"મમ્મી, તમને મારી વાત ઠીક લાગે છે?"
નિરંજનને પોતાના ફેંસલા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. એણે આ નિર્ણય બહુ સમજી વિચારીને લીધો હતો. બસ હવે મમ્મી સ્વીકૃતી આપે, તો પછી એ આગળ વધી શકે.
"નિરંજન, મને તારી વાત ખૂબ જ ગમી અને મને ખુશી છે કે મારા મનની વાત તે સ્વયંથી વિચારી. પણ બેટા, સુહાસની તારા કરતા પાંચ વર્ષ મોટી છે, અને નિમિતને ગયાને હજી એક જ વર્ષ થયું છે."
નિમિત, નિરંજનનો મોટો ભાઈ. એક વર્ષ પહેલા, બરાબર હોળીના આગલા દિવસે, કાર અકસ્માતમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. લગ્નના ફ્ક્ત બે વર્ષ પછી, એ પત્ની સુહાસની અને એક વર્ષની સાંચીને મૂકીને આ દુનિયાંથી જતો રહ્યો. ત્યાર પછી, બાપની હૂંફ, સાંચી નિરંજનમાં શોધતી અને કાકા સાથે વધુ સમય પસાર કરવા લાગી.
એક લાંબો નિસાસો ભરતા નિર્ણજને કહ્યું,
"હાં મમ્મી. મને ખબર છે. એની ઉંમરથી મને ફરક નથી પડતો. અને સાચું કહું? મને સુહાસની ગમે છે, અને સાંચી તો મને ખુબ જ વ્હાલી છે. હું ઈચ્છું છું, કે એ બન્ને આ ઘરમાં સદાયને માટે રહે. અને એ માટે, આ જ ઉપાય શ્રેષ્ઠ છે."
મમ્મીએ માથું હલાવ્યું અને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછયો,
"શું સુહાસની માની જશે?"
"જોઈશું મમ્મી. કોશિશ તો આપણે પુરી કરીશું."
* * * * *
બેઠાઘાટનું ઘર હતું અને હોળીના દિવસે, સુહાસની બારી માંથી, બધાને હોળી રમતા જોઈ રહી હતી. એની નજર ખાસ કરીને નિરંજન પર હતી, જેનું પૂરું ધ્યાન સાંચી પર હતું. સાંચી કેટલી ખુશ લાગી રહી હતી. એ વારંવાર નિરંજનના ગાલ પર રંગ લગાડી રહી હતી. અને નિરંજન પણ એની સાથે હોળીનો આનંદ લઈ રહ્યો હતો. સુહાસનીના દિલને સુકુન હતું, કે બાપ વગરની દિકરીને, નિરંજને જરા પણ બાપની કમી મહેસુસ થવા નહોતી દીધી. છેલ્લા એક વર્ષમાં સાંચી એટલી બધી નિરંજનથી હેવાય ગઈ હતી, કે સુહાસનીને એ વિચારીને ડર લાગી રહ્યો હતો, કે જ્યારે નિરંજનના લગ્ન થશે, તો શું એ સાંચીને આટલો જ પ્યાર આપી શકશે?
સુહાસની એટલી બધી પોતાના વિચારોમાં ખોવાઈલી હતી, કે ક્યારે નિરંજન રૂમમાં આવ્યો, તે ખબર જ ન પડી.
"શું થયું નિરંજન, સાંચી ક્યાં છે?"
"મમ્મી પાસે. મમ્મી એને નવડાવવા લઈ ગયા."
સુહાસની રૂમની બાહર જવા લાગી.
"હું જઈને જોઉં, કદાચ મમ્મીને કાંય મદદ જોઈતી હોય તો."
"સુહાસની..."
દેરના મોઢે, પહેલી વાર પોતાનું નામ સાંભળીને, સુહાસની ચોંકી અને જતા અટકી ગઈ. એણે ફરીને નિરંજન સામે જોયું. નિરંજનના મોઢા પર સ્મિત હતું.
"આજે અને આજ પછી, ભાભી નહીં કહું. સુહાસની, તું અને સાંચી મને બહુ જ ગમો છો. સાંચી તો મારો દિલનો ટુકડો છે. મારી એવી ઈચ્છા છે, કે હું તમારા બન્નેના જીવનને બધા જ સુંદર રંગોથી ભરી નાખું, અને તમને દુનિયા ભરની ખુશી આપું. મને જોઈએ છે કે તમે બન્ને આ જ ઘરમાં સદાયના માટે રહો. મમ્મીની પણ આ જ ઈચ્છા છે."
સુહાસની આશ્ચર્યચકિત થઈ ગઈ. શું બોલે સમજમાં જ ન આવ્યું. નિરંજને પોતાના ડાબા હાથની મુઠ્ઠી ખોલી અને સુહાસની સામે હાથ ઊંચો કર્યો. એના હાથમાં લાલ ગુલાલનો પાઉડર હતો.
"શું તું મને તારા અને સાંચીના લાયક સમજે છે? શું તું મને સાંચીના પપ્પા બનવાનો અધિકાર આપીશ?"
સુહાસનીનો અવાજ ભાવુકતાના બોજ નીચે ગળામાં દબાય ગયો. પણ ચહેરા પર ખુશીના આંસુ અને રાહતની સ્મિત છવાઈ ગઈ. એણે નજર નીચી કરતા માથું હલાવ્યું અને મંજૂરી આપી.
નિરંજને લાલ ગુલાલથી સુહાસનીની માંગ ભરી અને પ્રેમથી કહ્યું,
"હેપી હોલી, અને નવા જીવનનું આગમન મુબારક સુહાસની!"
શમીમ મર્ચન્ટ, મુંબઈ.______________________________________