Case No. 369 Satya ni Shodh - 4 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 4

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૪

“સંજય... તમે બન્નેએ કેસ ફાઇલ અને પુરાવા જોયા હતા ને?” બન્ને હકારમાં માથું હલાવે છે. “ગુડ... હવે તમારે બન્ને એ એક નવી ફાઇલ બનાવવાની છે...”

સંજય અને વિશાલને કરણ પાસે કોઈ આવા પગલાંની જ અપેક્ષા હતી. આ કેસ રહસ્યના પડદા ખોલવા માટે કાર્યરત થઈ રહ્યો હતો. કરણ અને એની ટીમને એક પછી એક એવા રહસ્યો ખોલવાના હતા જેની કલ્પના પણ એ લોકોને નહોતી.

સંજય મનમાં અપરાધીની વાત યાદ કરે છે. આ કેસથી ખરેખર કરણ દૂર રહી શકશે નહીં. એ સાચું બોલ્યો હતો. જેના કિસ્મતમાં જે વખતે જે કાર્ય કરવાનું લખાયું હોય એ થઈ ને જ રહે છે. Dy.s.p.ની મરજી વિરુદ્ધ એમની જાણ બહાર કરણ અને એની ટીમ એવા કેસ ઉપર કામ કરવા તૈયાર થયા હતા જેનાથી ઘણાં લોકોની જિંદગી સુધરી જવાની હતી અને ઘણાં લોકોની જિંદગી કારાવાસમાં વીતવાની હતી. અનેક મોટા માથાઓની ઊંઘ હરામ થવાની હતી. અનેક કૌભાંડ ખુલ્લા થવાના હતા. કૌભાંડો ખુલ્લા થવાથી સેંકડો લોકોની જિંદગી પર સારી અને નરસી બન્ને પ્રકારની અસર થવાની હતી. સારા માણસોનો માણસાઈ પર ભરોસો વધવાનો હતો, તો પાપીઓને કુદરત કોઈને છોડતી નથી એ વાત પર વિશ્વાસ થવાનો હતો.

ગઇકાલે રાત્રે ૮ વાગે ત્રણ અપરાધીઓ આવવાના છે એ જાણ્યા પછી ધમાલ શરૂ થઈ હતી. એ ધમાલ ૧૨ કલાકની અંદર રહસ્યમય કોયડો બની હતી. સાચું કોણ છે? ખોટું કોણ છે? નિર્દોષ કોણ છે? અપરાધી કોણ છે? કહેવું અને સમજવું મુશ્કેલ હતું. Dy.s.p. એ જાતે આ કેસ કરણને આપ્યો હતો અને જાતે જ એને આ કેસથી દૂર કર્યો. સૌથી મોટો કોયડો અત્યારે સંજય અને વિશાલને Dy.s.p. લાગે છે. એ કેટલું અને શું જાણે છે? એ અપરાધીઓને બહુ ખતરનાક બતાવતા હતા, જ્યારે એ અત્યારે નિર્દોષ જણાતા હતા. તો શું Dy.s.p. અસલી ગુનેગારોને પ્રોટેકસન આપતા હતા? એવું તો શું છે આ કેસમાં જે Dy.s.p.ને કાનૂનથી વિરુદ્ધ કામ કરવા માટે મજબૂર કરતું હતું, કે પછી પ્રેરણા આપતું હતું. બન્નેને કશી ખબર પડતી નથી કે કોઈ જવાબ મળતા નથી. પરંતુ કરણને થોડા જવાબ મળ્યા હતા. એણે એની તીવ્ર યાદશક્તિને કામે લગાડી હતી અને રહસ્ય જાણવાનું પહેલું પગથિયું એને મળી ગયું હતું.

કરણ આંખો બંધ કરી ફટાફટ ઓર્ડર આપે છે: સંજય... વિશાલ... એક એવી ફાઇલ તૈયાર કરો, જેમાં તમને જે પણ યાદ હોય એ બધું લખવાનું છે... Dy.s.p. સર અપરાધીઓ વિષે શું કહેતા હતા... એમણે કેવું વિપરીત વર્તન કર્યું... શારદાનગર ચોકીમાં લાવતા પહેલાં એ લોકોને ક્યાં રાખવામાં આવ્યા હતા... એમના વિરુદ્ધ કયા ચાર્જિસ લગાવ્યા છે... પુરાવા વિષે જે પણ યાદ આવે એ લખો... ત્રણેય છોકરાઓની ઝીણાંમાં ઝીણી વિગત લખો... આજે કોર્ટ ખત્રીને ત્રણેયનાં રિમાન્ડ આપશે... આપણે ખત્રી કરતાં બે કદમ આગળ ચાલવાનું છે...”

કરણ બન્ને હાથની આંગળીઓ ભેગી કરી આંગળીઓ પર પ્રેસર આપે છે અને બન્ને કોણી ટેબલ પર ટેકવે છે: “સૌથી અગત્યની વાત આ કામની કોઈને ગંધ પણ આવવી જોઈએ નહીં...” થોડીવાર અટકે છે.: “આ કામ કરવા માટે આપણાં ચાર હવાલદારની મદદ લેવી પડે તો… એવી રીતે લો કે એમને પણ ખબર ના પડે કે આપણે આ કેસ પર કામ કરીએ છીએ... એ લોકો ગમે તેની સામે મોઢું ખોલી શકે છે... રાવજી આપણી સાથે કામ કરી થોડો ઘડાયો છે પણ બીજા ત્રણની ખાતરી કરી શકાય એમ નથી...”

ખુરશી પર ટેકો આપી એક ઊંડો શ્વાસ લે છે: “સંજય... આ કેસ બહુ અટપટો છે... હું માનું છું ત્યાં સુધી આ કેસમાં એવા માણસો સંડોવાયેલા હશે, જે ભલભલા માણસોના મોઢામાંથી વાત કઢાવી શકે છે... બહુ સમજી-વિચારી અને દરેક પોલીસને આપણાં વિરોધી સમજી કામ લેવું પડશે અને એમનો ઉપયોગ પણ બહુ ચાલાકીથી કરવો પડશે... Dy.s.p. અને એમની ટીમની મદદ આપણે લેવી પડશે પણ એવી રીતે કે એમને ખબર ના પડે કે એ લોકો આપણને મદદ કરે છે...”

કરણ બન્નેને હાથથી ઈશારો કરી કામ શરૂ કરવાનું કહે છે. સંજય અને વિશાલને કરણના ઓર્ડરથી જોશ આવે છે. સંજય કબાટમાંથી ફાઇલ કાઢે છે. વિશાલ કોરા કાગળ લઈ આવે છે. કરણ ફરી ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે.

કઇંક યાદ આવતા કરણ ખુરશી પરથી ઊભો થઈ બોલે છે.: “એક મિનિટ... સંજય, ત્રણેય અપરાધી પર કયા ગુનાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે એ તો મને હજી ખબર જ નથી...”

સંજય ફાઇલ કરણના ટેબલ પર મૂકે છે: “સર એક નહીં અનેક ચાર્જ લગાવ્યા છે... સાથે અભ્યાસ કરતી એક છોકરી પર અનેક વખત ગેંગરેપ... અનાથાશ્રમના અનેક બાળકોનું અપહરણ... અનાથાશ્રમના પાંચ કર્મચારીઓની નિર્દયતાથી હત્યા... અનાથાશ્રમમાં અનેક ગેરકાનૂની કામ...”

વિશાલ કાગળ ટેબલ પર મૂકે છે: “સર... ફાઇલમાં લખ્યા પ્રમાણે અનાથાશ્રમની જમીન પચાવી પાડવા માટેનો ગુનો પણ સામેલ છે... ત્રણ ત્રેવીસ વર્ષની આસપાસની ઉંમરવાળા છોકરડાઓ આટલા ગંભીર ગુનાઓ આટલા ઓછા સમયમાં કેવી રીતે કરી શકે એ શક મને પહેલાં આવ્યો હતો...”

કરણ એકદમ શાંત ચિત્તે બધા આરોપો સાંભળતો હતો. જેમ સાંભળતો હતો એમ એના ચહેરા પર અલગ-અલગ ભાવ ઉત્પન્ન થતાં હતા. ઉત્પન્ન થયેલા ભાવોમાં ત્રણેય અપરાધીઓ નિર્દોષ છે અને એમને પોતે નિર્દોષ સાબિત કરીને રહેશે એ મક્કમ નિર્ધાર સ્પષ્ટ દેખાતો હતો.

