ન્યાયચક્ર - 5 Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 5

      આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજીના પગમાં એક સર્પ ડંખ મારે છે અને ગુરુજી તે સર્પે એમને શા માટે ડંખ માર્યો એ જાણવા પોતાની મંત્ર શક્તિ થી વાચા આપે છે અને.સર્પ પોતાના જીવનની કહાની સંભળાવે  છે કે, તેનું નામ ભોળો હોય છે એક અકસ્માતમાં તેના પિતા મૃત્યુ પામે છે અને માતા પણ પછી એ જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે બીમારી થી મૃત્યુ પામે છે હવે આગળ.....


     મારું પોતાનું કહી શકાય એવું આ દુનિયામાં મારા મામાં શિવાય કોઈ નોતું એટલે મારા મામા મને એમની સાથે એમના ગામ, એમના ઘરે લઈ ગયા. મને જોતાજ મારી મામીનુ મોઢું બગડી ગયું અને એમણે ઘરના આંગણે થી જ કાળો કકળાટ ચાલ્યું કર્યો. આ ગલૂડિયાં ને અહી કેમ લાવ્યા છો, તમારે કઈ મોટી પેઢી ઓ છે તે આને એની પર બેસાડવા લાવ્યા છો. અહી માંડ વૈતરું કરીને આપડા પેટનો ખાડો પુરાય છે તે આના રોટલા ક્યાંથી આવશે. આ મારું ઘર છે કે ધર્મશાળા મન ફાવે તેને લઈ આવો છો. મામીના કટું વચનો એક પછી એક કાનને અને હૈયાને વીંધી નાખે એવા હતા . પણ મને ત્યારે સમજણ નોતી એટલે તે વખતે કઈ દુઃખ નતું લાગ્યું.


      મામાએ મામીને સમજાવવાના બહુ પ્રયત્નો કર્યા કે જો આપણને ભગવાને શેર માટી ની ખોટ રાખી છે તો એ આજે પૂરી થઈ  આપડે ભોળાને પોતાના દીકરાની જેમ ઉછેરિશું અને આપણે કાલે જ્યારે ઘરડા થઈશું ત્યારે એ આપડો સહારો બની આપણું ધ્યાન રાખશે. પણ મામી તો મામી જ હતી એ એમ એકની બે થાય એમ નોતી. એણે ફરી કટું વચનો નો વરસાદ ચાલુ કર્યો. આમ પારકા ના જો પોતાના થતા હોત તો બધી સ્ત્રીઓ સુવાવડની પીડાજ ના ભોગવત. પારકા એ પરકાજ રે ગમે તે કરો તોય. આંગળી થી નખ વેગળા એ વેગળા જ રે માટે મારે દોહી દોહીને કૂતરાને નથી પીવડાવું સમજ્યા. 


      પછી મામાએ મામીને કહ્યું કે તારે જવું હોય તો આ ઘર છોડીને જતિરે મારો ભોળિયો અહીજ રહેશે હું એને મોટો કરીશ. આખરે મામીને ના છૂટકે મને સહન કરવો પડ્યો.મામીએ મને ક્યારેય બાળકની જેમ રખ્યોજ નહિ. આખો દિવસ મારી પાસે ઘરના ઢસરડા કરાવતી અને પેટ ભરાય એટલું ખાવાનુ ય ના આપતી. ટાઢ હોય તડકો હોય કે વરસાદ મારી પથારી ગધેડા ની સાથે ગમાણમાં જ હોય.


       આમને આમ દિવસો વીતતા ગયા. હું થોડો મોટો થયો એટલે હું મામાના કામમાં એમની મદદ કરવા લાગ્યો. અમે જાતના લુહાર એટલે મારા મામા લુહારી કામ કરતા. હું આજુ બાજુના ગામમાં ફરી બનાવેલા ઓજાર વેચતો. ઘણ પકડીને મારા હાથમાં ફોડલા પડી ગયા અને લોખડની સાથે સાથે અગ્નિમાં તપી તપીને મારું શરીર પણ ફોલાદી બની ગયું. નાનપણ મારું લોખંડ ઓગાળતા ઓગળતા ખુદ ઓગળી ગયું ને હું લોકોના ઠેબા ખાતા ખાતા ૧૭ વરસનો થઈ ગયો.  માં બાપ વગરના છોકરા મોટા જલદી થઈ જાય.


     એક દિવસની વાત છે હું મારા ઘર આંગણે ઘણ લઈ કામ કરી રહ્યો હતો. બાજુના ગામના શેઠની પાંચ કટાર બનાવવાની  હતી. હું તેમાં રચ્યો પચ્યો હતો. ત્યાજ રસ્તા પરથી એક વટે માર્ગુ ઘોડા પર બેસી પસાર થઈ રહ્યો હતો. તેની નજર મારા ઉપર પડી અને તે ત્યાં થંભી ગયો. ઘણી વાર સુધી એણે મને અગ્નિમાં તપાવી ઘણથી ઘાટ અપાતી કટાર બનાવતા જોયા કર્યું. પછી ઘોડા ઉપરથી નીચે ઉતરી એ મારી નજીક આવ્યો. છ હાથ ઊંચો યુવાન, વાંકડી ઘટ કાળી મૂછો એના ચહેરાને છાજી રહી હતી, જરિયેલ કપડાં પહેર્યા હતા, પગમાં અવાજ કરતી ભરત ભરેલી મોજડી અને કમર બંધમાં ચાંદીની મ્યાનમાં મુકેલી કટાર ખોસી હતી. કોઈ રાજવી પરિવારનો હોય એવો ઠસ્સો હતો એનો. એ મારી નજીક આવ્યો. હજુય એની ચિત્તા જેવી આંખો બસ આગમાં તપતી કટાર સામે જ હતી. એણે નજર મારી તરફ કરી અને મારું નામ પૂછ્યું. શું નામ છે યુવાન તારું. અને મે પણ ઘણ રોકી ભોળો જવાબ આપ્યો.


     તું આ કટાર મને વેચીસ? એણે સવાલ કર્યો. અને મે જવાબ આપ્યો ના આ બાજુના ગામના શેઠે બનાવવા આપી છે. એણે ફરી કહ્ય શું કિંમત છે આની, હું શેઠ કરતા ત્રણ ગણા  પૈસા આપીશ. સવાલ પૈસાનો નથી આપેલી જુબાન અને ભરોસાનો છે, સમયનો છે. મારે એમણે આપેલા સમય પર એમને એમની વસ્તું આપવાની છે માફ કરજો. મારો જવાબ સાંભળી એ ખુસ થઈ ગયો અને બોલ્યો વાહ ઉપરવાળાએ તને ખૂબીની સાથે વ્યવસાયની વફાદારી પણ આપી છે. એટલા માં મારા મામા પણ આવ્યા. એણે મામા સામે જોતા પૂછ્યું આપનો છોકરો છે? મામા એ કહ્યું હા. તમારા છોકરાના હાથમાં ભગવાને બહુ બરકત અને તાકાત આપી છે આ હાથ આવા નાના નાના કામ કરવા નથી બન્યા , આ ફોલાદિ હાથ તો મહારાજાઓ ની સમશિર બનાવવા માટે બન્યા છે. 


     હું અને મામા બંને એની વાત આશ્ચર્ય થી સાંભળી રહ્યા હતા. એણે સીધું મામાને કહ્યું તમારો છોકરો તમે મને આપો બદલામાં જેટલું ધન જોઈએ એટલું હું તમને આપીશ. બોલો તમને ગણતરી આવડતી હોય એટલી સોના મહોર હું તમને આ છોકરાના બદલામાં આપીશ. બસ આને હું મારી સાથે લઈ જવા માંગુ છું. મારી અને મામાની આંખો ફાટી ગઈ એની વાત સાંભળતા ની સાથે. તમે કોણ છો મામા એ પુછ્યું.


ક્રમશઃ

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Manisha Chotaliya

Manisha Chotaliya 12 માસ પહેલા

Jeet Gajjar

Jeet Gajjar માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Mohit

Mohit 1 વર્ષ પહેલા

Vishwa

Vishwa 1 વર્ષ પહેલા