હમણાં ફેસબુક ઉપર એક ગ્રૂપમાં જોડાવાની સતત રિક્વેસ્ટ આવતી હતી. મેં રિક્વેસ્ટ સ્વીકારી નહીં એટલે એડમિને ઈનબોક્સ મેસેજ કર્યો કે, બીજા ઘણા લેખકો અને પત્રકારો આ ગ્રૂપમાં છે તો પછી તમને જોડવામાં વાંધો શું છે. મેં કહ્યું મને બીજાથી કોઈ વાંધો નથી પણ મારા પોતાનાથી વાંધો છે. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ મારા પૂરતો અને પ્રમાણસર કરું છું. લોકો સાથે જોડવાનું મને પસંદ છે પણ મને સોશિયલ મીડિયાની ઘેલછા નથી.
સોશિયલ મીડિયાની ઘેલછા અત્યારનો લાઈફસ્ટાઈલ ડિસિઝ છે. બ્લડ પ્રેશર, ડાયાબિટિસ, એન્ક્ઝાઈટી, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન બાદ હવે વોટ્સેપાઈટિસ, ફેસબુકાઈટીસ, ઈન્સ્ટાઈટિસ જેવા રોગનું પ્રમાણ વધી રહ્યું છે. વધુને વધુ સ્માર્ટ ફોન આવતા ગયા અને માણસો ધીમે ધીમે ડફોળ થવા લાગ્યા. કોઈને પૂછો કે તમારા પરિવારના પાંચ જણના ફોન નંબર જણાવો... સાહેબ નહીં જ આવડતા હોય. તેમાંય ડ્યૂઅલ સીમ, ફોર જી અને થ્રીજી અને જાતજાતનું આવતું ગયું. નંબર પણ ડેન્જરસ રીતે સેવ થતા હોય છે, જેમ કે, સાસુમા જીઓ, સસરા-2, મમ્મી ઓલ્ડ, વાઈફ ન્યૂ,. આવા ભયાનક વાતાવરણમાં લોકો માંદા ન પડે તો શું થાય.
અમેરિકામાં છેલ્લાં કેટલાક સમયથી એક ક્લિનિક કામ કરે છે જે લોકોને સોશિયલ મીડિયાની અસરથી મુક્ત કરાવે છે. અમેરિકી યુવાનોમાં આઈફોન અને સોશિયલ મીડિયાની જબરદસ્ત ઘેલછા છે. સામાન્ય રીતે અમેરિકામાં એક આઈફોન 65 થી 70 હજારની આસપાસ મળી જાય છે પણ તેની આદત છોડાવવા માટે 25 થી 30 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. હાલમાં અમેરિકાના મોટાભાગના શહેરોમાં આવા ક્લિનિક ખુલવા લાગ્યા છે. ખાસ કરીને ગૂગુલ, ફેસબુક, વોટ્સએપ, સ્નેપચેટ, જેવી ઘણી કંપનીઓની ઓફિસની બાજુમાં આવા ક્લિનિક આવી ગયા છે. 45 દિવસ સુધી આ ક્લિનિકમાં રહીને ટ્રીટમેન્ટ કરાવવી પડે છે કારણ કે લોકોને આદત જ એવી પડી ગઈ છે. અમેરિકી યુવાનો સરેરાશ 20 કલાક સુધી ફોનનો વપરાશ કરે છે. આ સ્થિતિ હોવા છતાં અમેરિકનો તેને બિમારી નથી માનતા. ઓસ્ટ્રેલિયા, ચીન, ઈટાલી અને જાપાન જેવા દેશોમાં તેને બિમારી ગણાય છે અને સાઉથ કોરિયામાં તો સરકારી હોસ્પિટલમાં તેના માટે અલગથી સારવારની વ્યવસ્થા કરાઈ છે.
ભારતની વાત કરીએ તો દેશના ટેલેન્ટેડ યુવાનો માટેનું સૌથી મોટું સાધન જ સોશિયલ મીડિયા છે. પચ્ચીસ વર્ષ થઈ ગયા હોય, પાંચ હજાર કમાવાની ત્રેવડ ન હોય અને ભાઈ આઈફોન લઈને ફરતા હોય. પાછું ફેસબુક અને વોટ્સએપમાં સ્ટેટસ રાખ્યું હોય કે આઈ સપોર્ટ માય નેશન. આપણને એમ થાય કે, લ્યા લુખેશ... પહેલાં નોકરી શોધીને તારા બાપાને તો સપોર્ટ કર. તેમાંય આ વોટ્સએપે તો ભારે કરી છે. સાચું, ખોટું, માની શકાય કે ન માની શકાય, આડું અવળું, ઉંધું ચત્તું બધું જ આખો દિવસ સતત આવ્યા જ કરે. ઘણા લોકો તો વોટ્સએપના પેરોલ ઉપર હોય તેવી રીતે મેસેજ મોકલ્યા કરતા હોય છે.
વોટ્સએપના મેસેજ પણ અનોખા હોય છે. સવારે હરિદ્વાર અને રાત પડતા સુધીમાં હનિસિંહના ગીતો જેવો વોટ્સએપનો મિજાજ હોય છે. એટલું બધું જ્ઞાન, સમજ, વેદો, ઉપનિષદો, ગીતા અને બધું પિરસાતું હોય છે કે, આપણને એમ થાય કે લોકો પાસે ખરેખર આટલો ટાઈમ હશે. ટ્વિટર ઉપર ટ્રોલ કરવાની પરંપરા પણ અનોખી છે. સેલિબ્રિટી કંઈક કરે, સંસદમાં કંઈ થાય, દેશ-વિદેશમાં કોઈ ઘટના બને એટલે ટ્રેન્ડ થવા લાગે છે. લોકો જાતભાતની કોમેન્ટ કરે છે. ઘણી વખત લોકો સાચા હોય છે પણ... પણ કહેવાનો મતલબ એટલો જ છે કે ક્યાં સુધી આવું અનપ્રોડક્ટિવ કામ કરતા રહશું.
વોટ્સએપનું ગ્રૂપ બનાવવાનું, પાછું તેમાંથી પેટાગ્રૂપ બને, તેમાંથી પાછા બીજા ગ્રૂપ બને ક્યાંય સુધી લશ્કર લાંબું ખેંચાતું જ રહે. આપણે પાછા બધા ગ્રૂપમાં જવાબ તો આપવાનો. વોટ્સએપની લત ધરાવનારા લોકોની સંખ્યા ઓછી નથી અને તેના કારણે સમાજમાં ઊભી થતી સમસ્યાઓ પણ ઓછી નથી. તાજેતરનો એક સરવે જણાવે છે કે, ભારતમાં સ્માર્ટફોન ધરાવતા લોકો સરેરાશ દોઢ મિનિટે એક વખત પોતાનો ફોન ચેક કરે છે. આ આંકડો સાચો છે કે ખોટો તે ખબર નથી પણ સ્થિતિ ખૂબ જ ગંભીર છે. હાલના સમયમાં ઘરની અંદર જાઓ તો બધા બેઠા સાથે હોય પણ વ્યસ્ત પોતપોતાના ફોનમાં હોય. પતિ અને પત્ની બેડરૂમમાં સાથે સાથે જ સુતા હોય પણ એક વોટ્સએપ ચેક કરતો હોય તો પેલી ફેસબુક અપડેટ જોતી હોય. બાળકો આઈપેડ કે ટેબલેટમાં વ્યસ્ત હોય.
આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ તે જ સમજાતું નથી. એક તરફ દુનિયા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શોધવાની વાતો કરે છે અને બીજી તરફ આપણે ઈન્ટેલિજન્સ ગુમાવીને સ્માર્ટ ફોનમાં પડ્યાપાથર્યા રહીએ છીએ. સ્માર્ટફોન ઉપયોગી ઘણો છે પણ આપણે તેનો દૂરુપયોગ વધારી દીધો છે. માહિતીનું આદાન-પ્રદાન થયા ત્યાં સુધી બરાબર છે પણ સતત તેમાં જ ઘુસેલા રહેવું તે ક્યાંની ચતુરાઈ છે. આપણી ઘેલછાના કારણે જ ફેટબુક, વોટ્સએપ, ઈન્સ્ટગ્રામ જેવી કંપનીઓ અબજો રૂપિયા કમાય છે. આપણને શું મળે છે, જાતભાતના વીડિયો અને મેસેજ ફરતા કરવાનો આનંદ. આપણે ત્યાં કહેવત છે કે પઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. આ કહેવાત સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા આવ્યા પછી વધારે સાર્થક લાગે છે.