કરણ હાથમાં પેપરવેઇટ રમતા બોલે છે: “આટલા બધા આરોપો જ્યાં લાગ્યા હોય ત્યાં સ્પષ્ટ સમજાઈ જાય કે વાત જે દેખાય છે એ નથી... વાત એવી છે... જેની કલ્પના પણ કોઈને હશે નહીં... સંજય, વિશાલ આપણે સત્ય બહાર લાવીને રહીશું... આપણું સત્ય બહાર લાવવાનું કામ આ મિનિટથી શરૂ થાય છે...” પેપરવેઇટને ટેબલ પર ગોળ ફેરવતો બહુ વિચારીને બોલે છે.: “સંજય, હમણાં દસ વાગી જશે... અત્યારે તમારે બન્નેએ બીજું અગત્યનું કામ કરવાનું છે...” પેપરવેઇટ પકડી ટેબલ પર મૂકી ઊભો થઈ રૂમમાં આંટા મારે છે: “સંજય, તું ખત્રીની પાછળ કોર્ટમાં જા અને ત્યાં શું થાય છે એ બધું ધ્યાન રાખ... વિશાલ, તારે Dy.s.p. સરની ઓફિસમાં જઈ ખુફિયા રીતે આ કેસને લગતી માહિતી લાવવાની છે... આ કામ પહેલાં કરો... પછી બધું એકસાથે કાગળમાં ઉતારો... ક્વીક... આપણી પાસે સમય ઓછો છે... એક ખાસ વાતનું ધ્યાન રાખજો... તમારે બન્નેએ વેશ બદલીને જવાનું છે... તમારા બન્નેની ઓળખાણ કોઈને થવી જોઈએ નહીં...”

સંજય: “સર, કોર્ટમાં તો તમે પણ જઇ શકો છો ને? વેશ બદલી કામ કરવાનું અમે બન્ને તમારી પાસેથી જ શીખ્યા છીએ... પણ તમારા જેવી વેશભૂષા બદલતા અમને હજી ફાવતું નથી... તમે પરિસ્થિતીને અનુલક્ષી જેટલી ઝડપથી વેશ બદલો છે અને નિર્ણય લો છો, તે હજુ અમારે ઘણું શીખવાનું છે... ગમે તેવી કપરી સ્થિતિમાં તમે ચપળતાથી ઉગરી જાઓ છો...”

હવે કરણ રહસ્યમય હાસ્ય સાથે બોલે છે: “તું સાચું કહે છે... કોર્ટમાં હું જઈ શકું છું...” કરણ થોડી ક્ષણો અટકી ગહન વિચારમાં ડૂબ્યો હોય એમ બોલે છે. “પણ… જ્યાં સુધી હું માનું છું... મારે હમણાં ઘરે જવું પડશે એવા મેસેજ આવશે...” બન્ને તરફ જોવે છે “આ કેસ નંબર - ૩૬૯ આપણાં માટે બહુ મોટી ચૂનોતી લઈને આવ્યો છે... આ કેસ પૂરો થતાં સુધી આપણાં ઉપર અનેક તકલીફો આવી શકે છે... દરેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ આપણે સાચા અપરાધીઓને જેલ ભેગા કરવાના છે... આજથી મારી આપેલી ટ્રેનીંગની પરીક્ષા છે... એવું માની તમારે માહિતી એકઠી કરવાની છે... આ કામમાં તમારે બન્નેએ સફળ થવાનું છે... આ કેસમાં અસફળતાને કોઈ સ્થાન.......”

કરણનું વાક્ય પૂરું થાય એ પહેલા એના મોબાઈલ પર રીંગ આવે છે. કરણ સ્ક્રીન પરનું નામ વાંચી આંખથી ઇશારો કરી સંજય અને વિશાલને સ્ક્રીન બતાવે છે. ફરી એકવાર એ બન્નેને આશ્ચર્ય થાય છે. ફોન કરણનાં પપ્પા રિટાયર Dy.s.p. પર્વતસિંહ રાઠોડનો હતો. કરણનાં પપ્પા એને શું કામ આ કેસથી દૂર રાખવા માંગતા હતા. આજના દિવસે લાગેલા બધાજ ઝટકાઓનો આ ઝટકો બાપ હતો. હવે એ વાત નક્કી થઈ જાય છે કે અપરાધી કરણને ખૂબ સારી રીતે ઓળખતો હોવો જોઈએ. માત્ર કરણ જ નહીં એના પપ્પા પણ અપરાધીને ઓળખતા હોવા જોઈએ. નહિતો અપરાધી અને કરણ બન્નેનાં અનુમાન સાચા ના પડે. કરણના પપ્પા જાતે એને આ કેસથી દૂર કરી રહ્યા હતા. એનો મતલબ એ થયો કે પર્વતસિંહ દરેક વાતથી જાણકાર છે, પણ કરણને એ વાતની ગંધ આવવા દેવા માંગતા નથી.

કરણ ફોન ઉપડે છે: “હા પપ્પા... બોલો...” થોડી ક્ષણ પસાર થાય છે. “અરે મમ્મી તેં પપ્પાનાં ફોનથી ફોન કર્યો? શું થયું... ... ... મમ્મી... મમ્મી તું ગભરાઈશ નહીં... તમે લોકો હોસ્પિટલ આવી ગયા છો... પપ્પાની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે... બધું સારું થઈ જશે... હું જલ્દી પહોંચું છું...”

કરણ ફોન પોકેટમાં મૂકી બન્ને હાથ ટેબલ પર મૂકી અધડૂકો ઊભો રહે છે. સંજય અને વિશાલ પપ્પાની ટ્રીટમેન્ટ શબ્દ સાંભળી નવો આંચકો શું છે એ જાણવા કરણ સામે જોઈ રહે છે. કરણ ધીમું મુસ્કુરાતો દિમાગમાં બધી કડીઓ જોડતો હતો. કરણની આ કામ કરવાની આદત હતી. જ્યારે મગજમાં બધી કડીઓ જોડતો હોય ત્યારે ચહેરા પરથી અંદાજ આવે કે મન અને મગજ એકબીજા સાથે વાતો કરે છે. અત્યારે પણ પપ્પાની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે. બધું સારું થઈ જશે. બોલ્યા પછી પણ શાંત ચિત્તે કેસ નંબર - ૩૬૯નાં વિષયમાં વિચારતો હતો. સંજય અને વિશાલ સમજી ગયા કે પર્વતસિંહ જેટલું બને એટલું જલ્દી કરણનું ધ્યાન કેસથી દૂર બીજી જ્ગ્યા પર કેન્દ્રિત કરવા માંગે છે. કરણ પણ આ વાત સમજી ગયો હતો એટલે તરત હોસ્પિટલ જવાના બદલે મગજને કસી રહ્યો હતો. એને કેસથી દૂર કરવામાં આવ્યો ત્યારે જ એ જાણી ગયો હતો કે એને પપ્પાએ જ આ કેસથી દૂર કરાવ્યો છે.

કરણ: “વિશાલ, Dy.s.p. ઓફિસથી ખાસ એ વાત જાણવાનો પ્રયત્ન કરજે કે સરે શું વિચારીને મને કેસ આપ્યો હતો... એવી કોઈ વાત ચોક્કસ હશે જેના લીધે મને આ કેસ આપવામાં આવ્યો અને પછી પાછો લઈ લેવામાં આવ્યો... સંજય, તું કોર્ટમાં ગમે તે રીતે વિક્કીની નજીક જઈ... એને અર્જુન ક્યાં છે એ પૂછજે...”

‘વિક્કી’ નામ સાંભળી બન્ને ફાઇલમાં લખેલા અપરાધીઓના નામ યાદ કરે છે. અને પાછું આ ‘અર્જુન’ કોણ છે?

વિશાલ: “સર વિક્કી કોણ?”

કરણ: “ત્રીજી કોટડી વાળો અપરાધી...”

સંજય અને વિશાલ અચરજ સાથે એકબીજા સામે જુએ છે. સંજય: “ત્રણમાંથી એકેય અપરાધીનું નામ વિક્કી નથી... એ લોકોના નામ રોહિત રાણા, પ્રતિક જાદવ અને........”

કરણ જાતે ત્રીજા અપરાધીનું નામ બોલે છે: “વિક્રાંત ગાંધી......” કરણ એક હાથ સંજયનાં ખભા પર અને બીજો હાથ વિશાલનાં ખભા પર મૂકે છે.: “વિક્કી... વિક્રાંત ગાંધીનું હુલામણું નામ... મારા નાનપણનાં ભેરું અર્જુન ગાંધીનો નાનો ભાઈ...”

કરણ આટલું વાક્ય બોલી ભૂતકાળમાં સરવાની તૈયારીમાં હતો. ત્યાં યાદ આવે છે એને હોસ્પિટલ જવાનું છે. જ્યારે સંજય અને વિશાલને એક નવો ઝટકો લાગ્યો હતો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED