પ્રત્યાગમન - ભાગ ૧૦ - છેલ્લો ભાગ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રત્યાગમન - ભાગ ૧૦ - છેલ્લો ભાગ

ભાગ ૧૦

જજે મધુકરને કહ્યું,”તમારા વિરુદ્ધ બધા આરોપ સાબિત થયા છે, હું ફાઇનલ જજમેન્ટ આપું તેના પહેલા તમારે તમારી સફાઈમાં કંઈ કહેવું છે?”

મધુકરે કહ્યું,”મારા પરના કોઈ આરોપોનું હું ખંડન કરવા નથી માંગતો અને હું નિર્દોષ છું તેવું પણ કહેવા નથી માંગતો. હા! પણ તમારી રજા હોય તો હું બધાની સામે મારી પત્નીને જરૂર કઈ કહેવા માંગુ છું.” જજે પરમિશન આપી. મધુકરે ઊંડો શ્વાસ લીધો અને શરુ કર્યું .

“મૃણાલ, તું મારી જિંદગીમાં આવી તે મારી સદનસીબી હતી. હું તારે લાયક હતો કે નહોતો તે હું નથી કહી શકતો. એટલું જરૂર કહીશ કે જીવનમાં મેં તારા સિવાય કોઈને પણ પ્રેમ નથી કર્યો. હું મિડલ ક્લાસમાં જન્મેલો વ્યાપારીનો પુત્ર જે નાની ચાલીમાં રહેતો હતો. હું મુંબઈની કોલેજમાં ભણવા માગતો હતો પણ મારા પિતાની એટલી હેસિયત નહોતી. હું મારા પૈસાદાર મિત્રોને જયારે પાર્ટી આપતા કે પીકનીક કરતા કે બહાર ફરવા જતા જોતો ત્યારે મને મારી ગરીબી પ્રત્યે ઘૃણા થતી. હું પૈસાદાર બનવા માગતો હતો અને ત્યાં મને હર્ષદ મહેતા નામનું તરણું મળ્યું. મને મારો માર્ગ મળી ગયો હતો . મારે પૈસાદાર બનવું હતું અને એટલા પૈસાદાર કે મન થાય ત્યારે વિદેશમાં ફરવા કે ખરીદી કરવા જઈ શકાય. હું શ્રીમંત બન્યો પણ ખરો પણ તેમાં મારા હાથે એક ભૂલ થઇ ગઈ. બેન્કોએ જયારે વધુ ધિરાણ આપવાની ના પડી ત્યારે મેં અંડરવર્લ્ડ પાસેથી ધિરાણ લીધું.”

“ મોટી રકમ કોઈ વ્યાપારી આપવા માગતો ન હતો અને હું તે વખતે વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા માંગતો હતો. પણ હર્ષદભાઈના સ્કેમ બહાર આવ્યા પછી માર્કેટ તૂટી ગયું અને હું બરબાદ થઇ ગયો. મારો મોટો દાવ ઊંધો પડી ગયો હતો . જો મેં અંડરવર્લ્ડ પાસેથી ધિરાણ ન લીધું હોત તો મારે ક્યાંય ભાગવાની જરૂર નહોતી. શેરબજાર તૂટી ગયા પછી અંડરવર્લ્ડ પાસેથી પૈસા માટે પ્રેશર આવવા લાગ્યું અને થોડા સમય પછી ધમકીઓ મળવા લાગી મને અને પરિવારને ખતમ કરવાની તેથી મેં વિચાર કર્યો કે જો હું અહીંથી જતો રહું તો મારો પરિવાર સુરક્ષિત રહેશે તેથી હું ભાગી ગયો આત્મહત્યા કરવાનું નાટક કરીને. હું બુઝદિલ હતો તેથી આત્મહત્યા પણ ન કરી શક્યો. જો મેં તે વખતે આત્મહત્યા કરી હોત તો આજે તને આ દિવસ જોવો ન પડત. હરિદ્વારમાં હું શાંતિથી રહેતો હતો અને તમારી ભાળ પણ મેં લીધી હતી. મારા ગયા પછી તું જેવી રીતે એકલી લડી અને ધ્રુવનો જે રીતે ઉછેર કર્યો તે માટે મારા મનમાં ખુબ માન છે.”

