Case No 369 Satyani Shodh - 2 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 2

પ્રકરણ : ૨

કરણને ખબર નથી પડતી કે કયા અપરાધી સાથે અને કેવી રીતે વાતની શરૂઆત કરવી જોઈએ.  એ વિચાર કરતો ઊભો હોય છે ત્યાં છેલ્લી કોટડીની અંદરના અપરાધીનો અવાજ જેલમાં ચારે બાજુ ગુંજે છે. “ગુડ મોર્નિગ કરણભાઈ...  આવી ગયા તમે... હું તમારી જ રાહ જોતો હતો...”

વાક્ય સાંભળી હાજર બધાને એકસાથે ઝટકો લાગે છે.  કરણ તો મોઢું ફાડી કોટડીની અંદર બેઠેલા અપરાધીની પીઠ જોયા કરે છે.  એનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે.  વિચારે છે આ કયો નામચીન અપરાધી છે જે એને કરણભાઇ કહી બોલાવે છે?  રીઢા ગુનેગારો કોઈ દિવસ પોલીસને માનથી બોલાવે નહીં.  પોતે આવ્યો એ એને કેવી રીતે ખબર પડી?  આખી રાત એકપણ શબ્દ બોલ્યા વગર કાઢ્યો અને બોલ્યો તો પણ એનું નામ લઈને બોલ્યો.  એક અપરાધી પોલીસની રાહ જોતો હતો એ વાત પણ કુતૂહલ ઉપજાવે એવી હતી.

સંજય સળિયો પકડી બોલે છે: “તું કરણસરની રાહ શું કરવા જુએ છે?”

વિશાલ: “તને કેવી રીતે ખબર પડી કે સર આવ્યા છે?”

અપરાધી: “કરણભાઇના બૂટના અવાજ પરથી...  કરણભાઇ જ્યારે બૂટ પહેરી ચાલે ત્યારે એમના પગલાનો જે અવાજ આવે છે એને હું કેવી રીતે ભૂલી શકું...  હજારો બૂટના અવાજ વચ્ચે હું કરણભાઇના પગલાનો અવાજ ઓળખી શકું છું...”

સંજય: “એય...  બહુ શાણપટ્ટી દેખાડે છે...  હમણાં દંડાનો માર પડશે એટલે બધી હોશિયારી ભૂલી જઈશ...”

વિશાલ: “ભયંકર અપરાધ કરી સર સાથે ડાહ્યો બનવાની કોશિશ કરે છે...”

કરણ હજી પણ અપરાધીની પીઠ જોતો શાંત ઊભો હતો.  બીજા બન્ને અપરાધી તરફ પણ એક નજર કરે છે.  એ બન્ને જાણે કોઈ વાતચીત જ થતી ના હોય એમ સ્થિર અવસ્થામાં ધ્યાન ધરતા રહે છે.  કરણ હાથ ઊંચો કરી સંજય અને વિશાલને શાંત રહેવા ઈશારો કરે છે: “રાવજી...  આ કોટડી ખોલ...”

રાવજી કોટડી ખોલે છે એટલે કરણ અંદર જાય છે.  અપરાધી ધીમેથી ઊભો થાય છે.  કરણ અપરાધી સામે જઇ ઊભો રહે છે.  સંજય અને વિશાલને અપરાધીની પીઠ અને કરણનો આગળનો ભાગ દેખાય છે.  કોઈ કશું સમજે એ પહેલા અપરાધી કરણને પગે લાગે છે અને તરત સેલ્યુટ કરે છે.  સંજય સાથે બધા એ જોઈ વિચાર કરવા લેગે છે.  કારણકે અપરાધીએ બિલકુલ કરણની જેમ જ પગે લાગી સેલ્યુટ કર્યું હતું.  કરણ અપરાધીને ધારી-ધારી જોઈ રહ્યો હતો.  અપરાધીની ઉંમર ૨૫ વર્ષની આસપાસ હતી.  પાંચ ફૂટ દસ ઇંચની ઊંચાઈ.  ભરાવદાર ચહેરો.  લાંબા વાળ જોઈ ખબર પડે કે બે થી ત્રણ મહિના પહેલાં કપાવ્યા હશે.  વધેલી દાઢી ચાડી ખાતી હતી કે ઘણાં દિવસથી રેઝર વાપર્યુ નથી.  ધૂળ અને ઓઘરાળા વાળો ચહેરો બતાવતો હતો ઘણા દિવસથી ન્હાયો નથી.  પરંતુ એ ધૂળ ભરેલા ચહેરા પર ભરપૂર આત્મ-વિશ્વાસ ઝળકતો હતો.  માસૂમ આંખો પણ, એ આંખોમાં રહસ્ય છુપાયેલું હતું.  આછા સ્મિત વાળા હોઠ વચ્ચે અનેક વાતો ઘરબાયેલી હતી.  ચહેરો જોઈ કોઈપણ કહે નહીં કે રીઢો ગુનેગાર છે.  એનો ચહેરો નિર્દોષ હોવાની ખાતરી આપતું હતું.  એના બે જોડાયેલા હાથ અને આંખોની નજર કરણ પ્રત્યે એને કેટલો આદર છે એ બતાવતું હતું.

અપરાધી કરણ સામે જોઈ આછું સ્મિત કરતો અડબથી ઊભો રહે છે.  અપરાધી સાથે બહુ નજીકનો સબંધ છે એવું કરણને લાગે છે.  અપરાધીને એક વાર નહીં અનેક વાર મળ્યો હોય એવું લાગે છે.  આછું સ્મિત જાણે કહે છે મને ઓળખીને બતાવ.  આજે તારી પરીક્ષા છે.  

સંજય: “સર…  તમે ઓળખો છો આ અપરાધીને?”

કરણ ઊંડા વિચારોમાં અટવાયો હતો.  મનમાં કઇંક વિચારીને કોટડીની બહાર આવે છે: “ના...  હું આ અપરાધીને નથી ઓળખતો...”

વિશાલ: “તો પછી સર...  તમારે એને એક ચમાટ મારી લેવાની હતી...”

અપરાધી ખડખડાટ હસવા લાગે છે.  અત્યાર સુધી ઊંધા ફરી શાંત બેઠેલા બીજા બન્ને અપરાધી પણ હસવા લાગે છે.  ધ્યાનમગ્ન બનેલી કોટડીઓમાં ત્રણેય અપરાધીનું અટ્ટહાસ્ય ગુંજવા લાગે છે. 

સંજય છેલ્લા અપરાધીની કોટડીમાં જઈ તેને જોરદાર તમાચો મારે છે.  કરણ પાછળ ફરીને જોવે છે ત્યારે પણ એ અપરાધી ધીમું હાસ્ય એની સામે જોઈને કરતો હોય છે.  કરણને માથાથી લઈને પગ સુધી તેનું હાસ્ય ધ્રુજાવી નાંખે છે.  એકપણ શબ્દ બોલ્યા વગર કરણ તેના રૂમમાં આવી બેસે છે.  સંજય ત્રીજી કોટડીના અપરાધીને પેટમાં પાંચ-છ મુક્કી મારે છે.  જ્યારે વિશાલ અને રાવજી બન્ને બીજા અપરાધીઓને મારવા લાગે છે.  ત્રણમાંથી એકપણ અપરાધી એક શબ્દ બોલ્યા વગર ચૂપચાપ માર ખાય છે.  સંજય, વિશાલ અને રાવજી થોડીક વાર મારી વિચારી અટકે છે કે, આ અપરાધીઓ એક શબ્દ બોલતા નથી, બસ હસતા-હસતા માર ખાય છે.  ત્રણે કોટડીની બહાર આવે છે.  કોટડીની અંદર અપરાધીઓને સંભળાય નહિ તે રીતે ત્રણે વાત કરવા લાગે છે.  

સંજય: “વિશાલ કોઈ સમજ પડતી નથી...  આ લોકો એકપણ શબ્દ બોલતા નથી અને સાહેબ પણ કશું બોલ્યા વગર બહાર જતા રહ્યા...”

વિશાલ: “આ અપરાધી કરણ સરને ઓળખે છે...  પણ કરણ સર એને ઓળખતા નથી...  આપણે આટલું માર્યું પણ ત્રણમાંથી એકેયના ચહેરા પરથી ધીમું હાસ્ય દૂર નથી થયું...”

રાવજી: “હા સાહેબ...  મને પણ કંઈ ખબર પડતી નથી...”

વિશાલ ત્રીજી કોટડીના અપરાધી સામે જુએ છે.  અપરાધી અને વિશાલની નજર એક થાય છે.  અપરાધી ખંધું હસે છે.  વિશાલને અપરાધીના ખંધા સ્મિતમાં હેરતભર્યું અટ્ટહાસ્ય સંભળાય છે.  વિશાલ અને સંજય બીજા બે અપરાધીઓને જુએ છે તો એ પણ અપલક નયને ધીમું હરતા હતા.

અપરાધી: “સર તમે અમને લોકોને મારવામાં તમારો સમય વેડફો નહીં...  થોડીવારમાં જ અમને કોર્ટમાં લઈ જવાનો સમય થશે...  કરણભાઈને તમારા લોકોની જરૂર પડશે...  અમારી કેસ ફાઇલ એમને એક વખત વાંચવા તો આપો...  હું ધારું છું ત્યાં સુધી આવતા અડધા કલાકમાં અમે આ ચોકીની બહાર હોઈશું”

સંજય અને વિશાલ બન્ને એક બીજાનો ચહેરો જોવા લાગે છે.  આ અપરાધી છે કે જંતર-મંતર જાણનારો  છે.  બન્નેને સમજાતું નથી એને કેવી રીતે ખબર પડી કે કરણસરે હજુ સુધી ફાઈલ જોઈ નથી.  હજુ તો એક સવાલનો જવાબ મળ્યો નહોતો કે, ‘આ અપરાધી કરણને આટલું સારી રીતે કયા પ્રકારે ઓળખે છે’.  ત્યાં સુધી તો અપરાધીએ એક બીજો સવાલ ઊભો કરી દીધો હતો કે, ‘મારી ફાઇલ વાંચવા તો આપો, હજુ એમણે મારી ફાઇલ જોઈ નથી.  અડધા કલાકમાં આ ચોકીની બહાર હોઈશું’.  

વિશાલ અને સંજય વિલંબ કર્યા વગર કરણ પાસે આવે છે.   કરણ હજુ પણ એની ખુરશીમાં કંઈક વિચારતો બેઠો હોય છે.  સંજય અને વિશાલ આવે છે તે પણ તેને ખબર પડતી નથી.  બન્નેને ખ્યાલ આવે છે કે કરણ કશું યાદ કરવાની કોશિશ કરે છે.  સંજય ‘સર’ કહીને બોલાવે છે, પણ કરણનું ધ્યાન જતું નથી.  આવું પહેલી વાર બને છે કે કોઈ કરણને બોલાવે અને એનું ધ્યાન બિલકુલ ગયું નહીં.  ગમે એવા કામનું ભારણ હોય, ગમે એટલું અંતર હોય કરણને દૂરથી પણ ખબર પડી જાય કે કોઈ એને બોલાવે છે.  જ્યારે અત્યારે એક ફૂટથી પણ ઓછા અંતરમાં કરણને સંજયનો અવાજ સંભળાતો નથી.  કરણનો ખભો પકડીને સંજય ફરીથી ‘સર’ બોલે છે.  તે વખતે કરણ જાણે ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ સંજય સામે જુએ છે.  કરણની નજર પરથી સંજય અને વિશાલને એવું લાગ્યું જાણે કરણસર એમને ઓળખાતા જ નથી.  કરણને આવી પરિસ્થિતિમાં કોઈ દિવસ એ બન્નેએ જોયો નહોતો.  ગમે તેવા રીઢા ગુનેગાર હોય તેની સામે હામી છાતીએ બાથ ભીડવા માટે તૈયાર રહેતો.  જ્યારે અત્યારે આ અપરાધીએ માત્ર એનું નામ દઈને બોલાવ્યો અને એ વિચારોનાં ચગડોળે ચડયા હતા.  એટલું જ નહીં પોતે શું કરવા માટે આવ્યા છે, એ પણ ભૂલી ગયા હતા.

સંજય: “સર, તમે ફાઈલ જોઈ નથી એ પણ અપરાધીને ખબર છે...  એ અપરાધ એવું કહે છે કે પહેલાં અમારી ફાઈલ તો કરણભાઇને વાંચવા આપો...  અડધા કલાકની અંદર અમે આ ચોકીની બહાર જઈશું...”

કરણના ચહેરાનાં ભાવ અચાનક બદલાય છે.  જ્યાં થોડીવાર પહેલાં આંખોમાં રહસ્ય શોધવા માટે કોઈ દિશા મળતી નહોતી, એ આંખોમાં એક અદ્રશ્ય કિરણ દેખાય છે.  હોઠો પર અપરાધીના ચહેરા પર હોય છે, એવુંજ મંદ સ્મિત રેલાય છે.  કરણના મનમાં શું ચાલે છે તે કળવું સંજય અને વિશાલ બન્ને માટે મુશ્કેલ હોય છે.  

કરણ: “તમે બન્નેએ ફાઇલ બરાબર વાંચી છે?  પુરાવા ચેક કર્યા છે?”

વિશાલ: “હા સર...  ચેક તો કર્યું છે...  પણ સમજ પડતી નથી...  કાલે dy.s.p. સર એવું કહેતા હતા કે અપરાધીઓ ભાગી જવાની પૂરી કોશિશ કરશે...  વાતો કરી તમને મૂર્ખ બનાવી શકે છે...  ત્રણેયને એક કોટડીમાં રાખશો તો નક્કી ધમાલ કરશે...”

સંજય: “dy.s.p. સર કહેતા હતા અને ફાઇલમાં જે વિગતો દર્શાવી છે એનાથી તદ્દન વિપરીત વર્તન કર્યું છે ત્રણેય અપરાધીઓએ...”  સંજય બોલતા થોડી વાર અટકી બોલે છે: “સર...  અત્યારે તો તમારું વર્તન પણ વિપરીત લાગે છે અમને બન્નેને...  અપરાધીની વાત પરથી લાગે છે એ તમને સારી રીતે ઓળખે છે...  તમે જે રીતે કડીઓ જોડાવાનો પ્રયત્ન કરો છો એના પરથી લાગે છે કે કદાચ અપરાધી સાચું બોલે છે...”

કરણ ખુરશી પરથી ઊભો થઇ સંજયના ખભા પર હાથ મૂકે છે: “સંજય, યાદ નથી આવતું પણ એ છોકરાને ક્યાંક જોયો હોય એવું લાગે છે...  એની આંખો જોઈ તેં...  જાણે કહે છે મને ઓળખીને બતાવ...  એનો ચહેરો એના નિર્દોષ હોવાની સાક્ષી પૂરે છે...  અને ફાઇલ તથા ઉપરી અધિકારી એને રીઢો ગુનેગાર બતાવે છે...  આવો કેસ મારા જીવનમાં પહેલી વાર આવ્યો છે...  જ્યાં હું શું કરવું તે વિચારી શકતો નથી...”

કરણ ટેબલ નજીક જઈ એક હાથ કપાળ પર અને બીજો હાથ ટેબલ પર મૂકેલી ફાઇલ પર ફેરવે છે.  એક નજર પુરાવાની કોથળીઓ પર ફેરવે છે.  કરણ ફાઇલ હાથમાં લેવા જાય છે, એ જ વખતે એના રૂમમાં એક બીજા ઇન્સ્પેક્ટર આવે છે.  કરણ જેવી ફાઇલ હાથમાં લે છે, નવો આવેલો ઇન્સ્પેક્ટર એ ફાઇલ ખેંચી પોતે લઈ લે છે.  સંજય અને વિશાલ આવેલ ઇન્સ્પેક્ટર શું કરે છે તે સમજી શકતા નથી પણ કરણ ઘણું બધુ સમજી ગયો હોય છે: “હું વિચાર જ કરતો હતો કે આ કેસ મને શું કામ આપવામાં આવ્યો છે...  કારણકે આ કેસ હવે મારે તમને હેંડઓવર કરવાનો છે...  બરાબર ને ઇન્સ્પેક્ટર ખત્રી?”

ખત્રી: “યસ કરણ...  આ કેસ મારે લેવાનો છે.  Dy.s.p. સરથી ભૂલ થઈ ગઈ હતી...  કાલે જ મારે આ કેસ લેવાનો હતો...  પણ એમની શરતચૂકથી આ કેસ તને અપાઈ ગયો...”

સંજય અને વિશાલ તો બુતની જેમ એકબીજા સામે જોવા લાગ્યા પણ કરણ જોરથી હસવા લાગ્યો.  એના હસવાનો અવાજ પોલીસ સ્ટેશનની ચારેબાજુ ફેલાઈ ગયો.

 

 

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED