સ્કેન્ડિનેવિયાની સફરે - 1 - સ્ટોકહોમ Dr Mukur Petrolwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કેન્ડિનેવિયાની સફરે - 1 - સ્ટોકહોમ

વિસ્મયની સફરે ફરી પાછી આપની સમક્ષ અમારી વૉન્ડરલસ્ટ ની વાત લઇ આવી રહી છે. વૉન્ડરલસ્ટ એટલે રખડવાની, પ્રવાસ કરવાની અને દુનિયા જોવાની તીવ્ર ઈચ્છા! લગભગ પાંચ વર્ષ પહેલાં અમે ન્યુઝીલેન્ડ ગયા હતા, તે વખતે ન્યૂઝીલેન્ડના નામની ચર્ચા કરતાં જાણેલું કે આ નામ ડેન્માર્કના સાગરખેડુઓ એ આપેલું કારણકે આ નવો શોધેલો દેશ એમને પોતાના દેશના એક પ્રદેશ - ઝીલેન્ડ ની યાદ અપાવતો હતો. ન્યુઝીલેન્ડ મારા ફરવા માટે ના સુંદર સ્થળોની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે; એટલે ત્યારે જ નક્કી કરેલું કે થોડા વર્ષો પછી આની મૂળ કૃતિ ડેનમાર્ક અને તેની આસપાસના દેશોની મુલાકાત લેવી પડશે.

ચોક્કસ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સ્કેન્ડિનેવિયા એટલે ઉત્તર યુરોપના ત્રણ દેશો - ડેનમાર્ક, નોર્વે અને સ્વીડન. પરંતુ બીજા બે નોર્ડીક દેશો - ફિનલેન્ડ અને આઇસલેન્ડ પણ એમાં ગણાઈ શકે. આઇસલેન્ડ એક જુદો ટાપુ છે. બાકીના બીજા દેશો એકબીજા સાથે વધતે ઓછે અંશે જોડાયેલા છે. આ વિસ્તારના થોડા અભ્યાસ પછી અને થોડા પ્રવાસી મિત્રો સાથે મસલત પછી અમે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ ને આવરી લેવાનું નક્કી કર્યું. ઉત્તર જર્મનીની પ્રજાએ વસાવેલા આ દેશો ની રોચક વાત એ છે કે પાછલી સદીઓમાં એ બધા પણ એક બીજાના દુશ્મન હતા. ક્યારેક સ્વીડન તો ક્યારેક ડેનમાર્ક હાવી થતું. નોર્વે અને ફિનલેન્ડ લગભગ દબાયેલા રહેલા. પણ આજે બધા એક બીજા સાથે સારા પાડોશી અને સારા મિત્રો પણ છે. કદાચ પચાસ-સો વર્ષ પછી ઇન્ડિયન સબકોન્ટિનન્ટ માં પણ એવું જોવા મળે એવી આશા રાખી શકાય! સ્કેન્ડિનેવિયા ના દેશોની ખાસિયત એ છે કે આપણા પાડોશી દેશ ભુતાનની જેમ આ દેશોના લોકો પણ ઘણા ખુશ રહે છે. હેપીનેસ ઇન્ડેક્સમાં એમનો નંબર કાયમ આગળ હોય છે! હમણાં જ આવેલ એક સર્વે મુજબ એમાં આપણે ઘણા પાછળ છીએ અને ખાસ કરીને ભારતીય મહિલાઓ સૌથી વધુ તાણ અનુભવે છે! એટલે અત્યારે તો આપણા વચ્ચે મહાસાગર જેવું અંતર છે!

સ્કેન્ડિનેવિયા બે કુદરતી કરામતોના વિસ્તાર તરીકે વિખ્યાત છે - એક મિડનાઇટ સન - મધ્યરાત્રીએ સૂર્ય અને બીજું નોર્ધર્ન લાઇટ્સ. પરંતુ બેઉ સાથે જોવું મોટેભાગે અશક્ય હોય છે - મિડનાઇટ સન ઉનાળામાં - જૂન-જુલાઈમાં સરસ દેખાય અને નોર્ધર્ન લાઇટ્સ શિયાળામાં! દરેક વિષે વધુ વાત પછી કરીશું. બેઉ કરિશ્મા જોવાની ઈચ્છા હોય તો બે વાર જવું પડે! અમે અમારા મિત્રો અને આગલા પ્રવાસના ડોક્ટર સાથીઓ - દિલીપભાઈ-જ્યોતિબેન અને કિરણભાઈ-પ્રીતિબેન સાથે ચર્ચા કરી. બધાની અનુકૂળતા જોતા ઓગસ્ટના અંત ભાગમાં જવાનું નક્કી કર્યું. એટલે બેઉ કરિશ્મા જોવા મળે એવી શક્યતા થોડી ઓછી હતી. પણ એમાં ફાયદો એ થયો કે બીજા ડોક્ટર યુગલ મિત્રો બંકિમભાઇ -મૃદુલાબેન પણ જોડાયા અને અમે અમારી સફરનું આયોજન શરુ કર્યું. એર ઇન્ડિયા દિલ્હીથી સીધી આ દેશો જાય છે એટલે મુંબઈ જવાની જરૂર નહોતી અને સુરતથી સ્ટોકહોમ એક જ તારીખમાં પહોંચી જવાય એવું શક્ય બન્યું. જોકે એ ફ્લાઇટ કભી ખુશી કભી ગમ જેવી હતી. ડ્રિમલાઈનર વિમાનમાં જગ્યા સારી હતી અને ખાવાપીવાનું પણ સરસ હતું, પણ મેઇન્ટેનન્સ બરાબર ન હોવાથી અડધા ગેજેટ્સ બરાબર ચાલતા નહોતા! આપણો મહારાજા દેશની ઈજ્જત વધારે એવું તો નજીકના ભવિષ્યમાં દેખાતું નથી!

સાંજે સાતની આસપાસ અમે વિમાનમાંથી ઊતર્યા. બધી ફોર્માલિટી પતાવીને બહાર નીકળ્યા તો બહાર પોણા આઠે પણ ખૂબ અજવાળું હતું. અમે હોટલ પહોંચવા જે વેન બુક કરેલી, તે કંપની ઘણી હાઈટેક નીકળી. તે ટેક્ષી કંપનીનો સંદેશો આવેલો કે અમારી એપ ડાઉનલોડ કરજો અને બહાર આવો એટલે અમને એપ પર જ જણાવજો! એમ કર્યું એટલે પાંચ મિનિટમાં વેન આવી ગઈ અને અમે સ્ટોકહોમ શહેર પહોંચ્યા. અમારી હોટલ શહેરની મધ્યમાં અને રેલવે સ્ટેશનની સામે જ હતી. ત્યાં પણ રાત પડવા આવી હતી અને એ તો આપણાથી સાડા ત્રણ કલાક પાછળ એટલે અમે થોડું ખાઈને આરામ કર્યો.

સ્વીડનની રાજધાની સ્ટોકહોમ, નોર્ડીક દેશોનું સૌથી વધુ વસ્તીવાળું શહેર કહી શકાય! ચૌદ ટાપુઓ થી બનેલા આ શહેરમાં લગભગ પંદર લાખ લોકો વસે છે - એટલે સુરતથી ત્રીજા ભાગના! મીઠા પાણીનું લેક માલારેન અહીં બાલ્ટીક સમુદ્ર ને મળે છે. આખા વિસ્તારમાં 30% પાણી છે અને બીજા 30% બાગ-બગીચા ધરાવતી હરિયાળી જગ્યાઓ! આપણે ત્યાં મળતી લક્ઝરી કાર વોલ્વો મૂળ સ્વીડનની બનાવટ છે. ઘણા શહેરોમાં કોઈ એક ઇમારત કે સીમાચિહ્ન એ શહેરની ઓળખાણ બની જાય છે જેમ કે પેરિસ અને એફિલ ટાવર કે સાન ફ્રાન્સિસકો અને તેનો ખ્યાતનામ પુલ. સ્ટોકહોમનું આવું સીમાચિન્હ છે એના એક નાના ટાપુ પર બનેલું લાલ ઈંટોનું ભવ્ય મકાન, જેની વચ્ચે બનાવેલા ટાવરના લીલા રંગના શિખર પર સ્વીડનના કોટ ઓફ આર્મ્સ ના પ્રતીક એવા ત્રણ સોનેરી મુગટ બનાવ્યા છે. આ છે સીટી હોલ - ત્યાંની મહાનગરપાલિકાનું મકાન. અહીં પાલિકાની ઓફિસો છે, રાજકીય સભાખંડ છે; પરંતુ, સામાન્ય લોકો પણ એમાં જઈ શકે છે અને એના આલીશાન હોલ ઘણા પ્રસંગો માટે ભાડે મળે છે. આ એક પ્રવાસી આકર્ષણ છે અને તેનું મુખ્ય કારણ છે એનો નોબેલ પારિતોષિક સાથેનો સંબંધ. નોબેલ પ્રાઈઝ નું વિતરણ તો બીજી જગ્યાએ કોન્સર્ટ હોલમાં થાય છે પણ તે પછીનું ડિનર અને ડાન્સ આ સીટી હોલમાં આયોજિત થાય છે. આ સીટી હોલ જોવાની જુદી ટિકિટ લેવી પડે છે જે નગરપાલિકા માટે આવકનું એક સ્ત્રોત પણ છે!

પ્રવાસ ને લગતા થોડા સુવિચારો:

1. પ્રવાસ પહેલા તમને અવાક કરી દે અને પછી કથાકાર બનાવી દે!

2. આ દુનિયા એક પુસ્તક છે અને જેઓ પ્રવાસ નથી કરતા, તે એક જ પાનું વાંચી શકે છે

3. આપણે જિંદગીથી છૂટવા માટે નહીં પણ જીંદગી આપણાંથી છૂટી ન જાય એટલે સફર કરવી જોઈએ

4. પ્રવાસ તમને વિનમ્ર બનાવે છે. તમને ખ્યાલ આવે છે કે વિશાળ દુનિયામાં તમારી હસ્તી કેટલી નાની છે!

5. હું બધે નથી ગયો પણ એ જગ્યામારા લિસ્ટમાં છે

નોબેલ પ્રાઈઝ સાથે જોડાયેલ, સ્ટોકહોમનું સીમાચિહ્ન એટલે સીટી હોલ - લોકો ત્યાં અમુક ભાગમાં ટુરના ભાગ રૂપે ફરી શકે છે. સાથે ત્યાંનો ગાઈડ હોય અને ટુરના સમય પણ નિશ્ચિત હોય. અમે અમારે માટે સવારની પહેલી પ્રાઇવેટ ટૂર બુક કરેલી. એટલે સવારે વહેલા તૈયાર થઇ ચા-નાસ્તો પતાવી અમે સીટી હોલ જોવા નીકળ્યા. અમારી હોટલથી નીકળી ફક્ત એક પુલ ઓળંગવાનો હતો. દૂરથી જ એ લેન્ડમાર્ક સરસ રીતે દેખાતો હતો. પ્રાંગણમાં પહોંચી અમે ઓફિસમાં ગયા, અમારો ગાઈડ તૈયાર હતો. એટલે એની સાથે અમે અંદર પ્રવેશ કર્યો.

લગભગ તરત જ એક વિશાળ ચોગાન જેવા 16000 ચો.ફુટ મોટા ઓરડામાં પ્રવેશ કર્યો. એક બાજુ પર અમને લઇ જઈ ગાઈડે એની ગાથા શરુ કરી. આ હોલનું પ્લાનિંગ અને બાંધકામ વીસમી સદી ની શરૂઆતમાં થયું અને લગભગ સો વર્ષ પહેલા આ હોલનું લોકાર્પણ થયું. ક્યા નેતાએ બનાવડાવ્યો કે ખુલ્લો મૂક્યો એવી વાત કોઈ જગ્યાએ નથી પણ કોણ આર્કિટેક્ટ હતો અને તેણે કેવી ડિઝાઇન બનાવેલી અને એમાં શું ફેરફાર થયા એની વાત અમને જણાવવામાં આવી. નેતાપૂજક ભારતીયો માટે નવાઈની વાત એ કે આ આર્કિટેક્ટ રેગનર ઓસ્તબર્ગ નું ત્યાં પૂતળું પણ છે! હમણાં વૉટ્સએપ પર એક સંદેશો વાંચેલો કે કોઈ પુલ પર કે મકાન પર તેના આર્કિટેક્ટ કે કોન્ટ્રાક્ટરનું નામ હોય તો તે કદાચ વધુ સમય ચાલે! સો વર્ષ પછી પણ એટલો જ ભવ્ય લાગતો આ સીટી હોલ અને તેના આર્કિટેક્ટ નું મહત્વનું સ્થાન, કદાચ આવા સંદેશાનું કારણ હોઈ શકે. આખા મકાનમાં આઠ કરોડ લાલ ઈંટો વાપરવામાં આવી છે અને તેના બહારના ભાગમાં તેના પર કશું પ્લાસ્ટર કે ફિનિશ નથી કર્યું.

ગાઈડે જણાવ્યું કે જ્યાં અમે ઊભા હતા એ વિશાળ ખંડનું નામ બ્લુ હોલ છે. અમે દશે દિશામાં નજર કરી તો સમ ખાવા જેટલો પણ ભૂરો કે વાદળી રંગ દેખાયો નહીં. 160 ફૂટ લાંબા અને 100 ફુટ પહોળા બ્લુ હોલની ઊંચાઈ 72 ફુટ છે - આપણા સાત માળ જેટલી! અને દીવાલોમાં અંદરની તરફ પણ કોઈ પ્લાસ્ટર નથી કરવામાં આવ્યું - પહેલા પ્લાન અંદર સમુદ્રનો ભૂરો રંગ કરવાનો હતો પણ આર્કિટેક્ટને લાલ ઈંટ નો અનફિનિશડ લૂક એટલો ગમી ગયો કે એણે બ્લુ રંગ નો કાર્યક્રમ પડતો મૂક્યો. પણ ત્યાં સુધીમાં એ નામ જાણીતું થઇ ગયેલું અને આજે સો વર્ષ પછી પણ એ જ નામ ચાલુ છે! બીજા છેડે વચ્ચેથી એક મોટો ભવ્ય દાદર ચાલુ થાય છે જે એક બાજુની લાંબી દીવાલ પર બનેલી મોટી ગેલેરીમાં લઇ જાય છે. કોઈ હિન્દી ફિલ્મ ના ક્લાઈમેક્સ સીનમાં વપરાય એવો સેટ છે!

અત્યારે નોબેલ પ્રાઈઝની જાહેરાત શરુ થઇ ગઈ છે અને દર વર્ષની જેમ દસમી ડિસેમ્બરે આ ઇનામો સ્ટોકહોમના કોન્સર્ટ હોલમાં અપાશે. તે સાંજે ભવ્ય બેન્કવેટ ડિનર અહીં બ્લુ હોલમાં યોજાશે જેમાં લગભગ બારસો માણસો હશે. આ આમંત્રણ મેળવવા માટે ત્યાં પડાપડી થાય. ખીચોખીચ ભરેલા હોલમાં અડોઅડ ખુરશીઓ ગોઠવવામાં આવે. ફક્ત પ્રાઈઝ-વિનર્સને જ થોડી વધુ જગ્યા મળે છે અને તે પણ માત્ર ચાર ઇંચ જેટલી! નોબેલ પ્રાઈઝ પછી પણ ચાર ઇંચ વધારે જગ્યા! આવું સાંભળીયે ત્યારે 'જાનતા હૈ મૈં કૌન હૂં ?' વાળો ઘમંડ થોડી વાર માટે તો ઉતરી જાય! બ્લુ હોલ નું નિરીક્ષણ કરી તેના વિશાળ દાદર ચઢીને અમે ઉપરની બાલ્કનીમાં પહોંચ્યા અને તેમાં લટાર મારીને અંદર ભપકાદાર 'ગોલ્ડન હોલ'માં પહોંચ્યા. અમને જણાવવામાં આવ્યું કે નોબેલ પ્રાઈઝ ના બેન્કવેટ ડિનર પછી દર વર્ષે બધા આમંત્રિતો સ્વીડનના રાજ પરિવાર સાથે આ ગોલ્ડન હોલમાં ડાન્સ માટે ભેગા થાય છે.

લગભગ અઢાર લાખ સોનેરી મોઝેઇક ટાઈલ્સ જડેલો ગોલ્ડન હોલ આંખને આંજી નાખે એવી ઝાકઝમાળ ધરાવે છે. સામેની નાની દીવાલ પર લેક માલારેનની કાલ્પનિક રાણીને સિંહાસન પર વચ્ચે બેસાડીને પૂર્વ અને પશ્ચિમના લોકો તેમને અંજલિ આપતા હોય તેવું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ રીતે પહેલાના જમાનામાં સ્વીડન અગત્યનું ભૌગોલિક અને વ્યાપારનું સ્થાન ધરાવતું હતું તેનું ચિત્રણ કરવામાં આવ્યું છે. એની બરાબર સામેની દિવાલ પર ઘણા ચિત્રોની મોઝેક ટાઇલ છે. આર્કિટેક્ટ અને ટાઇલ્સ ડિઝાઈનર વચ્ચે સંપર્કમાં તૂટ પડવાને કારણે, એમાં એક ચિત્ર માં ઘોડેસવારનું માથું છતની ઉપર જતું રહ્યું એટલે કપાઈ ગયું છે. જોગાનુજોગ એ ઘોડેસવાર નો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો, એટલે આર્કિટેક્ટ તરફથી એવું સમજાવવાનો પ્રયત્ન થયેલો કે તેનું નિરૂપણ થઇ ગયું! પણ લોકોએ વાત માની નહીં. આમ તો એ ચિત્ર એટલું ઉપર છે કે બહુ ધ્યાનથી ન જોનારને દેખાય પણ નહીં. પણ, ખજુરાહોના મંદિરમાં જેમ ઘણા મૈથુનના શિલ્પ તો ગાઈડ બતાવે તો જ દેખાય એમ ગાઈડે અમને એ ભૂલ બતાવી. અહીં સો વર્ષથી એ લોકો એ ભૂલ બધાને બતાવે છે અને એમની એમ રહેવા દીધી છે! બ્લુ હોલની જેમ જ ગોલ્ડન હોલ પણ ભાડે રાખી શકાય છે.

તે પછી અમને મ્યુનિસિપલ કાઉન્સિલ હોલ પણ બતાવવામાં આવ્યો. બધાના નામની પ્લેટ સીટ સાથે લગાવેલી હતી. 101 સભ્યોમાં 51 મહિલાઓ છે. ઉપરના ભાગમાં પ્રેસ અને વીઆઈપી ગેલેરી પણ છે. બધું પતાવીને અમે બહાર નીકળ્યા. એક વિકલ્પ બિલ્ડીંગ ની વચ્ચે નો 108 મીટર ટાવર ચઢવાનો હતો, જ્યાંથી આખું શહેર જોઈ શકાય. પણ અમે એ વિકલ્પ જતો કરી, ચોગાનમાં લેક માલારેનના કિનારે ફરીને કુદરતી સૌંદર્ય નો આનંદ લીધો. સીટી હોલ સાથેના બેકગ્રાઉન્ડ સાથે ફોટા પડાવી અમે આગળ મુકામ તરફ નીકળ્યા.

નોબેલ પ્રાઈઝ અને ભારત: મુખ્ય દાતા આલ્ફ્રેડ નોબેલના નામ પરથી અપાતા ખ્યાતનામ પારિતોષિક, નોબેલ પ્રાઈઝ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય ને શાંતિ માટે 1901 થી શરુ થયા. ત્યાર બાદ તેમાં ઈકોનોમિક્સનો ઉમેરો કરવામાં આવ્યો.નોબેલ પ્રાઈઝ અને ભારત ને બહુ ગાઢો સંબંધ નથી. અત્યાર સુધીના 935 વિજેતાઓમાં ફક્ત પાંચ ભારતીઓ છે. ખાસ કરીને વિજ્ઞાનના વિષયોમાં, 1930 માં સી વી રામનને રામન ઇફેક્ટ માટે મળેલા ફિઝિક્સ ઇનામ સિવાય, આપણે નવા વિચારો પ્રદાન કર્યા હોય એવું નોબેલ કમિટીને લાગ્યું નથી! ગાંધીજીને નોબેલ પીસ પ્રાઈઝ નહીં મળેલું એ ભારતીયોને સદા ખટકતું રહ્યું છે. આપણા બીજા વિજેતાઓ છે - રવીન્દ્રનાથ ટાગોર (સાહિત્ય -1913), મધર ટેરેસા (શાંતિ- 1979), અમર્ત્ય સેન (ઇકોનોમિક્સ - 1998) અને કૈલાશ સત્યાર્થી (શાંતિ -2014). જો કે એનઆરઆઈ ગણીએ તો હરગોવિંદ ખોરાના (મેડિસિન), ચંદ્રશેખર (ફિઝિક્સ) અને રામક્રિષ્નન (કેમિસ્ટ્રી), આ ઇનામ જીત્યા હતા. થોડા દૂરના સંબંધ જોવા જઇયે તો રોનાલ્ડ રોસ (મેડિસિન) અને કિપલિંગ (સાહિત્ય)નો જન્મ ભારતમાં થયો હતો. શાંતિ પારિતોષિક વિજેતા દલાઈ લામા ભારતમાં રહે છે અને વેસ્ટ ઇન્ડિયન નાયપોલ (સાહિત્ય) ના બાપદાદા ભારતીય હતા.

સ્કેન્ડિનેવિયામાં અમે જેટલા મોટા શહેરોમાં ફર્યા, ત્યાં અમે ત્યાંનો સીટી પાસ લઇ લીધેલો. એને લીધે અમને ત્યાં ફરવાની સુવિધા રહેતી અને મોટા ભાગની જોવા લાયક જગ્યાઓમાં તરત પ્રવેશ મળી જતો. દરેક શહેરના પાસ સગવડની દ્રષ્ટિએ થોડા જુદા રહેતા એટલે એ પ્રમાણે અમારે પ્લાંનિંગ કરવું પડતું. સ્ટોકહોમના સીટી પાસમાં એમનો સીટી હોલ જ ના આવે એટલે અમે તેના વગર પહેલા એ જોઈ આવ્યા, જેની વાત આપણે આગળ કરી. તે પછી અમે નજીકમાં આવેલી ઓફિસમાં જઈને અમારા સ્ટોકહોમ પાસ લીધા અને બાકીના આકર્ષણ જોવા નીકળ્યા.

ઘણા શહેરોમાં હોપ-ઓન, હોપ-ઓફ બસો હોય છે જે થોડા નિર્ધારિત રુટ પર ગોળ ફરે છે. તેની ટિકિટ હોય એટલે તેની સમયમર્યાદામાં ગમે તે સ્ટેન્ડથી ચઢી શકાય અને ગમે ત્યાં ઉતરી શકાય. સ્ટોકહોમ પાસ માં આવી હો-હો બસમાં ફરવાનું આવી જાય છે. અમે પણ સીટી હોલ જોઈને થોડા થાકેલા એટલા પહેલા તો એક લાબું ચક્કર બસમાં મારવાનું નક્કી કર્યું. એ રીતે આ ટાપુઓથી બનેલા સુંદર શહેરને માણવાનો અવસર મળી ગયો. સાથે બસમાં ઈયરફોન હોય અને જે જગ્યા આવે તેની કોમેન્ટ્રી સાંભળવા મળે એટલે સામાન્ય જ્ઞાન પણ તેટલા સમય પૂરતું થોડું વધી જાય! અડધા કલાકની આવી યાત્રા પછી અમે રોયલ પેલેસ પહોંચ્યા, જે આમ તો અમારી શરૂઆતના સ્ટેન્ડથી પાંચ મિનિટના અંતરે જ હતો! રોયલ પેલેસ - ત્યાંના રાજવી કાર્લ ગુસ્તાફનું અધિકૃત નિવાસસ્થાન છે. સ્વિડન પણ બ્રિટનની જેમ લોકશાહી છે જેના સંવિધાનિક મુખિયા ત્યાંના રાજા હોય છે. રાજમહેલના ઘણા ભવ્ય ઓરડાઓ અને કોરિડોરમાં આજે પણ ઘણાસમારંભો યોજવામાં આવે છે. અને તેમ છતાં લગભગ બધા દિવસ સામાન્ય જનતા પણ આમાં પ્રવેશ મેળવી શકે છે. તેરમી સદીમાં પહેલો રાજમહેલ અહીં બનેલો. તે પછી અઢારમી સદીમાં આ મહેલ બનાવવામાં આવ્યો।. એના ચૌદસોથી વધારે ઓરડાઓમાં લગભગ છસો રૂમમાં જ બારી છે! અંદર દાખલ થતાની સાથે એક તરફ આવેલા રોયલ ચેપલ - શાહી ચર્ચ માં જઈ અમે પ્રભુ વંદનથી મહેલ જોવાની શરૂઆત કરી. ત્યાર બાદ સામે થ્રોન રૂમમાં જઈ મહારાણીનું સિંહાસન જોયું।. ત્યાર બાદ ભોંયરામાં ટ્રેઝરીમાં જૂની રાજતલવાર વગેરે ના સંગ્રહ પર ઊડતી નજર નાખી. તે પછી મહેલનો ભવ્ય હોલ ઓફ સ્ટેટ અને જાજરમાન બર્નાડોટ્ટી ગેલેરીઓ જોઈ. સોનેરી અને બીજા રંગોનું સુંદર સંયોજન અને દીવાલો અને છત પર ચિત્રકલાના સુંદર નમૂનાઓ, ઘણી જગ્યાઓએ ગોઠવેલી આરસની સુંદર શિલ્પકૃતિઓ - સ્વિડન એ જમાનાનું મહત્વનું મહારાજ્ય હતું એ સરસ રીતે દર્શાવી આપતું હતું. એટલે મહેલ જોવાની મજા પડી.

સ્ટોકહોમ વિસ્તારમાં, આગળ જણાવ્યું હતું તે મુજબ, 30% પાણી છે. એટલે બોટ ની સફર પણ એક અગત્યનો ભાગ છે. અને બસ ની જેમ હોપ ઓન- હોપ ઓફ બોટ પણ બધા ટાપુઓની મુલાકાત કરાવે છે. રાજમહેલ જોઈને અમે બહાર કિનારા પરથી આવી હોહો બોટમાં બેઠા અને પાણીમાંથી સ્ટોકહોમ લેન્ડસ્કેપ જોતા ડ્યૂરગાર્ડન નામના ટાપુ ગયા, જ્યાં તેનું મહત્વનું મ્યુઝિયમ - વાસા મ્યુઝીટ આવેલું છે. અહીં બધા હોલિવૂડની ફિલ્મને કારણે ટાઇટેનિક જહાજની વાર્તા જાણતા હશે. વાસા ની વાર્તા આપણને ભાગ્યે જ ખબર હોય! સત્તરમી સદીમાં સ્વીડનના રાજાએ તેના નૌકાદળ માટે એક મોટું અને ભવ્ય જહાજ બનાવડાવ્યું. તે જમાનાનું કદાચ એ સૌથી મોટું વોરશીપ હોઈ શકે જેમાં 64 તોપો અને અસંખ્ય સૈનિકો અને ખલાસીઓ સમાઈ શકે. એક રવિવારે જયારે રાજા બીજે યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે એમણે જહાજને પહેલી વાર જોતરવાનો હુકમ આપી દીધો. રાજાને ના પાડવાનો તો સવાલ હોય નહીં! સૈનિકો થોડા આગળથી બેસવાના હતા. બંદરથી ફક્ત ખલાસીઓ અને તેમના કુટુંબીઓ બહુ બધા પ્રેક્ષકોની હાજરીમાં આ જહાજમાં નીકળ્યા. ગણતરીની મિનિટોમાં માંડ એક કિમિ ચાલીને આ જહાજ ડૂબી ગયું! આપણે ત્યાં થાય છે એમ તપાસ સમિતિ બેઠી, કેપ્ટનની ધરપકડ થઇ. છેલ્લે એવું નિષ્કર્ષ આવ્યું કે ડિઝાઇન ખોટી હતી અને તે બનાવનારો મરી ગયો હતો એટલે બાકી બધાને નિર્દોષ ઠેરવવામાં આવ્યા! લગભગ 333 વર્ષ દરિયાને તળિયે રહ્યા પછી, આ જહાજને પાછું શોધવામાં આવ્યું અને લગભગ અકબંધ મળ્યું એટલે એને ઉપર લાવીને બને એટલા મૂળ સ્વરૂપમાં સજાવીને મ્યુઝિયમમાં ગોઠવી દેવામાં આવ્યું. આજે એ સ્ટોકહોમનું એક મોટું પ્રવાસી આકર્ષણ છે.

મ્યુઝિયમની વચ્ચે આ જહાજને ગોઠવ્યું છે અને એને ત્રણ બાજુએથી જુદા જુદા લેવલ પરથી જોઈ શકાય એવી રીતે સાત માળ બનાવ્યા છે. દરેક માળ પર જુદી જુદી માહિતી મળી રહે એવી ગોઠવણ છે. એટલે એક માળ પર વાસા કેવી રીતે બન્યું, એક પર તેના સ્ટાફ માટે કેવી સુવિધાઓ હતી; એક પર તોપો વિષે માહિતી તો એક પર સમુદ્રને તળિયે બેઠેલા જહાજને કેવી રીતે શોધું અને કેવી રીતે ઉપર લાવ્યા તે વિશેની જાણકારી છે. એક લેવલ પર જહાજને કેવી રીતે શણગારેલું તે બતાવ્યું છે. વાસા નો એક અર્થ ઘઉંનો પૂળો થાય છે અને સ્વીડનના રાજપરિવારના કોટ ઓફ આર્મ્સ માં પણ એ આલેખાયું છે. કદાચ આ જહાજ પણ એ જ આકારમાં બનાવેલું! પછી તેની ઉપર બહુ બધા રાજાશાહી સાજ શણગાર અને ઢગલાબંધ તોપ - એમાં જહાજ ટોપ-હેવી બની ગયું અને અકાળે પાણીની કબર પામ્યું! સદીઓથી થતા પોસ્ટ-મોર્ટમમાં ઘણા લોકોએ એવું કહ્યું છે કે આવી ઘટના નિવારવી હોય તો સરકારે ટેક્નોલાજી ક્ષેત્રથી દૂર રહેવું જોઈએ અને એને વાસા સિન્ડ્રોમ નામ આપવામાં આવ્યું! આટલા લેવલ ફરવામાં અને બધી બાજુથી શીપને જોવામાં દોઢેક કલાક આરામથી પસાર થઇ ગયો અને બહાર નીકળ્યા ત્યારે સામે ઉભેલી કોફીની લારી ઘણી વહાલી લાગી!

સ્ટોકહોમના વાસા મ્યુઝિયમ જોઈને અમે ફરીથી હો-હો બોટમાં બેસી સમુદ્રવાટે રોયલ પેલેસ આવી ગયા. રોયલ પેલેસ ની પાછળ જ ગમલાસ્તાન તરીકે ઓળખાતા વિસ્તારમાં સ્ટોકહોમનું જૂનું શહેર આવેલું છે. યુરોપના ઘણા શહેરોમાં જોવા મળે છે એમ આ જૂના વિસ્તારમાં અસલના કોબલ્ડ રોડ - નાના પથ્થરોના બનાવેલા રસ્તાઓ જાળવી રાખ્યા છે. એમાં ફરવાની પહેલા ઈચ્છા હતી પણ યુરોપના મોટા ભાગના શહેરોમાં ચાલવાનું ઘણું હોય છે. અને સીટી હોલ, રોયલ પેલેસ અને વાસા મ્યુઝિયમ જોઈને બધાનો ચાલવાનો ક્વોટા પતી ગયો હતો! એટલે અમે બાજુમાંથી જ શરુ થતી રોયલ કેનાલ બોટ ટૂર લેવાનું નક્કી કર્યું.

આગળ આપણે વાત થયેલી કે સ્ટોકહોમ એક આર્કિપેલેગો - દ્વીપસમૂહ થી બનેલું શહેર છે. થોડા ટાપુઓની વચ્ચેથી પસાર થતી ડ્યૂરગાર્ડન કેનાલ ને રોયલ કેનાલ કહે છે. શહેરના શાંત વિસ્તારોમાંથી પસાર થતી આ નહેર આગળ જઈને આર્કિપેલેગોના પ્રવેશદ્વાર આગળ સમુદ્રને મળે છે. પહેલા ગમલાસ્તાન અને પછી નાના ટાપુઓ આવતા ગયા. થોડી ઐતિહાસિક ઇમારતો પણ આવી, જેના વિષે ઓડીઓ કોમેન્ટ્રીમાં જણાવવામાં આવ્યું. તેમાં એમ પણ જણાવ્યું કે આ બધા ટાપુઓ પર અપેક્ષા મુજબ ધનિકોના વિકએન્ડ ઘરો તો છે જ, પણ ઘણા બધા ટાપુઓ પર સામાન્ય જનતા પણ આવીને બધી સગવડોનો લાભ લઇ શકે. શહેરના મધ્ય ભાગથી માંડ અડધા કલાક દૂર કુદરતનું સાનિધ્ય મળી જાય, એટલે શનિ-રવિ મોટા ભાગના સ્વીડ લોકો આવા ટાપુઓ પર ફીશીંગ, બોટિંગ કે વોટર સ્પોર્ટ્સમાં વ્યસ્ત રહે. અમને પણ કલાક માટે આ શાંત કુદરત માણવાનો અવસર મળ્યો! તે પછી નજીકની ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈ ભોજન લીધું અને અમારી હોટલ પહોંચી ગયા. બીજે દિવસે અમારે સ્ટોકહોમ અને સ્વીડનને બાય કરવાનું હતું.