Case No. 369 Satya ni Shodh - 13 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 13

પ્રિય વાચકમિત્રો, મારી નવલકથા કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”ને આપ મિત્રોનો ખૂબ સહકાર મળ્યો છે. મારા સાસુનું કોરોનાનાં કારણે અચાનક મૃત્યુ તથા ઘરનાં અન્ય સભ્યોને કોરોનાની બીમારીનાં કારણે કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”નાં પ્રકરણને પબ્લીશ કરવામાં નાનકડો વિરામ આવ્યો હતો. હવે ધીરે ધીરે પરિસ્થિતી થાળે પડી રહી છે. દર સોમવાર અને ગુરુવાર નવું પ્રકરણ નિયમિત પબ્લીશ કરવાનો મારો સંપૂર્ણ પ્રયત્ન હશે. ફરીથી આપનો સ્નેહભર્યો સાથ મળશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૩

વિશાલ બેગમાંથી કાઢેલી વસ્તુઓ જોતો હતો એટલામાં હવાલદાર ફુલ સ્પીડે બાઇક ચલાવીને જતો રહે છે. વિશાલનાં મનમાં અનેક સવાલો ઊભા થાય છે, કોણ હતો આ માણસ જે ડાયરી અને કાગળિયા આપીને ગયો. ફરીથી પોલીસ સ્ટેશન આવવાનું કહીને ગયો. પોતાનો પરિચય આપ્યો નહીં પણ મને, કરણસર અને સંજયને ઓળખે છે એ પણ જણાવીને ગયો. આ કેસ જ્યારથી લીધો ત્યારથી બધી જ નવાઈ પમાડે તેવી વાતો બની રહી હતી. આશ્ચર્યજનક ઘટનાઓમાં એક નવી ઘટનાનો ઉમેરો થયો હતો, એ ઘટના હતી રહસ્યમય હવાલદારની મદદ.

વિશાલ માર્કશીટ અને ડાયરી બાબતે કંઈ પૂછે, સામાન વિષે કંઈ સમજે તે પહેલા હવાલદાર પાર્કિંગની બહાર નીકળી ગયો એ પણ ચોંકાવનારી વાત હતી. એક હવાલદાર આ કેસમાં આટલો રસ કેમ ધરાવે છે, એ જાણવા માટે વિશાલ ઉત્સુક બને છે. શુક્લાની ઓફિસમાંથી માહિતી જાણવા માટે માર્કશીટ ચોરી થયાની ખોટી વાત ફેલાવી હતી. પોલીસ સ્ટેશનમાંથી અને તે પણ Dy S.P.ની ઓફિસમાંથી કોઈ વાત કઢાવવી હોય તો કોઈ ચોક્કસ બનાવ બતાવવો જરૂરી હતો. વિશાલે માર્કશીટ ચોરી થઈ છે તે વાત ઉપજાવી હતી. એ ખોટી વાતને સાચી સાબિત કરવા માટે હવાલદારે માર્કશીટ અને બીજા કાગળિયા આપ્યા. એટલું જ નહીં નકલી નામ અને સરનામું પણ આપ્યું. પોલીસચોકીમાં ફરી કયા દિવસ આવવું એ જણાવ્યું.

આ બધું નાની વાત નહોતી. કોઈ હતું જે નકલી ઉપજાવી કાઢેલી વાતને સાચી સાબિત કરવા અને આગળ વધારવા માંગતુ હતું. આ બધાની પાછળ મદદ કરનાર હવાલદાર છે કે, એ પણ બીજા લોકોનું પ્યાદું છે એ જાણવું ખૂબ જરૂરી બન્યું હતું. કારણકે એવું કોઈ હતું જે કેસ નંબર - ૩૬૯ વિષે બીજા કરતાં વધારે માહિતી ધરાવતું હતું.

બધી બાબતો પાછળ કોનો હાથ છે એ વિચારતા વિશાલનાં મગજમાં ઝબકારો થાય છે. માર્કશીટમાં કોનું નામ છે, તે પહેલા જોવું જરૂરી છે. એ માર્કશીટ પરનું નામ વાંચે છે. એ વિરેન ગાંધીનાં નામની માર્કશીટ અને સર્ટિફિકેટ હતા. એક નવું રહસ્યમય પાત્ર સામે આવ્યું હતું, ‘વિરેન ગાંધી’. હવે આ વિરેન ગાંધી કોણ છે? અર્જુન ગાંધી, વિક્રાંત ગાંધી અને હવે વિરેન ગાંધી નામ કેસમાં ઉમેરાયું હતું.

વિરેન નામ જ કેમ એ સમજાયું નહીં ત્યારે વિશાલને ધ્યાનમાં આવે છે કે સિંદે કે શુક્લાએ ફરિયાદ લખી નહોતી પણ ફરિયાદ કરવા આવેલા માણસનું નામ સુધ્ધાં પૂછ્યું નહોતું. વિશાલ કોઈ બીજું નામ વિચારી ગયો હતો. પોલીસ ફરિયાદીનું નામ પૂછે નહીં એ પણ કેટલું શરમજનક કહેવાય. અથવા માસૂમ અનાથાશ્રમનું નામ સાંભળી નાના માણસો માટે કામ કરવા માટે કોઈ ઈચ્છા નહોતી. શું શુક્લા, ખત્રી અને સિંદે કોઈ સામાન્ય માણસો માટે કામ નહીં કરતા હોય? એવું પણ હોય કે કેસ નંબર - ૩૬૯ માં એટલા ઉલજી ગયા કે નવી કોઈ પરેશાની જોઈતી ના હોય.

આ બધી શક્યતાઓમાં મહત્વની વાત એ હતી કે કોઈએ નામ પૂછ્યું નહોતું તે હવાલદારને ખબર હતી. એક કલાકની અંદર કોઇની નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવા શક્ય ના હોય. એનો મતલબ એ થયો કે માર્કશીટ અને સર્ટિફિકેટ સાચા હતા, જો એ સાચા હોય તો વિરેન ગાંધી પણ અસ્તિત્વ ધરાવે છે એ પણ સાચું છે. જો વિરેન સાચે હોય તો પોતાનો જીવ જોખમમાં શું કરવા મૂકે? નવું સાંભળવા મળેલું નામ પણ કેસની જેમ વધારે ગૂંચવાડો ઊભો કરતું હતું. અટક ગાંધી હતી એટલે અર્જુન અને વિક્રાંત સાથે નજીકનો સંબંધ હોય શકે છે. તો પછી હવાલદાર અર્જુન અને વિક્રાંતની સાથે છે નહીં કે શુક્લા સાથે. આ બધા સવાલના જવાબ તો માત્ર હવાલદાર અને વિરેન આપી શકે છે.

ડાયરીમાં બીજી અનેક વિગતો લખેલી છે, એ જોવાથી કોઈ ખુલાસો થવાની શક્યતા હતી. વિશાલ ડાયરી ખોલે છે. સૌથી પહેલા એક કાગળ વાળીને મૂક્યો હતો. વિશાલ કાગળ ખોલી જુએ છે. એ કાગળમાં કરણને સંબોધી કઇંક લખેલું હતું.

“કરણ,

ઘણી વાતો તને કહેવી છે. હું કોણ છું એ ઓળખાણ આપવાની મારે જરૂર નથી. તું મારા અક્ષર પરથી મને ઓળખી જઈશ એની મને ખાતરી છે. અમારા બધાની સાથે ખૂબ અન્યાય થયો છે. સમય આવશે ત્યારે તારી સામે અનેક ચોંકાવનારા ખુલાસા થશે. આ કેસ પૂરો થાય ત્યાં સુધી કેટલાય સંબંધો પર પૂર્ણવિરામ લાગી જશે. આ કેસની હાર-જીત પર વિશ્વાસની હાર-જીત રહેલી છે. આ કેસ સાથે અનેક બાળકોનું ભવિષ્ય અને અનેક છોકરીઓનું શિયળ સંકળાયેલું છે. વિશાલ સાથે તને એક ડાયરી મોકલાવું છું. જેમાં તારા માટે ખૂબ જરૂરી માહિતી છે. અત્યારે તો એક વાતનું ધ્યાન રાખજે, આ ડાયરી કોઈ દિવસ તમારી પોલીસ ચોકીની બહાર જાય નહીં. જો આ ડાયરી પોલીસ ચોકીની બહાર ગઈ તો બહું બધી મુશ્કેલીઓ તમારા, મારા, વિક્કી, એના મિત્રો બધાના માટે ઊભી થઈ શકે છે. ઉપરાંત માસુમ અનાથાશ્રમના બાળકો અને અનેક છોકરીઓની જિંદગી પર ખતરો ઊભો થશે. હું જાણું છું, તું તમામ હકીકત જાણવા માટે આકાશ-પાતાળ એક કરીશ. તારા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે, તું સત્યનો સાથ આપીશ અને સત્યની શોધ અવશ્ય કરીશ. આજે ગુરુવાર છે. ડાયરીમાં એક સરનામું છે ત્યાં સોમવારની વહેલી સવારે ૬ વાગે ભૂલ્યા વગર આવજે. બીજી વાત તને રૂબરૂમાં જણાવીશ.”

વિશાલ કાગળ પાછો મૂકી ડાયરીનું પાનું ફેરવવા લાગે છે. ગાડીનો હોર્ન સાંભળી પાર્કિંગમાં ઊભો છે એનું ધ્યાન આવે છે. પાર્કિંગ જેવી ખુલ્લી જગ્યા પર વધારે સમય રોકાવાથી ખતરો થઈ શકે એમ હતો. બેગ ખભા પર ભરાવી સલિમની રૂમ પર જાય છે.

***

કરણ બારીમાંથી બાંકડા પર બેઠેલા ભાઈને જોવામાં મશગુલ હતો. શંકર રૂમમાં દબાતા પગલે આવે છે તે એને ખબર પડતી નથી. કરણને બારી બહાર ડોકાચિયા કરતો જોઈ, જીજ્ઞાસાવસ શંકર રૂમની બહાર આવી ત્યાં નજર કરે છે. બાંકડા પર બેઠેલા માણસને જોઈ શંકરની આંખો ચાર થાય છે. એની અનુભવી આંખો તરત સમજી જાય છે કે તે કોઈ બાતમીદાર છે અને કરણ પણ તેને ઓળખી ગયો છે. શંકરનું પોલીસ મગજ આ નાની વાતમાં બહું બધું સમજી જાય છે. હોસ્પિટલમાં અર્જુન નામ આકસ્મિક નહોતું બોલાયું. કૃષ્ણ અને અર્જુનની વાતને માધ્યમ બનાવી ખૂબ ચાલાકીથી માહિતી મેળવવાની કોશિશ થઈ હતી. એ વાતોમાં મોટાભાઈએ છોકરીઓને બચાવવા માટે જીવનો ભોગ આપ્યો છે, એવું વિક્કી બોલ્યો હતો. શંકરને પૂરી ખાતરી થાય છે કે કરણ હજુ પણ કેસ નંબર - ૩૬૯ ની તપાસમાં કાર્યરત છે. શંકરના ચહેરા પર ગુસ્સો, ચિંતા અને પ્રેમ મિશ્રિત રેખાઓ અંકિત થાય છે.

પર્વતસિંહ અને શંકર બન્ને કરણને સારી રીતે ઓળખાતા હતા. એ લોકોને ખાતરી હતી કે આરોપી વિક્રાંત છે તે જાણીને કરણ સાચી વાત જાણવા માટે મેદાનમાં ઉતરશે. એ બન્ને નહોતા ઇચ્છતા કે કરણનો જીવ જોખમમાં મુકાય, એટલે પર્વતસિંહે એ કેસમાંથી એને હટાવ્યો હતો. પોતે બિમારીનું નાટક કરી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે કેસથી કરણને દૂર રાખવા માંગતા હતા એ કેસ પડદા પાછળ રહી કરણ ગુનેગારો શોધવાનાં કામમાં લાગ્યો હતો.

કરણને આ કેસથી દૂર રહેવા સમજાવવા માટે શંકર રૂમમાં પાછો આવે છે. આ વખતે કરણને ખબર પડે છે. કરણ પણ મનમાં નક્કી કરે છે શંકરનાં પેટમાંથી વાત ઓકાવશે. એ શંકર સામે જોઈ હસે છે. શંકર પણ ધીમેથી હસે છે.

કરણ ખુરશી પર આવી બેસે છે અને પર્વતસિંહનો એક હાથ પકડે છે: “શંકરકાકા, પપ્પાને અચાનક એટેક કેવી રીતે આવ્યો?”

શંકર ધીરેથી મલકાય છે. કરણે એની ઉલટતપાસ શરૂ કરી એ સમજી ગયો. મનમાં એ કરણની વાત કઢાવવાની ચાતુરી પર ખૂબ ખુશ થાય છે. કોઈ આડીઅવળી વાત કર્યા વગર એ સીધો મુદ્દા પર આવવા માંગતો હતો. એનો અર્થ સ્પષ્ટ હતો એ સમય બગાડવા માંગતો નહોતો. બન્ને એકબીજાને સારી રીતે ઓળખાતા હતા અને કામ કરવાની પધ્ધતિનાં જાણકાર હતા. શંકર પણ સીધી વાત કરવાની ઈચ્છા રાખતો હતો. એ કરણનો હાથ પકડી બારી આગળ લઈ જાય છે. બાંકડા પર બેઠેલો માણસ બતાવે છે: “તું ઓળખું છું એ માણસને?”

કરણ માણસને જોવાના બદલે શંકર સામે જોવે છે: “ના... પણ તમે ઓળખી ગયા છો એ મને અંદાજ આવે છે...”

શંકર આંખો પહોળી કરે છે: “એ ખેંગારનો ખબરી છે... તું જેટલું સમજે છે એટલું સરળ નથી વિક્રાંત, પ્રતિક અને રોહિતને છોડાવવાનું... બેટા, હું અને તારા પપ્પા તારી લાગણી સમજીએ છે... તું આ કેસ પર કામ કરવાનું બંધ કર... તારો જીવ જોખમમાં ના આવે એટલે તારા પપ્પા એ જ તને દૂર કરાવ્યો છે... તારા પપ્પા પર વિશ્વાસ રાખ... એ ગમે તે પ્રમાણે એમને છોડવશે...”

કરણ: “પપ્પા બધું જાણે છે એ તો મને ખબર છે... મને ખબર છે પપ્પા મને દુ:ખ થાય એવું કશું નહીં કરે... પણ તમે બન્નેએ મારાથી બહું બધું છુપાવ્યું છે... એ બધું મારે જાણવું છે... બહું થયું પપ્પાને કહો ઘરે જવાનું છે... બીજી વાતો ઘરે જઈને કરીશું...”

શંકર અદબ વાળી બોલે છે: “બેટા એક અઠવાડિયું સરને અહિયાં જ રહેવું પડશે... નહીં તો તારી સાથે એમનો જીવ પણ જોખમમાં છે... માત્ર એમનો અને તારો નહીં...” શંકર આંખો બંધ કરે છે: “એટલું જ નહીં... આગળ તું પણ સમજદાર છે...”

આ સાંભળી કરણને આશ્ચર્ય થાય છે. એ એવું સમજતો હતો કે વિક્કી, પ્રતિક અને રોહિત મુશ્કેલીમાં છે. પણ અહિયાં તો એનો પૂરો પરિવાર મુશ્કેલીમાં હતો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED