કાકડો અનુ-આધુનિક વાર્તાનો નવોન્મેષ Surya Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાકડો અનુ-આધુનિક વાર્તાનો નવોન્મેષ

'કાકડો' અનુ-આધુનિક વાર્તાનો નવોન્મેષ

ગુજરાતી ટૂંકીવાર્તા આજે અનુઆધુનિક યુગ માંથી પસાર થઇ રહી છે જેમાં અનેક નવી કલમો ઉમેરાતી જાય છે તેમાં સર્જક ભરત સોલંકીનો પણ સમાવેશ નિ:સંકોચ કરી શકાય તેમ છે.

ભરત સોલંકી ગુજરાતી સાહિત્યમાં કવિ, વિવેચક, સંશોધન,સંપાદક અને વાર્તાકાર તરીકે નોંધપાત્ર નામ ધરાવે છે. તેમની પાસેથી પ્રથમ વાર્તાસંગ્રહ 'રૂપાંતર' (૨૦૧૩) અને પછી બીજો યશસ્વી વાર્તાસંગ્રહ 'કાકડો' (૨૦૧૭) પ્રાપ્ત થાય છે.

'કાકડો'માં કુલ ૧૪ વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે જેમાં 'રૂપાંતર', 'બાધા', 'બદલો', 'ફણગો', 'આવાગમન' અને 'ભરડો' વગેરે બીજા ભિન્ન ભિન્ન વિષય વસ્તુને વ્યક્ત કરતી વાર્તાઓ છે. અહીં તેમની હૃદયસ્પર્શી અને કોમવાદના દાવાનળને સળગાવતો પ્રાયશ્ચિત રૂપે એકાત્મકતા સાધતી વાર્તા 'કાકડો'ને આસ્વાદવાનો મારો ઉપક્રમ છે.

વાર્તાના વિષયવસ્તુના આરંભે વાર્તાનાયક જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે 'ગણપતિ બાપા મોરિયા' ગણગણતો સલમાન આવે છે જે વાર્તાનાયક ને આશ્વાસન આપે છે કે તમને સારું થઈ જશે આવું કહીને ચાલ્યો જાય છે ત્યારબાદ વાર્તાનાયક આંખો મીંચી સુવાનો પ્રયત્ન કરે છે ત્યારે સલમાનના સ્મરણો વાગોળતા વાગોળતા એ દસેક વર્ષ પાછળ સુલેમાન સુધી પહોંચી જાય છે અહીં વાર્તાનાયક વાર્તાને ફ્લેશબેક તરફ લઈ જાય છે . વાર્તાનાયકને સુલેમાન યાદ આવે છે જે અમદાવાદમાં પોતાની ટુકડી સાથે નીકળે છે અને નાયકના ઘરે કાકડો સળગાવીને ફ્લેટની ગેલેરીમાં ફેકે છે જે જીવતેજીવ લેવા તત્પર બન્યો હતો તેજ વખતે ત્યાં પોલીસ આવે છે અને સુલેમાન પકડાઈ જાય છે આગ બુઝાઈ જાય છે પરંતુ નાયકના મનમાં એ આગ હંમેશા માટે વિસ્તરતી રહે છે .જ્યારે વાર્તાનાયકને ગ્લુકોઝનો બાટલો પૂરો થાય છે ત્યારે સલમાન આવે છે અને ધીમેથી સોય ખેચતા બોલે છે તમને દુઃખ્યુંતો નથી ને ? આજે સાહેબ તમને રજા આપશે આ શબ્દો સાંભળીને નાયકની સામે સલમાન અને સુલેમાનના ચિત્રો ખડા થાય છે, બંનેની એકજ જાત છતાં આટલો તફાવત!

વાર્તાના અંત તરફ જતા નાયક જ્યારે શિક્ષકની નોકરી પર હાજર થાય છે ત્યાં તેને સિપાઈ હાજીમિયાં મળે છે બોલે છે "સર! આમ તો હું મુસલમાન, પણ રોજા કદી રાખ્યા નથી, રાખી શકતો પણ નથી,પણ તમારી બીમારીના સમાચાર સાંભળી આ વખતે રમઝાનમાં મૈં રોજા રાખવાની મન્નત તમારા માટે માની છે,ખુદા તમને.."(પૃષ્ટ ૧૪). નાયકની બીમારી જાણીને નાયક પ્રત્યે પરોપકારી ભાવથી સિપાઈ હાજીમીયાં રોજા રાખવાની મન્નત માને છે અને મન્નત પૂરી કરવા માટે પોતે છેલ્લે બીમાર પડે છે નાયકને થાય છે કે મને બચાવમાં પોતે ક્યાંક... પરંતુ સૂર્યાસ્ત સમય જ્યારે મસ્જિદમાંથી અવાજ સંભળાય છે કે 'ઈફ્તાર કરને કા વક્ત હો ગયા હૈ' ત્યારે રોજા ખોલે છે અને દરેકની આંખોમાંથી આંસુ સરી પડે છે જ્યારે સિપાઈ હાજીમિયાના આસુ જાણે કાયમ માટે ઠારી રહ્યા હતા વર્ષો પહેલા સળગાવેલા સલમાનના વેરના કાકડાને.

પાત્રનિરૂપણ તરફ નજર કરતા વાર્તાકારે પ્રથમ પુરુષ એકવચનમાં વાર્તા આલેખી છે જેમાં સલમાન દયા-ભાવિ તથા સમાન ધર્મમાં માનનાર બતાવ્યો છે. વાર્તાનો ખલનાયક સુલેમાન કોમવાદી છે. સિપાઈ હાજીમિયા એ પરોપકારી બતાવ્યો છે.આ ઉપરાંત રહીમખાન, કરીમખાન એ ગૌણ પાત્રો છે.

કોઈપણ કૃતિમાં રસ અનિવાર્ય છે, વાર્તામાં મુખ્ય રસ કરુણરસ નીરુપાયો છે ગૌણમાં વીરરસ અને શાંતરસ. વાર્તાની શરૂઆત જ કરૂણ રસ થી થાય છે વાર્તાનાયકને ગ્લુકોઝનો બાટલો ચડતો હોય છે, છેલ્લા પંદર દિવસથી અશકિતને તાવનો સામનો કરતા છેવટે બ્લડરિપોર્ટમાં 'હીપેટાઇસ-બી' રોગ નું નિદાન થયું હતું આ રોગે નાયકની શક્તિ તથા પિતાશયને લગભગ ખતમ કર્યું હતું જેથી વાર્તાનાયકનું બચવું મુશ્કેલ હતું જે કરુણદાયક છે. વાર્તામાં વીરરસ સુલેમાન થકી જોવા મળે છે, જે કોમવાદ ના લીધે કરફયુમાં જોડાયો હતો અને બોલતો હતો 'મારો...મારો....' કાપો...કાપો... સાલે કાફર...' , `પહેલે ઇસકો, ફિર ઉસકો, ફિર સબકો માર ડાલો' .તો વળી વાર્તાના મધ્યમાં ફરી કરૂણરસ જોતા: બહારથી થાળીઓ વગાડવાનો અવાજ આવવા લાગ્યોને નાયક પણ થાળીઓ વગાડવા લાગ્યા જે એકબીજાને સાવચેત કરવા માટે વગાડતા હતા. છાતીના થડ્કારા થડ્ક થડ્ક થડ્ક થવા લાગ્યા. સૌના જીવ પડીકે બંધાયા હતા એજ વખતે ગેલેરીના ફ્લેટમાં 'ફડાક' કરતો સળગતો કાકડો પડ્યો અને બહારથી જોતા નાયકને લાગ્યું કે એ કાકડો એમને જીવતેજીવ સળગાવવા તત્પર બન્યો હતો. પછી તો આગ વધુ વિસ્તરવા લાગી તેથી સૌ મુખ્ય બારણા થી બહાર નીકળવા તૈયારી કરતા હતા એવામાં સીડીએ ધાડું ચડતો હોય એવું લાગ્યું.આમ એકબાજુ આગ ને બીજુ બાજુ ધાડું સૌ ઘરની વચ્ચોવચ ખોડાઈ ગયા. વાર્તાના અંતમાં શાંતરસ નીરૂપાયો છે જેમાં સિપાઈ હાજીમિયાને વાર્તાનાયક એમના ખોળામાં રાખીને શરબત પીવડાવીને રોજા છોડાવે છે જે ભાઇચારાના પ્રતીક થકી શાંતરસ જોવા મળે છે.

ભાષાની દ્રષ્ટિએ જોતાં વાર્તાકાર શિષ્ટ ભાષાનો ઉપયોગ કર્યો છે પરંતુ એમાં મુસ્લિમ પાત્રો થકી બોલાતી હિન્દી ભાષા આ પ્રમાણે છે: 'મારો...મારો...' 'કાપો...કાપો... સાલે કાફર...'.
'પહેલે ઈસકો, ફિર ઉસકો, ફિર સબકો માર ડાલો'. 'ઈફ્તાર કરનેકા વક્ત હો ગયા હૈ'.

વાર્તામાં રવાનુકારી શબ્દો જોઈએ તો: 'ટપ્ ટપ્ ટપ્ પડતા ગ્લુકોઝના પાણી સાથે દવા પણ મારા શરીરમાં હળવે હળવે ઉતરતી હતી'.
'બહારથી થાળીઓ વગાડવાનો ટણ...ટણ...ટણ... અવાજો આવવા લાગ્યા'.
'છાતીના થડ્કારા થડ્ક થડ્ક થડ્ક થવા લાગ્યા' . ' પગથિયેથી ધડ્ ધડ્ ધડ્ ધાડું ચડતું હોય તેવું લાગ્યું'.

નવલિકાનું ફલક સંકુલ હોય છે છતાં વાર્તાકારે અહીં વર્ણનોને કલાત્મક રીતે ગૂંથ્યા છે, જ્યારે વાર્તાનાયક હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારનું વર્ણન: "ટપ્ ટપ્ ટપ્ પડતા ગ્લુકોઝના પાણી સાથે દવા પણ મારા શરીરમાં હળવે હળવે ઉતરતી હતી. મારી આંખો હોસ્પિટલના ખૂણે-ખૂણાને ઝીણી નજરે નિહાળતી હતી. કાનમાં બહારથી આવતા અવાજ 'ગણપતિ બાપા મોરિયા' સંભળાતા હતા. મારું ધ્યાન કેલેન્ડર તરફ ગયું. આજે ગણેશચતુર્થી હતી"(પૃષ્ટ-૯)

વાર્તાનાયક કરફ્યુમાં ઢીલ નો સમય વધતાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા નીકળે છે અને લોકો પાસેથી ભાતભાતની બિહામણી વાતો સાંભળીને પાછા ફરે છે રાત્રે જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા ત્યારની રાત્રી નું વર્ણન: "ધીમે ધીમે મનુષ્યના બિહામણા ચહેરાથી મોં ફેરવી સૂર્ય ઢળી ગયો, ચારે બાજુ અંધકારની કાલીમા ફરી વળી. ઘરમાં રસોઈ થઈ પણ કોઈને ખાવાની ઈચ્છા ન થઈ. છતાં પેટના સંતોષ ખાતર જેમતેમ જમી ઘરના બારણાને ગેલેરીના બારી-બારણા બંધ કરવા લાગ્યા. તાળા માર્યાને તિજોરી, સિલાઈ મશીન વગેરે જેવી ભારે વસ્તુઓ બારણા આડી મુકી 'હવે જીવી જવાશે' એવો સંતોષ લઈ સુવાના પ્રયત્ન કરવા લાગ્યા"(પૃષ્ટ-૧૨)

મનુષ્યનું જીવનએ સંઘર્ષોથી મારો ભાર ભરેલું હોય છે એટલે તો કહેવાયું છે કે:'No conflict,No drama'જીવનમાં ક્યાંક ને ક્યાંક તો એવા ભયંકર સંકટોનો સામનો કરવાનું આવતું હોય છે અહીં પણ નાયકના જીવનનું સંઘર્ષ બે પ્રકારે નોંધી શકાય પ્રથમ બીમારીમાં મૃત્યુ છૈયાએ પડેલો નાયક વિચારે છે કે હું બચી શકીશ કે નહીં જે લોકો સાથેનો સંઘર્ષ છે. દ્વિતીય સંઘર્ષમાં નાયકનું સંઘર્ષ સુલેમાને ફેંકેલા કાકડા પ્રત્યે છે જેમાં તોફાનો અને આગથી બચવું મુશ્કેલ હતું જે વ્યક્તિ વ્યક્તિ સાથેનો સંઘર્ષ જોવા મળે છે આમ અહી સંઘર્ષ તીવ્ર માત્રામાં નીરૂપ્યો છે.

આ વાર્તાનું કથન કેન્દ્ર એ બહુ જ ઊધ્વૅગામી અને નૂતન છે, દેખીતિરૂપે કોમવાદ અને ભડકાવનારી વાર્તા લાગે છે પરંતુ અંત તરફ જતા કોમીખલાશ તથા ભાઈચારા નો બોધ આપતી વાર્તા બને છે.

આમ સમગ્રતયા જોતાં ગુજરાતી ટૂંકીવાર્તામાં આ પ્રકારનું વિષયવસ્તુ ધરાવતી વાર્તા ભાગ્યેજ જોવા મળે છે .આ વાર્તા અનું-આધુનિક સમયમાં વિષયવસ્તુ તથા અભિવ્યક્તિની દ્રષ્ટિએ નૂતન છે તથા કોમવાદથી કોમી એખલાસની વાર્તા બને છે તે આ વાર્તાનું નોધપાત્ર પાસુ છે .
( કાકડો- ભરત સોલંકી, પ્રણવ પ્રકાશન, પ્રથમ આવૃતિ- ૨૦૧૭, મૂલ્ય -૧૦૦)

(Kcg journal (multi,issn) , issue 33, dec-jan 2020માં પ્રકાશિત ).

તુરી સુરેશકુમાર માંગીલાલ
અનુસ્નાતક, ગુજરાતી વિભાગ
શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ,પાટણ
Email : suryabarot8@gmail.com
મો. ૯૬૬૨૩૪૧૯૮૩