Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 1

પ્રેરણાદાયી નારી પાત્ર – સીતા (1)

ત્રેતાયુગમાં હિન્દુ ધર્મના મહાગ્રંથ ‘રામાયણ’ની રચના કરવામાં આવી. એ ગ્રંથના પાત્રો વાસ્તવિક હતાં કે કાલ્પનિક એની ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ આ મહાન ગ્રંથના પાત્રો વર્તમાન સમયમાં દરેક માનવ માટે પ્રેરણાદાયી છે. દરેક સમસ્યાના ઉકેલ માટે જેમ ‘ગીતા ગ્રંથ’ સર્વોચ્ચ છે તેમ માનવીના સ્વભાવ- લાગણીઓ અને વ્યવહાર અન્ય સાથેના સંબંધ કેવા હોવા જોઈએ તેની સમજ રામાયણના પાત્રો આપે છે. જો તેને અનુસરવામાં આવે તો માનવી પોતે સુખ પ્રાપ્ત કરી શકે અને અને બીજાને સુખ આપી શકે. ‘રામાયણ’ છે તો રામ વિષેનું પરંતુ સીતા વગર અધૂરું બની રહે.

ગોસ્વામી તુલસીદાસજીએ યથાર્થ કહ્યું છે,

‘सती शिरोमणि सिय गुनगाथा | सोई गुण अमल अनूप पाथा | સતી શિરોમણી શ્રી સીતાજીના ગુણોની જે કથા છે તે જ આ શ્રી રામકથારુપી ગંગાજીના જળની નિર્મળતા અને અનુપમતા છે.’ મતલબ કે જો રામાયણમાંથી સીતાજીનું ચરિત્ર બાદ કરવામાં આવે તો ‘ગ્રંથ’નું હાર્દ જ રહે નહીં. સમસ્ત નારી જાતિ માટે સીતા પ્રેરણાદાયી છે. તેના તમામ ગુણ અપનાવવાની કોશિશ જો કરવામાં આવે તો નારીને કોઈ દુ:ખ-પીડા- સમસ્યા ન રહે. વળી તેને લીધે થતી સમસ્યાઓ પણ ઉદભવે નહીં.

સીતાનો જન્મ માતાના ગર્ભ દ્વારા નથી થયો પરંતુ જમીનમાથી હળના અગ્રભાગના સ્પર્શથી તેનું અવતરણ થયું છે. હળ દ્વારા ખેડવાથી ભૂમિ પર જે રેખા – ચાસ પડે તેને‘સીતા’ કહેવાય માટે તેઓને નામ મળ્યું‘સીતા’. આ ઉપરાંત તેઓ શ્રીજી, ભૂમિજા, અયોનિજા કહેવાયા. જનક રાજાના મનોરથના ફળ સ્વરૂપ હોવાથી તેનું નામ ‘જાનકી’ પણ છે. માતા શ્રી સુનયના મહારાણી દ્વારા લાલન પાલન થયું માટે તેણી ‘સુનયનાસુતા’ પણ કહેવાયા. તેના દ્વારા શ્રી મિથિલા મહારાજના વંશની કિર્તિ ચોમેર ફેલાશે એમ જણાતા તેઓ ‘મૈથિલી’ તરીકે પણ ઓળખાયા.

સીતાજી સ્વભાવે ઋજુ, શાંત અને સરળ છે. સુશિલ, સૌદર્યવાન છે. લજ્જા તેમનું આભૂષણ છે. આ લજ્જા એ તેમને આત્મસંયમ શીખવ્યો છે. સદગુણોના ભંડાર એવા સીતાજીને પોતાના માતા-પિતા, વડીલો અને ગુરૂજનો પ્રત્યે અપાર આદરભાવ છે. તેઓ આજ્ઞાકારી છે. બહેનો અને સખીઓ સાથે હંમેશ નિખાલસ રહેનારા છે. આર્ય કન્યા સીતા પુત્રી તરીકે પોતાના પિતાને આધીન છે.

સીતાજીના બાળપણમાં રમતાં રમતાં દડો શિવજીના ધનુષ નીચે જતો રહ્યો એ સમયે સીતાજી એ ભારેખમ ધનુષ હળવેથી ઊંચકીને બાજુ પર રાખી દઈ દડો લીધો હતો માટે જ પિતા જનકે આ ધનુષ ઊંચકી શકે તેવો બળવાન પતિ શોધવા સ્વયંવરનું આયોજન કર્યું હતું. પોતાના સ્વયંવર પહેલાં મંદિરથી દર્શન કરીને પાછાં ફરતી વેળાએ પુષ્પવાટિકામાં ફૂલો ચૂંટી રહેલા રામને જોઈને પ્રેમભાવ જાગે છે ત્યારે લજ્જાભાવને કારણે માતા કે પિતાને કહી શકતા નથી પરંતુ મહેલ પરત ફરતા પહેલા પોતાની આ વિહવળતા આંખોમાં શ્રદ્ધા, વિશ્વાસ અને વિનંતી લઈને મા ભવાનીને પોતાના મનોરથને પૂર્ણ કરવા વિનવી રહ્યાં. ‘તન ,મન અને વચનથી જો મારૂ ચિત્ત શ્રી રામના ચરણકમળોમાં જ અનુરક્ત હોય તોં સર્વના હ્રદયમાં નિવાસ કરનારા સર્વ અંતર્યામી ભગવાન મને રઘુશ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીની બનાવો.’

વ્યક્તિ જ્યારે જીવ પર આવી જાય ત્યારે જે પ્રાર્થના કરવામાં આવે તેની શ્રદ્ધા અપાર હોય છે. સીતાજીની આ શ્ર્દ્ધા અણુ –અણુમાં વ્યાપી ગઈ. આપણે પણ જ્યારે એકચિત્તે ઈશ્વરને આપણી ઈચ્છા વ્યક્ત કરીએ ત્યારે તે ચોક્કસ પૂર્ણ થાય જ છે. બસ મનમાં સંશય રાખ્યાં વગર ઈશ્વરમાં શ્રદ્ધા રાખી મન હળવું કરી લેવાની જ જરૂર હોય છે.

સીતાના સ્વયંવરમાં મહાન રાજાઓ ઉપસ્થિત થયાં એ બધા જ ધનુષ ઊંચકવામાં નિષ્ફળ થયા. મહાબલી રાવણ પણ ચગદાયો. જનક રાજા નિરાશ થયા. ત્યારે મહર્ષિ વિશ્વામિત્ર સાથે સ્વયંવરને જોવા માટે બેઠેલા રામ વિશ્વામિત્રની આજ્ઞાથી ધનુષ ઊંચકવા ઊભા થયા ત્યારે સીતાની આંખમાં આશાના કિરણો પ્રગટ્યા. જેને મનોમન ચાહતા હતા તે જ આ કસોટી પાર કરવા આવ્યાં અને સફળ પણ થયાં. ત્યારે ફરી સીતાજી તેની રક્ષણ કરવાની આ સક્ષમતા પર વારી ગયા. સીતાજીએ સહર્ષ ‘હારમાળા’ પહેરાવી પ્રેમની‘જીત’જાહેર કરી. રામને જ્યારે સીતાજીને હાર પહેરવાનું કહેવામા આવે છે ત્યારે રામ કહે છે કે મને તોં સીતાજી ખૂબ જ પસંદ છે પરંતુ પોતાના પિતાની સંમતિ વગર આ લગ્ન કરી શકે નહીં એમ કહે છે તેની આ લાગણી પ્રદર્શિત અને પિતાના આદરની સ્પષ્ટતા સીતાજીના દિલ જીતી લે છે. આ ઉપરાંત પોતાની ઈચ્છા હોવા છતાં પિતાની આજ્ઞા વગર લગ્ન નહીં કરે એમ કહ્યું ત્યારે તેનો જાત પરનો સંયમ પ્રદર્શિત થયો તે પણ સીતાજીને ગમ્યો.

આજના આ કળિયુગમાં દરેક સ્ત્રીએ સીતા જેવા ગુણ કેળવવાની કોશિશ કરવી જોઈએ. સ્વભાવમાં ઋજુતા અને નમ્રતા રાખવાથી જ દરેકના પ્રિય બની શકાય છે. વળી મિતભાષી બની રહેવાથી દરેક કાર્યમાં ધ્યાન આપી શકાય. લજ્જા એ પ્રથમ આભૂષણ હોવું જોઈએ. પોતાના લગ્ન માટે જે કોઈ પાત્રને પસંદ કરે ત્યારે સીતાજીની જેમ અમુક બાબતો ધ્યાનમાં રાખવાની રહે. સીતાજી એ પોતાના મન મંદિરમાં ઉદભવેલી લાગણીઓ મા ભવાનીને કહી. દ્રઢ શ્રદ્ધા રાખી. વર્તમાન સમયમાં યુવતી પોતાના મનના માણીગરની વાત પોતાના માતપિતાને જણાવે અને તેના ગુણોની ચકાસણી તેઓને કરવા દે જેથી યુવક યોગ્ય છે કે નહીં તે જાણી શકે. સીતાએ રામના પોતાના પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરવાના, રક્ષણ કરવાના ગુણ ઉપરાંત સંયમ અને પિતા પ્રત્યેનો આદર પણ સ્વીકાર્યા. વર્તમાન સમયમાં યુવતીઓ પોતાનો પતિ માત્ર‘પોતાનો’ જ બની રહે અને જો માતા પિતાનો આદર કરનાર હોય તો તેને‘માવડિયો’ કહે છે. તેણી એ નથી સમજતી કે જે પુરુષ તેના માતપિતાનો આદર –સન્માન કરતો હશે એ જ સાચા અર્થમાં આજીવન પોતાની પત્નીને પણ વફાદાર રહેશે.

‘રામાયણ’નો ગ્રંથ માત્ર વાંચી જવા માટે કે તેની સિરિયલ જોઈ ‘વાહ’ ઉચ્ચારવા માટે નથી. પરંતુ તેના પાત્રોમાથી અત્યારે કળિયુગમાં જીવનમાં ઉતારવા માટે છે એ યાદ રાખી તેને અનુસરીએ.

ક્રમશ: પારૂલ દેસાઈ