આભાર....
આ વાર્તાનું કથાબીજ આપ્યું શ્રી રાજુભાઇ ભટ્ટ જેમને સૌ રાજુ ધોળકાના નામે પણ ઓળખે છે. આ કથાબીજ માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું.
આ વાર્તા સંપુર્ણપણે કાલ્પનિક છે. તેમાં આવતાં પાત્રો- સ્થળો કે ઘટનાઓને હકીકત સાથે કોઈ સબંધ નથી. જો એવું જણાય તો એને માત્ર એક સંયોગ સમજવો.આભાર.
ધરમદાસના વંડામાંથી સ્મશાન યાત્રા નીકળી ત્યારે કોરોનાનાં ડરને કારણે કે પછી સરકારી નિયમને કારણે માત્ર દસ જણા સ્મશાનયાત્રામાં હતા. દરેકને મોઢે એક જ વાત હતી કે છોકરાએ આત્મહત્યા કેમ કરી? કોઈ કહેતું કે એના પરિવારને quarantine કર્યો એ વાત એ સહન ન કરી શક્યો એટલે, તો કોઈએ કહ્યું કદાચ ઘરમાં ખેંચ - આર્થિક સંક્ડામણ ઊભી થઈ હશે એટલે. સ્મશાનયાત્રા નીકળી ને વેરાઈ માતાની પોળ પાસેથી પસાર થઇ ત્યારે lockdown ના કારણે કોઇ જ બહાર નહોતું, પણ દૂર ધાબા પર એક છોકરી ઊભી હતી. એ છોકરી જાણતી હતી એ છોકરાના મૃત્યુનું કારણ.
જેનું મૃત્યુ થયું હતું એ હતો પ્રેમ અને ધાબા ઉપર ઊભી હતી એ વર્ષા.
પ્રેમ અને વર્ષા એક જ બસમાં સાથે જ કોલેજ જતા હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને વેલેન્ટાઈન્સ ડેના દિવસે બંનેએ પ્રેમનો ઈઝહાર પણ કર્યો હતો અને એ જ દિવસે લવ બાઈટ હોટેલના 3×2નાં FR એટલે કે ફેમિલી રૂમમાં બંનેએ સૂકા હોઠને ભીના કર્યા હતા, ને
પ્રેમના સાત કોઠા શબ્દ - સ્પર્શ -ચુંબન- આલિંગન - મર્દન - ભેદન - સ્વેદન - સ્ખલનમાંથી ત્રણ કોઠા પાર કરી લીધા હતા.
દર અઠવાડિયે એકવાર love bite હોટલની એ 3 × 2 ની કેબિનમાં મળવા લાગ્યા.
શબ્દથી શરૂ થયેલી દરેક મુલાકાત એક - એક કોઠા પાર કરતી મર્દન સુધી પહોંચી ગઈ હતી.
નખ્ખોદ જાય કોરોનાનું કે 22માર્ચે જનતા કરફ્યુ લાગ્યો ને પછી 24 માર્ચે મોદી સાહેબે આવીને 25 માર્ચથી 21 દીવસનું lockdown જાહેર કર્યું. કોલેજ બંધ, બસ બંધ, બધું જ બંધ થયું. પણ છતાં નયનસુખ મળી રહેતું. કોઇ વસ્તુ લેવાને બહાને પ્રેમ વેરાઈ માતાની પોળ સુધી ચક્કર મારી આવતો.
whatsapp પર વાતો થતી અને ક્યારેક વીડિયો કોલિંગથી દર્શન પણ. મઢિ નાની ને બાવા ઝાઝા એવું પોળોના ઘરોમાં હોય છે એમ ઘર નાનું હોવાથી વધુ વાત ન થઇ શકતી એટલે ક્યારેક ચોરી ચોરી વીડિયો કોલિંગ કરી બન્ને નયન સુખ મેળવી લેતા. નવો-નવો પ્રેમ હતો અને પ્રેમ રસ પણ ચાખ્યો હતો એટલે બેઉ ક્યારે lockdown પતે ને હોટલ લવ બાઈટની એ કેબીનમાં ભરાઈ જાય પાછા, એની રાહ જોતા હતા.
14 એપ્રિલે lockdown પતે એનાં બે દિવસ પહેલા મોદી સાહેબ પાછા હાજર થઈ ગયા લઈને 19 દિવસનું lockdown 2.0. 15 એપ્રિલથી 3 મે. કાયદા કડક થઇ ગયા હતા અને એમાં પણ પ્રેમની આસપાસનો એરિયા Quarantine કરવામાં આવ્યો હતો એટલે વેરાઈ માતાની પોળ સુધી જઈ જે નયનસુખ મળતું હતું તે પણ છીનવાઇ ગયું હતું. કેટલાક એરીયા કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. lockdown 2.0 એ બધાની હવા ટાઈટ કરી દીધી. ખાસ કરીને પ્રેમ અને વર્ષા જેવા પ્રેમીઓની.
Whatsapp પર વીડિયો કોલિંગ થી એકબીજાને જોઈ શકાય પણ સ્પર્શની મજા વીડિયો કોલિંગ માં થોડી આવે?
lockdown 2.0 માં અમદાવાદના 12 દરવાજા બંધ કરવામાં આવ્યા. ઘણા એરિયામાં કરફ્યૂ લગાવવામાં આવ્યો. ઘણા એરિયા લૉક કરવામાં આવ્યા. આખેઆખી પોળ ને મહોલ્લાંને Quarantine કરવામાં આવ્યા. પ્રેમ ને વર્ષા બન્ને એકમેકને મળવા તલપાપડ થઈ રહ્યા હતા. બંને પ્રેમની વર્ષામાં ભીંજાવા આતુર બન્યા હતા.
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે એક દિવસ પ્રેમ રાત્રે બાર વાગ્યે નીકળી પડ્યો મોઢા પર માસ્ક પહેરીને વર્ષા ને મળવા.એણે વર્ષાને મેસેજ કર્યો હતો કે આજે હું કોઈપણ રીતે તને મળવા આવીશ તો બાર વાગ્યે ધાબા પર આવજે.
પ્રેમ ગલીકૂંચીમાંથી ઓટલા વટાવતો, લારીઓ ટપાવતો પહોંચી ગયો વર્ષાનાં ધાબા પર.
વર્ષા આવે એની રાહ જોતો બેસી રહ્યો ...વર્ષા આવી ને પ્રેમ બધું જ ભૂલીને વર્ષા ને વળગી પડ્યો. ઘણા વખતે સૂકા થયેલા હોઠ ફરી ભીનાં થયા. બંને એકમેકનો હાથ પકડીને બેઠા.
ખુલ્લું તારા ભર્યુ આકાશ લવ બાઇટની એ 3×2 ની કેબીન બની ગયું હતું.
થોડીવાર પછી વર્ષા એ કહ્યું હવે તું જા પછી મળીશું. પ્રેમે કહ્યું, "આવી જ રીતે. " વર્ષાએ ના પાડી આ રીતે નહિ તને ખબર છે ને આ વાયરસ ચેપી છે. પ્રેમે કહ્યું, હું ઘરે જઈ સેનેટાઇઝરથી હાથ સાફ કરી લઇશ ઓ.કે. ને તું પણ કરી લેજે. વર્ષા પ્રેમથી ગુસ્સે થતાં બોલી, ને તું હવે આવું ગાંડપણ નહીં કરતો. પ્રેમે હા કહી ને પ્રેમ પાછો જેમ આવ્યો હતો તે જ રીતે ઘરે પાછો જતો રહ્યો.
થોડા દિવસમાં પ્રેમના ઘરના લોકોને કોરોના પોઝિટિવ હોવાથી quarantine કરવામાં આવ્યા.પ્રેમ યઁગ હતો, એની ઇમ્યૂનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોવાથી એને કંઈ થયું નહીં પણ એના મમ્મી, પપ્પા અને દાદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો બીજી તરફ વર્ષાનાં ઘરના સભ્યોને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા કારણ કોરોના.
પણ કેવી રીતે થયો? કારણ માત્ર વર્ષા જાણતી હતી અને...
ત્યાં 2 એપ્રિલે lockdown 2.0 પૂરું થવા આવ્યું ત્યાં જ શરૂ થયું 17 મે સુધીનું lockdown 3.0.
પ્રેમને વર્ષાનો વીરહ લંબાતો જતો હતો. પ્રેમે પાછો એને મેસેજ કર્યો આજે રાત્રે મળીએ? વર્ષાએ ના પાડી પ્રેમે જીદ કરી. વર્ષાએ કહ્યું, આપણે વાતો કરીએ છીએ ને whatsapp પર પછી શું છે? પણ પ્રેમ તો પ્રેમમાં પાગલ થઇ ગયો હતો અને એમાં એનો વાંક ન હતો કારણ કે...
સ્ત્રી માટે પ્રેમ શબ્દ છે ને પુરુષ માટે શરીર.
પ્રેમ શરીરની ગંધ પારખી ગયો હતો, લોહી ચાખ્યા સિંહની જેમ.
એણે 11 વાગ્યે ફરી મેસેજ કર્યો હું રાત્રે બાર વાગ્યે આવું છું, તૈયાર રહેજે, ધાબા પર. પ્રેમ ફરી એ જ રીતે પહોંચ્યો ઓટલા ટપાવતો, લારીઓ કુદાવતો, વર્ષાના ધાબા પર. વર્ષા પહેલેથી જ હાજર હતી. એણે પ્રેમના આવતાની સાથે જ પ્રેમની વર્ષા કરવાના બદલે અગ્નિવર્ષા કરી. "તું....તને ખબર પડે છે? પ્રેમના આવેગમાં તું સામાજિક જવાબદારી ભૂલી ગયો છે. તું પહેલા આવ્યો હતો ત્યારે તારા કારણે મારા દ્વારા મારા ઘરના ને ચેપ લાગ્યો ને અમારા કારણે પોળનાં અનેક લોકોમાં અને એ લોકો આજે હોસ્પિટલમાં છે.
તારા માટે પ્રેમ મહત્વનો છે? મળવું મહત્વનું છે? એક નાગરિક તરીકેની તારી કોઈ જવાબદારી નથી?
તું જયાંથી આવે છે એ થાંભલા, એ લારીઓ, એ ગલીના રસ્તાઓ,ઓટલાઓ ક્યાંયથી પણ ચેપ લાગી શકે છે. તેનું તને ભાન છે કે નહીં? તને એમ છે કે તુ આવી રીતે મળવા આવે છે એ બહું બહાદુરીનું કામ કરે છે.
સમય અને સંજોગ જોઇ જે વર્તે એ જ સાચો બહાદુર કહેવાય.
તું હમણાં ને હમણાં જતો રે મારે તારો આવો અણસમજુ પ્રેમ નથી જોઈતો. આઈ હેટ યુ. આઈ હેટ યુ. પ્રેમને વર્ષાના આવા જવાબની અપેક્ષા નહોતી. એને એમ હતું કે એણે હોલિવૂડની ફિલ્મનાં કોઇ હીરો જેવું કામ કર્યું છે પોતાની હિરોઇન ને મળવા માટે. પણ ફિલ્મ અને જીવનમાં ફર્ક હોય છે.
રીલ લાઈફ અને રીઅલ લાઇફમાં ફર્ક હોય છે.
ફિલ્મોમાં બધું જ પ્લાન હોય છે. ડાયલોગ લખેલા હોય છે, ડાયરેક્ટર કટ કરીને રીટેક કરી શકે છે પણ જિંદગીમાં રીટેક નથી હોતો.
જીંદગીમાં ડાયરેક્ટર ઉપરવાળો હોય છે ને ડાયલોગ રાઈટર તમારી નિયતિ.
વર્ષાના મોઢે આ પ્રકારના ડાયલોગ અને આવી Unexpected એક્ટિંગ જોઇને પ્રેમને આઘાત લાગ્યો. એ ઘરે પાછો આવતો રહ્યો ને બીજે દિવસે સ્મશાનયાત્રા નીકળી જેના દર્શન માટે વેરાઈ માતાની પોળમાં ધાબે વર્ષા ઉભી ઉભી રડી રહી હતી અને અફસોસ કરી હતી.
પણ આ જિંદગી છે જેમાં રીટેકને અવકાશ નથી હોતો. સામાજિક જવાબદારી પૂરી કરવામાં એણે એના પ્રેમનું બલિદાન આપ્યું હતું? કે પ્રેમનું ખૂન કર્યું હતું?
એ તમારે નક્કી કરવાનું છે.