Kes No. 369 satyani shodh - 3 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 3

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૩

ખત્રી: “યસ કરણ... આ કેસ મારે લેવાનો છે. Dy.s.p. સરથી ભૂલ થઈ ગઈ હતી... કાલે જ મારે આ કેસ લેવાનો હતો... પણ એમની શરતચૂકથી આ કેસ તને અપાઈ ગયો...”

સંજય અને વિશાલ તો બુતની જેમ એકબીજા સામે જોવા લાગ્યા પણ કરણ જોરથી હસવા લાગ્યો. એના હસવાનો અવાજ પોલીસ સ્ટેશનની ચારેબાજુ ગુંજવા લાગ્યો.

ખત્રી: “Dy.s.p. સરે પૂછવાનું કહ્યું છે કે,તું આરોપીને મળ્યો છું?, કેસ ફાઇલ જોઈ છે?”

કરણ શાંત અવાજે કહે છે: “ના હું આરોપીને મળ્યો નથી અને મેં ફાઇલ વાંચી નથી...”

કેસ નંબર - ૩૬૯ જ્યારથી શરદાનગર પોલીસચોકીમાં આવ્યો હતો ત્યારથી એક પછી એક એવા બનાવ બનતા હતા જેની કલ્પના પણ ના કરી હોય. પહેલાં અપરાધીઓનું ચૂપચાપ ઉંધા બેસી ધ્યાન ધરવું. અપરાધીઓનું જે વર્ણન દર્શાવેલ હતું એનાથી વિપરીત વર્તન કરવું. કરણ અને અપરાધી વચ્ચે કોઈ ગાઢ સંબંધ હોવાની શક્યતા. કરણ અને કેસ બાબતે અપરાધીને બધી જ જાણકારી હોવી. કરણનું અપરાધીને જોઈ મુંજાઈ જવું. અપરાધીને મળ્યા છતાં ખત્રીને ના કહેવું. અપરાધીનું અડધા કલાકમાં ચોકી છોડી જવાની વાત કરવું. આ બધુ અધૂરું હોય એમાં એ કેસ ઇન્સ્પેક્ટર ખત્રીને સોંપવું અને કરણનું ખડખડાટ હસવું. શારદાનગર પોલીસચોકી આજે અજાયબઘર બની ગઈ હતી. એક દિવસમાં અનેક આશ્ચર્યચકિત ઘટનાઓ બની હતી.

જે કેસ માટે કરણ આમદવાદથી મુંબઈ મારતી ગાડીએ આખી રાત ઉજાગરો કરી આવ્યો હતો એ કેસ બીજાને સોંપવામાં આવ્યો. એવું તે શું છે આ કેસ નંબર - ૩૬૯માં જે એક પછી એક આંચકા આપતો હતો. સંજય અને વિશાલને ખત્રીના આવ્યા પછી ખબર પડે છે કે અપરાધી કેમ ચોકી છોડી દેવાની વાત કરતો હતો. એનો મતલબ એ થયો કે અપરાધી એ પણ જાણતો હતો કે આ કેસ કરણ પાસે નહીં રહે.

ખત્રીની સાથે એની ટુકડી આવી હતી. એક સબ ઇન્સ્પેક્ટર મોટી બેગમાં પુરાવા ભરવા લાગે છે. ત્રણ હવાલદાર કોટડી તરફ આગળ વધે છે. કરણ એની હલકી સ્માઇલ સાથે ખુરશી પર બેસી જાય છે. સંજય અને વિશાલને એવું લાગે છે જાણે કરણ જાણીજોઇને ચૂપ થઈ ગયો છે. એકવાર કરણને કેસ આપવામાં આવે પછી જ્યાં સુધી કેસ પૂરો ના થાય ત્યાં સુધી એ જંપીને બેસે નહીં. કેસ સાથે જો મોટા નેતાઓના માણસો સંડોવાયેલા હોય તો પણ એ સજા અપાવીને છોડે. એકવાર કેસ પર કામ કરવાનું શરૂ કરે પછી Dy.s.p., I.G., CM પણ એને રોકી શકે નહીં. આજે ખરેખર કરણ એના સ્વભાવથી વિરુધ્ધ વર્તન કરતો હતો. એના પ્રમાણે કામ કરતા રોકે તો એનો વિરોધ કરનાર કરણે જાણે હાર માની લીધી હતી.

રાવજી હાંફળોફાંફળો આવીને કરણને કોટડી ખોલવી કે નહીં એ પૂછે છે. કરણ એકીટસે ખત્રી સામે જોતો હોય છે. રાવજીને જવાબ ના મળ્યો એટલે એણે ફરી કરણને પૂછ્યું. કરણ હજી પણ પલક મટકાવ્યા વગર ખત્રી સામે જોઈ રહ્યો હતો. કરણ જે પ્રમાણે તાકીને જોતો હતો એનાથી ખત્રી ઉપરથી નીચે સુધી ધ્રુજી ગયો. કરણથી ઘણો સિનિયર હતો ખત્રી. Dy.s.p. જ્યારે કરણનાં કામનાં વખાણ કરે અને દરેક કેસ એને આપે એ ખત્રીને કોઈ દિવસ પસંદ આવતું નહીં. આ વખતે કરણને આપેલો કેસ જ્યારે Dy.s.p.એ એને આપ્યો તો કઇંક કરી બતાવવાની ઘેલછામાં તરત હા પાડી દીધી. એ સમયે એને એવો ખ્યાલ ના રહ્યો કે કરણ જેવા માથાભારે ઇન્સ્પેક્ટરની સામે Dy.s.p. પણ નથી થતા. કરણની નજરનાં વારથી ખત્રીનો જોસ ઓગળવા લાગ્યો હતો. જંગલમાં શિકારી પોતાના શિકારને પકડવા માટે એકધાર્યું શિકારને તાકી રહે છે, જેવો શિકાર ભાન ભૂલ્યો શિકારી એને ઝપટમાં લઈ લે છે. ખત્રીને પણ એવું લાગ્યું તે કરણનાં હાથનો શિકાર થવાનો છે. બે ઘડી એને હથિયાર હેઠા મૂકી દેવાનો વિચાર આવે છે. કેસને હેન્ડઓવર લેવાનું ટાળી કરણનાં સકંજામાંથી આબાદ છટકી જવા માટે અંતરાત્મા કહે છે. સાથે મગજમાંથી એવી દલીલ થાય છે કે હસીનું પાત્ર બની જઈશ. અડધી મિનિટમાં ખત્રીને હજાર વિચાર આવે છે.

એવી જ સ્થિતિ સંજય અને વિશાલનાં મગજની પણ હતી. એ બન્નેનું મગજ કહેતું હતું કરણ કેસ ખત્રીને આપશે નહીં. જ્યારે મન અવઢવમાં હતું કે કરણ કેસ સોંપી પણ શકે છે. પહેલી વાર એ બન્ને પણ અકળાઇ ગયા. કરણનું નવું પાસું એમને જોવા મળ્યું હતું. રાવજીને હજી પણ જવાબ મળ્યો નહોતો એટલે એ પણ મૂંઝવણમાં હતો. રૂમમાં તનાવભરી શાંતિ પથરાઈ હતી. કોઈ એક શબ્દ બોલતું નથી એ ધ્યાન આવતા જે સબ ઇન્સ્પેક્ટર પુરાવા બેગમાં ભરતો હતો એના હાથ પણ થંભી જાય છે. રૂમમાં હાજર બધા વારાફરતી કરણ અને ખત્રી સામે જોવા લાગે છે.

ખત્રીથી વધારે સમય આ ટોર્ચર સહન થતું નથી. “કરણ... જો તું મારા ઉપર કોઈપણ પ્રકારનો બ્લેમ કરે એ પહેલા કહી દઉં કે Dy.s.p. સરના કહેવાથી હું આવ્યો છું... તને ખાતરી ના થાય તો એમની સાથે ફોન પર વાત કરી લે...” ખત્રી મોબાઈલ કાઢી નંબર ડાયલ કરે છે. કરણનાં ચહેરા પરના ભાવ ફરી બદલાય છે એ સંજય અને વિશાલ તરત સમજી જાય છે. Dy.s.p.નો નંબર લાગતો નથી એટલે ખત્રી ફરીથી પ્રયત્ન કરે છે. કરણ ધીમેથી ઊભો થઈ ખત્રીની સામે આવી ઊભો રહે છે. ખત્રી ત્રીજી વાર નંબર ડાયલ કરે છે.

ખત્રીનાં હાથમાંથી મોબાઈલ લઈ કરણ એના પોકેટમાં મૂકે છે: “ખત્રી... Dy.s.p.નો નંબર આજના દિવસમાં તારાથી લાગશે નહીં... તું તારા અપરાધીઓને લઈ જઇ શકે છે...”

કરણ બોલીને પણ ખત્રી સામે ટગર-ટગર જોતો હતો. આ વખતે ખત્રીને પણ નવાઈ લાગે છે. સાચે Dy.s.p. સરનો નંબર કવરેજની બહાર બતાવતો હતો. હવે ખત્રીનું મગજ ખરેખર ડરવા લાગે છે. નક્કી આ કેસ બહુ અટપટો અને મોટા માથા સાથે સંકળાયેલો છે. જ્યારે Dy.s.p. એ એને બોલાવી આ કેસ લેવા માટે કહ્યું ત્યારે એમના પરસેવાથી લથબથ ચહેરાનું કારણ અત્યારે એને સમજાય છે. કરણ અપરાધીને મળ્યો નથી એની ખાતરી કરવી. ખત્રી પોતાને મૂર્ખ ગણે છે અને વિચારે છે Dy.s.p.નો કરણને આ કેસથી દૂર રાખવાનો હેતુ શું હશે. હમેશાં તેની નોકરી પ્રત્યે વફાદાર કરણ આશાનીથી કોઈ કેસ છોડે નહીં તો પછી અત્યારે સહેજ પણ કાબૂ ગુમાવ્યા વગર એ કેસ સોંપી કેમ રહ્યો છે? સૌથી અગત્યની વાત એનો ચહેરો અને બોલેલા શબ્દો વચ્ચે મેળ બેસતો નથી.

સંજય અને વિશાલ હવે આંચકાઓથી ટેવાઇ ગયા હોય એમ કરણના આદેશની રાહ જોતા હતા અને ખત્રીની હાલત પર મનમાં હસતા હતા. કરણ આંખોથી સંજયને ઈશારો કરે છે. સંજય અને વિશાલ કોટડી તરફ જાય છે. પાછળ રાવજી પણ જાય છે.

ખત્રી સાથે આવેલા ત્રણ હવાલદાર કોટડી ખૂલવાની રાહ જોતા હતા. સંજય ત્રીજા અપરાધીની કોટડી ખોલે છે. : “તારો કેસ કરણસરનાં બદલે ખત્રીસરને સોંપવામાં આવ્યો છે...”

અપરાધીનાં ચહેરા પરથી હજી પણ રહસ્યમય હાસ્ય દૂર થયું નથી.: “કોણ કહે છે કે કરણભાઈએ આ કેસ છોડી દીધો? આમરો કેસ તો કરણભાઈ જ સોલ્વ કરશે... આ કેસથી એ પોતાની જાતને દૂર નહીં રાખી શકે... જ્યારે આ કેસની વરવી હકીકત બધાની સામે આવશે ત્યારે બધા વિશ્વાસ નહીં કરી શકે કે અસલી ગુનેગાર કોણ છે... આપણાં દેશની જનતા અસલી ગુનેગારોને એમના પોતાના હાથે સજા આપશે...” ખત્રીનો હવાલદાર અપરાધીને હથકડી પહેરાવે છે. ત્રણેય અપરાધી ખત્રીનાં હવાલદાર સાથે ચાલવા લાગે છે.

જે સબ ઇન્સ્પેક્ટર પુરાવા બેગમાં ભરતો હતો એણે પોતાનું કામ પૂરું કર્યું એટલે કરણનાં રૂમની બહાર જાય છે. એ વખતે બધા અપરાધીને લઈ હવાલદાર, સંજય અને વિશાલ આવે છે. એક હવાલદાર સબ ઇન્સ્પેક્ટરના કાનમાં કોઈ વાત કરે છે. સબ ઇન્સ્પેક્ટર અપરાધીઓની નજીક આવી : “કયો અપરાધી કરણસર આ કેસ સોલ્વ કરશે એવું કહે છે?”

હવાલદાર ત્રીજા અપરાધી સામે હાથથી ઈશારો કરે છે. સબ ઇન્સ્પેક્ટર ત્રીજા અપરાધી સામે જોઈ ગુસ્સામાં એના પર હાથ ઉગામે છે. ઇન્સ્પેક્ટરનો હાથ બરાબર ત્રીજા અપરાધીના ગાલની વચ્ચે પડ્યો હતો: “ભૂલી જા કે આ કેસ કરણસર સોલ્વ કરશે... અને એ તારા ભાઈ ક્યાંથી થઈ ગયા?”

ઇન્સ્પેક્ટર ફરી હાથ ઉપાડવા જાય છે ત્યાં ઘડીના છઠ્ઠા ભાગમાં અપરાધી ઇન્સ્પેક્ટરનો હાથ પકડી એના પેટમાં પાટુ મારે છે. આ હુમલો એટલો ઓચિંતો અને અણધાર્યો હતો કે ઇન્સ્પેક્ટર બેવડ વળી જાય છે. ત્રણેય હવાલદાર ત્રીજા અપરાધીને પકડવા આગળ વધે છે. ત્રણેય અપરાધી એકસાથે ત્રણેય હવાલદારનાં બન્ને હાથ પકડી પોતાના તરફ ખેંચે છે. ત્રણેય અપરાધી એકસાથે ત્રણેય હવાલદારનાં કપાળમાં જોરથી પોતાનું માથું પછાડે છે. ધડામ અવાજ સાથે હવાલદારો નીચે પટકાય છે. ઇન્સ્પેક્ટર હજી પણ બન્ને હાથથી પેટ પકડી ઊભો હતો.

કરણ અને ખત્રીને બહારનો અવાજ સંભળાય છે એટલે ખત્રી બહાર આવે છે. એના માણસોની દશા જોઈ એ આગબબુલો થઈ જાય છે. એ પણ અપરાધીને મારવા પોતાનો હાથ ઉગામે છે. એ કોઈને મારે એ પહેલા ત્રીજો અપરાધી આગ ઝરતી આંખો સાથે એની સામે ધસે છે. ખત્રી શું થયું છે એ સમજે પહેલા અપરાધી એને ધક્કો મારે છે. ખત્રીનું બેલેન્સ જાય છે એ કરણની ઓફિસનાં દરવાજાને અથડાય છે.: “ઇન્સ્પેક્ટર... અમને લેવા આવ્યા છો... ચૂપચાપ અમને લઈને ચાલતી પકડો... અહી તમારે તમારી તાકાત દેખાડવી હોય તો અમે પણ તૈયાર છીએ...”

ત્રણેય અપરાધીનું રોદ્ર સ્વરૂપ બધાને દેખાય છે. સંજય અને વિશાલ ગેલમાં આવી જાય છે. ખત્રીને આ કેસ સોંપવાનો છે એ જાણ્યા પછી શું થશે એ બન્નેને કુતૂહલ હતું. જે અપરાધીઓ આખી રાત શાંત રહી ધ્યાન ધરતા હતા એમનું ખત્રી અને એના માણસો પણ હાથ ઉગામવું નાની વાત નહોતી. અપરાધીઓમાં ચોક્કસ કોઈ એવી વાત હતી જેણે ખત્રી અને એની ટીમમાં ડર ઊભો કર્યો હતો. હજી પણ કરણ એની રૂમમાંથી બહાર આવ્યો નથી એ બન્નેને હવે નવાઈભર્યું નથી લાગતું.

કરણ એના રૂમમાંથી બોલે છે: “ખત્રી... મારા પોલીસ સ્ટેશનમાં મારા સિવાય કોઈને હિંસા કરવાનો હક્ક નથી... તું જે કામ માટે આવ્યો છું એ કામ કર... હું તને અને તારા માણસોને ચેતવણી આપું છું કે તમારે આ ત્રણમાંથી કોઈના પર હાથ ઉગામવાનો નથી... જો મને ખબર પડી કે કોઈએ આ લોકોને માર્યા છે તો એ વખતે હું શું કરીશ તે તમે લોકો સારી રીતે જાણો છો... Dy.s.p. ને કહી દેજે... કરણ કોઈ દિવસ હાર માનતો નથી... જેના કહેવાથી Dy.s.p. એ આ કેસમાંથી મને દૂર કર્યો હોય... એ માણસને પણ ચેતવી દેવાનું કહેજે... મારો વિચાર બદલાઇ જાય એ પહેલા તારું સરઘસ લઈને ચાલ્યો જા... નહીં તો તારે ખાલી હાથે જવું પડશે...”

કરણ એના રૂમમાં રહીને બોલતો હતો પણ એની અસર એવી થઈ કે અડધી મિનિટની અંદર ખત્રી અને એના માણસો અપરાધીઓને લઈ પોલીસચોકીની બહાર જતા રહે છે. બીજી અડધી મિનિટની અંદર ખત્રીની જીપ શારદાનગર પોલીસચોકીથી ઓઝલ થઈ જાય છે. સંજય અને વિશાલ એકબીજાની સામે જોઈ ધીમું હસે છે. એ બન્ને કરણની રૂમમાં આવે છે. કરણ એની ખુરશી પર બેસી આંખો બંધ કરી ઊંડા વિચારોમાં જતો રહ્યો હોય છે. બન્ને ત્યાં શાંતિથી ઊભા રહે છે. લગભગ બે મિનિટ વીતી ગયા પછી કરણ આંખો ખોલે છે.

“સંજય... તમે બન્નેએ કેસ ફાઇલ અને પુરાવા જોયા હતા ને?” બન્ને હકારમાં માથું હલાવે છે. “ગુડ... હવે તમારે બન્ને એ એક નવી ફાઇલ બનાવવાની છે...”

સંજય અને વિશાલને કરણ પાસે કોઈ આવા પગલાંની જ અપેક્ષા હતી. આ કેસ ફરી રહસ્યના પડદા ખોલવા માટે કાર્યરત થઈ રહ્યો હતો. કરણ અને એની ટીમને એક પછી એક એવા રહસ્યો ખોલવાના હતા જેની કલ્પના પણ એ લોકોને નહોતી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED