વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-16) Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-16)

પ્રકરણ – 16

બારણામાંથી તેનો પ્રવેશ….
કોનો?
એનો…
ગુઆન-યીન
વૃંદાના ગાલ પરથી મારા હાથ પાછા ખેંચાઈ ગયા. ગુઆન-યીન તરફ પીઠ રાખીને બેઠેલી વૃંદાને નવાઈ લાગી. અમને જોઈને મૅડમ ઉકળી….
એક હાથે તેણે વૃંદાના વાળ પકડ્યા અને પાછળની તરફ જોરથી ખેંચ્યા. વૃંદા પાછળની તરફ ખેંચાઈ. તેને પકડવા માટે મેં હાથ લંબાવ્યા. તે પલંગ પરથી નીચે પટકાઈ… ઊંધી ગુલાંટ ખાઈને ફટાક કરતી ઊભી થઈ ગઈ… અણધાર્યા હુમલાનો પ્રતિકાર કરવા માટે સજ્જ થઈ… ‘મૅડમ!’ ગુઆન-યીનને જોઈને ઠરી ગઈ.
“એય…” વૃંદા પડી એ વખતે મારાથી ગુઆન-યીનને બોલાઈ ગયું.
ગુઆન-યીનની અર્ધવર્તુળાકારે વીંઝાયેલી લાત મારા લમણાં પર વાગી. પલંગ પરથી હું સખત રીતે નીચે પટકાયો.
વૃંદા એમ જ ઊભી રહી.
ચાઈનીઝ ભાષામાં મૅર્વિનાને કંઈક હુકમ કરીને ગુઆન-યીન બહાર જતી રહી.
હું બેઠો થયો.
“પગ ભેગા કર.” વૃંદાએ મને કહ્યું.
“આ બારી કૂદીને આપણે ભાગી જઈએ, વૃંદા!”
તે મારી સામે નથી જોતી. પગ બાંધી રહી છે મારા.
“વૃંદા….”
“મૅર્વિના…” નજર મારી સામે કર્યા વિના તે બોલી ગઈ.
“બધું બરાબર થઈ જશે, વૃંદા!”
તે ઊભી થઈને મારી પીઠ પાછળ આવી.
“હાથ પાછળ લાવ.”
“વૃંદા….” હાથ પાછળ લઈ જઈને હું બોલતો રહ્યો- “પ્લીઝ, વૃંદા…. પ્લીઝ!”
મોઢા પર બાંધવાનું કપડું લઈને તે મારી બાજુમાં બેઠી. બોલી-
“વેદ, જો મૅડમ તને મારી નાખશે તો હું આપઘાત કરી લઈશ. બીજા કોઈ જન્મમાં આપણે સાથે રહીશું.”
“અ-” તેણે મારા મોં પર કપડું બાંધી દીધું.
દોઢ-બે સેન્ટીમીટર જાડો, કમરથી જમીન સુધી પહોંચે તેટલો લાંબો અને તાજો જ કાપેલો ડંડો લઈને ગુઆન-યીન ઘરમાં પ્રવેશી.
વૃંદા માથુ નમાવીને, હાથ પાછળ બાંધીને, મારી તરફ ફરીને ઊભી છે. ગુઆન-યીન ઝડપથી આગળ આવી અને એ ડંડો જોરથી વીંઝ્યો. હવામાં વીંઝાવાનો સ્પષ્ટ અવાજ સંભળાયો અને વૃંદાના બાવડા પર એ ડંડો અથડાયો…. મૅડમના ચહેરા પર લાલાશ તરવરી રહી છે અને વૃંદા એક લથડિયું ખાઈ ગઈ છે. તે હજી સંતુલિત થાય એ પહેલાં જ બીજો પ્રહાર… એ જ હાડકા પર… વૃંદાથી રાડ નખાઈ ગઈ… તે જમીન પર ફસડાઈ પડી…. ત્રાંસી નજરે તેણે મારી સામે જોયું…. જાણે હજારો ચાબખાં એકસાથે મારા પર વીંઝાયા…
“ડુ યુ લાઈક હીમ?” મૅડમે રાડ નાખીને પૂછ્યું.
તે મૌન રહી. મૅડમના મજબૂત બૂટની પ્રથમ લાત વૃંદાના ખભા પર અને ખૂબ જ બળપૂર્વક ઝીંકાયેલી બીજી લાત પેટમાં… બીજી લાત વખતે એક ઉંહકારા સાથે વૃંદા ટૂંટિયું વળી ગઈ.. હાથ પેટ પર દબાઈ ગયા, આંખો મીંચાઈ ગઈ અને ચહેરા પર પીડાની રેખાઓ ઉપસી આવી.
