‘રેતીનો માણસ’: રણપ્રદેશની વ્યથા-કથાની વાર્તા Hardik Prajapati HP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

‘રેતીનો માણસ’: રણપ્રદેશની વ્યથા-કથાની વાર્તા

ગુજરાતી ટૂંકીવાર્તામાં સમયે-સમયે નૂતન સર્જકોના હાથે નૂતન આવિષ્કારો ઝીલાતા રહ્યા છે. ટૂંકીવાર્તા અનુ-આધુનિક સમયમાં અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનાએ વધુ લોકપ્રિય અને લોકભોગ્ય સ્વરૂપ બન્યું છે. ગુજરાતી સાહિત્યમાં અનુ-આધુનિકતાના સમયગાળામાં અનેક નવા સર્જકો પ્રગટ થયા, તેમાંય મુખ્યત્વે વાર્તાકારો. શ્રી સુમન શાહ પ્રેરિત ‘સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ’માંથી પ્રગટેલા અનેક વાર્તાકારો આજે પોતાની નવી ઓળખ ઊભી કરી શક્યા છે. જેમાં અજય ઓઝા, જીગ્નેશ ભ્રહ્મભટ્ટ, રામ મોરી, સાગર શાહ, અજય સોની, ભરત સોલંકી વગેરે પોતાની અનુભૂતિ અને અભિવ્યક્તિના આધારે આગવી ઓળખ ઊભી કરી શક્યા છે. માત્ર કળાના જ સ્વરૂપને ધ્યાનમાં રાખી વાર્તા રચતા આવા એક નોંધપાત્ર વાર્તાકાર એટલે અજય સોની. અજય સોની પાસેથી ‘રેતીનો માણસ’(૨૦૧૭) નામનો પ્રથમ વાર્તાસંગ્રહ પ્રાપ્ત થાય છે. આ સિવાય ‘કથા કેન્વાસ’(૨૦૧૯) નામનો સંવેદન કથાસંગ્રહ પણ પ્રાપ્ત થાય છે. ‘રેતીનો માણસ’ સંગ્રહની મોટાભાગની વાર્તાઓ ‘સુ.જો.સા.ફો.’માં વંચાયેલી અને વખણાયેલી વાર્તાઓ છે. આ સંગ્રહમાં કુલ ૧૮ જેટલી વાર્તાઓ છે. મેં અહીં આ સંગ્રહમાં ગ્રંથસ્થ ‘રેતીનો માણસ’ વાર્તાનો આસ્વાદ કરાવવાનો ઉપક્રમ રાખેલો છે.

‘રેતીનો માણસ’ વાર્તાના વિષયવસ્તુ અને વસ્તુસંકલના વિશે વિચાર કરીએ તો સર્જક આરંભે જ કચ્છ પ્રદેશમાં દૃઢ થયેલી માન્યતા “ઉઠ પગ સડે, પીપર પન ખિરે, ન પંખો હોલો, ન વુઈ સે નાય...” એટલે કે ‘ઊંટના પગ સડવા લાગશે, પીપળામાં એકેય પાન નહીં રહે, હોલાની પાંખો ખરી જશે અને વહેતી નદી સુકાઈ જશે’ થી વાર્તાનો આરંભ કરે છે. સર્જકે આ વાર્તાની નાયિકાસમા ‘રતીમા’ને કેન્દ્રમાં રાખીને આ વાર્તાને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. કચ્છ જેવા રણપ્રદેશમાં નરી રેતીની વચ્ચે જીવન વિતાવતા નાનકડા સમૂહ કે કાફલાની જીવનશૈલી તથા તેમની પીડાઓ આ વાર્તાનું મુખ્ય આધારબિંદુ છે. વાર્તાના આરંભે રતીમા આવનાર કરુણસ્થિતિને પામી જાય છે ને એજ સમયે વસાહતના કેટલાંક નાના બાળકો રતીમાને “માડી, વાર્તા કયો ને...” કહી વાર્તા કહેવાનું કહે છે અને રતીમા આ વાંઢની- વસાહતની અનેક ચડતી-પડતીની વાતો કહે છે. એક-બે દિવસમાં જ આવનારી ભયાનક સ્થિતિ પારખી જતાં તે રેતીના માણસની વાર્તા કહે છે. સર્જક એનો સંદર્ભ આપતા રતીમા પાસે જ બોલાવે છે, “એ વાયરા સાથે આવે છે. આપણે એને નથી જોઈ શકવાના. એ રેતી તાણી લાવે છે એટલે બધા એને રેતીનો માણસ કે’ છે” આમ અહીં ‘રેતીનો માણસ’ શીર્ષકનો અર્થસંદર્ભ સર્જક રતીમા પાસે પ્રગટ કરાવી દે છે. આવનારા સમયમાં અથવાતો નજીકના જ ભવિષ્યમાં રેતીનો માણસ કોઈ રાક્ષસી સ્વરૂપ ધારણ કરીને આ આખા કાફલાને હતો ન હતો કરી નાખશે, એ આવા ઘણા કાફલાને ભરખી ગયો છે, એ દુસ્વપ્નને બાળકોને કહેતાં થોડાં અચકાય છે. થોડું પ્રગટ થોડું અપ્રગટ રાખીને આવનારી ભયાનકતાનો અંદેશો આવી જતાં થથરી જાય છે. તેમાં વળી આગળ જતાં આ વાંઢનો-કાફલાનો સરદાર ઉમેરાય છે, વિસંગ પણ આવે છે. આ ત્રણેય ભેગાં થઈ આખી વાંઢ ખાલી કરી અન્ય જગ્યાએ વસવાટ કરી જીવવાના મિથ્યા પ્રયત્નો કરે છે. એક જ રાતમાં આખી વાંઢ ખાલી થઈ અન્ય જગ્યાએ વસવાટ શરૂ કરે છે. જ્યાં ડુંગરો અને દરિયો જેવી હરિયાળી હોય છે. પણ આરંભે કલ્પેલું દૃશ્ય અંતે સાર્થક પુરવાર થતાં વાર્તાનો અંત આવતાં સર્જક લખે છે, “પવનની જોરદાર ઝાપટ આવી અને રતીમાનું માથું રેતી થઈ ગયું. પવનમાં ઊડતી રેતી ડુંગર પર છવાઈ જતી હતી. તાપણું અવિરત ચાલું હતું પણ એણે જોનારું કોઈ ન હતું.”(પૃ. ૬૫)

‘રેતીનો માણસ’ વાર્તાના વિષયવસ્તુને મુખ્યત્વે પ્રગટ કરે છે રતીમા. રતીમાના મુખે આરંભે બોલાતું વિધાન “ઉઠ પગ સડે, પીપર પન ખિરે, ન પંખો હોલો, ન વુઈ સે નાય.” રતીમા આ વિધાન વારંવાર પુનરાવર્તિત કરે છે. તેમની જીવતરની અનુભવી આંખ અને સમજણ આવનારી આફતને પારખી જાય છે. આરંભથી અંત સુધી તે કેટલાંક બાળકો, વાંઢનો સરદાર અને વિસંગ સાથે સંકળાયેલા રહી આફતની ભયંકરતા, આફતમાંથી ઉગરવાના પ્રયત્નો અને છેલ્લે આફતમાં જ આવતો અસ્તિત્વનો અંત. આ રીતે જોતાં આમ મુખ્ય પાત્ર તરીકે રતીમાને જોઈ શકાય છે. બીજી રીતે વિચારીએ તો અહીં કુદરતી આફતના પર્યાય તરીકે ‘રેતીનો માણસ’ પણ સૂક્ષ રીતે પાત્ર તરીકે જોઈ શકાય. આ ઉપરાંત બહાદુર અને નીડર વાંઢનો ‘સરદાર’ અને ‘વિસંગ’ પણ અહીં પાત્ર તરીકે પોતાની વ્યક્તિમતા પ્રગટાવે છે.

ભાવક કલાકૃતિ પાસે રસપ્રાપ્તિ અર્થે જતો હોય છે. ‘રેતીનો માણસ’માં સર્જક જે વિષયવસ્તુ પસંદ કર્યું છે. તેના આધારે જોતાં અહીં સતત ઘેરા કરુણરસનો અનુભવ થયા કરે છે. રણ જેવા સૂકા પ્રદેશમાં રેતીના ઢગો વચ્ચે જીવન જીવતાં દટાઈ જાય એનાથી વધારે શું કરુણ હોઈ શકે? નાના બાળકો, સરદાર, વિસંગ, રતીમા અને આખી વસાહત તોફાન લઈને આવનારા રેતીના માણસથી જે રીતે થથરે છે, ભય પામે છે, તેમાંથી બચવાના મિથ્યા પ્રયત્નો કરે છે, ત્યાં સતત કરુણરસ નિષ્પન્ન થતો જોઈ શકાય છે. આ ઉપરાંત અહીં કેટલાંક વર્ણનોમાંથી અદ્ભુતરસ પણ દૃશ્યમાન થાય છે, વાર્તાના અંત તરફ જતાં નવી વસાહતમાં નાચ-ગાન ચાલે છે વર્ણન જોઈએ- “આનંદમાં નાચતાં સ્ત્રી-પુરુષ-બાળકોના ચહેરા પર તેજ અકબંધ હતું. બધા રેતીના બનેલા હોય એમ ધીરે ધીરે ખરવા લાગ્યા. કોઈના હાથ, કોઈના પગ, પેટ, માથું, ગરદન, ધડ....રતીમાને તાપણાં ફરતે નાચતાં અધકચરા માનવઅંગો દેખાતા હતાં. પવનની એક ઝાપટ આવતી અને કોઈનું માથું વીખેરાઈ જતું. ફરી એક લહેરખી અને કોઈના હાથ પગ ઊડીને પવનમાં ભળી જતા. બધા ધીરે ધીરે રેતી બનીને ઊડી જવા લાગ્યા.”(પૃ. ૬૪) આવા વર્ણનોમાં અદ્ભુતરસના દર્શન થાય છે.

‘રેતીનો માણસ’માં મુખ્ય સંઘર્ષ એક રીતે રતીમાના પાત્રમાં અને બીજી રીતે રણમાં જીવન વિતાવતા આખા કાફલાનો રેતીના માણસ સાથેનો સંઘર્ષ જોઈ શકાય છે. રતીમાના વ્યક્તિત્વમાં આંતર અને બાહ્ય બંને પ્રકારનો સંઘર્ષ જોઈ શકીએ છીએ. વાંઢના માણસો ગભરાઈ ન જાય એવા આશયથી રતીમા આવનારી આફતને પોતાનામાં ઉતારી અડધી-પડધી પ્રગટ કરે છે, જેમ કે, “સવારે અહીં ખાલી ભૂંગા રહી જશે. વાવડો એની થપાટો વીંઝ્યા કરશે. રેતીનો માણસ એનાં અપશુકનિયાળ પગ પાડશે અને પળવારમાં બધું અલોપ થઈ જશે. ભુંગાની ટોચ પર બેસીને બોલતાં હોલનો અવાજ ઊડતી રેતી સાથે અથડાઈને મરી જશે પણ એણે સાંભળનારું કોઈ નહીં રહે.”(પૃ. ૫૯) તો વળી રતીમા, સરદાર, વિસંગ અને વાંઢ જે રીતે રેતીના માણસનો સામનો કરે છે ત્યાં તીવ્રતમ સંઘર્ષ જોઈ શકાય છે.

બચવાના મિથ્યા પ્રયત્નો કાફલો કરતો હોય છે પણ કાળ/સમય કોઈને છોડતો નથી, રેતીનો માણસ કે જે કાળ કે કાળરૂપી જ છે અને તે દરેક જગ્યાએ આવી શકે છે, વાર્તાના આ સંવાદાત્મક વાક્યો જુઓ- “આપણે એને નથી જોઈ શકવાના........એની સાથે બાથ ભીડનારા રેતીમાં સમાઈ ગ્યા છે.”(પૃ.૫૮), “એ કોઈ એક દિશાએથી નહીં ચારેબાજુથી આવી રહ્યો છે. ભાગીને ક્યાં જશું?”(પૃ. ૬૦), કોઈ દુશ્મન હોય તો લડી લઈશું. પણ આ રેતીના માણસથી કઈ રીતે લડવું?”(પૃ. ૬૦)

સર્જક સર્જક ત્યારે જ બંને જયારે સામગ્રીનું કળામાં રૂપાંતર કરે. રણપ્રદેશમાં આવા જીવાતા જીવનને કહો કે મોતને મુઠ્ઠીમાં લઈને જીવન જીવતા લોકોના જીવનને વાર્તાનું સ્વરૂપ આપવા જતાં સર્જકે ભાષાકર્મ સાથે પણ સારો એવો પનારો પાડ્યો છે. ભાષાકર્મના ભાગરૂપે કેટલાંક અસરકારક વર્ણનો જોઈએ તો-

“રતીમા તંદ્રામાંથી જાગ્યા. બાળકોના ચહેરા ભયથી થથરી રહ્યા હતા. એ જોઈને રતીમાના ચહેરા પરની કરચલીઓ વધુ ઘાટી થઈ ગઈ હતી”(પૃ. ૫૯)

“આ ખારાપામાં વસતી મોટા ભાગની વાંઢો એની હયાતી ગુમાવી ચૂકી છે. રેતીનો મહાકાય રાક્ષસ બધું ગળી ગયો છે. આપણે રોજ એના નજીક આવવાનાં વાવડ સાંભળીએ છીએ. બધું જાણવા છતાં કાંઈ ન કરીએ...? રેતીના રાક્ષસની રાહ જોઈએ...? શા માટે ? રેતીમાં સમાઈ જવા માટે ?”(પૃ. ૬૦)

“રતીમાનો અવાજ ધીમો પડીને હોલવાઈ ગયો. આંખના ડોળામાં તગતગતી ભીનાશ પોપચા સાથે બીડાઈ ગઈ. બંધ પોપચા પાછળ દૃશ્યો સળવળતા હતા. રેતીના માણસના પગ પડતાં ભુંગાની દીવાલો રેતીમાં સમાતી જાય છે. રેતીના થર પર થર ચડતાં જાય છે. ખાલી વાંઢમાં હવાના સુસવાટા સાથે હોલારવ સંભળાઈ રહ્યો છે.”(પૃ. ૬૧)

“એ ખારાપાટમાં દરિયાના મોજાં ઊછળતા દેખાતા હતા. હવાના સુસવાટામાં દરિયાનો ઘુઘવાટ સંભળાતો હતો. રેતી જોનારી આંખોમાં દરિયાના મોજાં હિલોળાવા લાગ્યા.”(પૃ. ૬૦)

“પડછાયા લંબાઈને સંકેલાઈ ગયા હતા. ડુંગર પર ખરલઘૂંટ્યું અંધારું ઢોળાવા લાગ્યું. કાન માંડતા આસપાસથી નિશાચરોના અવાજ આવતાં હતા. ગરમ હવાના સુસવાટાના બદલે દરિયાનો ઘુઘવાટ સંભળાતો હતો. ઠંડી હવા ઝાડીમાં ભરાઈને સીસકારી બોલાવતી હતી.”(પૃ. ૬૩)

કેટલાંક અલંકારો પણ સર્જકે નિરૂપ્યા છે, જેવા કે-

“એમના મોઢામાંથી નીકળતો નીસાસો વહેતી હવામાં ભળી ગયો”

“આંખના ડોળામાં તળાવના ખાલી તળિયા જેવા ચીરા પડી ગયા હતા.”

“વાયરો ચાબખાની જેમ વીંઝાતો હતો.”

“ઘટ્ટ થતી જતી રાતનું અંધારું વાંઢ પર પથરાયેલું હતું.”

આ ઉપરાંત આ વાર્તા મુખ્યત્વે કચ્છના રણપ્રદેશનું વિષયવસ્તુ અને પરિવેશ લઈને આવતી હોવાથી અહીં કચ્છી બોલી વિશેષ પ્રગટ થતી જોઈ શકાય છે. કેટલાંક શબ્દપ્રયોગો જોઈએ તો-

“ઉઠ પગ સડે, પીપર પન ખિરે, ન પંખો હોલો, ન વુઈ સે નાય...”

“માડી, વાર્તા કયો ને...”

“અઈયા કેવી મજા આવે છે નૈ...? ટાઢો ટાઢો વાયરો અને ઓલી બાજુ આવડું બધું પાણી. જેટલું પીવું હોય એટલું...”

“ક્યાં ગયા તમારા પાણકા ? સાથે છે ને ?”

આમ, સમગ્ર રીતે જોતાં અનુ-આધુનિક સમયમાં વાર્તાના વિષય તરીકે ગુજરાતના અંતરિયાળ વિસ્તારો પણ તેમના સમસ્ત પરિવેશ સાથે પ્રગટ થવા શરૂ થયા છે. અજય સોની પહેલાં કચ્છ વિસ્તારમાંથી મળેલા સર્જકોમાં સર્વ શ્રી જયંત ખત્રી, ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી, માવજી મહેશ્વરી અને હવે અજય સોની આ વિસ્તારની વિશેષતાઓને અથવાતો સમાજ જીવનને સાહિત્યમાં પ્રગટાવ્યું છે, એમાં અજય સોની એક આવા નૂતન વિષયવસ્તુને નૂતન અભિવ્યક્તિની તરેહમાં આ વાર્તા રચી ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધાર્યું છે. વ્યવસાયે સોનીકામ કરતા સર્જકે એમની આ વાર્તામાં સારુએવું નકશીકામ કર્યું છે. ‘રેતીનો માણસ’ વાર્તાસંગ્રહને આધારે વાર્તાકારને કેન્દ્રિય સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૯ના ‘યુવાગૌરવ પુરસ્કાર’થી પોંખવામાં આવ્યા છે.

(સોની, અજય: ‘રેતીનો માણસ’, પ્રકાશન: ડિવાઈન પબ્લિકેશન,અમદાવાદ. પ્રથમ આવૃત્તિ: ૨૦૧૭, મૂલ્ય: ૧૪૦ રૂપિયા)

- હાર્દિક પ્રજાપતિ

hardikkumar672@gmail.com,

Mo: 8141125140, 8320600582