને અત્યારે હોસ્પિટલ જઈ સાધના, હંસા અને કિશોર સાથે વાત કરવાનું મન થાય છે. પરંતુ એના હાથ બંધાયેલા હતા. એના પર અને પરિવાર પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. આ બધા પાછળ મુખ્ય માણસ કોણ છે, તે જાણ્યા વગર આગળ વધવું જોખમકારક હતું. એક ભૂલ થાય અને કેટલા લોકોનું જીવન જોખમકારક બની શકે.

કરણ મનમાં કંઈક નક્કી કરે છે. ઊભો થઈ નીચે આવે છે. ત્યારે પણ સુધા મંદિરમાં માળા કરતી હતી. પરિવાર ઉપર કોઈ સંકટ આવે ત્યારે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ ની ૧૦૮ માળા કરવાનો સુધાનો નિયમ હતો. એનાથી સંકટ દૂર થાય છે એવું એ માનતી. આજે એ ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ ની ૧૦૮ માળા કરવા બેઠી હતી. કરણ મનમાં બોલે છે. ‘મમ્મી સાચે આપણાં પરિવાર પર મોટો ખતરો મંડરાયો છે... તારા ભગવાનને પ્રાર્થના કર કે મને એ ખતરામાંથી બહાર નીકળવા માટે માર્ગદર્શન આપે... સાચા ગુનેગારોને પકડવા માટે પથદર્શક બને... બસ હવે તો કોઈ ચમત્કાર જ બધી મુશ્કેલીઓમાંથી હેમખેમ ઉગારશે...’

કરણને આવેલો જોઈ નોકર જમવાનું કાઢે છે. કરણ ફટાફટ જમી હોસ્પિટલ આવે છે. કરણને જોઈ નર્સની આંખોમાં ચમક આવે છે. એ ચમક જોઈ નર્સ કંઈક કહેવા માંગતી હતી એવું કરણ સમજી જાય છે. એ શંકરને ઘરે જમવા જવાનું કહે છે. કરણને સાચવજે કહી શંકર ઘરે જાય છે. શંકર જાય છે એટલે નર્સ કરણને તેનો આપેલો મોબાઈલ આપે કરે છે.

ધીરેથી કરણનાં કાનમાં બોલે છે: “તમે કહ્યું હતું એમ થોડી વાતચીત રેકોર્ડ કરી છે... સામે કોણ બોલે છે તે સંભળાતું નથી... પરંતુ તમારા કામમાં આવે એવું બધું જ આમાં રેકોર્ડ થયું છે...”

કરણ ત્રાસી નજરે પર્વતસિંહ સામે જુએ છે. એ અત્યારે પણ સૂતા હતા. નર્સ ફરીથી કરણનાં કાનમાં બોલે છે: “અત્યારે ઉંધની દવા આપેલી નથી... સાવચેત રહેજો...”

કરણ આંખોથી નર્સનો આભાર માને છે. નર્સ પણ આંખથી ઈશારો કરી રૂમની બહાર જાય છે. કરણ હેન્ડ્સફ્રી કાઢી મોબાઈલમાં રેકોર્ડ થયેલી વાત સાંભળે છે.

પર્વતસિંહનો અવાજ આવે છે: “જુઓ રાજુભાઈ... દસ વર્ષ પહેલાં જે થયું તે અજાણતા થયું હતું... તમારો નાનો ભાઈ એ વખતે ખરેખર ગુનેગાર હતો... હા, હું માનું છું કે અર્જુનને બચાવવા માટે મેં તેને નવું નામ આપ્યું...” થોડી ક્ષણો શાંત વીતે છે. તે વખતે સામેથી કોઈ રાજુભાઈ બોલતા હતા. ફરીથી પર્વતસિંહનો અવાજ આવે છે: “રાજુભાઈ, અનાથાશ્રમની આડમાં તમે લોકો જે કરી રહ્યા છો, તે બહું ભયંકર ગુનો છે... નાના અનાથ બાળકો ઉપર તમે લેબમાં નવી દવાઓનાં એક્સપરિમેન્ટ કરાવો છો... એ એક્સપરિમેન્ટ જાનવર ઉપર કરવાના હોય... નવી દવાઓ માટેનાં ખતરનાક એક્સપરિમેન્ટ તમે જીવતા જાગતા નાના માસૂમ બાળકો પર ગેરકાનૂની રીતે કરી રહ્યા છો... એમાંથી કેટલાક બાળકો અપંગ થયા છે અથવા મૃત્યુ પામ્યા છે... તમે લોકો રાક્ષસ કરતાં પણ ઘોર કૃત્ય કરો છો...”

થોડી ક્ષણ શાંત વીતે છે. ફરી પર્વતસિંહનો અવાજ આવે છે: “માસૂમ બાળકો પર અત્યાચાર ઓછો હતો... એમાં તમે એ છોકરાઓ પાસે દવાની ફેકટરીમાં ઝેરી ગેસ વચ્ચે દવાઓ બનાવડાવો છો... એ ઝેરી ગેસથી બાળકોનાં ફેફસા નબળા થાય છે... બાળકો પર આ જોરજુલમની સાથે બીજા અનેક કુકર્મ કરો છો... ઘણી છોકરીઓને તમે વેશ્યાવૃત્તિમાં નાખી છે... છોકરીઓ ઉપર પણ તમે સ્ટીરોઈડનો એક્સપરિમેન્ટ કરો છો...”

ફરીથી થોડી શાંતિ થાય છે. ફરી પર્વતસિંહનો અવાજ આવે છે: “તમે મને ધમકી આપો છો... બિવડાવવાની કોશિશ કરો છો... તમે કરણની વાત તો કરશો જ નહીં... કરણને જો બધી જ વાતની ખબર પડી ગઈ કે આ બધા જ કાંડની પાછળ તમે અને ખેંગાર છો... તમે તમારા નાના ભાઈનાં મોતનો બદલો લઈ રહ્યા છો... ખેંગાર એના ભાઈની કરતૂતો પર પડદો પાડે છે... એના ભાઈની હવસ પૂરી કરવા માટે અનેક છોકરીઓને મજબૂર કરે છે... તો મારા કરતાં પણ પહેલાં કરણ તમારું કાસળ કાઢી દેશે... અર્જુનનો તમે વાળ પણ વાંકો નહીં કરી શકો... દસ વર્ષ પહેલાં મેં એને એટલું જ કહ્યું હોત કે તું અહીંયાથી ભાગી જા, તોપણ એ કોઈનાં હાથમાં ના આવતો... એની જિંદગી સુધારવા માટે મેં તેને નવું નામ આપ્યું છે... મેં એને રોકી રાખ્યો હતો એટલે તમે વિક્કીને ફસાવવામાં સફળ થયા છો... કરણ હકીકત જાણતો નથી એટલે તમે બચ્યા છો...”

થોડીવાર શાંતિ રહે છે. ફરીથી પર્વતસિંહનો અવાજ આવે છે: “તમે મને ધમકી આપવું વિચારશો પણ નહીં... મારા કે અર્જુનનાં પરિવારમાંથી કોઈને તકલીફ આપી તો તકલીફોનો સામનો તમારા પરિવારને પણ કરવો પડશે... એ ના ભૂલશો તમારા જ ભાઈનાં હાથે સુભાષનું ખૂન થયું હતું... તમારા ભાઈએ લોખંડનો સળીયો મારી અર્જુનનાં પિતા અને મારા મિત્ર સુભાષની હત્યા કરી હતી... એ દિવસે મેં અર્જુનને રોક્યો ના હોત તો બીજી પણ અનેક લાશ ત્યાં પડી હોત... કદાચ તમારી લાશ પણ પડત...”

થોડીવાર શાંતિ પછી ફરી પર્વતસિંહનો અવાજ આવે છે: “તમને શું લાગે છે... કરણ સાચી હકીકત જાણવા માટે કોશિશ નહીં કરે... મને ખબર છે તમે અને શુક્લા બન્નેએ એની પાછળ અને મારી પાછળ માણસો ગોઠવ્યા છે... તમે ત્રણ માસૂમ છોકરાઓને અને એક માસુમ છોકરીને ફસાવી છે... અંગારે એની હવસ પૂરી કરવા માટે નીલિમા ઉપર અત્યાચાર કર્યો છે... એ છોકરીની હાલત કેટલી ખરાબ કરી છે તમે… એ જોઈને જ કરણ તમને લોકોને મારી નાખશે...”

