Case No. 369 Satya ni Shodh - 12 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 12

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૨

કરણનાં whatsapp પર સંજયનો ‘call ?’ મેસેજ આવે છે. કરણ બહાર જઈ સંજયને whatsapp call કરે છે. સંજય પાસેથી અર્જુન આ દુનિયામાં નથી એ જાણી એને ઘેરો આધાત લાગે છે. એ વાત માનવા તૈયાર નથી કે અર્જુનનું મૃત્યુ થયું છે. ગમે તેવી મુસીબતમાંથી નીકળવાની આવડત અને ફિઝિકલ ફિટનેસ એની તાકાત હતા. ભલભલા ચમરબંદીઓને એણે ધૂળ ચટાડી હતી. લાચાર લોકોને મદદ કરવાનો એનો સ્વભાવ હતો. છોકરીઓને બચાવવા જતાં એણે એના જીવનું બલિદાન આપ્યું, એવું કેમ કરી શક્ય બને? એ પોતાની રક્ષા કરવા માટે ખૂબ સક્ષમ હતો. વિક્કી પણ છોકરાઓ અને છોકરીઓને બચાવવાનું કામ કરતો હતો. એની વાગ્દત્તા પર બળાત્કાર કરવાનો આરોપ છે. નીલિમા એનો અવાજ સાંભળી કોમમાં પણ આંસુ વહાવે છે. જે કોઈએ પણ અર્જુન, વિક્કી અને એના મિત્રોને ફસાવ્યા છે નક્કી કોઈ મોટું માથું છે. પૈસાના જોરે નિર્દોષ લોકોને અપરાધી સાબિત કરવાવાળા લંપટોની કમી નથી જગતમાં.

કરણને કોઈ વાતની સમજ પડતી નહોતી. સંજય એના નવા ઓર્ડરની રાહ જોતો હતો. અર્જુનનું મૃત્યુ થયું એ વાત એને મંજૂર નહોતી. કરણ થોડો વિચાર કરી બોલે છે: “સંજય... શંકરકાકાએ કોને ફોન કર્યો એ ખબર નથી પડીને?

સંજય: “ના સર... હું એમની નજીક જવું તો પણ એ મને ઓળખી શકે છે... મને લાગે છે ત્યાં સુધી અર્જુન નામની બરાબર અસર થઈ છે અને એટલે જ ખત્રીએ માર ખાધો છે... મને માત્ર અર્જુન નામ સંભળાયું હતું... મેં જે રિપોર્ટરને અર્જુન અને કૃષ્ણવાળી વાત બોલવા માટે કહ્યું હતું, તે રિપોર્ટર સામે એ ધારીધારીને જોતાં હતા... કદાચ, તમારા પપ્પાને શંકા છે કે તમે આ કેસ છોડ્યો નથી?”

કરણ: “હા... એ પણ જાણતા હશે કે હું આ કેસ છોડીશ નહીં... પરિસ્થિતી જોઈને એવું લાગે છે કે, હાલ શંકરકાકા સિવાય બીજું કોઈ તને ઓળખી શકે એવું ત્યાં નહીં હોય... સંજય એક કામ કર, શંકરકાકા ત્યાંથી નીકળે એટલે નીલિમાનાં રૂમમાં જઈ વાત કર... જો વાત બગડતી લાગે તો વિક્કીનાં મમ્મી સાધનાઆંટીને શારદાનગર પોલીસચોકીમાંથી આવું છું કહેજે... આંટી સમજી જશે અને વાત કરશે...

સંજય: “હું સમજી ગયો સર... હું ગમે તેમ કરી વાત જાણીને રહીશ... પણ સર મને એક વાત વિસ્મય પમાડે છે... નીલિમા વિક્ટિમ છે... એના પર ગેંગરેપ થયો છે... તો પણ એના માટે હોસ્પિટલમાં માત્ર એક હવાલદારનું પોલીસ પ્રોટેક્શન છે... આ વાત વિચાર કરવા મજબૂર કરે છે... બીજી પણ એક વાત નોટિસ કરવા જેવી છે... કોર્ટમાં મને એવું લાગ્યું કે પોલીસ ડ્રેસ સિવાય સિવિલ ડ્રેસમાં પણ અમુક પોલીસ આવેલ હતી... સિવિલ ડ્રેસમાં પોલીસને ઓળખવાનું તમારી પાસેથી શીખ્યો છું... મારી ભૂલ નથી થતી તો સિવિલ ડ્રેસમાં જે માણસો હતા એ કદાચ CBIના લોકો હતા... હું માનું છું ત્યાં સુધી હોસ્પિટલમાં પણ કોઈ એવા માણસ હોઇ શકે છે...”

