#KNOWN - 34 Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

#KNOWN - 34

ડિસ્પ્લે પર અનન્યાનું નામ વાંચીને આદિત્ય ખૂબજ ખુશ થઇ ગયો.

"હેલો અનન્યા??"
આદિત્યએ ફોન સ્પીકર પર રાખ્યો.

"હા આદિત્ય હું. હમણાં તારી મોમ મારી અંદર નથી."

માધવીએ તરત ફોન આદિત્યનાં હાથમાંથી લઇ લીધો.

"પાસવર્ડ બોલ અનુ." માધવીએ કહ્યું.

"હમ રહે યા ના રહે કલ, કલ....."

"કલ યાદ આયેંગે યે પલ." માધવી આંખોમાં આંસુ સાથે આગળની લાઈન બોલી.

"બોલ અનુ, તું ક્યા છું અત્યારે??" માધવીએ આંસુ લૂછતાં પૂછ્યું.

"હું હમણાં તો અમદાવાદ છું. મારા જુના ઘરે. અહીંયા હું કેમની આવી એ મને કંઈજ યાદ નથી. મારો ફોન કાલે અહીંયા પડી ગયો હતો તો હાથમાં આવ્યો." અનન્યાએ કહ્યું.

"અનુ તું ગમે તેમ કરીને કાલીઘાટ આવી જા. અહીંયા તું સુરક્ષિત રહી શકીશ."

"હું અહીંયા કેદ થઇ ગઈ છું માધવી. એમ પણ હવે શીલાને અગાઉથી જ મારી દરેક ચાલ સમજાવવા લાગી છે. તારે હવે એક ખાસ કામ કરવાનું છે."

"શું?? બોલ, હું તને બચાવવાં કાંઈ પણ કરીશ." માધવી ડૂમો દબાવતા બોલી.

"હા અનન્યા, તું ચિંતા ના કર. અમે તને બચાવી લઈશું. તું માત્ર કહે અમારે કરવાનું છે શું??" આદિત્ય પણ ઢીલા સ્વરે બોલ્યો.

"થેન્ક્સ આદિ. તને દિલથી પ્રેમ કર્યો હતો મેં એની સામે તારો પણ મારા માટેનો પ્રેમ જોઈને ખુશી થઇ મને. હવે સાંભળો મારી વાત. આવતીકાલે કાલીચોથ આવે છે. ત્યારે જ શીલા અને ચાંદની બંને કાંઈક એવું કરવાની ફિરાકમાં છે કે લોકો ભગવાનનું અસ્તિત્વ ભૂલીને માત્ર ભૂત પ્રેતને જ સત્ય માનશે. તમારે એ વિધિ નથી થવા દેવાની. શીલાને તો હું મારી નાખીશ પણ ચાંદનીને ફક્ત એકજ વ્યક્તિ મારી શકશે. એ છે અઘોરી ત્રિલોકનાથ."

અનન્યાની વાત સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા.

"પણ અનુ એ તો.. -" માધવી બોલી.

"હા જાણું છું એ મૃત્યુ પામ્યા છે. પણ એક રસ્તો છે. તેમને માર્યા બાદ શીલાએ તેમના દેહના કટકાઓ અલગ અલગ સ્થાને દાટી દીધા હતા. તમારે એ ગમે તેમ કરીને શોધીને એમને પુનઃ સજીવન કરવાના છે. શીલાએ કાલીમાંની માળાનો ખોપરીનો ટુકડો મેળવી લીધો છે. જેનો ઉપયોગ તે કાલે જ કરશે. એવું થશે તો અનર્થ થઇ જશે સમજી ગયા."

હજુ તો આદિત્ય કે માધવી કાંઈક બીજું પૂછે એ પહેલા તો સામે છેડેથી ફોન કપાઈ ગયો.

"લાગે છે કોઈક આવી ગયું હશે." માધવીએ ઉદાસભર્યા ચહેરે આદિત્યની સામું જોતા કહ્યું.

"કાંઈ નહીં આપણે હવે અનન્યાએ કીધું એમ ત્રિલોકનાથને જીવિત કરવાના છે." આદિત્યએ કહ્યું.

"અનન્યા શીલાને કેવી રીતે મારશે એ હું સમજી ગયો." પૂજારીજીએ હોઠ ફફડાવ્યા. તેમનો ધીરો અવાજ કોઈને ન સંભળાયો.

આદિત્ય અને માધવી ફરી કારમાં ગોઠવાઈ ગયા. માધવીએ આદિત્યને એ સ્મશાન તરફ જવાનો રસ્તો સૂચવ્યો. સ્મશાન પાસે પહોંચીને આદિત્ય તરત ગેટ ખોલીને અંદર પ્રવેશ્યો. માધવીએ પણ તેનું અનુસરણ કર્યું. અચાનક ભૂખ્યા પેટે ચક્કર આવતા માધવી ત્યાં જ ઢળી પડી. આદિત્યએ પાછળથી કોઈ અવાજ ના આવતા નજર ફેરવી તો તે તરત માધવી પાસે દોડ્યો.

"માધવી ઉઠ માધવી!!! શું થયું તને??"

"પા.. પા.. પાણી.. પાણી.. " માધવી માંડ આંખો ખોલીને આટલું બોલી શકી. આદિત્ય તરત દોડીને કારમાં રહેલ બોટલ ખોલી માધવીની તરસ છીપાવી.

"તને મેં કાલે કહ્યું હતું ખાવા માટે તો શું કામ ના પાડતી હતી. હવે બગડી ને તબિયત." આદિત્ય ગુસ્સો કરતા બોલ્યો.

"ના આદિત્ય.. હવે મને સારુ છે. એક પળનો પણ વિલંબ કરવો હવે પોસાય એમ નથી.' આટલું બોલીને માધવી તરત ઉભી થઇ ગઈ.

"બોલ હવે શું કરશું આગળ?? અહીંયા આવી તો ગયા પણ એ ત્રિલોકનાથના શરીરનાં અવશેષો ક્યાં દાટ્યા હશે એ શી ખબર??" આદિત્ય આજુબાજુ નજર કરતા બોલ્યો.

"આઈડિયા.. અહીંયા રહેલી આત્માઓને તો ખબર હશે ને!! એમની જોડેથી જાણી લઈએ પછી વાંધો નહીં આવે."

"અહીંયા રહેલી આત્મા આપણી શું કામ મદદ કરશે??" આદિત્ય ચિડાઈને બોલ્યો.

"એ તું જાણે કે તું કેમના એમને મનાવીશ.
મને ખબર છે કે તને આત્મા બોલાવતા આવડે છે. અનન્યાએ જ મને કહ્યું હતું." માધવી ચહેરા પર સ્માઈલ લાવતા બોલી.

"અરે યાર મેં કોઈ દિવસ નથી બોલાઈ કોઈ આત્માને... આતો જર્નાલિઝમમાં સ્ટોરી કવર માટે જાણવા મળ્યો તો એનો મંત્ર. કયારેય પણ મને મારી આસપાસ કંઈક અજુગતું ઘટતું લાગે એટલે હું એ મંત્ર બોલવા લાગું છું.."

"બસ તો અહીંયા પણ એ જ કર." માધવી આંખ મારતા બોલી.

"પાગલ છું તું.. કોઈ દુષ્ટ આત્મા આવી જશે તો અહીંયા ઉભા રહેવાના પણ ફાંફા થઇ પડશે."

"તો હવે શું કરશું?? આટલા વિશાળ સ્મશાનમાં એ અઘોરીને કેમનો શોધીશું??" માધવી ચહેરા પર ચિંતાની લકીરો ખેંચતા બોલી.

"એક કામ કરીએ. આપણે ત્રિલોકનાથની બેઠકે એક વખત તપાસી લઈએ ત્યાં કદાચ કાંઈક મળી જાય. એક અવશેષ મળશે તો બાકીના પણ મળી જશે." માધવીએ આશાભરી નજરે આદિત્ય સામું જોયું.

"હા તો ચાલ. મેં નથી જોઈ બેઠક. તું જા આગળ."

માધવી અને આદિત્ય ત્રિલોકનાથની બેઠકે આવ્યા.
આદિત્યએ ત્યાં આસપાસ નીચે નજર કરી જોઈ. આદિત્યની આંખો એક ખૂણે જઈને અટકી પડી અને તેના ચહેરા પર વિજયસૂચક સ્મિત ફરકી રહ્યું.

"અહીંયા જો."આદિત્યએ આંગળી વડે ઈશારો કરતા કહ્યું.

"મને તો કંઈજ નથી દેખાતું. તને શું દેખાઈ ગયું??" માધવી કાંઈ સમજણ ના પડતા બોલી.

"અહીંયા જો બાકીની જમીન કરતા આ ભાગ થોડો વધારે ઉપસેલો છે. એનો મતલબ કે અહીંયા પહેલા પણ ખોદવામાં આવ્યું હોય." આદિત્ય પોતાની બુદ્ધિમતા વિશે કહેતા બોલ્યો.

"હા તો ચાલ, રાહ શેની જુએ છે?? ખોદવા લાગ."

"ના તું પહેલા મુહૂર્ત તો કાઢ, પછી ખોદુ ને..હોંશિયાર!!" આટલું બોલતો આદિત્ય માધવીની સામું જોઈને મનમાં જ હસી રહ્યો હતો.

આદિત્યએ ખુબ મહેનત કરીને ખોદયું, અચાનક તેની નજરે કાંઈક આવ્યું. આદિત્યએ જોયું તો તેમાં માનવખોપરી હતી.

"માધવી મને લાગે છે આ જ હશે તે." આદિત્ય ખોપરી બહાર લાવતા બોલી ઉઠ્યો.

"હા બની શકે. તું બહાર તો કાઢ." માધવી પણ ખોપરી જોઈને ખુશ થઇ ગઈ.

આદિત્યએ એ ખોપરીને પોતાની સામે ગોઠવી. તેણે પોતાની આંખો બંધ કરીને કાંઈક મંત્રોચ્ચાર કરવા લાગ્યો.

અડધો કલાક સુધી મંત્રોચ્ચાર થતા ખોપરીમાં કાંઈક સળવળાટ થયો. માધવી પણ ઘડીક તો ધ્રુજી ઉઠી. માધવી ત્રિલોકનાથને સારી પેઠે જાણતી હતી. તેને એ જ ડર સતાવી રહ્યો હતો. માધવીએ હાથમાં રહેલ વોચ તરફ નજર નાખી તો તેમાં સાંજના 7 વાગી રહ્યા હતા. અજવાળું ધીરે ધીરે મટી રહ્યું હતું.

મંત્રોચ્ચારના લીધે ખોપરી હવામાં અધ્ધર લટકવા લાગી. આદિત્ય અને માધવી તેની સામું ટીકી ટીકીને જોઈ રહ્યા.

"શું કામ મને જગાડ્યો છે??" ત્રિલોકનાથનો ઘોઘરાભર્યો અવાજ શાંત વાતાવરણમાં પડઘા પાડતો ગુંજી ઉઠ્યો.

"અનન્યા મુસીબતમાં છે. તમારે અમારી મદદ કરવી પડશે." આદિત્ય મક્કમ સ્વરે બોલ્યો.

"એ જ અનન્યા જેના લીધે હું મરી ગયો-" ત્રિલોકનાથ ગુસ્સામાં બરાડી ઉઠ્યો.

"એ જ અનન્યા જેના લીધે તમને આજે ફરી જાગૃત કરવામાં આવ્યા છે. અનન્યાએ તમને નથી માર્યા, પણ-" માધવી પણ હિમ્મતપૂર્વક બોલી.

"હું જાણું છું. મને મારનાર અનન્યા નહોતી. કોઈ બીજું જ હતું. કોણ એ નથી જાણતો."

ત્યારબાદ માધવીએ આદિત્યની સાથે મળીને ત્રિલોકનાથને સંપૂર્ણ વાત જણાવી દીધી.

"મેં અનન્યાના શરીરને ભોગવીને બહુ ભૂલ કરી છે, પણ હું મારી તમામ તાકાત લગાવીને તેનો સાથ જરૂર આપીશ."

(ક્રમશ :)

#KNOWN વાંચીને આપે આપેલા અમૂલ્ય પ્રતિભાવો બદલ આપની આભારી છું. આ નોવેલ લખવાથી ચોક્કસ મારા લેખનમાં હું ઘણું બધું શીખી છું. મારી પ્રથમ હોરર નોવેલને આપ વાંચકોનો પણ ભરપૂર પ્રેમ પામીને હું આપ સૌની આભારી છું. #KNOWN નો આવતો ભાગ અંતિમ હશે. જેની હું આશા રાખું છું કે સર્વ વાંચકો આ ભાગની આતુરતાસહ રાહ જોશે.