Case No. 369 Satya ni Shodh - 6 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 6

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૬

સંજય અને વિશાલ કેસ નંબર - ૩૬૯ના સત્યની શોધની શરૂઆત બસ થોડી ક્ષણોમાં શરૂ કરવાના હતા જેનાથી અસલી ગુનેગારો અજાણ હતા. બન્નેને આ કામ કરવાની ખુશી વધારે હતી કારણકે આજ પહેલાં એ લોકોએ ગુનેગારો વિરુધ્ધ પુરાવા શોધવા માટે કામ કર્યુ હતું. આ વખતે પહેલી વાર એવું બન્યું હતું કે એ લોકો નિર્દોષ અપરાધીઓને બચાવવા માટે કામ કરવાના હતા. જ્યારે તમને ખબર હોય કે અપરાધીએ સાચ્ચે ગુનો કર્યો છે, ત્યારે એના વિરુધ્ધ પુરાવા એની ભૂલમાંથી શોધવાના હોય છે. આ વખતે માત્ર એ લોકોને એટલી ખબર હતી કે ત્રણેય અપરાધી નિર્દોષ છે, પરંતુ એમને ગુનેગાર બનાવવા પાછળ કોનો હાથ છે એ શોધવાનું બાકી હતું. ત્રણ નિર્દોષ વ્યકિતને આટલા બધા ગુનામાં સંડોવવામાં કોને લાભ છે એ તો ખબર નથી, પરંતુ એ લોકો એટલું જાણી ચૂક્યા હતા કે આ કેસમાં બહુ ખતરનાક લોકો સંડોવાયેલા છે. દરેક પગલું જીવના જોખમે ઉઠાવવાનું છે, નહીં તો એમના જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે એ પણ બન્ને સમજી ગયા હતા.

વિશાલ કોટની દીવાલ પર અધડૂકો ચઢી માર્ગ પરની ચહલ-પહલ ચેક કરે છે. ક્વાર્ટરના પાછળના ભાગ બાજુ ટુ-વે રસ્તો આવેલો હતો. પોલીસ ક્વાર્ટરનો વિસ્તાર ઘણો મોટો હતો. ક્વાર્ટર બાજુના રસ્તા પર કોટની દીવાલ આવેલી હોવાથી માર્ગ પર બીજું કોઈ બાંધકામ નહોતું. શાંત રસ્તો હોવાથી એ ટુ-વે પર થોડાક સાધનોની અને એકલ-દોકલ વટેમાર્ગુની આવન-જાવન રહેતી. ટુ-વે પર વચ્ચે ચાર ફૂટ પહોળો ડિવાઇડર હતો જેમાં વચ્ચે સુંદર બોગનવેલનું સામ્રાજ્ય હતું. રોડની વચ્ચે આવેલી બોગનવેલના કારણે રોડની એકબાજુથી બીજીબાજુ પૂરી રીતે જોઈ શકાતું નહોતું. કોઈની નજર પડે નહીં એવી રીતે વિશાલ કોટ કૂદી પોલીસ ક્વાર્ટરના પાછલા માર્ગ પર આવે છે. થોડી ક્ષણો પછી સંજય પણ એ જ રીતે કોટ કૂદે છે. બન્ને એકબીજાને આંખથી ઈશારો કરી થોડું અંતર રાખી ચાલવા લાગે છે. થોડેક આગળ જતાં રોડની બીજી બાજુ જવા માટે રસ્તો આવે છે એટલે બન્ને રોડ ક્રોસ કરે છે. રોડની બીજી બાજુ પર એક નાનું ચાર માળનું કોમ્પ્લેક્સ હતું જેમાં ઉપરના બધા માળમાં થોડી દુકાનો અને ઓફિસ હતી. નીચે ગ્રાઉંડ ફ્લોર પર આગળ એક મોટું ગેરેજ હતું અને પાછળ કોમ્પ્લેક્સનું પાર્કિંગ હતું.

વિશાલ ગેરેજની બહાર જમણી બાજુ સાઇડમાં ઊભો રહે છે. સંજય ગેરેજમાં જાય છે. ગેરેજ હતું તો નાનું પણ કામ એમાં વધારે હતું. ગેરેજમાં પાંચ વર્કર સાધનો ધોવાનું અથવા રિપેરિંગનું કામ કરતાં હતા. ગેરેજમાં દરેક પ્રકારના ટુવ્હીલર અને ફોરવ્હીલર રિપેરિંગ માટે આવેલા દેખાતા હતા. ગેરેજના માલિક સલિમભાઈ ગેરેજના ખૂણામાં આવેલી નાની કેબિનમાં બીડી પીતા હતા. સંજય સીધો સલિમની કેબિનમાં જાય છે. સંજયને કેબિનમાં જતા બધા જુએ છે પણ કોઈને એવી ખબર નથી એ એક સબઇન્સ્પેક્ટર વેશ બદલી ગેરેજમાં આવ્યો છે. બધા એમના કામમાં વ્યસ્ત રહે છે. આના પહેલા પણ સંજય ઘણી વાર વેશ બદલી ગેરેજમાં આવ્યો હતો.

સંજય કેબિનમાં આવી સલિમ સામે ચૂપચાપ ઊભો રહે છે. સલિમ બીડીનો ઊંડો કસ લઈ ધુમાડો બહાર કાઢે છે: “આવો પત્રકારભાઈ... આજે ફરી સાધન ભાડે જોઈએ છે...” સલિમ બોલીને હસે છે. સામે સંજય પણ હસે છે. “હા... સલિમભાઈ... એક નહીં બે જોઈશે... એક બાઇક અને એક એક્ટિવા... આ વખતે કદાચ વધારે દિવસ માટે વાહન રાખવા પડશે... અને એક ઓરડીની પણ કદાચ જરૂર પડશે...”

સલિમ: “લાગે છે આ વખતે કોઇની સામત આવવાની છે...” ડ્રોવરમાંથી બે ચાવી કાઢી સંજયને આપે છે. “પાછળ પાર્કિંગમાંથી બન્ને વાહનો લઈ લે... અને ઓરડી આ કોમ્પ્લેક્સના ચોથા માળે છે એ તો તને ખબર જ છે...”

સંજય ચાવી લઈ કોટીના ખિસ્સામાં મૂકે છે. “નઇ સલિમભાઈ ચોથા માળવાળી ઓરડી નહીં ચાલે... પાર્કિંગની પાછળ આવેલી ત્રણ ઓરડીઓમાં તમારા ગેરેજનો સમાન મૂકેલો છે એમાંથી એક ઓરડી આપવી પડશે...”

સલિમ બીડી નીચે ફેંકી ચપ્પલથી હોલવે છે.: “લાગે છે આ વખતે કોઈ મોટું કામ પાર પાડવાનું છે... તમારા લોકોના બહુ અહેસાન છે મારા પર... છેલ્લી ઓરડીમાં સામાન વધારે છે... પણ તમારા માટે એ ઓરડી વધારે સલામત રહેશે... ત્યાં સંતાવા માટે જગ્યા પણ અનુકૂળ છે...” સલિમ બીજી એક ચાવી કાઢે છે.: “એ ઓરડીની ચાવી લે... જો બચ્ચા... અત્યાર સુધી તને કે તારા સાહેબને મેં કોઈ દિવસ સવાલ પૂછ્યો નથી... અત્યારે પણ નહીં પૂછું... પણ તારા ચહેરા પરની રેખાઓ કહે છે કે વાત બહુ ગંભીર છે... તમે બધા તમારું ધ્યાન રાખજો...”

સંજય ધીમું હસે છે: “સલિમભાઈ, આ કેસમાં પણ તમારી મદદની જરૂર પડશે...”

સલિમ: “અરે બચ્ચા, મારી મદદ તમને લોકોને ગમે ત્યારે મળશે... પણ મદદ કયા કેસમાં કરવાની છે... તારું વર્તન અને વેશ જોઈ મને તું ખતરાની ખીણમાં જતો હોય એવું લાગે છે...”

સંજય માથું સલિમની બિલકુલ લગોલગ લઈ જાય છે. સલિમ પણ પોતાના કાન સંજયના મોઢા તરફ ધારે છે. સંજય બહુ જ ધીમા અવાજે બોલે છે: “શારદાનાગર પોલીસ ચોકીમાં કાલે ત્રણ અપરાધી લાવવામાં આવ્યા હતા... કેસ કરણ સરને આપ્યો હતો... આજે સવારે કેસ એમની જોડેથી પાછો લઈ લેવામાં આવ્યો...”

સલિમ: “માસૂમ અનાથાશ્રમવાળા કેસની વાત કરે છે...”

સંજયને સાંભળી કશું અજુગતું લાગતું નથી. જો સલિમને ખબર ના હોત તો એને નવાઈ લગતી.: “વાહ સલિમભાઈ, તમે અહી બેઠા બેઠા બધી માહિતી રાખો છો એ વાત આજે ફરી સાબિત થઈ ગઈ...”

પણ અત્યારે સલિમને નવાઈ લાગી હતી: “શું એ કેસ કરણ પાસેથી પાછો લઈ લીધો?”

સંજય: “હા…”

સલિમ: “કરણે કેસ આપી કેમ દીધો? એણે આ કેસ રાખવો જોઈતો હતો... માસૂમ અનાથાશ્રમના ભૂલકાઓની જિંદગીનો સવાલ છે...”

સંજય બાજુમાં પડેલી ખુરશી પર બેસે છે: “સરે ઓન પેપર કેસ આપ્યો છે... પોલીસની નજરમાં ના અવાય એ રીતે મારે અને વિશાલે આ કેસની જડ સુધી જવાનું છે...”

સલિમ આંખો મોટી કરે છે: “એટલે Dy.s.p. શુક્લાને અંધારમાં રાખવાનો છે?” સંજય આંખોથી હા માં જવાબ આપે છે. “સમજી ગયો બચ્ચા... કરણ ગમે તે રીતે સાચા અપરાધીને જેલની હવા ખવડાવશે... આ વખતે કરણને કહી દેજે કે આ કેસમાં હું જે પણ મદદ કરું એમાં મારે એકપણ રૂપિયો જોઈતો નથી... તને જે કામ કરવાનું કહ્યું છે એ તું ચાલુ કર... હું મારી રીતે મારૂ કામ ચાલુ કરું છું...”

સંજય હસી બધી ચાવી લઈ બહાર નીકળે છે. એને સલિમની સમજદારી અને હોશિયારી પર ગર્વ થાય છે. સલિમ એક જમાનામાં વાહનચોર હતો. કરણે એને જેલની હવા ખવડાવી હતી. સલિમ જે પ્રમાણે વાહનોની ચોરી કરતો હતો એ આવડત જોઈ કરણે બહુ સમજાવ્યો. સલિમને પણ કરણની વાતો પરથી ખોટા કામ છોડવા માટે પ્રેરણા મળી. સલિમની આવડતને જોઈ કરણે એને પોલીસનો બાતમીદાર બનાવ્યો. અનેક કેસ સોલ્વ કરવામાં કરણે સલિમની મદદ લીધી હતી. સલિમે સંજયને આ કેસ પર મદદ કરવાનું વચન આપ્યું એ વખતે બન્નેમાંથી કોઈને ખબર નહોતી કે સલિમની મદદ કેટલા માણસોના ચહેરા પરથી નકાબ ઉતારવાની છે. સલિમની બાતમીઓના આધારે કરણ, સંજય અને વિશાલ એક એવા કેસ પર આગળ વધી રહ્યા હતા જે લોહીના સંબંધથી વધારે દોસ્તીના સંબંધને મહત્વ આપવાનું હતું. બાપ-દીકરાના પ્રેમભર્યા જીવનમાં ઝંઝાવાત લાવવાનું હતું. પોલીસ વિરુધ્દ પોલીસ વચ્ચે આંખમીચોલીની હદ પાર કરવાનું હતું.

***

કરણ ICUમાં જઇ પિતાને જુએ છે. એકબાજુ એને માતાના આંસુઓ કમજોર બનાવતા હતા તો પિતાનું વલણ એને સચ્ચાઈ સુધી પહોંચવા માટે બળ પૂરું પાડતું હતું. એને ખાતરી કરવી હતી કે પપ્પાના જીવને કોઈ જોખમ નથી. નર્સ પણ જાણે એને મદદ કરવા આવી હોય એમ એકથી વધારે માણસ ICUમાં રોકાઈ શકશે નહીં એમ જણાવે છે. કરણને એ જ જોઈતું હતું કે એના અને પિતા સિવાય ત્યાં કોઈ હજાર ના હોય. એ સુધા અને શંકરને પોતે અંદર રોકાય છે એમ સમજાવી બન્નેને બહાર મોકલે છે. ICUમાં કરણ અને નર્સ એકલા પડે છે. આ તકનો લાભ લઈ કરણ ધીમેથી ઓક્સિજન અને BPના મશીનના પાવર સપ્લાયની સ્વિચ બંધ કરે છે. નર્સ એ જોઈ ગભરાઈ જાય છે. કરણ જાણતો હતો કે નર્સ એને એમ કરતાં રોકશે. નર્સ કશું બોલે એ પહેલા કરણ એક હાથથી નર્સને પકડે છે અને બીજો હાથ નર્સના મોઢા પર મૂકે છે જેથી એ બોલી શકે નહીં. નર્સના મોઢા પરથી હાથ લઈ કરણ ચૂપ રહેવાનો ઈશારો કરે છે. આ કરતી વખતે કરણનું ધ્યાન નર્સ પર નહીં પરંતુ પિતાના પલંગ પર હોય છે. બધા સપ્લાય બંધ કર્યા પછી પણ પર્વતસિંહની હાલતમાં કોઈ ફેરફાર થયો નહોતો. એ શાંતિથી કુદરતી રીતે શ્વાસ લેતા હતા. એ જોઈ કરણને એકરીતે પિતાના જીવને જોખમ નથી એની ખાતરી થાય છે, પણ એ વાતનું દુ:ખ પણ થાય છે કે એના પિતા ગુનેગારોને બચાવવાની કોશિશ કરતા હતા. નર્સનો હાથ પકડી કરણ એક ખૂણામાં લઈ જાય છે. નર્સને સમજાતું નથી કે કરણ શું કરે છે. એ પૂરી રીતે ગભરાઇ ગઈ હતી. કરણ પોલીસ છે એ વાત એને ખબર હતી. પોલીસનો વિરોધ કરવાનો એને વિચાર પણ આવતો નથી.

ICUના એક ખૂણામાં કરણ નર્સને ઊભી રાખે છે. એ વખતે પણ એની નજર પર્વતસિંહના બેડ પર હતી. જો પર્વતસિંહ જોઈ જાય કે કરણ એમની ઊલટ-તપાસ કરે છે તો આ કેસથી હમેંશા માટે દૂર થઈ જવું પડે એવું હતું. કરણ પિતાને ખબર પડે એવું કોઈ કામ કરવા માંગતો નહોતો. એને એવો શક પણ હતો કે એના પિતા પૂરી રીતે ભાનમાં છે અને બધુ સાંભળી શકે છે. રૂમમાં નીરવ શાંતિ હતી. એ શાંતિ વચ્ચે કરણને નર્સ સાથે વાત કરવાની હતી. એ નર્સના કાનમાં માત્ર હોઠ ફફડે એ રીતે બોલે છે: “મને ખબર છે કે પપ્પાને કશું થયું નથી... ચૂપચાપ હું કહું છું એમ કરતી જા... ૧૦ મિનિટ પછી હોસ્પિટલની રેસ્ટોરન્ટમાં મને મળ... જો તું નહીં આવે તો તારી નોકરી પર જોખમ છે... બાકી તારી મરજી...”

કરણ આટલું બોલી બંધ કરેલો પાવર સપ્લાય ચાલુ કરે છે અને ચૂપચાપ બેડની બાજુમાં ખુરશી હોય છે એના પર બેસી જાય છે. નર્સની ઘડકન વધી ગઈ હતી. એ સમજી શકતી નહોતી કે પર્વતસિંહને કશું થયું નથી એવી કરણને ખાતરી હતી છતાં એને મળવા શું કામ બોલાવે છે. એ અટકળ કરતી રહે છે પણ જવાબ મળતો નથી. એ ૧૦ મિનિટ પછી રેસ્ટોરન્ટ જાય છે ત્યારે કરણ ત્યાં નથી હોતો. એ પાછી જવા માટે ફરે છે ત્યારે કરણને સામેથી આવતો જુએ છે. કરણ આવી એક ખાલી ટેબલ પર બેસે છે અને નર્સને ઈશારો કરી ત્યાં આવવા જણાવે છે. નર્સ એક અંજાન પોલીસને પિતાની કઈ અસલિયત જાણવી છે એની અટકળ લગાવતી કરણની બાજુમાં ખુરશી પર બેસે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED