પ્રકરણ – 14
“વૃંદા-”
“ના.” તેણે મને અટકાવ્યો- “મૅર્વિના.”
“હં?”
“હું વૃંદા નથી, મૅર્વિના છું.”
હું આગળ ન બોલી શક્યો. તેણે પૂછ્યું-
“શું પૂછવું હતું?”
“……”
“પાછળ જઈને કૂવામાંથી પાણી ભરીને બ્રશ કરી આવ.” કહીને તેણે પલંગની બાજુમાં મૂકેલી મારી બૅગ મારી તરફ સરકાવી.
“હું વાડ કૂદીને ભાગી જઈશ તો?”
“તો આ લોકો મારી હાલત ખરાબ કરી નાંખશે.” તે પલંગ પર પલાંઠી વાળીને બેઠી. પિસ્તોલના પાર્ટ્સ જોડવાનું કામ શરૂ કરતાં બોલી- “જોકે, એ અનુભવ પહેલોવહેલો નહિ હોય! હવે તો ટેવ પડી ગઈ છે.”
“તને મારા પર વિશ્વાસ છે કે હું ભાગીશ નહિ?”
“તારા હાથપગ બાંધેલા છે? કોઈ આતંકવાદી એના કેદીને રાત્રે રજાઈ ઓઢાડે?”
“આટલો બધો વિશ્વાસ કેમ?”
“વધારે બકબક કર્યા વિના મેં કહ્યું એ કર.” તેણે કડક અવાજે કહ્યું- “ઊભો થા અને જા.”
મેં તેની આજ્ઞાનું પાલન કર્યું. બૅગમાંથી બ્રશનો સામાન કાઢીને ઊભો થયો. હજી રસોડામાં પહોંચ્યો ત્યાં તેણે બીજી સૂચના આપી-
“જલદી પાછો આવજે. મૅડમ આવે એ પહેલાં મારે તારા હાથપગ બાંધી દેવાના છે.”
“કોણ મૅડમ?”
“હમણાં મુલાકાત થશે!” તેણે પિસ્તોલનું નાળચું હાથા પર ફીટ કરીને કહ્યું.
“પણ મારા હાથપગ મુક્ત રહે એમાં તારી મૅડમને શું વાંધો?”
“મૅડમે મને એમ પણ કહ્યું હતું કે તને આખી રાત બાંધેલો રાખવો, જેથી તું ભાગી ન જાય.”
“તું તારી મૅડમ પ્રત્યે વફાદાર નથી?”
“એમની આજ્ઞા વિના હું શ્વાસ પણ નથી લેતી.”
“તો આ વખતે કેમ-”
“પહેલી વખત આવું બન્યું.”
“મૅડમના હુકમ કરતાં મારી કમ્ફર્ટ તને વધુ અગત્યની લાગી.”
“પિસ્તોલ તૈયાર થઈ ગઈ છે.” પિસ્તોલ એક હાથમાં પકડીને તે મારી તરફ ફરી- “ગોળી ન ખાવી હોય તો બહાર જા અને ઝડપથી બ્રશ કરીને પાછો આવ.”
“તારે જવાબ ન આપવો હોય તો કંઈ નહિ.” મેં કહ્યું- “મને કારણ ખબર છે.”
“પંદર મિનિટમાં પાછો આવજે. જા હવે.”
દીવાલ પર લટકીને સમય દર્શાવતા વર્તુળાકાર મશીનનો નાનો કાંટો નવ અને દશની વચ્ચે તથા મોટો કાંટો છ પર છે એ નોંધીને હું બહાર આવ્યો. વાતાવરણ તો ગઈકાલની સવાર જેવું જ છે. હું તેના પ્રત્યે નિરસ છું. કપડાં સૂકવવાના તાર પર લાલ કુર્તી અને કાળું પેન્ટ લટકે છે. તેમાંથી પાણી ટપકે છે.