“ગીવ મી ધ આન્સર!” કહીને મૅડમે લાકડી છેક ઉપર સુધી ઊંચકી. વૃંદા કંઈ ન બોલી. મૅડમના ગુસ્સાનો પાર ન રહ્યો. તેણે આડેધડ લાકડીઓ ઠોકવા માંડી. વૃંદા લગભગ રડમસ અવાજે ઊંહકારા કરતી રહી.
મેં બંધ મોઢે બૂમ પાડી ત્યારે તે અટકી. મારી સામે ફરી. ઝડપથી ચાલીને મારી પાસે આવી. લાકડી ઉગામી…
“મૅડમ…” વૃંદા બોલી- “આઈ ડુ નોટ લાઈક હીમ…”
બે ઘડીના સન્નાટા પછી તેણે પૂરું કર્યું-
“આઈ લવ હીમ….”
“અઆઆ……” મૅડમ બરાડી અને એ લાકડી અતિશય વેગથી મારા ડાબા ગાલ પર….. હું જમણી બાજુએ પછડાયો…. તમ્મર… અંધારા…. તૂટેલા દાંત બંધાયેલા મોઢામાં જ રહ્યાં…. મોં પર બંધાયેલું કપડું લોહીથી ભીજાવા લાગ્યું… યસ, શી લવ્સ મી…
“સ્ટેન્ડ અપ!” મૅડમે વૃંદાને હુકમ કર્યો.
વૃંદા માંડ બેઠી થઈ. એક લથડિયું ખાઈને તે ઊભી થઈ. ગુઆન-યીને પિસ્તોલ વૃંદાના હાથમાં આપી અને હુકમ કર્યો-
“શૂટ હીમ…. નાઉ!”
વૃંદા જાણે ભૂત ભાળી ગઈ હોય એમ મૅડમ સામે જોઈ રહી. ને જાણે મારો જીવ તો અત્યારથી જ શરીર છોડી ચૂક્યો છે. મૅડમે વૃંદાને એક લાફો ઠોક્યો ત્યારે વૃંદા અને હું ભાનમાં આવ્યા.
“મૅર્વિના, આઈ ઓર્ડર યુ ટુ કીલ હીમ નાઉ!” ગુઆન-યીને કડક સ્વરે કહ્યું.
વૃંદાએ બંને હાથે પિસ્તોલ પકડી….
પિસ્તોલ મારી સામે તાકી…
એક આંગળી ટ્રીગર પર મુકી….
“સોરી, વેદ!” તે રડમસ અવાજે, ગુજરાતીમાં બોલી- “તને અહીં બોલાવીને મેં બહુ મોટી ભૂલ ક-”
“શૂટ!” મૅડમ બરાડી.
“હું મારી જાતને માફ નહિ કરી શકું, વેદ! તને મારીને હુ પણ મરી જઈશ… મળીશું ફરીથી… રસ્તો અનંત છે….”
“શૂટ હીમ, નાઉ”
મેં આંખ મીંચીં દીધી…
વૃંદા…
ચાલને, સાથે મળી શોધીએ એક રસ્તો અનંત…
છોડ હવે આ મારગ ટૂંકા, કાપીએ એક રસ્તો અનંત…
તું અને હું, હું અને તું, ને આપણો….. રસ્તો અનંત…
મોત માત્ર વળાંક, બાકી આપણો…. રસ્તો અનંત….
“મૅડમ, અલાઉ મી ટુ હગ હીમ, પ્લીઝ!”
“નો!”
“મેં આંખ ખોલી. વૃંદા હાથ જોડીને ઊભી છે, જોડાયેલા હાથમાં પિસ્તોલ છે. આજીજી કરી રહી છે-
“મને એકવાર ભેટવા દો, મૅડમ!”
“ના, તારે એને હંમેશને માટે ભૂલી જવાનો છે. મારી નાખ એને, ચલાવ ગોળી!”
“હું નહિ એ કરી શકું…..” વૃંદાએ હાથ હેઠાં મૂક્યા- “સોરી, મૅડમ!”
ગુઆન-યીન મારી નજીક આવી. ડંડાનો એક છેડો મારા તૂટેલા જડબા પર મૂક્યો. “મૅર્વિના… શૂટ…” કહીને તેણે એ ડંડો મારા જડબા પર દબાવ્યો… હું કણસી ઊઠ્યો… વધુ જોરથી દબાવ્યો… પીડા…. લોહિયાળ કપડાથી બંધાયેલી ચીસ…
વૃંદાના હાથમાંથી પિસ્તોલ પડી ગઈ. તે ઘુંટણિયે પડી. રડવા લાગી. કરગરી-
“મૅડમ, એને છોડી દો, પ્લીઝ! હું એને કદી નહિ મળું. એના વિશે વિચારીશ પણ નહિ. એને જીવતો રાખો, મૅડમ… પ્લીઝ, મૅડમ!”
ગુઆન-યીને મારા ગાલ પરથી ડંડો ખસેડી લીધો.
ને મારા જડબા પર એક લાત ઠોકી… અસહ્ય વેદના… મોં પર બંધાયેલું કપડું ફાટી જાય એવી ચીસ…. ખુલ્લી આંખે અંધારું છવાઈ ગયું… કપડું લોહીથી તરબતર થઈ ગયું… કપડામાંથી લોહી નીચે ટપકવા માંડ્યું…
વૃંદા સડાકાભેર ઊભી થઈ ગઈ… જાણે આપોઆપ જ પિસ્તોલ તેના હાથમાં પકડાઈ ગઈ… મારી સામે તકાઈ ગઈ…
બસ…
વેદની વાર્તા પૂરી….
મમ્મી…
પપ્પા…
વેદ ઘરે પાછો નહિ આવે…
….
“એ..ય ચાઈનીઝ ડાયન…”
આ કોનો અવાજ?
ત્રણેયની નજર અવાજની દિશામાં ગઈ. ઘરના દરવાજે એક માણસ ઊભો છે… હું ઓળખું છું એને… કોણ?… ડૉ.પાઠક!
“અરે, વેદ…” મને જોઈને તેઓ બોલ્યાં- “ગજબ થઈ ગયો આ તો!”
“હુ આર યુ?” ગુઆન-યીને પૂછ્યું.
“આઈ એમ ધ ગ્રેટ….” તેમણે કમરે હાથ મૂક્યાં- “ડૉક્ટર… પાઆ….ઠક!”
“કોણ પાઠક?”
“એ મહત્વનું નથી, ચૂડેલ!” તેઓ અંગ્રેજીમાં બોલ્યાં- “મહત્વનું એ છે કે હું જાણું છું…”
“શું?”
“અબાઉટ…” તેઓ બે ડગલાં પાછળ ખસીને બોલ્યા- “ઓ.ડી.આઈ.” અને તેઓ અવળાં ફરીને દોડ્યા..
“હું આવું ત્યારે આ મરેલો જોઈ…” લાકડી ફેંકીને ગુઆન-યીન પણ પાછળ દોડી…
ઘડીકમાં તો બંને જણા કમ્પાઉન્ડની બહાર!
શું થઈ ગયું આ?
મેં અને વૃંદાએ એકમેકની સામે જોયું. તે નીચે બેસી પડી. અહીંથી ભાગી છૂટવા માટેની તક છે આ. મારું મોં બંધાયેલું છે.
“હંમ્‌….” આના સિવાય હું કંઈ બોલી શકું તેમ નથી.
“ભાગીને ક્યાં જઈશું, વેદ?”
“હં…”
“ભલે, ભાગી જઈએ.”
“હં..” હું ખુશ થયો.
“આ દુનિયા જ છોડી દઈએ!” કહેતી તે ઊભી થઈ અને મારી સામે પિસ્તોલ તાકી.
“હં?”
“મૅડમ પાછા આવશે ત્યારે અહીં બે લાશ પડી હશે, વેદ!”
મારા પર ગોળી છોડવા તે તૈયાર થઈ…
“ઊભી રહેજે…. વ્હાલી વૃંદા!”
વળી આ કોનો અવાજ?
અવાજ બારી બહારથી આવ્યો છે. અમે બંને એ બારી તરફ જોયું.
બસ, એની જ તો જરૂર હતી…
એ જ….
અદ્‌ભૂત…
અનન્ય….
અનુપમ…
અવની.
બારી બહાર તે ઊભી છે.
જરા કૂદીને બારી પર ચડી અને અંદર આવી.
“અવની?” વૃંદાએ પિસ્તોલ નીચી કરી.
“હા…..” માથુ એકતરફ ઢાળીને મીઠા લ્હેકા સાથે તેણે જવાબ આપ્યો,
અવની વૃંદાની નજીક જતાં બોલી-
“વૃંદા, તું આવી ભંગાર વાતો કેમ કરતી હતી?”
“ભંગાર?”
“હં!” મેં અવાજ કર્યો.
“લ્લે…. આ તો આપણો વેદ!” મારી તરફ ફરીને અવની બોલી- “ઓળખાય એવો ય નથી રહ્યો તું તો!”
હું ચૂપ રહ્યો.
“આમ ઉતરેલી કઢી જેવું ડાચું કરીને નીચે કેમ પડ્યો છે? ને આ મોઢું ટૉમેટો-કૅચપથી રંગી કેમ દીધું? શું ખાધું’તું?”
આંખો બંધ કરીને તેની આ ભયંકર મજાક હું પી ગયો.
“વેદ…”
“….”
“વૃંદા, આનું પ્રાણપંખેરું ઊડી ગયું લાગે છે!”
“હંઅ‌અ….”
“સોરી! સોરી! ગુસ્સો નહિ!” તે મજાકિયા સ્વરે બોલી- “પણ હું તને તે ન’તી કે’તી?”
“હં?”
“કે મેં તને ટ્રેનમાં જરાક જ ફટકાર્યો’તો! આવી હાલત તો ન’તી કરીને મેં તા-” તેને અચાનક જ વૃંદાના હાથમાંથી પિસ્તોલ છીનવી લીધી.
“અવની…” વૃંદા કંઈ સમજી શકી નહિ.
અવનીએ વૃંદાની સામે પિસ્તોલ તાકી-
“તારો ખેલ પૂરો, મૅર્વિના!”
અવની વૃંદાને ગોળી મારી દેશે….
આ ન થવું જોઈએ…
મેં બેઠા થવાનો પ્રયત્ન કર્યો. મારા હાથપગ બંધાયેલા છે. બેઠો ન થઈ શક્યો. ફરી પ્રયત્ન કર્યો, નિષ્ફળતા.
વૃંદા ગભરાઈ ગઈ છે…
અવની તેની સામે પિસ્તોલ તાકીને ઊભી છે…
હું ઢસડાતો ઢસડતો અવની તરફ આગળ વધ્યો…
વૃંદાની નજર મારા પર આવી. મારા હાથ પીઠ પાછળ બંધાયેલા છે. બંધાયેલા પગ સંકોચીને ફરીથી ખોલું સીધા કરું છું અને એ સમયે પગથી જમીનને ધક્કો મારીને શરીર આગળ ધકેલું છું. હું અવની તરફ મહાપ્રયત્ને ઢસડાઈ રહ્યો છું. શરીરના અસ્તવ્યસ્ત હલનચલનને કારણે માથું વારંવાર જમીન સાથે અથડાય છે એટલે તૂટેલા જડબામાં વેદના થાય છે. હું અવનીની નજીક જઈ રહ્યો છું. બધી જ વેદના અવગણીને અવની તરફ આગળ વધી રહ્યો છું….
માથું અવનીના પગમાં મૂક્યું…
“હં…” હું કરગરી પણ નથી શકતો.
મોંમાંથી નીકળેલું લોહી અવનીના પગ પર ચોંટ્યું.
પગ બંધાયેલા, હાથ બંધાયેલા, જડબુ ભાગેલું, લોહિયાળ મોં, તૂટેલા દાંત મોંમાંથી બહાર પણ નથી આવ્યા, માથું અવનીના ચરણોમાં અને કરગરી રહ્યો છું…. એક આતંકવાદી છોકરી માટે…
“મૅર્વિનાને મારવી પડશે, વેદ!” અવની બોલી.
“હં….” મહાપરાણે મેં માથું સહેજ ઉંચું કર્યું, આમતેમ હલાવીને ‘ના’ પાડી.
“હમણાંથી તને જાતે ઊંઘતા તો આવડતું જ નથી, નહિ?”
મારા માથામાં તેણે પિસ્તોલનો હાથો માર્યો….
પિસ્તોલનો ધડાકો સંભળાયો…
મારું મસ્તક ફરી અવનીના પગમાં ઢળ્યું…. બેભાન….
*****
ફક્ત પીળો જ નહિ, રંગબેરંગી સૂર્ય છે આકાશમાં. ને પેલા વાદળોની વચ્ચે વિશાળ મેઘધનુષ કાયમ હોય જ છે. લીલાછમ ઘાસથી આચ્છાદિત ટેકરીઓના ઢાળ પર સફેદ પાંખોવાળા શ્વેત અશ્વ દોડી રહ્યાં છે… થિડું દોડીને બધાં જ એકાસાથે ઊડ્યા…. વાહ! મેં તાળીઓ પાડી.
એક ટેકરીની ટોચ પર ઊંચા-ઊંચા મિનારાવાળા સુંદર ઘરના ઝરૂખામાંથી મમ્મી મને બધું દેખાડી રહી છે. મમ્મીના ખોળામાં બેસું એટલો નાનો છું હજી હું.
સફેદ હંસોનું એક ટોળું ઝરૂખા આગળથી પસાર થયું. હવે મેં એના પર ધ્યાન આપ્યું. એ ટોળું એક સરોવરમાં ઊતર્યું. બધાં હંસ પાણીમાં તરવા લાગ્યા, મોતી ચરવા લાગ્યા.
ત્યાં, વાદળોની પેલે પારથી કંઈક આવી રહ્યું છે. એ નજીક આવતું જાય છે. એની વિશાળ પાંખોનો ફફડાટ અહીં સુધી સંભળાય છે. એ વિશાળ કાગળ ઝરૂખા આગળ આવીને અટક્યો. ધીમે ધીમે પાંખો હલાવીને તે હવામાં સ્થિર રહ્યો. તેમાંથી અવાજ આવ્યો-
‘વેદ,
વાદળોની પેલે પાર દૂર દેશમાં એક સુંદર પરીને તારી મદદની જરૂર છે. તું નહિ જાય તો એ પરી આત્મહત્યા કરી લેશે. તને ત્યાં સુધી પહોંચાડવાની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. ચાલ, વેદ! એ પરીને તારી જરૂર છે.
અવાજ બંધ થયો. હું મોટો થઈ ગયો. હવે હું મમ્મીના ખોળામાં નથી બેઠો. હું પપ્પાની બાજુમાં બેઠો છું. પપ્પાએ મને તલવાર આપી અને ‘વિજયી ભવ’ આશીર્વાદ આપ્યા. હું ઊડતા પત્ર તરફ ખેંચાયો. ઝરૂખામાંથી બહાર નીકળ્યો. પત્ર હવે ચટ્ટાઈની જેમ સમક્ષિતિજ ઊડી રહ્યો છે. હું એના પર બેસી ગયો. પપ્પાને આવજો કહ્યું અને ઊડ્યાં…..
હું ઘણી જ ઊંચાઈ પર છું. જાતજાતનાં પક્ષીઓની પડખેથી પસાર થઈ રહ્યો છું. મેઘધનુષની નીચેથી નીકળ્યા. મેઘધનુષ પર એક ભવ્ય સિંહાસન છે. તેના પર કોઈક બેઠું છે. તેણે મારી સામે જોયું. તેના અપાર તેજથી હું અંજાઈ ગયો. તેનું નામ મેં પૂછ્યું. તેનું નામ અવની છે. તેણે કંઈક જાદુ કર્યો અને પત્ર અતિશય વેગથી આગળ ધપ્યો. વાદળોમાં ઘૂસ્યા…. કંઈ જ દેખાતું નથી… સફેદ ધૂમાડા…. પૂંઊંઊંઊં…. છૂક્‌છૂક્‌…. છૂક્‌છૂક્‌…. હું રેલગાડીમાં બેઠેલો છું…
રમણીય પર્વતમાળાઓ વચ્ચે થઈને રેલગાડી દોડી રહી છે. હું ડબ્બાના દરવાજે ઊભો છું. બહારનું સુંદર દ્રશ્ય જોઈ રહ્યો છું. અચાનક જ અંધકાર છવાઈ ગયો. હું પાછળ ફર્યો. કાળા કપડા પહેરીને એક પરી ઊભી છે. તેનું મોં કાળા કપડાથી ઢંકાયેલું છે. તેણે મારી સામે આંગળી કરી. એ આંગળીથી મને બહાર જવાનો ઈશારો કર્યો. એ જ વખતે મને ભેદી ધક્કો વાગ્યો. હું ટ્રેનમાંથી બહાર ફેંકાયો. હવામાં આમતેમ ફંગોળાયો. લાગ્યું કે હું પાગલ થઈ જઈશ. કોઈકે મને ઝીલી લીધો….
મેં એ માણસને જોયો. લાંબા વાળ, જાડા કાચના ચશ્મા અને હસતો ચહેરો. મને તેડીને તે દોડ્યો. અતિશય વેગથી તે દોડી રહ્યો છે. એક પર્વત ફરીને સામે પાર આવીને તે અટક્યો. ‘મારું કામ પૂરું’ કહીને તેણે મને છોડી દીધો. હું પડતો થયો…
ભફાંગ…
પડ્યો નદીમાં…
પાણીમાં ઘણે ઊંડે ઊતરી ગયો. રૂપેરી માછલીઓનું એક ઝૂંડ મને વીંટળાઈ વળ્યું. એકાએક એ બધી માછલીઓ મને ધક્કો મારવા લાગી. હું એક નિશ્ચિત દિશામાં આગળ વધી રહ્યો છું. એક કાચબો દિશાસૂચક બનીને આગળ તરી રહ્યો છે. પાણીની અંદરની જાતજાતની વનસ્પતિઓની વચ્ચે થઈને હું આગળ વધી રહ્યો છું. સામે એક સુંદર પરી દેખાઈ. તેની છેક નજીક લઈ જઈને માછલીઓએ મને છોડ્યો. કાચબો પણ ક્યાંક જતો રહ્યો. ‘હું તારી મદદ કરવા આવ્યો છું’ એવું મેં એ પરીને કહ્યું. થોડીક માથાકૂટ પછી એ મારા પર વિશ્વાસ કરવા લાગી. એ માટે મારે એક ભયંકર માછલીથી તેની રક્ષા કરવી પડી હતી. આખરે એણે મને પોતાની દુનિયા દેખાડી. જાતજાતની વાનગીઓ મને જમાડી અને પોતાનો ભૂતકાળ કહી સંભળાવ્યો.
ક્યાંકથી એક ગાળિયો આવ્યો અને મારા ગળામાં ભરાયો. આ પરી જોતી રહી. મને બચાવવા માટે તેણે કોઈ પ્રયત્ન ન કર્યો. હું પાણીની બહાર ખેંચાઈ ગયો. હું હજીય ખેંચાઈ રહ્યો છું. જમીન પર ઢસડાઈ રહ્યો છું. જંગલમાંથી મને કોઈક લઈ જઈ રહ્યું છે. આકાશને સ્પર્શતાં વૃક્ષો વચ્ચે હું ઢસડાઈ રહ્યો છું. કોઈક મને ગુફામાં ખેંચી ગયું. સંપૂર્ણ અંધકાર…
જાડી સાંકળથી મારા હાથ બાંધવામાં આવ્યા. મારા પગ પર બેડીઓ બાંધવામાં આવી. ગળામાં લોખંડનો ગાળિયો પહેરાવાયો. ઊભો કર્યો મને. પાછળથી કોઈકે મને હડસેલો માર્યો. હું ચાલવા લાગ્યો. ચાલવામાં તકલીફ પડી રહી છે. અમુક કરતાં વધારે અંતરનાં ડગ ભરાતાં જ નથી.
થોડું વધારે ચાલ્યા પછી હું મશાલોને કારણે પથરાયેલા લાલાશ પડતા આછા પ્રકાશયુક્ત વિસ્તારમાં આવ્યો. મારી આગળ બે વિચિત્ર માણસો ચાલી રહ્યાં છે. તેમનાં માથે શિંગડા છે, પાછળ પૂંછડી છે. તેઓ કમરમાંથી સહેજ ઝૂકેલા છે. તેમનાં શરીર પર ખાસ ચામડી નથી. પાંસળીઓ સ્પષ્ટ ઉપસી આવે છે. મેં ચાલતાં ચાલતાં જ પાછળ નજર કરી. પાછળ પણ એવા બે માણસો આવી રહ્યાં છે. મેં તેમનાં ચહેરા જોયાં. મોટી અને લાલઘૂમ આંખો, લાંબું નાક અને હોઠના બંને છેડેથી બહાર નીકળતા લાંબા અને તીક્ષ્ણ દાંતને લીધે તેમનો ચહેરો ડરામણો લાગે છે. હું આગળ ફર્યો. આ ચારેયે કમરથી ઢીંચણ સુધી કોઈક પશુના ચામડાનો કટકો વીંટાળેલો છે, બાકી શરીર પર કોઈ કપડું નથી. ખરેખર આ કોઈ માણસો નથી, દાનવો છે.
જાતજાતના અવાજો આવવા લાગ્યા. જાણે કેટલાંય માણસો કણસી રહ્યાં હોય, પીડાથી બૂમો પાડી રહ્યાં હોય એવા અવાજો આવવા લાગ્યા. આ સાંકડો રસ્તો પૂરો થયો અને ગુફાના ઘણા જ વિશાળ ભાગમાં અમે પ્રવેશ્યા. પેલી બાજુએ લાવાની નદી વહી રહી છે. મારા જેવા કેટલાંય માણસોને આ ચાર જેવાં જ બીજા ઘણા દાનવો યાતના આપી રહ્યા છે. કેટલાક માણસો બંધાયેલા છે અને તેમને ચાબખા પડી રહ્યા છે, પીઠ લોહિયાળ થઈ ગઈ છે. કેટલાકને લાવાની નદી પર ઊંધા લટકાવ્યા છે. લાવાની ગરમીથી તેમનાં શરીર શેકાઈ રહ્યા છે. આવું તો કંઈકેટલુંય થઈ રહ્યું છે. અમે આ બધાંની વચ્ચેથી આગળ વધ્યા.
એક અતિ ભવ્ય સિંહાસન તરફ અમે જઈ રહ્યા છીએ. માનવહાડમાંથી એ સિંહાસન બનાવેલું છે. સિંહાસનના હાથાના છેડા પર ખોપરી મૂકેલી છે. સિંહાસન પર એક છોકરી બેઠેલી છે. ફેણ ચડવીને બેઠેલા નાગના આકારાનો મુગટ પહેર્યો છે તેણે. એ મુગટની વચ્ચેથી તેના શિંગડા નીકળી આવે છે. કાનની બૂટ પર લગાવેલા લટકણિયામાં મોટાં મણકાં ભરાવેલા છે. આંખોના ભવાં પર કાળા રંગની કડીઓ ભરાવેલી છે. હોઠ કાળા રંગની લિપાસ્ટીકતઃઈ રંગાયેલા છે અને તેનાં બંને છેડેથી લાંબા અને તીક્ષ્ણ દાંત બહાર આવી રહ્યાં છે. કાળ રંગનું લાંબું વસ્ત્ર પહેરીને તે બેઠી છે. બે દાનવો તેનો એક એક પગ દબાવી રહ્યા છે અને પાછળ ઊભેલા બે પવન નાખી રહ્યા છે. તે મને જોઈ રહી છે.
અમે તેની સામે આવીને ઊભા રહ્યાં. મને અહીં સુધી લાવેલા ચારેય દાનવો આગળ વધ્યા. સિંહાસનની છેક નજીક જઈને અટકયાં. ઘુંટણિયે પડ્યા. સિંહાસન પર બેઠેલી છોકરીએ મારા પરથી નજર ખસેડી અને એ ચારને જોયા. તેમણે હાથ આગળ ટેકવીને માથુ જમીનને અડાડ્યું.
“જાઓ!” પેલીએ હુકમ કર્યો અને ચારેય ઊભા થઈને જતાં રહ્યાં. હવે મારી સામે જોઈને તે બોલી-
“વેદ, આ જ વાસ્તવિકતા છે. દુનિયા દુઃખ-દર્દથી ખદબદી રહી છે. તું ભ્રમમાં જીવે છે. મારી વાત માની લે, મારી પાસે આવી જા.”
તે ઊભી થઈ. હવે તેની પૂંછડી પણ દેખાઈ. પગ દબાવનાર દાનવો આઘા ખસ્યા. તે મારી નજીક આવી, એકદમ નજીક. આંખમાં આંખ પરોવીને બોલી-
“આવી જા આ દુનિયામાં, વેદ! મારા સ્પર્શથી તું પણ રાક્ષસ બની જઈશ. તારા માથે શિંગડા ઉગશે, દાંત મોટા થઈ જશે અને પૂંછડી ઊગી જશે. આપણે બંને સાથે આ દુનિયામાં રહીશું.. વાસ્તવિક દુનિયામાં…”
તેણે હળવે રહીને મારા ગાલ પર હાથ મૂક્યો. તેના લાંબા નખ મારા કાનને અડી રહ્યાં છે. તે મારી સામે જોઈ રહી છે…
હું બદલાઈ રહ્યો છું?…. ના…
તો?
મેં બંધાયેલા બંને હાથ તેના ગાલ પર મૂક્યા… જાણે અમારા શરીરમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થવા લાગ્યો…
મારા બંધનો દૂર થયા…
દાનવો વિસ્ફોટ સાથે ગાયબ થઈ ગયા…
હાડકાંમાંથી બનાવેલું ભયાનક સિંહાસન સુવર્ણ સિંહાસનમાં પરિવર્તિત થઈ ગયું….
પ્રકાશ….
ઉજ્જ્વળતા…
અમે ઊભા છીએ ત્યાં અમારા ઢીંચણ સુધી સફેદ ધૂમ્રસ્તર રચાયેલું છે. અમે એમ જ ઊભા છીએ…
તેના કાનના લટકણિયા, ભવાં પરની કડીઓ અને માથા પરનો મુગટ ગાયબ… હોઠ પરની કાળાશ જતી રહી… તેનું કાળું વસ્ત્ર સુંદર શ્વેત વસ્ત્રમાં ફેરવાયું… તેના ચહેરા પર તેજ પ્રગટ્યું… તે ખૂબ જ સુંદર બની ગઈ… જાણે સૌંદર્યની દેવી….
મેં તેના ગાલ પરથી હાથ ખસેડ્યા. તેણે આજુબાજુ જોયું. હૂંફાળો તડકો અમારા પર નીતરી રહ્યો છે. મેઘધનુષ ઘણું નજીક છે. હવે ધૂમ્રસ્તર અલોપ થયું છે નીચે લીલું ઘાસ પથરાયું. કમ સુધી આવતાં પુષ્કળ ફૂલો ઊગી ગયાં. પતંગિયાઓ ઉડાઉડ કરવા લાગ્યા. ઊંચા પર્વત પરથી ફૂટતાં ઝરણાંઓમાંથી બનતી નદીના વહેવાનો મધુર અવાજ કાનમાં ગૂંજવા લાગ્યો. સર્વત્ર માધુર્ય.… સૌંદર્ય.
તેના કાન પર મેં ફૂલ ભરાવ્યા. તે ગભરાઈ રહી છે. તે ગુસ્સે થઈ રહી છે. તે આમતેમ ડાફોળિયા મારવા લાગી. એકાએક તેણે કાન પરથી ફૂલ ઊતારી લીધા…. મસળ્યા… ફેંકી દીધા….
બધું સમેટાવા લાગ્યું… બધું અલોપ થવા લાગ્યું… મારા હાથપગ પર સાંકળો આવી ગઈ…. તે ફરી વિકરાળ બનવા લાગી… કાળું વસ્ત્ર, કાળા હોઠ, ભયાનક આભૂષણો, હાડકાનું સિંહાસન, દાનવો, પીડા પામતા માનવો, લાવાની નદી,…. અંધકાર….
તે બરાડી-
“આ જ વાસ્તવિકતા છે, વેદ! પેલી દુનિયા ભામક છે.”
“ની હાઓ મા…” કોઈકનો અવાજ આવ્યો…
દાનવોએ મને નીચે સુવાડી દીધો. મને સજ્જડ બાંધી દીધો. હું સહેજ પણ હલી શકું તેમ નથી. આગન્તુક દ્વારા મને ચાબુકના ફટકા પડવાના શરૂ થયા. મને સખત પીડા થવા લાગી.
સિંહાસન પર બેઠેલી પેલીને ધ્યાનમાં આવ્યું કે તેને શિંગડા તો ઊગ્યા નથી અને તેના નખ પહેલાની જેમ લાંબા નથી થયા. તે સંપૂર્ણપણે આ દુનિયામાં પાછી નથી આવી. તે ઊભી થઈ. મારી નજીક આવી. પેલી ચાઈનીઝનો અવાજ આવ્યો-
“મારી નાંખ આને!”
એ જ સમયે મને તેડીને પૂરપાટ ઝડપે દોડ્યો હતો એ માણસ આવી ચડ્યો અને ચાઈનીઝને ખેંચી ગયો.
મારા બંધન ગાયબ થયા….
હું ઊભો થયો.
તે મારી સામે જોઈ રહી.
તે ફરી બદલાવા લાગી…
પ્રકાશ પથરાયો…
ઉજ્જ્વળતા…
ના… ફરી અંધકાર થવા લાગ્યો…
ના… પ્રકાશ…
અંધકાર… નર્ક….
સ્વર્ગ….
નર્ક….
સ્વર્ગ….
નર્ક….
સ્વર્ગ….
મેઘધનુષ પ્રગટ્યું…..
મેઘધનુષના દૈવી સિંહાસન પર બેઠેલી અવનીએ તીર છોડ્યું…
નર્ક….
સ્વર્ગ….
શું?…
પેલી તીરથી વીંધાઈ ગઈ….
…. કદાચ, તે કાયમ માટે સ્વર્ગમાં આવવાની હતી…
તેની કાળાશ જતી રહી હતી… તેનું વસ્ત્ર શ્વેત થઈ ગયું હતું…
તે પરીઓથી પણ વધુ સુંદર લાગવા માંડી હતી…
તે નિર્મળ અને પ્રેમાળ થઈ ગઈ હતી…
અમે સાથે મળીને આ સુંદર દુનિયાને વધુ સજાવવાના હતા…
પણ….
તે વીંધાઈ ગઈ… અવનીના તીરથી….
નાના વિસ્ફોટ સાથે તે ગાયબ થઈ ગઈ અને સોનેરી કણો હવામાં વિખેરાયા…
મેઘધનુષ અદ્રશ્ય…
હું એમ જ ઊભો રહ્યો…
સ્વર્ગ પણ નહિ, નર્ક પણ નહિ…
અવકાશ….
શૂન્યતા…..
(ક્રમશઃ)