કરણને પણ અચરજ થાય છે. શુક્લાએ પહેલાં એની તથા સંજય અને વિશાલ પાછળ માણસ ગોઠવ્યા. હોસ્પિટલ અને કોર્ટમાં સિવિલ ડ્રેસમાં માણસો ગોઠવ્યા. શુક્લા આટલો બધો કામ પ્રત્યે સજાગ રહે એ ખુદ એક નવાઈની વાત હતી. એને કોઈપણ કામમાં ધીરજથી કામ લેવાની આદત નહોતી. દરેક કેસ જલ્દી પૂરો કરવાની ઉતાવળ રહેતી. એ પણ કદાચ સમજી ગયા છે, કે આ કેસ પાછળ બધા બહુ લોકોની નજર અને ગતિવિધિ છે. કોર્ટ અને હોસ્પિટલમાં શુક્લાએ માણસો ના ગોઠવ્યા હોય એવું પણ બને. કદાચ કોઈ ત્રીજી વ્યક્તિ આ કેસ પાછળ ભાગ ભજવી રહી છે. એ કદાચ પપ્પા પણ હોઇ શકે અથવા એવી વ્યક્તિ જે અંધારામાં રમત રમે છે, જેના વિષે બધા અજાણ છે.

થોડી ક્ષણોમાં કરણને અનેક શક્યતાનાં વિચાર આવ્યા.: “સંજય... એક વાત નક્કી છે કે અત્યારે ત્યાં હોસ્પિટલમાં, અહિયાં હોસ્પિટલમાં ચોક્કસ ડાધિયાઓ ગોઠવાયેલા છે... વિક્કી અને નીલિમાનાં ઘરે પણ ડાધિયા બેઠેલા હશે... હું નથી જાણતો કેટલી હદે સજાગ રહેવું પડશે... પણ તારે કોઈપણ સંજોગોમાં સાધનાઆંટી અને કિશોરભાઇ અથવા એમની પત્ની સાથે વાત કરવાની છે... હવે હું પણ પપ્પાનાં રૂમમાં જવું નહિતો મને પણ કોઈ શોધતો આવશે... કોઈપણ કામ કરે સજાગ રહીને કરજે...”

કરણ રૂમમાં આવતી વખતે આજુબાજુ નજર કરે છે. દૂર એક માણસ બાંકડા પર કેસપેપરની ફાઇલનાં કાગળિયા ઉલટાવતો હતો. એ માણસ જોઈ કરણને એના પર શક થાય છે. એ માણસને જોયો ના હોય એમ કરણ એની બાજુમાંથી પસાર થઈ રૂમમાં આવે છે. પડદો ખસેડી બારીમાંથી જુએ છે તો એ માણસ કોઇની સાથે મોબાઈલથી વાત કરતો હતો. કરણનાં ચહેરા પર ધીમું હાસ્ય આવે છે.

***

ગણપત અને હવાલદાર બન્ને હજી ચા પિતા હતા. વિશાલનાં બાંકડાથી એક બાંકડો છોડી એ લોકો બેઠા હતા. ગણપત બિલ આપવા કાઉન્ટર પર જાય છે એટલે વિશાલ પણ ત્યાં આવે છે. કોઈને ખબર ના પડે એ રીતે, કાઉન્ટર પર આગળ મૂકેલા બિસ્કિટનાં પેકેટને ધક્કો મારી ગણપતનાં પગ આગળ નીચે પાડે છે. ગણપત પેકેટ લેવા નીચે નમે છે ત્યારે વિશાલ એના ખિસ્સામાંથી સાવધાની સાથે ટ્રાન્સમીટર કાઢે છે. ટ્રાન્સમીટર લઈ વિશાલ હવાલદારને જુએ છે, ત્યારે બન્નેની નજર એક થાય છે. હવાલદાર વિશાલને ગણપતનાં ખિસ્સામાંથી ટ્રાન્સમીટર કાઢતા જોઈ ગયો હતો.