મેં બ્રશ કર્યું, શૌચક્રિયા પતાવી અને હાથ-પગ ધોયાં. ઊંબરે બેઠો. ભીની કુર્તી પર નજર સ્થિર થઈ.
વૃંદા.... મૅર્વિના....
મારે મન તો એ હજીય વૃંદા જ છે. હું એને મૅર્વિના સ્વરૂપે સ્વીકારી નથી શકતો. એનો દેખાવ ભારતીય છે અને મૅર્વિના નામ ભારતીય નથી. પણ એ આતંકવાદી કેમ બની હશે? વૃંદાનું બાળપણ કેવું વીત્યું હશે? તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં કઈ રીતે જોડાઈ હશે? આતંકવાદી બન્યાં પહેલાં એના વિચારો કેવા હશે? અલબત્ત, તે બહુ નાની ઉંમરે આતંકવાદી બની ગઈ છે. તે કેટલાં વર્ષોથી આતંક ફેલાવવામાં લાગેલી છે એ અનુમાન લગાવી શકાય નથી.
કાલે સવારે વૃંદા વૈદેહીના ઘરે આવી હતી. તેણે એમ કહ્યું હતું કે પોતે વૈદેહીને મળવા માટે આવી છે. ધારો કે વૈદેહી ઘરે હોત તો? તો તે શું કરત? શું વૃંદાને પહેલેથી જ ખબર હતી કે વૈદેહી ઘરમાં નથી? તે મને લેવા માટે જ આવી હતી? કંઈ સમજાતું નથી, યાર!
આ પ્રશ્નોનાઅ જવાબ તો વૃંદા પોતે જ આપી શકે.
વૃંદા ખૂબ જ હોશિયાર છે. તે અદ્ભૂત અભિનેત્રી છે! એણે મને જરા સરખો અણસાર પણ ન આવવા દીધો કે એ નાટક કરી રહી છે. જેમ મેં શરૂઆતમાં એની આગળ ‘વાર્તા’ બનાવી હતી તેમ એણે તો ‘વાર્તાઓ’ બનાવ્યે રાખી! તેણે મને ગજબ છેતર્યો! વૃંદાની વાતો પરથી લાગે છે કે વિજ્ઞાન પણ સારું એવું જાણે છે. વૃંદાના તર્ક તો બેનમૂન છે!
વૃંદા એક આતંકવાદી છે અને એણે મને છેતર્યો છે. હું અત્યારે તેનો કેદી છું. ને હું એના વખાણ કરું છું! કેમ? એનું કારણ તો પેલું એ જ…..
પરંતુ… એ મારા પ્રત્યે સહાનુભૂતિ કેમ દર્શાવે છે? મારી આટલી ચિંતા તો વૈદેહી પણ નહોતી કરતી! હું વૈદેહીની મદદે આવ્યો છું કે તેની?
અરે….
વૈદેહીએ મને તેની આપવીતી સંભળાવી હતી તેમાં તેણે વૃંદાનો ઉલ્લેખ કર્યો હતો! ઓહ!…. એ ઉઠાં ભણાવતી હતી એટલે જ તો એ વારંવાર વૃંદાને ભૂલી જતી હતી અને હું યાદ દેવડાવતો હતો. કાલે રાત્રે વિનયકાકાએ મને કહ્યું હતું કે તેઓ નિઃસંતાન છે. અર્થાત્, વૃંદા યોજનાબદ્ધ રચાયેલું પાત્ર છે, વાસ્તવિકતા નથી! પણ યાર, વૈદેહી ખોટું કેમ બોલી? મૅર્વિના આતંકવાદી છે એટલે એ તો સ્પષ્ટ છે કે ‘વૃંદા’ નામનું પાત્ર ઊભું કરવું એ આતંકવાદીઓની જ યોજના હોય. વૈદેહીએ એ યોજનાને સાકાર કરવામાં મહત્વનું કામ કર્યું. કેમ? પત્ર લખનારે પત્રમાં વૃંદાનો ઉલ્લેખ કેમ કર્યો? શું થઈ રહ્યું છે આ બધું? કોણ સહયોગી છે અને કોણ વિરોધી એ જ ખબર નથી પડતી, યાર!
આ આતંકવાદીઓ મારી સાથે શું કરવાના છે? મારે શું કરવું જોઈએ? અલબત્ત, હજી મારી મરજી પ્રમાણે કંઈ જ થયું નથી! દરેક ઘટનામાં શરૂઆતમાં મને એમ જ લાગતું કે હું મારા નિર્ણય મુજબ ચાલી રહ્યો છું અને પછી ખબર પડતી કે આ તો પૂર્વનિર્ધારિત હતું!
“વેદ…..” તેનો સાદ સંભળાયો
“આવ્યો…” હું ઊભો થયો.
અંદર આવ્યો.
હાથમાં દોરડું લઈને તે ઊભી છે. બોલી-
“હવે મારે તને બાંધવો પડશે.”
“હું જરાય નથી ઈચ્છતો કે તને માર પડે.” કહીને હું નીચે બેઠો.
“બંને પગ ભેગાં કર.”
તેણે એક દોરડું મારા પગ પર બાંધવાનું શરૂ કર્યું.
“તું અભિનય ક્યાંથી શીખી?” મેં પૂછ્યું.
“હું તને એક્ટ્રેસ લાગી?” તેણે નજર ઉઠાવ્યા વિના પ્રશ્ન કર્યો.
“બહુ સારી અભિનેત્રી છે તું.”
“આ વિશ્વમાં કોણ અભિનય નથી કરતું?” પગ બંધાઈ ગયા હોવાથી તે ઊભી થઈને પીઠ પાછળ આવી- “હાથ પાછળ કર.”
હું બંને હાથ પાછળ લઈ ગયો.
“ડ્રામા જ તો ચાલે છે બધેય.” તે બોલી- “માણસ જેવો હોય છે એવો બહાર દેખાય છે? કેટલો અલગ ચહેરો બનાવીને જીવે છે! ઘણા તો એવા મહાન અભિનેતા છે કે પાંચ-સાત રૂપ હોય છે તેમના!” હાથ બાંધીને તે સામે આવી.
“સાવ એવું નથી હોતું!” મેં કહ્યું- “તું વધારે પડતી નકારાત્મક બ-”
“મોઢું પણ બાંધી દઉં?” અદબ વાળીને તે મારી સામી તાકી રહી.
હું મૂંગો રહ્યો! તે બે ડગ પાછી ગઈને પલંગ પર બેઠી.
કાલે સવારે વૃંદાને જોઈ ત્યારે તેના મુખ પર જે તેજ અનુભવ્યું હતું એ જ અનુભૂતિ અત્યારે પણ થઈ રહી છે. કેશ વ્યવસ્થિત રીતે ઓળાઈને પર્પલ રંગની હૅર-રિબનમાં જકડાઈ ગયા છે. ત્યાંથી છૂટા પડીને એ કેશ ગરદનથી થોડે નીચે સુધી જઈને પૂર્ણ થાય છે. કાલની અને આજની કુર્તીમાં ફક્ત કલરનો જ ફરક છે. કાલના અને આજના પેન્ટમાં કોઈ જ ફરક નથી.
“તું ખરેખર વૃંદા નથી?” મારાથી પૂછાઈ ગયું.
“તને વીણાબેનની લાશ મળી હતી?”
“હા.” સહેજ નવાઈ સાથે મેં હા પાડી.
તે મારી સામે જોઈ રહી… એકધારી નજરે… આંખમાં આંખ પરોવીને…..
“તો?” મેં પૂછ્યું.
“એ ખૂન મેં કર્યું છે.” સહેજ પણ ખચકાયા વિના તે બોલી ગઈ.
“….”
“વૃંદા તો વીણાબેનની દીકરી થાય ને?” મારી સામેથી નજર ખસેડ્યા વિના તે બોલી- “વૃંદા એની મમ્મીનું ખૂન કરે? ન કરે ને? વેદ, હું વૃંદા નથી, મૅર્વિના છું.”
મેં, કદાચ તેની એકધારી દ્રષ્ટિથી ભસ્મીભૂત થઈ જવાની બીકે માથુ ફેરવી લીધું. બોલ્યો-
“હું તારાથી આ વાત છાની રાખતો હતો.”
“મારાથી નહિ, વૃંદાથી.”
“વૃંદા તેની માતાના મૃત્યુના સમાચાર સાંભળીને જાતને સંભાળી નહિ શકે એવી બીકે હું તને એ વાત કહેતો નહોતો.”
“એ તેં ખૂબ જ સરસ કામ કર્યું, વેદ!” તેણે કહ્યું- “વૃંદાને એ સમાચાર નઆપીને તેં મૅર્વિનાને ઘણી મદદ કરી!”
“એટલે?”
“એ સમાચાર સાંભળીને વૃંદા આક્રંદ કરે જ. ને મારે એવી એક્ટિંગ કરવી પડત. તેં મને-વૃંદાને એ વાત કહી જ નહિ તેથી એવી એક્ટિંગ કરવાનો અવસર જ ન ઉભો થયો.”
“પણ વીણામાસીના સંબંધીઓ તો આક્રંદ કરશે જ.” મેં કહ્યું- “એ લોકો તો રોકકળ કરશે.”
“એ તો કરે જ ને! એમાં શું નવું છે?”
“તને એ સ્ત્રીનું ગળું કાપતાં આવો કોઈ વિચાર ન આવ્યો? કોઈનીય દયા નથી આવતી?”
“ના.”
મારા હાથ બાંધેલા ન હોત તો હું મુટ્ઠી જોરથી જમીન પર પછાડીને દાઝ ઉતારી દેત!
“મને નથી આવતી કોઈનીય દયા.” તે નીચું જોઈને બોલી- “કારણ કે આજ સુધી કોઈને મારી દયા નથી આવી.
મને જાણે આંચકો લાગ્યો. તેણે મારી સામે જોયું. આ બધું બોલતી વખતે તેના ચહેરાની એકેય રેખા બદલાતી નથી. તે જાણે સાવ સામાન્ય વાત કરતી હોય એમ બધું બોલી જાય છે. હું વધારે સમય તેની સામે ન જોઈ શક્યો. મેં માથું ફેરવી લીધું.
બારણા બહાર દ્રષ્ટિ ફેંકાઈ.
“કોણ આવી રહ્યું છે?” ઝાંપા બહાર કોઈકને જોઈને મારાથી બોલાઈ ગયું
વૃંદા-મૅર્વિનાએ પલંગ પર નમીને બારણા બહાર દ્રષ્ટિ પહોંચાડી. જાણે અચાનક જ તેનામાં ઊર્જા આવી ગઈ હોય એમ એ પલંગ પરથી ઊભી થઈ. પલંગ પરથી એ લાંબુ કપડું હાથમાં લઈને મારી પાછળ દોડી આવી. મારા મોં પર તે કપડું કસીને બાંધ્યું. દરમિયાન પેલી વ્યક્તિ કમ્પાઉન્ડમાં પ્રવેશી અને ઝાંપો બંધ કર્યો. વૃંદા ફરી પાછી પલંગ પર જઈ બેઠી.
“ની હાઓ!” આગંતુક અંદર પ્રવેશી તરત જ બોલી.
એ વાક્ય બોલીને તેણે મારી સામે જોયું. નાનકડા નાકની બંને બાજુએ ગોઠવાયેલી બદામ આકારની આંખો મારા પર ઘડીવાર અટકી. કૂમણા હોઠ પર સ્મિત ફરક્યું. આખી બાંયના, કાળા રંગના રેશમી જૅકેટની ચૅઈન ગળા સુધી બંધ છે. તેણે પહેરેલા કાળા પેન્ટ કરતાં તેનું જૅકેટ વધુ મુલાયમ અને રેશમ જેવું લીસું લાગી રહ્યું છે. તેનો સંપૂર્ણ કાળો પોશાક તેના સંપૂર્ણ વર્તુળાકાર અને દૂધ જેવા ઉજળા ચહેરાને વધુ મોહક બનાવે છે. વ્યવસ્થિત ઓળેલા તેના વાળ જાણે માથા સાથે ચપોચપ ચોંટી ગયા છે. ડાબી બાજુએ ત્રણેક સેન્ટીમીટર લાંબી પાંથી પાડી છે અને એ પછીના વાળ પાછળ ખેંચાયેલા છે, જે એક રિબન વડે બંધાયેલા છે અને કમર સુધી પથરાયેલા છે.
મારા પરથી નજર ખસેડીને તે વૃંદા તરફ ફરી. તેના હાથમાં એક પ્લાસ્ટિક-બૅગ છે અને બીજા હાથમાં સુંદર ફૂલોનું એક ગુચ્છ. તે બોલી-
“ની હાઓ મા?” (કેમ છે તું?)
“વુહ હન હાઓ! ની ન?” (મજામાં છું! તમે?) મૅર્વિનાએ જવાબમા કહ્યું.
“વુહ હન ગાઓશીંગ જીઆન દાઓ ની!” (તને મળીને ખુશ છું!) ફૂલોનું ગુચ્છ વૃંદાને આપતાં તે બોલી- “ઝાઑ શૅંગ હાઑ!” (સુપ્રભાત!)
“ઝાઑ શૅંગ હાઑ!” (સુપ્રભાત!)
“ની ઍઅલ મા?” (તને ભૂખ લાગી છે?) કહીને તેણે પ્લાસ્ટિક-બૅગ મૅર્વિનાને પકડાવી.
“શ્યીએ શ્યીએ!” (આભાર!) મૅર્વિનાએ કહ્યું.
“બૂયોંગ શ્યીએ.” (સ્વાગત!) કહીને તે મારી સામે ફરી અને બોલી- “ત્થા શી શ્યીએ?” (આ કોણ છે?)
“ત્થા શી વેદ.” (એ વેદ છે.)
“ઓં શી દઅ.” (અરે, હા!)
તે મલકી. મારી તરફ આગળ વધી. બોલી- “વેદ…. ધ ગ્રૅટ ફૅલો…. ધ એન્જલ…” મારી પાસે અવીને હનુમાન બેઠકમાં બેઠી. “વેદ… ધ ગ્રૅટ સ્ટુપિડ!” કહીને તે વધારે મલકી.
હું તેની સામે જોઈ રહ્યો. તે મારી સામે સ્મિત વેરી રહી છે. આ મજાની ચીની નારી આતંકવાદી લાગતી જ નથી! તેણે બૂટમાંથી મોટો છરો કાઢ્યો અને મારા ગળા પર મૂક્યો. આ ખરેખર આતંકવાદી છે!
“આઈ કેન કીલ યુ, વેદ!”
ક્ષણભર મારા શરીરમાં કમકમીયાં આવી ગયા. તેણે છરો પાછો ખેંચી લીધો અને મારો ભયભીત ચહેરો જોઈને હસવા લાગી. અંગ્રેજીમાં બોલી-
“તું સાવ ડફોળ છે,વેદ! તારે અહીં ન રોકાવું જોઈએ. શું કામ તું અમારા જેવા આતંકીઓની સામે બાથ ભીડી રહ્યો છે?”
આની વાતને મેં અવગણી. વિચાર એમ ચાલી રહ્યો છે કે આ લોકો મારા વિશે કેટલી માહિતી મેળવી શક્યા હશે? તેઓએ મારા વિશે શું ધારણા બનાવી હશે?