“તું કદાચ બીજા લગ્ન કરી શકત પણ તે મને જીવંત માનીને બીજા લગ્ન ન કર્યા. દસ વરસ પછી તે લોકોને મારી ભાળ મળી અને ફરી પાછું મારા પર પ્રેશર આપવાનું શરુ કર્યું. ત્યાં મેં જે કર્યું તેના માટે મને કોઈ પછતાવો નથી તેઓ એ જ લાગના હતા. તેઓ ધર્મના નામે ધંધો કરતા હતા અને તેની આડમાં ગોરખધંધા ચલાવતાં હતા. ત્યાંથી અહીં આવ્યા પછી પણ હું  અંડરવર્લ્ડની વોચલિસ્ટમાં હતો અને ધ્રુવ હવે શ્રીમંત થઇ ગયો હતો તેથી મારા પર પ્રેશર વધાર્યું. મારી હિમ્મત નહોતી ચાલી કે હું તને કે ધ્રુવને ખુલીને કંઈ કહું તેથી મેં મારી રીતે પ્રબંધ કરવાનો વિચાર કર્યો. મેં વિચાર કર્યો કે જો થોડા પૈસા ભેગા થાય તો હું ફરી પાછા શેરબજારમાં ઈન્વેસ્ટ કરું અને ફરી પાછો મારા જુના સ્વરૂપમાં આવી જાઉં, તેથી મૃણાલ'સના સપ્લાયરને સાધીને ઓર્ડર અપાવવા કટકી માંગી જે મને મળી પણ ખરી.”

“જ્યાં સુધી સ્વિમિંગપૂલની ઘટનાની વાત છે મને ખબર નહોતી કે આટલો મોટો એક્સીડંટ થઇ જશે મને હતું કે થોડો કરન્ટ પાસ થયા પછી ઈ એલ સી બી ટ્રીપ થઇ જશે અને નાનો એક્સીડંટ થશે અને ધ્રુવને નાની સજા થશે. મને પૈસા ફક્ત શેરબજારમાં લગાવવા માટે જોઈતા હતા. જે થયું તેના માટે મને ખરેખર દુઃખ છે.”

“દુનિયાનો સૌથી મોટો ભાર પુત્રની લાશનો હોય છે પણ અહીં તો તેનું મૃત્યુ મારા લીધે થયું છે, તો તેનાથી મોટો ભાર શું હોઈ શકે અને આ ભાર લઈને હું જીવવા નથી માંગતો. જજ સાહેબ હું મારા માટે ફાંસીની સજા માંગુ છું.” મૃણાલ શાંતિથી બધી વાત સાંભળતી રહી.

મધુકરના મૌન થયા પછી મૃણાલે કહ્યું,”જજસાહેબ, જો તમારી રજા હોય તો હું મારા પતિને કંઈ કહેવા માંગુ છું.”

મૃણાલે કહ્યું,” તમને જે સજા મળે તે ફાંસી કે ઉમરકેદ મને હવે કોઈ ફરક નથી પડતો. હું તો ઈચ્છીશ કે તમને ઉમરકેદની સજા મળે જેથી તમે જિંદગીભર પછતાતા રહો. અને એક સજા હું તમને અત્યારે જ આપું છું.” એટલું કહીને મૃણાલે પોતાના માથેથી ચાંદલો ભૂંસી નાખ્યો અને ગળામાંથી મંગળસુત્ર ઉતારી લીધું અને કહ્યું,”હવે હું વિધવા તરીકે જ જીવીશ.”એટલું કહીને કોર્ટમાંથી નીકળી ગઈ. મધુકરને શું સજા મળી તે સાંભળવા પણ ઉભી ન રહી. બે મહિના પછી વિરારની દુકાનમાં મૃણાલ નાની નિધિને લઈને બેઠી હતી. થોડીવારમાં એક ઘરાક આવ્યો એટલે નિધિને ખુરસીમાં બેસાડી ઉભી થઇ અને પૂછ્યું " શું આપું ભાઈ ?"


સમાપ્ત

જ્યોતિન્દ્ર મહેતા