વિશાલ એને આંખ મારે છે. વિશાલ પહેલી વખત હવાલદારનો ચહેરો જુએ છે. એને જોઈ કોઈ કહે નહીં કે એ હવાલદાર હશે. ચહેરા પરના હાવભાવ બતાવતા હતા, હવાલદાર ખૂબ સમજદાર અને ઠરેલ છે. એ ધીમું હસે છે. વિશાલ નાની કાપલી કાઢી બહાર મળવા આવવા માટે લખે છે અને ફોન પર વાત કરતાં હોય એમ હાથથી ઈશારો કરી ચિઠ્ઠી બતાવે છે. હવાલદાર આંખોથી અનુમતિ આપે છે. ગણપત અને હવાલદાર બહાર નીકળે છે. વિશાલ ધીમેથી કાપલી હવાલદારને આપે છે. હવાલદાર ગણપતને ખબર ના પડે એમ વાંચે છે અને બન્ને હાથની દસ આંગળીઓ બતાવી હાથ ત્રણ વાર ઊંધો-છત્તો કરી ઉલટાવે છે, તથા આંખોથી સ્ટેશનની જમણીબાજુનાં રોડ પર ઈશારો કરે છે. વિશાલ સમજી જાય છે કે હવાલદાર દસ આંગળી અને ત્રણ વખત હાથ હલાવી ૩૦ મિનિટ કહે છે અને સ્ટેશનની બાજુવાળો રોડ બતાવે છે. હાથ હલાવી ઈશારો કરવાનું એક હવાલદાર ખૂબ સારી રીતે જાણતો હતો. વિશાલને એના હવાલદાર હોવા પર શંકા થાય છે.

વિશાલ અને સંજયે આ ટેક્નિક કરણ પાસેથી શીખી હતી. હથેળી છત્તી અને ઊંધી કરી અનેક પ્રકારે ઇશારા થઈ શકે છે, એ પોલીસ બન્યા પછી ખબર પડી હતી. એક હવાલદારને આટલો એક્ટિવ જોઈ વિશાલ વિચારે છે બરાબર માણસ હાથમાં આવ્યો છે કે પછી કોઈની હાથે ફસાઈ રહ્યો છે તે ખબર પડતી નથી. એની પાસેથી આ કેસને લગતી ઘણી બાબતોની માહિતી મળશે કે પછી ઉંધા રસ્તે ફંટાશે. આ કેસમાં સરનાં કહ્યા પ્રમાણે બહુ સાવચેતી રાખવી પડશે. કોઈ અજાણ્યા માણસ પર ભરોસો કરી ભૂલ તો નથી થતી. શુકલાની વાત પરથી મંગળ એનો માણસ છે એ ખબર પડી હતી. કોના પર કેટલો વિશ્વાસ કરવો એ મોટો સવાલ હતો. હવાલદારનું વર્તન અનેક શંકા-કુશંકા ઊભું કરતું હતું. એકવાર વિશાલને મન થાય છે કે હવાલદાર પર ભરોસો કર્યા વગર ત્યાંથી નીકળી જાય, નહિતો પોતે આ કેસમાં અસલી ગુનેગારોને પકડવામાં અસફળ થશે અને ત્રણ નિર્દોષ છોકરાઓને સજા થશે.

બહુ વિચાર કરી વિશાલ નિર્ણય લે છે. જે ઈશારો હવાલદારે કર્યો હતો એ ઈશારો કરણે શીખવાડયો હતો. એ હવાલદાર પણ બોલ્યો હતો કે છોકરાઓ નિર્દોષ છે. કેસની જડ સુધી પહોંચવા માટે ખતરો તો ઉપાડવો જ પડશે. એકવાર હવાલદારને મળી લેવામાં વાંધો નથી. આગળ જેવો ખતરો દેખાશે તે પ્રમાણે છટકવા માટે માર્ગ શોધી લેવાની તૈયારી રાખવી પડશે. ખતરામાં કૂદી પાડવાની તૈયારી સાથે વિશાલ બાઇક લઈ પોલીસ સ્ટેશનની જમણી બાજુનાં રસ્તા પર થોડે આગળ જઈ ઊભો રહે છે. ત્યાં એક કચ્છી દાબેલીની લારી ઊભી હતી. કકડીને ભૂખ પણ લાગી હતી. વિશાલ દાબેલીની મજા લે છે.

લગભગ ૪૦ મિનિટ પછી હવાલદાર બાઈક લઈને આવે છે. હવાલદાર જે છટાથી બાઈક ચલાવતો હતો એ જોઇ વિશાલને નવાઇ લાગે છે. કારણકે હવાલદાર ઊંચી પોસ્ટ પરનો પોલીસ હોય તે પ્રમાણેનાં ઠાઠ ધરાવતો હતો. ૩૦ની આસપાસની ઉમ્મર, છ ફૂટની ઊંચાઈ, મજબૂત બાંધો, વર્દીની અંદર એનું કસાયેલું શરીર ડોકિયા કરતું હતું. વર્દી જોઈ ખબર પડે કે હવાલદાર છે, પણ જો કમિશનરની વર્દી પહેરે તો એવો વટ પણ પડે.

હવાલદાર આંખથી ઇસારો કરી પાછળ આવવાનું કહે છે. વિશાલ તેની પાછળ બાઈક લઈને નીકળે છે. પંદર-વીસ મિનિટ સુધી વિશાલ અને હવાલદાર બાઇક ચલાવે છે. રસ્તામાં વિશાલને ફરી વિચાર આવે છે, કોણ છે આ માણસ? એકબાજુ મનમાં ડર ઊભો થયો હતો તો બીજીબાજુ એના પર વિશ્વાસ કરવા માટે મન મજબૂર થયું હતું. શારદાનગર વિસ્તાર આવે છે એટલે વિશાલને વિશ્વાસ થાય છે કે માણસ પર ભરોસો કરવા જેવો છે. શારદાનગર પોલીસચોકીની ત્રણ કિલોમીટર દૂર એક કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાં એ જાય છે. વિશાલ પણ ત્યાં જાય છે. પોતાના વિસ્તારનાં દરેક કોમ્પ્લેક્સ એણે જોયા હતા. એટલે સહેજપણ ડર્યા વગર એ પાર્કિંગમાં જાય છે.

હવાલદાર જે ખૂણામાં ઊભો હતો ત્યાં વિશાલ જાય છે. એના મગજમાં અનેક સવાલ હોય છે જ્યારે હવાલદારનાં ચહેરા પર રહસ્યમય હાસ્ય છુપાયેલું હતું. એ પણ કેવું હાસ્ય, જેવું વિક્રાંત અને તેના મિત્રોના ચહેરા પર હતું એવું હાસ્ય. વિશાલને આ હાસ્ય જોઈ હવે ડર નથી લાગતો, પણ પરફેક્ટ માણસ પાસે ઊભો છે એનો આનંદ થાય છે. હવાલદાર બાઈકની સાઇડ ડીક્કીમાંથી એક નાની બેગ કાઢે છે અને વિશાલને આપે છે. વિશાલ બેગ લઈ પ્રશ્નાર્થ નજરે હવાલદાર સામે જોવે છે. હવાલદાર માત્ર હસતો રહે છે. વિશાલ બેગમનથી કાગળિયા કાઢે છે, જેમાં થોડીક માર્કશીટ અને અમુક સર્ટિફિકેટ હતા. વિશાલનાં આશ્ચર્યનો પાર નથી રહેતો. પોલીસ સ્ટેશનમાં જે સામાનની ફરિયાદ લખાવવા ગયો હતો એ પ્રમાણે બેગમાં સામાન હતો.

હવાલદાર: “બે દિવસ પછી આ બેગ લઈ પોલીસ સ્ટેશનમાં આવજે અને સિંદેને કહેજે, એક ભાઈ મને શોધતા-શોધતા આવ્યા અને મારા સર્ટિફિકેટ તથા માર્કશીટ આપી ગયા... આ સર્ટિફિકેટમાં તારું નકલી સરનામું પણ છે અને નકલી નામવાળી માર્કશીટ તથા સર્ટીફિકેટ છે... બીજી એક અગત્યની વાત... આ બેગમાં એક ખૂબ જરૂરી ડાયરી છે... એ ડાયરી કરણ, સંજય અને તારા સિવાય કોઈનાં હાથમાં ના આવે એની તકેદારી તમારે ત્રણેયે રાખવી પડશે...”

વિશાલ બેગમાંથી કાઢેલી વસ્તુઓ જોતો હતો એટલામાં હવાલદાર ફુલ સ્પીડે બાઇક ચલાવીને જતો રહે છે. વિશાલનાં મનમાં અનેક સવાલો ઊભા થાય છે, કોણ હતો આ માણસ જે ડાયરી અને કાગળિયા આપીને ગયો. ફરીથી પોલીસ સ્ટેશન આવવાનું કહીને ગયો. પોતાનો પરિચય આપ્યો નહીં પણ મને, કરણસર અને સંજયને ઓળખે છે એ પણ જણાવીને ગયો. આ કેસ જ્યારથી લીધો ત્યારથી બધી જ નવાઈ પમાડે તેવી વાતો બની રહી હતી. આશ્ચર્યજનક ઘટનાઓમાં એક નવી ઘટનાનો ઉમેરો થયો હતો, એ ઘટના હતી રહસ્યમય હવાલદારની મદદ.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED