'લાઇફ ઓફ પાઈ' (અનુ. જિતેન્દ્ર શાહ) નામથી કદાચ કોઈ અજાણ્યું નહીં હોય. સન 2012 ની ઓસ્કાર વિજેતા ફિલ્મથી આ નામ જાણીતું બનેલું. આ મૂવી પણ આ જ નામ વાળી યાન માર્ટલની નવલકથા પરથી જ બનેલી. આ નવલકથાનો કથાનક લગભગ બધા જ જાણે છે.
પોંડીચેરીના એક ઝૂ માલીક સપરિવાર કેનેડા સ્થાયી થવા જહાજ મારફતે નીકળે છે. સાથે ઝૂ ના પ્રાણીઓ પણ છે. મધ દરિયે જહાજ ડૂબે છે અને તેમાં પાઈ પટેલ એક લાઈફ બોટ સાથે બચે છે. લાઈફ બોટમાં પાઈ પટેલ સાથે એક વાઘ પણ છે. લગભગ આઠ માસ જેટલો સમય તે બન્ને સાગરમાં ખોવાયેલા રહે છે. 'કોઈ પણ પરિસ્થિતિ એવી નથી કે જેનાથી તમે ટેવાઈ નથી જતા.' આ જ કથાનું આ વાક્ય કથા નાયક સિધ્ધ કરી કુદરત સામે બાથ ભીડી, જીતી અને બહાર આવે છે.
અગાધ સાગરમાં પણ સામાજિક પ્રાણી માણસ પોતાનો સહારો શોધી લે છે. વાઘથી ડરવાના બદલે તેની હાજરી થી આત્મવિશ્વાસ મેળવી સતત જિજીવિષા પાઈ પટેલને સાગર સામેનો જંગ જીતાડે છે. આ કથામાં નાયકના મનોભાવો અને સંઘર્ષની કથા છે. ઈશ્વરની પ્રત્યે શ્રધ્ધા વધારી આપતી અને સર્વ ધર્મ સમભાવના હાર્દને ટકાવી રાખતી આ હકારાત્મક કથા છે. લેખક - પર્કાશકના આભાર સહ પુસ્તકના થોડા માણવા જેવા મોતી પ્રસ્તુત છે.
* મને હંમેશાં લાગ્યા કરે છે કે માનવીય મહત્ત્વાકાંક્ષાની મજાક ઉડાવતી એક માનવ ખોપરી હંમેશાં મારી આસપાસ ઘૂમ્યા કરે છે. તેની હાજરી સહન નથી થતી. એટલે હું તેને હળવો ઠપકો આપું છું: 'તેં સાવ ખોટા માણસને ઝાલ્યો છે . તે જીવનને સમજી નથી શકતી અને હું મૃત્યુને ગણકારતો નથી. ચલ, આઘી ખસ.'
* નોકરીએ જતાં ગળા ફરતે બાંધેલ ટાઈ ગળાનો ફાંસો ન બની જાય તેની સાવચેતી રાખવી જરૂરી છે!
* તને આ પૂરો સાગર જ મારા તરફથી કિંમતી ભેટ છે.
* મુક્ત મને ફરતાં જંગલી જાનવર ભવ્ય હોય છે, સરળ પણ હોય છે અને તેમનું જીવવું સાર્થક હોય છે. લુચ્ચી માનવજાત તેમને પકડીને પીંજરામાં પૂરી દે છે અને ઝૂના પીંજરામાં ગયા પછી તેમનું સ્વાતંત્ર્ય ખતમ થઈ જતાં જ તેમની ભવ્યતાનો પડછાયો તેમનો સાથી હોય છે .
* જંગલમાં ભર વધારે હોય છે અને ખોરાક ઓછો હોય છે.
* મનુષ્ય જેવો બુદ્ધિશાળી જીવ પણ એકાએક પોતાની માલમતા અને સંબંધોને છોડીને નવા વાતાવરણમાં પોતાને ગોઠવી નથી શક્તો તો જંગલના જાનવર પાસે તમે કઈ આશા રાખી શકો?
* લોકોની નજરમાં હવે ઝૂનું ખાસ મહત્વ નથી રહ્યું. ધર્મને પણ આ વાત લાગુ તો પડે જ છે. 'મુક્તિ' બાબતની ભ્રમણામાં બંને એકસરખા રાચે છે.
* પશુઓ માટે જ નહીં માણસ માટે પણ સ્મૃતિ તેજ રાખવા ફરી અને ફરી કાર્ય કરતા રહેવું અનિવાર્ય છે.
* ટૂંકા સમય માટે શંકા માફી યોગ્ય છે પણ તેને કાયમ માટે મનમાં સંઘરી ન શકીએ. શંકાને જીવનદર્શનમાં સદાકાળ માટે સ્થાન આપવું તે સ્થિર રહીને દોષ મૂકવા જેવી વાત છે.
* જીવન હંમેશા પોતાને બચાવવાનો હંમેશા પ્રયત્ન કરશે જ - પછી તે પશુ-પંખી હોય કે જીવજંતુ હોય.
* જાનવરો જંગલમાં અથવા બીજે ક્યાંય પણ પહોંચવા માટે ભાગતા નથી, કશાકથી દૂર થઈ જવા માટે ભાગે છે.
* નામ પ્રમાણે જ નિર્ગુણ બ્રહ્મ ગુણરહિત છે. તેમને સમજવા આપણી સમજણ અથવા આપણું જ્ઞાન ટૂંકુ પડે છે. શબ્દોથી તેને સમજવાનો પ્રયત્ન કરશું? 'એક માત્ર', 'અંતિમ સત્ય', 'સંપૂર્ણ', 'આખરી સત્ય' - પરંતુ બ્રહ્મને સમજવા આ બધા જ શબ્દોનો પનો ટૂંકો જ પડે. ખરેખર તો તે શબ્દાતીત છે.
* સૃષ્ટિમાં મારું સ્થાન ક્યાં છે તે મારે જાણવું રહ્યું.
* ઇશ્વરના માલિક કદી પણ ન થઈ શકાય, થઈ શકાય તો સાથી જ થઈ શકાય.
* મારે મન ધર્મ આત્મ-સન્માનની વાત છે, આત્મ-અભિમાનની નહીં.
* પ્રકૃતિના બે નિયમ છે- ટેક્નોલોજીનો વિકાસ અને સદ્ ભાવનાનો પ્રચાર.
* પ્રિય ચીજો પ્રદર્શન માટે નથી હોતી.
* જીવનનો સ્વિકાર કરવા જીવનને માણી લેવાનું છે.
* તમારું પોતાનું જીવન જ્યારે ખતરામાં હોય ત્યારે અન્ય જીવ પ્રત્યેની તમારી સહાનુભૂતિ પર જિજીવિષાનો જ વિજય થાય છે.
* હિંસા ચરમસીમા પર પહોંચે ત્યારે ઘોંઘાટ, અશાંતિ અને વિરોધના અવાજ અચૂક ઊઠે.
* આપણા જીવાતા જીવનનો એકમાત્ર સાચો હરીફ ભય છે.
* હિંમતપૂર્વક ભયનો સામનો કરો, તેને વ્યક્ત કરતાં પણ અચકાશો નહીં. જેની તમે ઉપેક્ષા કરવા ચાહો છો, કદાચ ભૂલી જવા ઇચ્છો છો તે અવ્યક્ત ભય તમને સંપૂર્ણપણે હણી નાખવા સમર્થ છે તેનો અર્થ એવો પણ થઈ શકે, જે હરીફ તમારો પરાજય કરે છે તેને તમે જરા પણ લડત આપ્યા સિવાય તેની શરણાગતિ સ્વીકારી લો છો.
* અનિવાર્યતા ભલભલાને નિર્ણય લેતાં કરી દે છે.
* જીવન જીવવાની તક મળે તેથી મોટું કોઈ ઈનામ ન હોઈ શકે. મરણનું શરણ લઇ લેવું તેનાથી મોટી સજા ન હોઇ શકે.
* પીડા, આઘાત તેની ચરમસીમા પર પહોંચે તે પછી ઇન્દ્રિયો તેનો સ્વીકાર નથી કરતી.
* સત્ય સરળ પણ હોય છે, ઘાતક પણ. માણસ આદતનો ગુલામ હોય છે.
* જે જ્ઞાનને આચરણમાં મૂકી ન શકીએ, તે જ્ઞાનના સંગ્રહથી શો લાભ મળવાનો?
* ઇશ્વરમાં આસ્થા હોવી તે હ્રદયના દ્વાર ખોલવાની ક્રિયા છે, વહેતા થવાની ક્રિયા છે, ઉંડી શ્રદ્ધા અને પ્રેમભક્તિ અર્પણ કરવાની ક્રિયા છે.
* કોઈ પણ પરિસ્થિતિ એવી નથી કે જેનાથી તમે ટેવાઈ નથી જતા.
* વિસ્મયની ક્ષણોમાં મનની સંકુચિતતા ક્યાંય દૂર-દૂર જતી રહે છે. બ્રહ્માંડ વ્યાપી વિચારોથી ઓછું વિચારવું મનને પોષાતું નથી.