Case No. 369 Satya ni Shodh - 9 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 9

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૯

વિશાલના ધાર્યા પ્રમાણે એના શબ્દોની અસર થઈ હતી. એની વાત પૂરી થાય એ પહેલા શુક્લા બહાર આવ્યો હતો. વિશાલ શુક્લા સામે જોવાના બદલે ટેબલ પર બેઠેલા ઇન્સ્પેક્ટર સામે જોતો હતો. એ ઇન્સ્પેક્ટરને પણ ઝાટકો લાગ્યો હતો. વિશાલ ઇન્સ્પેક્ટરને જોતો હતો પણ શુક્લા અને ઇન્સ્પેક્ટર એકબીજા સામે જોઈ ઇશારાથી વાત કરતા હતા.

વિશાલને એ વાતની ખુશી થાય છે કે દાવ બરાબર પડ્યો છે. સાથે એને કોઈ ઓળખી ના જાય તથા કોઈ ભૂલ ના થાય એના માટે સાવધ થાય છે. હજી તો એણે શાંત પાણીમાં માત્ર એક કાંકરી નાંખી હતી. પાણી કેટલું ઊંડું અને ઘાતક છે એ ખબર નહોતી. એની એક નાની ભૂલ પણ પાણીમાં સંતાઈ રહેલા મગરમચ્છને સાવધાન કરી શકે છે. ભૂલનું પરિણામ કેટલું ખતરનાક આવી શકે છે એનો કોઈ અંદાજ ના હોય ત્યારે બધા પાસા બાબતે વિચાર કરી ઝંપલાવવું પડે છે. દરેક પરિસ્થિતિમાં કામ કરવા ટેવાયેલા લોકોને જ્યારે ખતરો કેટલો છે એ ખબર ના હોય ત્યારે જોખમ લેવામાં બહુ મજા આવતી હોય છે. એવા લોકો હિંમત રાખી હારી ગયેલી બાજી જીતવા માટે આકાશ-પાતાળ એક કરતાં હોય છે. અહિયાં તો બાજી હજુ શરૂ થઈ હતી. ત્રણ નિર્દોષ છોકરાઓને આગળ ધરી સાચા ગુનેગારો નિરઅપરાધીઓની પીઠ પાછળ સંતાયા હતા. કેટલા ખતરનાક અને કેટલી સંખ્યામાં ગુનેગારો શોધવાના છે, એ ખબર નહોતી પણ વિશાલને એક વાતનો વિશ્વાસ આવ્યો હતો કે વિક્રાંત અને એના દોસ્તોને બેગુનાહ સાબિત કરવા માટેનું પગેરું માસૂમ અનાથાશ્રમમાંથી જ મળશે.

શુક્લા અને ઇન્સ્પેક્ટરના વર્તન પરથી વિશાલને ખતરાની ઘંટી સંભળાઈ હતી. માસૂમ અનાથાશ્રમમાં માસૂમ અનાથ બાળકો રહે છે એ દુનિયાને ખબર છે. પણ ત્યાં બાળકોને રાખવા સિવાય અન્ય કેવી કામગીરી, કેટલા અને કેવા ગુનાઓ થાય છે, અસલી વાત શું થાય છે એ કોઈને ખબર નથી. શુક્લા અને ઇન્સ્પેક્ટરનું વર્તન ચાડી ખાતું હતું કે ત્યાં એવું કશુંક થાય છે અથવા થયું છે, જે દુનિયાની નજરથી દૂર અને સંતાયેલું છે. એવું કઇંક જે બહુ ખતરનાક છે. કોઈપણ ગુનો કે ખોટું કામ ગમે એટલી ચોકસાઈથી કરેલું હોય, એ એક દિવસ દુનિયા સામે છતું અવશ્ય થાય છે. વિશાલ પણ મનમાં વચન લે છે કે માસૂમ અનાથાશ્રમની સચ્ચાઈ પોતે દુનિયા સામે લાવશે.

શુક્લા અને ઇન્સ્પેક્ટર બોલે એ પહેલા એક હવાલદાર ત્યાં આવે છે: “સર... ખત્રીસાહેબ કોર્ટમાં ગયા છે અને મને પેલા અનાથાશ્રમનાં પાંચ છોકરાઓને સલામત રીતે અનાથાશ્રમમાંથી લઈ સંકટ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું છે...”

શુક્લાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થાય છે. ઇન્સ્પેક્ટરનાં મોઢા પરથી રંગ ઊડી જાય છે. વિશાલ ત્રાંસી નજરે આવેલા હવાલદારનું મોંઢું જોઈ લે છે અને જાણે એને આ વાતોથી કોઈ મતલબ ના હોય એમ ચૂપચાપ ઇન્સ્પેક્ટર સામે જોવે છે. ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે કમપ્લેઇન લખાવવા માટે આવેલો માણસ એને જોવે છે, એટલે એ ઊભો થાય છે. શુક્લા હવાલદારને ચૂપ રહેવા ઈશારો કરી પોતાની કેબિનમાં જાય છે. ઇન્સ્પેક્ટર પણ વિશાલને બેસવાનું કહી શુકલાની પાછળ કેબિનમાં જાય છે. હવાલદારને સમજાતું નથી સાહેબે એને ચૂપ રહેવા માટે કેમ કહ્યું, એટલે એ પણ શુકલાની કેબિનમાં જવા માટે આગળ વધે છે. શુક્લા, ઇન્સ્પેક્ટર અને હવાલદાર ઇશારાથી વાત કરતાં હતા એટલા સમયમાં વિશાલ બહુ ચોકસાઈથી નાનું ટ્રાન્સમીટર ખિસ્સામાંથી કાઢે છે. હવાલદાર એની ડાબીબાજુ ત્રણ ડગલાં દૂર ઊભો હોય છે, હવાલદાર પાછળથી પસાર થાય છે ત્યારે એ ખુરશી પાછળ ખસેડી ઊભો થાય છે. વિશાલ અચાનક ખુરશી ખસેડે છે એટલે હવાલદાર ખુરશી સાથે અથડાય છે. વિશાલ સોરી બોલી બહુ સાવધાનીથી ટ્રાન્સમીટર હવાલદારની વર્દીના પાછળના ખિસ્સામાં સરકાવી દે છે.

કરણ પોતાની પાસે એક નાનું ટ્રાન્સમીટર અને એને સાંભળી શકાય એવું માઈક્રોફોન હંમેશાં રાખતો. સંજય અને વિશાલને પણ કહેતો કે ગમે ત્યારે આપણને આ વસ્તુની જરૂર પડી શકે છે. એનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે સામેવાળાને ખબર ના પડે એવી રીતે કરવા માટે અનેક નુસખા વિચારતો. આજે વિશાલે પણ એ અનુભવનો નિચોડ અમલમાં મૂક્યો હતો. પોલીસસ્ટેશનમાં બીજો પોલીસ સ્ટાફ પણ હતો. વિશાલ બહુ ચાલાકીથી પોતાનો મોબાઈલ કાઢી મચેડવા લાગે છે જેથી બીજા પોલીસ સ્ટાફને એના પર શક ના થાય. એની મોબાઇલ મચેડવાની રીત એટલી કારગત હતી કોઈને પણ લાગે કે તેનું સંપૂર્ણ ધ્યાન સ્ક્રીન પર છે. વિશાલનાં ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે હવાલદારના આવ્યા પછી પોલીસસ્ટેશનમાં શાંતિ થઈ ગઈ હતી. હવાલદાર અંદર જાય છે એટલે વિશાલ કાનમાં માઈક્રોફોન લગાવી એ લોકોની વાત સાંભળવાનું શરૂ કરે છે.

શુક્લા એકદમ ધીમા અવાજે બોલે છે: “સિંદે... આ ગણપતને સમજાવ... સામે કોણ ઊભું છે એ જોયા વગર ભસવાનું ચાલુ કરે છે...” એક ચમાટનો અવાજ આવે છે. વિશાલ એટલા ટેન્શનમાં પણ હસી પડે છે. ‘નક્કી ગણપતને બેમાંથી કોઈએ લાફો માર્યો છે.’ શુક્લા: “ગણપત... કેટલો સમય થયો તને હવાલદાર બન્યે? હજી સુધી ક્યાં અને કેટલું બોલવું એ શીખ્યો નથી... તું ક્યારે રાવજી અને મનુ જેટલો કામગરો થઈશ? કરણે ટીપી-ટીપીને તૈયાર કર્યા છે બન્નેને... મંગળની એ ચોકીમાં બદલી મેં કરાવી એટલે એના પેંતરા થોડાઘણાં ખબર પડે છે... સાલા બુધ્ધિનાં બારદાન ખત્રી જ્યારથી પેલા ત્રણને ત્યાંથી લઈને નીકળ્યો છે... ત્યારથી કરણ, સંજય અને વિશાલની પાછળ મેં માણસો ગોઠવ્યા છે... મંગળે કહ્યું કે કરણ, સંજય અને વિશાલ ચોકી છોડી ગયા છે... પેલો વિક્રાંત એને કરણભાઈ કહીને બોલાવતો હતો... એ તો સારું છે કે કરણને હજી ખબર પડી નથી કે એ લોકો કોણ હતા... કરણને જો ખબર પડી કે પેલા ત્રણમાંથી એક એના જિગરજાન દોસ્તનો ભાઈ છે તો બધાની ઊંઘ હરામ કરી દેશે... અને તું બબૂચક પારકા સામે ભોંકવાનું બંધ કરતો નથી...”

શુક્લાનો અવાજ ધીમે-ધીમે ઊંચો થતો હતો. વિશાલ એ લોકોને ટેન્શનમાં જોઈ વધારે ખુશ થતો હતો. શુકલાને રોકવામાં ના આવે તો ગણપતને વધારે લડશે એ સિંદેને ખબર હતી.: “સર... તમે ગણપતને છોડો... આગળ શું કરવું છે... પેલો ભાઈ જે બહાર બેઠો છે એને કેવી રીતે કાઢવો છે? નક્કી પેલા રધુ પોકેટમારનું આ કામ હશે... પહેલા પણ એ કોઈનું પોકેટ મારી અનાથાશ્રમમાં કૂદયો હતો અને બીજી બાજુની દીવાલ કૂદી બીજા રોડ પર ગયો હતો... આ પણ એનું કામ લાગે છે... જો રધુ આમ વારંવાર અનાથાશ્રમની દીવાલનો ચોરી કરવા માટે ઉપયોગ કરતો રહ્યો અને એને અનાથાશ્રમમાં ચાલતા કાળાધંધા વિષે શંકા ગઈ તો પણ વાત બગડે એમ છે... કરણને પણ અનાથાશ્રમ વિષે ગંધ આવી તો પણ મોટી તકલીફ છે... અત્યારે આપણે રધુ અને કરણ બન્નેથી સાવધ રહેવાની જરૂર છે... ગણપત તું બહાર જા... તારે શું કરવું એ પછી તને કહીએ છીએ...”

***

જજનાં જણાવ્યા પ્રમાણે ખત્રીને વિક્રાંત, પ્રતિક અને રોહિતને લઈ હોસ્પિટલ જવાનું હતું. ખત્રી આ વાત કરવા શુક્લાને ફોન કરે છે. જ્યારે ખત્રી શુક્લાને ફોન કરે છે એ વખતે સિંદે ગણપતને બહાર જવાનું કહે છે. શુક્લા બધી વાત સાંભળી બોલે છે: “સાલું શું થવા બેઠું છે... વિક્રાંત હોસ્પીટલમાં નીલિમાને મળશે એટલે એ છોકરી પોઝિટિવ રિસ્પોન્સ આપશે... અને જો એવું થશે તો ખેંગારચંદ શું કરશે એ ખબર નથી...”

જો ગણપત થોડીક સેકન્ડ વધારે ત્યાં રોકાયો હોત તો વિશાલને આ બધાની પાછળ જવાબદાર વ્યક્તિનું નામ જાણવા મળત. એ વ્યક્તિનું નામ સાંભળી વિશાલને પણ પરસેવો વળ્યો હોત. ભલે એ વખતે વિશાલ જવાબદાર વ્યક્તિનું નામ સાંભળવામાં નિષ્ફળ થયો, પરંતુ એણે જે માહિતી મેળવી હતી એ વહેલા-મોડા કરણ, સંજય અને વિશાલને ખેંગાર સુધી લઈ જવાના હતા. કેસ નંબર - ૩૬૯ વિક્રાંત, પ્રતિક અને રોહિતની સાથે કરણ, સંજય અને વિશાલને પણ મોતના દરવાજા સુધી લઈ જવાનો હતો.

***

ખત્રી ત્રણેયને લઈ હોસ્પિટલ આવે છે ત્યારે સંજય પહેલેથી ત્યાં પહોંચી ગયો હતો. એને ગમે તે રીતે વિક્રાંત સાથે વાત કરી અર્જુન ક્યાં છે એ પૂછવાનું હતું. હોસ્પિટલમાં પહેલા આવી એ શંકર ત્યાં છે કે નહીં તે ચેક કરે છે. થોડા ડફોળિયા મારતા એને શંકર દેખાય છે. શંકરની હાજરીમાં અર્જુન નામ બોલવું જોખમકારક હતું. સંજય એના થેલામાંથી લેટરપેડ અને પેન કાઢી બીજા પત્રકારો સાથે જોડાઈ જાય છે. એની બાજુમાં ઉભેલા પત્રકાર સાથે થોડી વાતો કરે છે. એટલી વારમાં વિક્રાંત ગાડીમાંથી બહાર ઉતરે છે. વિક્રાંત પત્રકારોનાં ટોળામાંથી પસાર થતો હોય છે ત્યારે એક પત્રકાર એની નજીક આવી બોલે છે: “મી. વિક્રાંત તમારા કહ્યા પ્રમાણે તમે નિર્દોષ છો... તો તમે અસલી ગુનેગારોને ઓળખો છો?”

આ વાતનો જવાબ વિક્રાંતને બદલે ખત્રી આપે છે: “તમે લોકો આ ત્રણેયનાં ભોળા ચહેરા જોઈ એમને ન્યૂઝમાં નિર્દોષ જાહેર ના કરશો... આ લોકો જ અસલી ગુનેગાર છે અને એ હું સાબિત કરીશ...”

ખત્રી અને એની ટીમ બધાને લઈ આગળ વધે છે. સંજય જે પત્રકાર સાથે વાત કરતો હતો એ પત્રકાર આગળ આવે છે: “મી. વિક્રાંત... તમારા ચહેરા પર અર્જુનનાં ચહેરા જેવી નિર્દોષતા દેખાય છે... શું તમને ઊગારવા માટે કોઈ કૃષ્ણ આવશે એવું તમને લાગે છે?” સંજયે એ પત્રકારને આ સવાલ પૂછવા માટે કેવી રીતે તૈયાર કર્યો એ તો ભગવાન જાણે પણ, એ પત્રકારે સંજયનું કામ સહેલું કર્યુ હતું.

વિક્રાંતની સાથે આ વખતે રોહિત અને પ્રતિકના પગ પણ થંભી જાય છે. વિક્રાંત એ પત્રકાર સામે જુએ છે. કઇંક વિચારી એના પરથી નજર હટાવી બીજા પત્રકારોને ધ્યાનથી જુએ છે. જાણે એ ટોળામાં ખરેખર એ કૃષ્ણને શોધતો હતો. એની નજર સંજય પર પડે એ પહેલા ખત્રીની ટીમ બધા પત્રકારો આગળ લાકડીઓથી એક હરોળ બનાવે છે જેની આગળ કોઈ પત્રકાર જઈ શકે નહીં. વિક્રાંતની નજર સંજય પર પડતી નથી પરંતુ પ્રતિકની નજર પત્રકારોના ટોળાં વચ્ચે શાંત ઉભેલા સંજય પર પડે છે. એ વિક્રાંતનો ખભો પકડી એને સંજય તરફ ઈશારો કરે છે. એ વખતે શંકરની નજર વિક્રાંત અને પ્રતિક ઉપર હતી. એ પણ બન્નેનાં ઇશારા જોવે છે. સંજયને અંદાજ હતો કે શંકરની નજર અને કાન બધે ફરતા હશે. પ્રતિકે એને જોયો એ સંજયને ખબર પડી હતી. શંકરની નજરથી દૂર રહેવા માટે એ જ ક્ષણે એ શંકરની પાછળ જઈ ઊભો રહે છે. વિક્રાંતને સંજય દેખાતો નથી પણ પ્રતિક એના કાનમાં કશુક બોલે છે. પ્રતિકે જે જ્ગ્યા પર ઈશારો કર્યો હતો એ જગ્યા પર શંકર જુએ છે ત્યારે એને કોઈ શંકાસ્પદ વ્યકિત દેખાતો નથી. સંજય ખૂબ સાવધાનીથી નીલિમાનાં વોર્ડની સામેની લોબી તરફ આગળ વધે છે. શંકર ત્યારે પણ પત્રકારો વચ્ચે કોઈને શોધતો હોય છે.

ખત્રી બધાને લઈ નીલિમાનાં રૂમની લોબી બહાર આવે છે ત્યારે સંજય સામેની લોબીમાં ઊભો હોય છે. એ વખતે પ્રતિક અને વિક્રાંત બન્નેની નજર એકસાથે સંજય પર પડે છે. સંજય અને વિક્રાંત બન્નેની આંખોમાં એકસાથે ચમક આવે છે. વિક્રાંત પણ સમજી ગયો હતો કે કરણ એને ઓળખી ગયો છે અને એણે એનું કામ શરૂ કરી દીધું છે. નીલિમાનાં રૂમની બહાર કિશોર સાથે કોર્ટમાં એની બાજુમાં બેઠી હતી એ સ્ત્રી પણ ઊભી હતી. સંજયને લાગ્યું કે એ નીલિમાની મમ્મી હશે. પણ વિક્રાંત એ સ્ત્રીને ભેટે છે. એ સ્ત્રીની આંખો જોઈને ખબર પડે કે તે ખૂબ રડી છે.

વિક્રાંત એને ભેટી એના માથે હાથ ફેરવે છે.:“મમ્મી... તારી આંખોમાં આ પ્રમાણે આંસું શોભા નથી આપતા... તારા મોટા દીકરાએ અનેક છોકરીઓનો જીવ બચાવવા માટે એના જીવનો ભોગ આપ્યો છે... તારો નાનો દીકરો પણ માસૂમ બાળકો અને લાચાર છોકરીઓને બચાવવા માટે મેદાને પડ્યો છે... તું ચિંતા ના કરીશ... તેં મોટો દીકરો ગુમાવ્યો છે, પણ તારા નાના દીકરાનો વાળ પણ વાંકો નહીં થાય... મોટાએ કરેલા સારા કર્મો નાનાને નિર્દોષ સાબિત કરશે...”

ખત્રી વિક્રાંતને ધક્કો મારી નીલિમાનાં રૂમમાં જવા કહે છે. વિક્રાંતની નજર ત્યારે સંજય પર હતી. સંજયને એની વાત સાંભળી આંચકો લાગ્યો હતો. સંજયનું રીએક્સન જોઈ વિક્રાંત સમજી જાય છે કે અર્જુન આ દુનિયામાં નથી એ વાતની એને ખબર પડી ગઈ છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED