શાંતનું - શ્રી સિદ્ધાર્થ છાયા.
થોડા વખત પહેલાં આ નવલકથા ઇ બુકનાં સ્વરૂપે પુરી કરી.
પહેલાં તો નામ જોઈ ભીષ્મ વાળા શાંતનુ ની ઇતિહાસ કથા હશે એમ માનેલું. આ એક નાગર યુવકની કથા એ જેવો છે એવો જ ચિતરતી , એની આસપાસની ઘટનાઓ, એનો અને એના વિધુર પિતાનો માતા વગરના જીવનમાં સંઘર્ષ , તેનું અને મિત્રનું એક સાથે એક એક છોકરી સાથે પ્રેમમાં 'લવ એટ ફર્સ્ટ સાઇટ' પડવું, તરત પેલા પ્રખ્યાત ગીત જેવું થાય છે-
'પ્યાર હુઆ ઇકરાર હુઆ હે પ્યારસે ફિર કયું ડરતા હે દિલ.
કહેતા હૈ દિલ રાસ્તા મુશ્કિલ માલુમ નહીં હૈ કહાં મંઝિલ'.
છેલ્લા પ્રકરણની છેલ્લી લાઈન સુધી આ મુજબ જ થાય છે. માલુમ નહીં હે કહાં મંઝીલ.
નાગર પિતા પુત્ર ઘરની સામાન્ય વાત પણ પ્રાસ મેળવી કવિતામાં કરે એ કલ્પના સરસ હતી પણ સ્વાભાવિક રીતે, તેઓ પ્રેમાનંદ કે અખો નથી એટલે એ પ્રાસ મેળવતી પંક્તિઓ અમુક જગ્યાએ જ જામી.
પિતા પુત્રની હાલચાલ ને વર્તણુક પરથી એના મનમાં શું ચાલી રહ્યું છે તેની કલ્પના કરી શકે છે. પિતા ખૂબ એકોમોડેટિવ છે. થોડું રહસ્ય કહી દઉં- પ્રેમિકા ને એની તૂટેલા લગ્નની પુત્રી સાથે ઘરમાં અપનાવી તેના દાદા બની રહેવું એ વાત એ પિતાના પાત્રને લાર્જર ધેન લાઈફ કરે છે.
તો ટુંકસાર કઈંક આમ છે. વાંચ્યાના એક વીક પછી યાદ છે ને આપી શકું છું તે મુજબ.
ઇન્સ્યોરન્સ ઓફિસમાં સાથે કામ કરતા બે યુવકોને નાના મોટા ભાઈ જેવો સંબંધ છે. તેમની ઓફિસની બાજુમાં જ ટ્રાવેલની ઓફિસ ખુલે છે. તેમાં કામ કરતી યુવતી તો દેખાવડી ને સ્માર્ટ જ હોય ને! એ આ શાંત શાંતનુને ગમી જાય છે. કન્યા એ જ દિવસે ટ્રાવેલનીનવી ઓફિસ હોઈ બાજુની ઇન્સ્યોરન્સ ઓફિસમાં સ્ટેપલર લેવા જાય છે ને શાંતનું સાથે મૈત્રી થઈ જાય છે. શાંતનું એના પ્રેમમાં પડે છે.
તે અને તેનો 'નાનો ભાઈ'' કલીગ ઓફિસ નજીકના એક કોફી હાઉસમાં એ ટ્રાવેલ વાળી બેય કન્યા કોફી પીતી હોય છે ત્યાં જઈ ચડે છે. હવે તેમને પણ કોફી મંગાવવી પડે છે. શાંતનું તેની સ્વપ્નસુંદરી સામે ગોઠવાઈ તેની લટ જોયા કરે છે.(આ વાત મારા મગજમાં એટલી પેસી ગઈ હશે કે કાલની કોરોના કથા 3 માં પ્રૌઢ તેની પત્નીની લટ જોઈ ભાન ભૂલે છે એ બહાર આવ્યું. ) ઉપરાંત પેલીના લો કટ બ્લાઉઝ માંથી દેખાતી, લેખકના શબ્દોમાં 'ખીણ' નાયકને આખી રાત દેખાય છે. નાનો મિત્ર તો એને મિત્ર પાસે 'ભાભી ને પ્રપોઝ કર' એમ જ કહે છે.
અનેક વખત એ સમય આવે છે પણ પ્રપોઝ શક્ય બનતું નથી.
છતાં 'બરસાતકી એક રાત' તે કન્યાને યુવકનાં સ્ત્રી વગરના ઘરમાં રાતવાસો કરવા ફરજ પાડે છે. વરસાદમાં ટિફિન આવે એમ નથી તો અજાણ્યા ઘરમાં યુવતી રસોઈ બનાવી આપણને મનમાં એના સસરાને ખુશ કર્યાં એવો વિચાર લાવે છે. વરસાદ રહેતાં સવારે યુવક તેને ઘેર મુકવા જાય છે પણ ઘરમાંથી કોઈ ઉમળકો બતાવતું નથી.
ખરાખરીનો ખેલ હોય એ મુલાકાતમાં યુવતી કહી દે છે કે તે 3 વર્ષથી એક દક્ષિણી યુવકને કમિટેડ છે. શાંતનું નાં સપના કડડ ભૂસ થઈ જાય છે.
તે પ્રેમિકાને એમ જ પ્રેમ કરતો રહે છે. પ્રેમિકા લગ્ન કરી સ્ટેટ્સમાં જતી રહે છે. ત્રણ વર્ષે નેટ પર સામસામે મુલાકાત થાય છે ત્યારે તેની બે વર્ષની પુત્રી પાસે હાય કહેવરાવે છે. શાંતનું તેના 'સ્કાઈપમેન' બની જાય છે. ઓનલાઈન પણ એ ટબુકડી શાંતનું સાથે હળી જાય છે.
પતિ વિદેશ હોય ત્યારે પ્રેમિકા ઓનલાઈન થાય ત્યારે તેના મોં પરની ઇજા જોઈ શાંતનું ઉલટતપાસ કરી જાણે છે કે તે ડોમેસ્ટિક વાયોલન્સની હંમેશ ભોગ બનતી આવી છે. તે રડી પડે છે. શાંતનુ અને તેના પિતા આ સ્થિતિમાં તેને પોલીસને બોલાવવા કહે છે. એરપોર્ટ પરથી પતિની ધરપકડ થાય છે અને કન્યા નાની બેબીને લઈ ભારત પરત આવે છે. તેની જિંદગીમાં કોઈ રસકસ રહ્યા નથી. જ્યારે નાનો મિત્ર એ પ્રેમિકાની પંજાબી ફ્રેન્ડ સાથે પરણી સુખી સંસાર માણતો હોય છે. તે બન્ને શાંતનુને ફરી તેની નજીક જવા સમજાવે છે. શાંતનુ એક મદદગાર છે પણ પ્રેમિકા ને પત્ની બનાવવા વિચારતો નથી.
અમુક સંજોગોમાં બેબીને એકલી શાંતનુને ઘેર મૂકી પ્રેમિકાને થોડા દિવસ બહાર જવું પડે છે. તેના બાલમંદિરની બીજી ગર્લ્સ શાંતનુને તેના ડેડી માને છે જે હજુ સુધી 'સ્કાઈપ મેન' અંકલ ગણતી બેબીના મગજમાં ઠસી જાય છે.
થોડા યત્ન પછી પ્રેમિકા પુત્રીના માનેલા ડેડી સાથે પ્રભુતામાં પગલાં માંડે છે પણ તેના શરીરને ભોગવ્યા સિવાય. શાંતનુને આ પણ મંજુર છે જો જે તીવ્ર આકર્ષણ તો તેના દેહનું થયેલું.
દાદાજીને તો સુના ઘરમાં તૈયાર માલે પૌત્રી અને વહુ મળે છે.
પ્રેમ અને બલિદાનની વાર્તા.
શૃંગાર અમુક દ્રશ્યોના વાતાવરણ અને આડકતરી રીતે દર્શાવી શકાયો હોત. શાંતનુ ના 'સ્ખલન' માટે હસ્તમૈથુનનું થોડું ઉઘાડું વર્ણન છે.
અમુક સંજોગો કે વાતાવરણના વર્ણન પણ વધુ સારી રીતે કહી શકાય હોત.-
શ્રી સિદ્ધાર્થ છાયા ને તમે સહુ ઇ છાપું પર વાંચો જ છો. ત્યાં હું નિયમિત કૃતિઓ મુકું છું અને એ રીતે તમારા સહુના સંપર્કમાં આવું છું એટલે ઇ છાપું અને સિદ્ધાર્થ છાયા નો તો હું આભારી છું.
ઇ -બુક માતૃભારતી પર છે.
સિદ્ધાર્થ છાયા ની શરૂમાં લખાયેલી નવલકથા.