થોડીવાર ફરીથી શાંતિ થાય છે. આ વખતે પર્વતસિંહનાં હસવાનો અવાજ આવે છે: “અરે તમે લોકો વિક્કીને કમજોર અને મૂર્ખ સમજો છો... અર્જુને તો નાદાનીમાં એના બાપની હાલત જોઈને તમારા ભાઈ અને માણસો પર લોખંડનાં સળિયાથી વાર કર્યો હતો... વિક્રાંત એવો નથી... અને કરણ પણ એવો નથી... વિક્કીએ તમને લોકોને સજા અપાવવા માટે જ નીલિમા પર બળાત્કાર કર્યાનો આરોપ સ્વીકાર્યો છે... હવે તો તમારા કહેવા પ્રમાણે નીલિમા ભાનમાં આવવાની છે... એ કોર્ટમાં કહી દે કે વિક્કીએ બળાત્કાર કર્યો નથી એટલે એ જેલની બહાર આવશે... તમે નીલિમાને કોર્ટ સુધી નહીં આવવા દો, તો કરણ કોઈપણ હિસાબે વિક્રાંતને જેલમાંથી બહાર લાવશે... વિક્રાંત અને કરણ બુધ્ધિચાતુર્યથી તમારી અને તમારા પરિવારની જે હાલત કરશે ને, તમે એ વિચારી નહીં શકો છો... અને અર્જુનની તાકાત તો તમે જોઈ જ છે... અત્યારે તમે મારા પરિવારને નજરકેદ રાખ્યું છે... તમારી નજરકેદમાંથી કરણ ક્યારે વિક્રાંત અને અર્જુનને લઈ તમારા પર ઝંપલાવશે એ હું નથી જાણતો... એટલે મારા અને સુભાષનાં પરિવારથી દૂર રહેજો... નીલિમાનાં પરિવાર અને હા… રિયાની વાત તો હું કહેવાનું ભૂલી જ ગયો... હા રિયા અને નીલિમાથી પણ દૂર રહેજો... રીયા પણ અર્જુન સાથે રહીને એટલી તો હોશિયાર થઈ જ ગઈ છે કે, પોતાની જાતને હવસખોરોથી બચાવી શકે અને અર્જુનની રક્ષા કરી શકે... યાદ રાખજો અત્યાર સુધી તમે રિયા કે અર્જુનને શોધી શક્યા નથી... તમારે જેટલા માણસો મૂકવા હોય એટલા મૂકો... અત્યારે મને આરામ કરવા દો... ભગવાનને પ્રાર્થના કરજો કે કરણ, અર્જુન અને વિક્રાંત એક છત નીચે ભેગા થાય નહીં... નહીં તો જેલનાં સળિયા તમારે ગણવા પડશે...”

***

હંસા, કિશોર અને સાધના નીલિમાનાં ભાનમાં આવવાની રાહ જોતા હતા. ડોક્ટરે કહ્યું હતું બે કલાકમાં ઇન્જેક્શનની અસર પૂરી થશે. બે ને બદલે ત્રણ કલાક વીત્યા છતાં નીલિમા ભાનમાં આવી નહોતી. હંસા અને કિશોર લાચાર બની વહાલસોયી દીકરીને જોતાં હતાં. એનાં ચહેરા પર હજુ પણ કાચનાં ઘા દેખાતા હતા જે પૂરી રીતે રૂજાયા નહોતા. હાથમાં પણ અનેક ઉઝરડા હતાં. એનાં પૂરા શરીર ઉપર ખતરનાક કાચ જેવી વસ્તુઓથી ઘસરકા કરેલા હતાં. હંસા દીકરીનાં ઘા પર ટ્યુબ લગાવે છે. ટ્યુબનો અને માતાનાં હાથનો સ્પર્શ થતાં નીલિમાની બંધ આંખોમાં હલન-ચલન દેખાય છે.

હંસા ખુશ થઈ બોલે છે: “નીલુ...”

નીલિમા આંખ ખોલ્યા વગર બોલે છે: “મમ્મી... મને દુઃખ છે...” દીકરીનો પંદર દિવસ પછી અવાજ સાંભળ્યો હતો. મમ્મી મને દુઃખે છે એ સાંભળી હંસા અને કિશોર બન્નેની આંખો ભીની થાય છે.

કિશોર દીકરીનાં માથે હાથ ફેરવે છે: “બેટા હવે દુ:ખાવો નહીં થાય... બસ તું સાજી થઈ જા...”

નીલિમા ધીરે ધીરે આંખો ખોલે છે. કિશોરનો હાથ પકડી બોલે છે: “પપ્પા, વિક્રાંતની કસ્ટોડિયલ ડેથ કોઈપણ સંજોગોમાં નહીં થાય...”

આ સાંભળી સાધનાની આંખમાં આંસુ આવે છે: “હા દીકરી... તું સાચું કહે છે... વિક્રાંતની કસ્ટોડિયલ ડેથ કોઈ સંજોગોમાં નહીં થાય... કરણ અને અર્જુન એવું થવા જ નહીં દે... બેટા બહું બોલીશ નહીં... બસ આરામ કર...”

નીલિમાનાં રૂમમાં થયેલી આ વાતચીત બહાર રાજુભાઈનો ખબરી સાંભળતો હોય છે. ઉપરાંત નીલિમાનાં રૂમમાં સાધનાનો ફોન ચાલુ હતો. સાધનાનાં ફોનમાંથી હોસ્પિટલની બહાર પાર્કિંગમાં ગાડીની અંદર એક સ્ત્રી અને પુરુષ આ વાતો સાંભળતા હતા. એ સ્ત્રી અને પુરુષ બીજું કોઇ નહીં પણ રાજુભાઇના ખબરી પાસે ફોન માંગ્યો હતો, તે સ્ત્રી તથા સાથે આવેલ પુરુષ હતાં. નીલિમાનો અવાજ સાંભળીને એ સ્ત્રી અને પુરુષ અત્યંત ખુશ થાય છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED