રુદ્રની રુહી... - ભાગ -22 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ -22

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -22

રુદ્ર અને અભિષેક રુહીની સામે જોઇ રહ્યા  હતા.

"ખુબ જ અઘરું છે મારા માટે પણ હું કરીશ.મારા પ્રમાણે તમારે તમારા ડેલિગેટ્સને અત્યારે જ બધી સાચી વાત કહી દેવી જોઇએ.પછી કદાચ બહુ જ મોડું થઇ જશે.

હું હમણાં આવું મારો સામાન લઇને."રુહી આટલું કહીને તેના રૂમમાં જતી રહી.તેણે તેનો બધો જ સામાન ત્યાં પડેલ એક બેગમાં ભર્યો.રુદ્ર પણ તેના રૂમમાં ગયો.તેણે પોતાના કબાટમાં એક બાજુની સાઇડ ખાલી કરી રુહીના કપડાં અને સામાન મુકવા.

તે ફ્રેશ થઇને પલંગ પર બેસીને બુક વાંચી રહ્યો  હતો તેટલાંમાં રુહી આવી.તેમની નજર મળી એક ક્ષણ માટે સમય જાણે થંભી ગયો.

આછા સફેદ આખી બાયના કુરતામાં રુદ્રનુ કસરતી શરીર સ્પષ્ટ દેખાતું હતું.નીચે ડાર્ક વ્હાઇટ લેંધો અને રૂપાળા ચહેરા પર કાળી મરોડદાર ટ્રીમ કરેલી મુંછો જાણે તેના ચહેરા પર નજરના લાગે તેના કાળા ટપકા સમાન હતી.તેણે રુહીને હળવું સ્માઇલ આપ્યું.

" રુહી,આ કબાટમાં એક બાજુએ તમારા સામાન માટે ખાનું ખાલી કર્યું છે."રુદ્રએ કહ્યું.

"અરે,તમે તો જાણે હું હંમેશાં માટે આ રૂમમાં આવી હોઉ તેમ ગોઠવણ કરી છે."રુહી હસીને બોલી.

"હા તો રહી જાઓ તો ખુબ સારું."રુદ્ર બોલતા તો બોલી ગયો પણ તેને પછી ભાન થતાં  તે પોતાની નજર ફેરવી લીધી.રુહી પણ કપડાં ગોઠવવા લાગી.
"રુહી,તમે અહીં બેડ પર સુઇ જજો હું  ત્યા બારી પાસે કાઉચ પર સુઇ જઇશ."રુદ્રએ કહ્યું.

"ના ,હું અહીંયા કાઉચ પર સુઇ જઇશ.મને ઘણીવાર રાત્રે ઊંઘ નથી આવતી અને તો તેવા સમયે અહીં બારીની બહાર સુંદર દ્રશ્ય  જોવું મને ગમશે."રુહીએ કહ્યું.

"સારું પણ તમને તબિયત ના કારણે ત્યાં અસુવિધા થાય તો મને કહી દેજો."રુદ્રએ કહ્યું.

"સારું રુદ્ર હું જાઉ રસોડામાં? મારે મહેમાનો માટે સ્પેશિયલ ડિનર તૈયાર કરવાનું છે."આટલું કહીને રુહી રસોડામાં જતી રહી અને રુદ્ર તેને જોતો રહી ગયો.

*        *          *

અહીં આરુહના રૂમમાં આરુહ અને મોન્ટુ સામસામે બેસેલા છે.
"એય ક્યુટી,નાસ્તો ક્યાં છે જે તારી મમ્મીએ તારા માટે બનાવીને આપ્યો હશે?ચલ જલ્દી તે આપ મને?" મોન્ટુ બોલ્યો.

"લો આ લઇલો આ બિસ્કીટ્સ અને રેડિમેડ નાસ્તો બધો લઇ લો.મમ્મી નથી.આ લેપટોપ,બ્રાન્ડેડ સાબુ અને શેમ્પૂ પણ લઇલો.બસ આ મોબાઇલના લેતા તેમા મારી મમ્મીનો ફોન આવવાનો છે."આરુહ રડમસ થઇને બોલ્યો.

"એક બાજુ કહે છે મમ્મી નથી અને બીજી બાજુ કહે છે મમ્મીનો ફોન આવવાનો છે.વાત શું છે ભાઇ? તું મને મુર્ખ તો નથી બનાવી રહ્યો ને?તારી મમ્મી નથી કે છે ? "મોન્ટુ બોલ્યો.

"મમ્મી હોત તો અહીં ના હોત."આટલું બોલતા તે રડી પડ્યો.
"બસ બસ રડીશ નહીં.હું જાઉં છું.ખબર નહીં કેમ આજે લાઇફમાં ફર્સ્ટ ટાઇમ કોઇની પર દયા આવી છે આ મોન્ટુને.એય ક્યુટી કોઇ મદદ જોઇએ તો કહેજે મને."મોન્ટુ આટલું બોલી તેના ગાલ ખેંચીને તેને વહાલ કરી જતો રહ્યો અંશુ આ બધું જોતો રહી ગયો.

આરુહ ક્યારનો રુહીના ફોનની રાહ જોઇ રહ્યો હતો.રડી રડીને તેની આંખો અને નાક લાલ થઇ ગયા હતા.

"મમ્મીએ મને ફોન કેમ ના કર્યો?શું તે મારી સાથે બાત કરવા નથી માંગતી?કે પેલા અંકલે કહ્યું નહી મમ્મીને?તે પણ રુચિ આંટી જેવા હશે? હું ફોન લગાડું ફરીથી?ના ના હું રાહ જોઇશ."આરુહ મનોમન બોલ્યો.

અહીં રુહીના ગયા પછી રુદ્રએ પોતાનો ફોન હાથમાં લીધો અને તેને તરત જ આરુહના ફોન વિશે યાદ આવ્યું.તે ભાગીને રસોડામાં ગયો.

રુહી ડિનરની તૈયારી કરી રહી હતી અને હરિરામકાકા તેને મદદ કરી રહ્યા  હતાં.

"રુહી,પ્લીઝ પાંચ મિનિટ મારી સાથે આવોને મારે એક અગત્યની વાત કરવી છે."રુદ્રએ ઉતાવળ કરતા કહ્યું.

"રુદ્ર,તમે જુઓ છોને કેટલું બધું કામ છે.હજી તો ઘણુંબધું બનાવવાનું છે.આપણે પછી વાત કરીએ."રુહી રસોઇ કરતા બોલી.

"ના ના,આ વાત બીજી કોઇપણ વાત કરતા વધારે મહત્વની છે."રુદ્રએ આગ્રહ કરતા કહ્યું.

"રુદ્ર,બસ એક કલાકમાં રસોઇ અને બધાનું જમવાનું પતી જશે.પછી આપણે શાંતિથી વાત કરીશું ને.અત્યારે જાઓ અહીંથી મને કામ કરવા દો."રુહીએ રુદ્રને રસોડાની બહાર કાઢતા કહ્યું.
"સારું ડિનર પત્યા પછી મારી પાસે તમારી માટે એક મસ્ત સરપ્રાઇઝ છે."રુદ્રએ રુહીની અને આરુહની વિડીયો કોલથી વાત કરવવાનું નક્કી કર્યું.

થોડીક જ વારમાં બધાં જમવા માટે આવી ગયાં.બધાં  ડાઇનીંગ ટેબલ પર ગોઠવાયા.રુહી અને હરિરામકાકા બધાને પિરસવા માટે રોકાયા.રુહીએ મહેમાનોની પસંદ વિશે જાણીને તેમને ફાવે તેવું કાઠિયાવાડી જમવાનું બનાવ્યું હતું.

જમવામાં લીલા કાંદાવાળી કઢી,વધારેલી લસણીયા ખીચડી,લસણીયા ભરેલા બટેકા અને ભરેલી ડુંગળીનું શાક અને જુવાર બાજરીના રોટલા.જેની સુગંધ પુરા ઘરમાં ફેલાઇ ગઇ હતી.હરીશભાઇ(હેરી) અને સુનિતાબેન (સેન્ડી)આશ્ચર્યચકિત થઇ ગયાં.

"હેય રુહી,આ બધું તે બનાવ્યું?"સુનિતાબેન બોલ્યા.

રુહીએ માથું હકારમાં હલાવતા બધાને પિરસવાનું શરૂ કર્યું.રુહીએ કાકાસાહેબ અને કાકીમાઁને પણ ખુબ પ્રેમથી જમવાનું પિરસ્યું.તેણે શોર્યને પોતાની મોટી મોટી આંખોથી ડરાવવાની કોશીશ પણ કરી જેના કારણે તે શાંત બેસેલો હતો.રુહી કાકાસાહેબ પાસે જઇને ધીમેથી બોલી.

"કાકાજી,આશા રાખું છું કે મારા હાથનું જમવાનુ તમને ભાવશે અને હા ભાવેને તો એક રોટલો વધારે ખાજો.તમે અહીં જ્યાંસુધી છોને બની શકે તો પ્રેમથી વેરઝેર  ભુલાવીને રહેજો.લો કાકીમાઁ તમે પણ લો."
રુહીનો પ્રેમ અને નમ્રતા જોઇને કાકાસાહેબ અને કાકીમાઁ જે સામાન્ય રીતે ખુબ ઓછું બોલતા હતા તે પ્રભાવિત થઇ ગયાં.

બધાએ જમવાનું શરૂ કર્યું અને બધાંના મોંમાથી એક જ ઉદગાર નિકળ્યો.'વાહ.'

રુદ્રએ રુહીને પણ જમવા માટે પોતાની બાજુમાં બેસાડી.કાકા થાળી લેવા જતા હતા તેના માટે.તેણે ના પાડી.

"ના કાકા રહેવા દો હું અને રુદ્ર એક જ થાળીમાં જમી લઇશું."રુહીની વાતથી હેરી અને સેન્ડી ખુબ જ પ્રતિભાવ થયા.
રુદ્ર અને રુહીએ પણ જમવાનું શરૂ કર્યું,જમતાં જમતાં એકબીજાના હાથનો સ્પર્શ તેમને એકબીજાની સામે જોવા પર મજબૂર કરી દેતો હતો.તેમને જ જોઇ રહેલી સેન્ડી બોલી.
"હેરી,આ રુદ્ર અને રુહીથી તો મને પ્રેમ થઇ ગયો મે આટલું ક્યુટ,બ્યુટીફુલ અને અન્ડરસ્ટેંડીંગ કપલ નથી જોયું."

"હા સેન્ડી પણ મને તો આ રુહીના હાથની રસોઇ અને ખાસ તો તેમા પડેલા મસાલા સાથે પ્રેમ થઇ ગયો છે.કાશ કે આવા મસાલા આપણને ત્યાં મળતા.તો આપણે પણ રોજ આવું ટેસ્ટી ફુડ ખાતા અને ખવડાવતા."હેરી રુહીની રસોઇથી પ્રભાવિત થતાં બોલ્યો.

"હા તો તમે જતા હશોને તો હું આ મસાલા જે મે મારા હાથેથી બનાવ્યા છે તે તમને ભરી આપીશ.આ મસાલામાં પડેલા તેજાના અને મરી-મસાલા રુદ્રની ઓર્ગેનિક ખેતીની જ પ્રોડક્ટ છે."રુહી બોલી.

"હા તો અમને જ કેમ વધારે બનાવી આપો અમે અમારી રેસ્ટોરન્ટમાં યુઝ કરીશું અને સુપર માર્કેટમાં તેને સેલ કરીશું.તો આપણા ભારતીય ભાઇ બહેનોને  કેટલો ફાયદો થશે."હેરી બોલ્યો.

"વાહ,રુહી આ તો તમારા માટે બિઝનેસ ડીલ છે.રુહીના બનાવેલા મસાલા અને નાસ્તા આપણે ત્યાં એક્સપોર્ટ કરીશું."અભિષેકે કહ્યું.


"હા સાચી વાત છે."હેરીની આ વાત પર બધાં હસ્ય‍ાં.

"રુદ્ર મારી સેક્રેટરી કાલે સાંજની ફ્લાઇટમાં આવશે.એક્ચ્યુલી તેને થોડા ફેમેલી પ્રોબ્લેમ હતાં નહીંતર તે અમારી સાથે જ આવતી તો તારે તેના માટે એક રૂમની વ્યવસ્થા કરવી પડશે."હેરીએ કહ્યું.

"હા હા કોઇ વાંધો નહીં."રુદ્ર

રુદ્ર અને રુહીના આટલા બધાં વખાણ શોર્યથી સહનના થયાં.તેનું અહીં આવવાનું કારણ ઊંધુ થઇ ગયુ.બાઉલ લેતા તેણે ફરીથી રુહીને અડવાની કોશીશ કરી
રુહી ખુબ જ ધુંધવાઇ ગઇ.તેણે શોર્યને પાઠ ભણાવવાનો રસ્તો વિચારી લીધો.તે બધું કામ પતાવીને તેના રૂમમાં ગઇ.રુદ્ર પલંગ પર બેસીને કોઇની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો  હતો.રુહીને જોતા જ તે ઊભો થઇ ગયો.
"રુહી,મે તમને કહ્યું  હતું  ને કે તમારા માટે એક સરપ્રાઇઝ છે તો અહીં આવોને બેસો મારી પાસે."રુદ્રએ ઉત્સાહ સાથે કહ્યું.

રુહી તેની બાજુમાં આવીને બેસી રુદ્રએ તેને ફોન આપ્યો સામે વીડિયોકોલમાં આરુહ હતો.

"આરુહ."રુહી ભાવુક થતાં બોલી.

"મમ્મી મમ્મી..."આરુહ રુહીને જોતાવેત જ રડવા લાગ્યો.

જાણો માઁ-દિકરાનો ભાવુક સંવાદ આવતા ભાગમાં અને  જાણો કેવીરીતે રુહી શોર્યને પાઠ ભણાવશે.

રેટ કરો અને રિવ્યુ આપો

Gadhvi Aaspar

Gadhvi Aaspar 1 માસ પહેલા

Sejal Shekhat

Sejal Shekhat 7 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા