પ્રિંસેસ નિયાબી - ભાગ 23 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિંસેસ નિયાબી - ભાગ 23

વ્રનીનું ઘર આવ્યું એટલે એ રોકાઈ ગઈ ને બોલી, આ મારુ ઘર છે.

નિયાબી અને ઓનીરે વ્રનીના ઘર તરફ નજર કરી. એક સાવ તૂટેલું ફુટેલું ઝૂંપડું હતું. ના એની છત સલામત હતી ના એની ભીંતો. ચારે બાજુ જમીન હતી પણ એ સૂકી ભઠ હતી. એને જોઈને જ લાગતું હતું કે આ ઘરમાં કઈ હશે નહિ. નિયાબી અને ઓનીરે એકબીજાની સામે જોયું.

વ્રની દોડીને ઘરમાં ગઈ અને એક પ્યાલામાં પીવાનું પાણી લઈ આવી. એણે નિયાબી તરફ પ્યાલો લંબાવ્યો. નિયાબીએ એમાંથી થોડું પાણી પીધું. વ્રની પાછી અંદર ગઈ ને બીજીવાર પ્યાલો ભરી લાવી. એણે ઓનીર તરફ પ્યાલો લંબાવ્યો. ઓનીરે પાણી પીધું.

નિયાબી: વ્રની ઘરે કોઈ નથી?

વ્રની: ના દાદી બહાર કામ કરવા ગયા છે.

ત્યાં એ વૃદ્ધા લાકડીના ટેકે ચાલતી ચાલતી ત્યાં આવી. વ્રનીએ દોડી એમનો હાથ પકડી લીધો. એમને ઘરે લઈ આવી. વૃદ્ધા નીચે બેસી ગયા. એમને હાંફ ચડી ગયો હતો. વ્રની એમના માટે પણ પાણી લઈ આવી. એ વૃદ્ધાએ માંડ માંડ બે ઘૂંટ પાણી પીધું.

વ્રની: દાદી તમે ઠીક છોને?

વૃદ્ધા (દાદી): હા દીકરા. તે કઈ ખાધું?

વ્રનીએ માથું હલાવી ના કહ્યું. દાદીએ એને ગળે લગાવી લીધી. પછી બોલ્યાં, કઈ નહિ. જો હું થોડું ખાવાનું લાવી છું. લે તું ખાઈ લે. દાદીએ સાડીના છેડામાં થી અડધો રોટલો બહાર કાઢી વ્રનીને આપ્યો. વ્રનીએ રોટલો લીધો. ને એને જોવા લાગી. પછી એ અડધા રોટલાના બે ટુકડા કર્યા. અડધો દાદી તરફ લંબાવતા બોલી, લો આ તમે ખાઈ લો.

દાદીએ પ્રેમથી હાથ પાછો ઠેલતા કહ્યું, ના દીકરા. હું તો ખાઈને આવી. આતો તારા માટે જ છે.

વ્રની: દાદી મને ખબર છે. લો ખાવ નહીંતો હું પણ નહિ ખાવ.

દાદીની આંખમાં પાણી આવી ગયું. એમણે રોટલો લીધોને બટકું મોંમાં મૂક્યું.

પછી વ્રનીએ એક બટકું તોડી નિયાબી તરફ લંબાવ્યું. નિયાબીને સમજતા વાર ના લાગી કે આ ઘરની સ્થિતિ શુ છે? એની આંખો ભરાઈ આવી. એણે એ રોટલાનું બટકું લીધું અને પ્રેમથી વ્રનીના મોંમાં મૂક્યું ને બોલી, અમે ખાઈ લીધું છે. તું ખા.

નાનકડી વ્રનીએ તરત ઓનીર તરફ જોયું. ઓનીરે માથું હલાવી હા કહ્યું. એટલે એ બાકી બચેલો રોટલો ખાવા લાગી. એને ખાતી જોઈ નિયાબી અને ઓનીર બંને વ્રનીની સ્થિતિ જોઈ ઉદાસ થઇ ગયા.

વ્રનીએ દાદી પાસે જઈ કહ્યું, દાદી આ નિયાબી અને આ ઓનીર છે. અમે લોકો સાથે રમતા હતા. મને મુકવા માટે આવ્યા છે.

દાદીએ પોતાની ધૂંધળી આંખોથી બંને તરફ વારાફરતી જોયું. પછી હાથ જોડી બોલ્યાં, ધન્યવાદ આપનો.

નિયાબી: દાદી એની કોઈ જરૂર નથી. તમારી વ્રની ખૂબ ડાહી છે.

દાદી ખુશ થતા બોલ્યાં, હા ડાહી છે. બહુ ડાહી છે.

ઓનીર: દાદી વ્રનીના માતાપિતા.......

દાદી: દીકરા એ હવે આ દુનિયામાં નથી. એની માં વ્રનીને જન્મ આપતા મરી ગઈ અને એના પિતાને રોગે ભરખી લીધા.
નિયાબી ચૂપ હતી. હવે એને સમજમાં આવી રહ્યું હતું કે વ્રની કેમ બધા થી અલગ રમતી હતી? એ પોતાનું ઘર બનાવતી હતી. એ બધું સરખું કરી દાદીને મદદ કરવા માંગતી હતી. પરિસ્થિતિએ એને સમયથી પહેલા મોટી કરી દીધી હતી.

નિયાબીનું હૃદય દ્રવી ઉઠ્યું. અને થયું, પોતે કેટલી નસીબદાર છે કે માતાપિતા ના રહ્યા તો પણ એ રાજકુમારીની જેમ મોટી થઈ. પરિસ્થિતિએ એને દુઃખ આપ્યું તો એ દુઃખમાં રાજા કેરાકનો સાથ આપ્યો. ને આજે એની પાસે બધું જ છે. પણ ઘણા બધા બાળકો મારી જેમ અનાથ હશે પણ મારા જેટલા સારા નસીબ નહિ હોય એવા. એમાં ઘણા વ્રની જેવા પણ હશે. એ દુઃખી થઈ ગઈ અને ઉભી થઈ ગઈ. એ વ્રની અને દાદી પાસે ગઈ ને બોલી, વ્રની તારું ઘર આપણે બનાવી દઈએ?

આ સાંભળી વ્રની ખુશ થઈ ગઈ. પણ પછી પળવારમાં જ પાછી ઉદાસ થઈ ગઈ ને બોલી, પણ પૈસા નથી.

ઓનીર નિયાબીની ઈચ્છા સમજી ગયો. એ વ્રનીની પાસે આવી બોલ્યો, એની તું ચિંતા ના કર. તું બોલ ઘર સરસ બનાવી દઈએ.

વ્રનીએ ખુશ થતા હા કહ્યું.

નિયાબી: તો ચાલ આપણે બધો સમાન લઈ આવીએ.

દાદી: પણ દીકરા મારી પાસે તો ફૂટી કોડી પણ નથી.

નિયાબીએ દાદીનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, એની કોઈ જરૂર નથી દાદી. હવે મારી જવાબદારી છે. તમે હવે નિશ્ચિત થઈ જાવ.

નિયાબીએ ઓનીરની સામે જોયું. ઓનીરને ખબર પડી હતી કે નિયાબી શુ ઈચ્છી રહી હતી. એણે તરત જ વ્રનીને ઉંચકી લીધી. ને ચાલવા લાગ્યો. નિયાબી પણ એની પાછળ ચાલવા લાગી. એ લોકો બજારમાં જઈ ઘર બનાવવા માટે લોકોને શોધી કાઢ્યા. પછી બધો સામાન ખરીદી લીધો. ને પાછા આવી વ્રનીનું ઘર બનાવવાનું ચાલુ કરવી દીધું. નિયાબી અને ઓનીર પણ એમની મદદે લાગી ગયા.

માતંગી, ઝાબી અને અગીલા ફરતા ફરતા વ્રનીના ઘર તરફ આવ્યા. એમણે ત્યાં નિયાબી અને ઓનીરને કામ કરતા જોઈ નવાઈ લાગી. એ લોકો તરત જ ત્યાં પહોંચી ગયા.

ઝાબી: ઓનીર આ શુ છે?

ઓનીર: ઝાબી આ ઘર છે. જે બની રહ્યું છે.

ઝાબી: હા મને સમજ પડી. પણ તમે લોકો અહીં કામ કરો છો? શુ કામ?

ઓનીર: કેમકે આ ઘર બને એમ નિયાબી ઈચ્છે છે. ઓનીરે કામ કરતી નિયાબી તરફ જોયું. પછી એ બોલ્યો, તમે લોકો મદદ કરશો?

માતંગી: હા કેમ નહિ?

પછી એ ત્રણેય પણ કામે લાગી ગયા કામ કરતા કરતા ઝાબીને બધી વાત સમજ આવી ગઈ. પછી એ બધા લોકોએ મળી વ્રનીનું ઘર બનાવી દીધું. ને નિયાબીએ ધ્યાન રાખ્યું કે એ ઘર વ્રનીની મરજી મુજબનું બને. આંગણમાં ગાય માટે ઘર પણ બનાવ્યું. ઘરમાં વસ્તુઓ થી લઈ ખાવાપીવાની સામગ્રી પણ ભરી દેવામાં આવી. નિયાબીએ વ્રનીની ઈચ્છા મુજબ બે સરસ ગાય પણ લાવી દીધી. પુરા આઠ દિવસે વ્રનીનું ઘર બનીને તૈયાર થઈ ગયું. વ્રની ખૂબ ખુશ હતી. ને વ્રનીની ખુશી જોઈ નિયાબી ખુશ હતી. આટલા દિવસોમાં એ બધા વ્રની સાથે હૃદયથી જોડાઈ ગયા હતા.

આ દિવસોમાં નિયાબીમાં ઘણા બધા ફેરફારો આવ્યા હતા. એ લોકો સાથે ભળવા લાગી હતી. એ પરિસ્થિતિઓને સમજી રહી હતી. સાંજે જ્યારે બધા સાથે બેઠા હતા ત્યારે.

માતંગી: રાજકુમારી હવે આપણે આગળ વધવું જોઈએ.

નિયાબી: હા આવતીકાલે આપણે નીકળીશુ. માતંગી રાયગઢના દરેક વિસ્તારોમાં એવી વ્યવસ્થા કરો કે કોઈપણ બાળક જેના માતાપિતા ના હોય એને ક્યારેય કોઈ તકલીફ ના પડે. એને ભૂખ્યા ના રહેવું પડે. એની કોઈ પણ જરૂરિયાત હોય એ રાજય દ્વારા પુરી કરવામાં આવે. ક્યારેય કોઈ વ્રનીએ સમયથી પહેલા મોટા ના થવું પડે.

માતંગી: જી રાજકુમારીજી.

આ નિયાબીનો પહેલો આદેશ હતો એક રાજા તરીકેનો. જે ખૂબ ઉમદા હતો. બધા લોકો એના આ નિર્ણયથી ખુશ થઈ ગયા હતા. બીજા દિવસે એ લોકો વ્રનીને મળી ત્યાં થી આગળ વધ્યા. એ લોકો કરમણ પ્રદેશમાં આવ્યા.






ક્રમશ.............