મારી જીવનકથા - જવાહરલાલ નેહરુ
અનુવાદક : મહાદેવ દેસાઈ
પ્રકાશ : નવભારત પ્રકાશન મંદિર, અમદાવાદ
કિંમત: 500/-
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસંગ્રામના એક નેતાની આ આત્મકથા છે. નેહરુજીનું નામ અજાણ્યું નથી. વર્તમાન સમયમાં તો નેહરુને ગાળો આપીને કે હીન દર્શાવીને પોતાને દેશભક્ત બતાવવાનો ટ્રેન્ડ ચાલે છે. પરંતુ યાદ રાખવું ઘટે કે અન્યની લીંટી ટુંકી કરીને આપણી લીંટી મોટી હોવાનું કહેવું એ આત્મસંતુષ્ટિથી વિશેષ નથી. નેહરુજી અંગે સોશિયલ મીડિયા અને પાનના ગલ્લે અવિરત પિરસાતા જ્ઞાન કરતા જાતે જ કાગળો ખોલી નેહરુના જીવનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ધારણાઓ બાંધવા કરતા જાતે જાણકારી મેળવવી વધુ હિતાવહ છે.
આ પુસ્તકનું મૂળ નામ 'જવાહરલાલ નેહરુ - એક આત્મકથા' ન હતું. એ તો પુસ્તકના પ્રકાશકે આપેલું નામ છે. પંડિતજીએ પોતે આપેલું નામ હતું : 'જેલમાં અને જેલ બહાર'. ગુજરાતી અનુવાદ કરનાર મહાદેવ દેસાઈ કહે છે કે, "યુવાવસ્થાથી જ વૈભવમાત્રને ફગાવી રણમાં ઝૂઝનાર, અનેક આઘાતોથી માથું લોહિયાળું થયા છતાં માથું અણનમ રાખનાર, બલકે માથું હાથમાં લઈને ઝૂઝનાર યોધ્ધાના જીવનની કથા છે." આ પુસ્તકમાં નેહરુજીના જન્મથી લઈને 1934 સુધીની ઘટનાઓની વાત છે. ઘટનાઓ કરતા પણ તેમના જેલ જીવન દરમિયાન જીવનના મનોવ્યાપારનું શબ્દ રુપે છે. અહીં ઘટનાઓની કથા કરતા વૈચારીક દ્રષ્ટિકોણ વધારે રજુ કરવામાં આવ્યો છે. જે કોઈ રાજકીય ઘટના ઘટે તેમાં પંડિતજીના વિચારો રજુ થતા જોવા મળે છે.
સળંગ સમયમાં કથા ન લખાતા ઘટનાક્રમને અનુલક્ષીને કથા ચાલે છે. નેહરુની યુવાવસ્થા સુધીની ઘટનાઓનો અને અભ્યાસનો થોડો - ઘણો જ ઉલ્લેખ છે. મહત્તમ રીતે તેમના રાજકિય વિચારોનું પ્રતિબિંબ છે. વધારેતો અહેવાલ જેવું છે, કથાની અલ્પતા છે. એટલે જો કોઈ માત્ર ઘટના જાણવા વાંચે તો તેને નિરાશ થવું પડે. નેહરુજીનો પ્રકૃતિ પ્રેમ, વૈશ્વિક સાહિત્યિનું અઢળક જ્ઞાન, અગાધ વાંચન વગેરે ગુણોનો પરોક્ષ જ ખયાલ આવે છે. તેઓના સાંપ્રત વૈશ્વિક રાજકારણની ઊંડી સુજ પણ નજરે પડે છે. મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર અંગે તેમનો અભ્યાસ પણ તેમની વાતોથી જાણી શકાય છે. તેઓ મહાત્મા ગાંધીના અનન્ય સેવક હતા. તેઓ ગાંધીજી માટે કહે છે કે: - "માનવી છતાં રાગદ્વેષાદિ આવેગો તેમ જ લાગણીઓને દાબીને તેને વિશુદ્ધ બનાવી; તેને આધ્યાત્મિક સિદ્ધિને માર્ગે વાળનાર યોગી છે." આમ ગાંધીજીના અનન્ય સેવક હોવા છતા આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજીના ઘણા વિચારો સાથે પોતે સહમત નથી તેનો વિરોધ કર્યો છે. જ્યારે પણ તેઓને ગાંધીજીનો કોઈ વિચાર પ્રસ્તુત ન લાગ્યો ત્યારે ગાંધીજીના પ્રભાવમાં આવ્યાં વીના તેનો વિરોધ કર્યો છે. આ સિવાય વલ્લભભાઈ પટેલ માટે તેઓ લખે છે - "પોતાના કામમાં આગ્રહી અને સખત છતાં ગાંધીજી પ્રત્યે અંગત તેમ જ તેમના આદર્શો અને કાર્યપદ્ધતિ પ્રત્યે અત્યંત ભક્તિ ધરાવનાર વલ્લભભાઈની જોડનો બીજો વફાદાર સાથી હિંદભરમાં નહીં હોય."
તેઓના જેલ જીવન અને સ્વતંત્રતા સંગ્રામના અનેક સાથીઓ વિશેના તેમના વિચારો પણ અહીં જોવા મળે છે. તેઓની વિદેશ યાત્રા અને મુલાકાતો, તેમના પારિવારિક સંબંધો વગેરેની ચર્ચા કરી છે. ફરી એક વખત અનુવાદકના શબ્દોમાં કહું તો" સંપૂર્ણ ઈતિહાસ નથી, છતાં એ અપ્રતિમ છે." અત્રે જવાહરલાલ નેહરુના થોડા વિચારો કે જે તેમની આત્મકથામાં છે, તેમના પર એક નજર કરીએ. ઘણા વિચારો સાંપ્રતકાળમાં પણ પ્રસ્તુત છે.
* ઉત્સાહ અને આવેશની ઘડીમાં પરાક્રમો અને સાહસો કરવાં સહેલાં છે, પણ ઉત્સાહનું જોશ ઓછું થયે લડતને દિનપ્રતિદિન ચાલું રાખવી કઠણ છે.
* પોતાની યોજનાની નિષ્ફળતાને માટે ગમે તે બહાનું શોધવાની લાલચ માણસ ભાગ્યે જ છોડી શકે છે.
* મારી દ્રષ્ટિનો વિસ્તાર વધ્યો હોઈ રાષ્ટ્રવાદનો ધર્મ મને ચોક્કસપણે અપૂર્ણ અને સંકુચિત લાગવા માંડ્યો.
* ખરે વખતે જેમના હાથ ધ્રૂજી જાય એવા માણસોના હાથમાં રાષ્ટ્રના જહાજનું સુકાન ભવિષ્યમાં ન મુકાય તેની કાળજી રાખવાનું સૂચન પણ કરવું જ જોઈએ. આવા પતનનો બચાવ કરવાનો પ્રયત્ન કરવો અને તેને સાચું વર્તન ગણાવવું એ તો એથીયે ખરાબ છે. ખુદ પતન કરતા એ મોટો ગુનો ગણાય.
* ખરાબ વસ્તુ પણ લાંબો વખત ચાલે તો દુનિયા તેથી ટેવાઈ જાય છે.
* આપણી સભ્યતાનું આવરણ બહુ પાતળું છે અને જ્યારે આપણે આવેશમાં આવી જઈએ છીએ ત્યારે એ આવરણ તૂટી જાય છે અને ભીતરનું જે દર્શન થાય છે તે જોવું ગમે તેવું હોતું નથી.
* માણસ ગમે તેવો મહાન હોય પણ તે ટીકાથી પર તો ન જ હોવો જોઈએ. પરંતુ ટીકા જ્યારે કાંઈ ન કરવાના આશ્રયરૂપ બને છે ત્યારે તેમાં કાંઈ કાળું હોય છે.
* આજે જુડાસ (ઈશુનો શિષ્ય કે જેણે ઈશુ સાથે દગો કરેલો) જીવતો હોત તો એણે પણ દેશભક્તિનું જ નામ વાપરીને પોતાનું કામ કર્યું હોત એ વિશે શંકા નથી. દેશભક્તિ હવે પૂરતી નથી. તેના કરતાં વધારે ઉચ્ચ વધારે વિશાળ, વધારે ઉદાત્ત ગુણોની જરૂર છે.
* ટીકા સહન ન કરવી એ લશ્કરી મનોવૃત્તિ છે. જેમ રાજા કદી ભૂલ કરી ન શકે, તેમ હિંદુસ્તાનની સરકાર અને તેના મોટા અમલદારો કદી ભૂલ ન જ કરે. એવો ઇશારો કરવો તે પણ રાજદ્રોહ કહેવાય.
* આપણે પરિવર્તનનો મહાપ્રવાહ છોડી દઈ બંધિયાર ખાબોચિયામાં ભરાઈ જઇએ, કેવળ આત્મલક્ષી અને આત્મસંતુષ્ટ થઈ જઈએ, બીજે શું ચાલે છે તેની દરકાર આત્મપ્રતારણાથી ન રાખીએ તો પછી એના પરિણામ આપણે જ વેઠવાં પડે ને?
* એક જ બાજુ અને એક જ વિચારસરણી ઉપર એકાગ્ર થવાથી આપણું માનસિક દ્રષ્ટિબિંદુ અત્યારે ઠીક ઠીક અસમતોલ થઈ ગયું છે.
* જીવન અને રાજકારણ એટલી અટપટી વસ્તુઓ છે કે એમાં આપણે સદાયે સીધી લીટીએ વિચાર કરી શક્તા નથી.
* પોલીસ એક ઉપયોગી અને આવશ્યક બળ છે; પણ જો દુનિયા કેવળ પોલીસના માણસો અને દંડાઓથી જ ભરાઈ જાય તો એ કાંઈ રહેવા લાયક સ્થાન કહેશે નહીં.
,