“તને ભૂખ લાગી છે?” મૅડમે મને પૂછ્યું.
મારા જવાબની રાહ જોયા વિના તે વૃંદા પાસે ગઈ. પેલી બૅગમાંથી એક પૅકેટ લાવીને નીચે મૂક્યું. ખોલ્યું. બોલી-
“આ નૂડલ્સ મેં બનાવ્યા છે. ચૂલો બનાવીને રાંધવું પડે છે! તું ખાઈશ?”
મેં હકારમાં માથું હલાવ્યું.
તેણે મારા મોં પરનું કપડું ખોલ્યું. કહ્યું-
“હાથ-પગ નહિ ખોલું. ખાવું હોય તો કૂતરો બની જા મારો. કૂતરાની જેમ ખા.”
“મને ગૌરવ છે માનવ હોવાનું.” મેં અંગ્રેજીમાં કહ્યું- “આતંકવાદ જેવી અમાનવીય પ્રવૃત્તિ દ્વારા પશુતાનું આચરણ તો તમે લોકો કરી રહ્યાં છો.”
“વાહ!” તે ઘુંટણિયે બેઠી- “બહુ બોલે છે તું!”
તેણે મારા માથે હાથ મૂક્યો. હું નિર્ભયતાથી તેની સામે તાકી રહ્યો. માથા પર હાથ ફેરવીને તે મારી સામે સહેજ હસી. મારા ડાબા કાનની બુટ સુધી હાથ સરકાવ્યો. અંગુઠા અને તર્જનીના તીક્ષ્ણ નખ વચ્ચે કાનની બુટ દબાવી. મારો ચહેરો પીડાના કારણે તણાયો.
“તારા જેવા અવળચંડા માણસોને પાઠ ભણાવવાની મજા જ કંઈક અલગ છે, વેદ!” કહીને તેણે ઝાટકા સાથે પૂરું બળ અજમાવ્યું…. તેની તર્જની અને અંગુઠાના નખ એકમેકને અડક્યાં… કાનના એ ભાગની ચામડી ચીરાઈ ગઈ… તે મલકી….
વૃંદાએ તેનો હાથરૂમાલ મૅડમને આપ્યો. અંગુઠો અને આંગળી સાફ કરીને તે ઊભી થઈ. વૃંદાને રૂમાલ પાછો આપ્યો. મારા ચીરાયેલા કાનની હાલત પર નજર કરવાનો વિચાર આ ચાઈનીઝ ‘આતંકવાદી’ને ન આવ્યો. તેણે વૃંદા-મૅર્વિના સાથે ચાઈનીઝ ભાષામાં થોડીમાં વાતો કરી અને ઘરની બહાર નીકળી ગઈ.
હું લોહી ટપકાતાં કાનને અવગણીને વૃંદાને જોઈ રહ્યો. તે મૅડમને જતી જોઈ રહી છે. ઝાંપો બંધ થવાનો અવાજ આવ્યો કે તરત જ વૃંદા શયનખંડમાં ગઈ. એક બોક્ષ લઈને તે પાછી આવી. મારી સામે વજ્રાસનમાં બેઠી. ફર્સ્ટ એઈડ બોક્ષ ખોલ્યું. રૂ કાઢીને મારો કાન પરથી લોહી લૂછવા લાગી. હું તેની સામે જોઈ રહ્યો. મૌન. સ્થિર ચહેરો. નજર મારા કાન પર.
તેણે કાન પરથી હાથ પાછો લીધો. રૂ કેટલું લાલ થયું છે એ જોવાને બદલે હું વૃંદાને જોતો રહ્યો. આ અગાધ રહસ્યને મારે પામવું છે. મારે વૃંદાને સમજવી છે. તેણે મારા કાન પર ટિંક્ચરથી ભીંજાયેલું રૂ અડાડ્યું. મને થયેલી બળતરાની સંવેદના જાણે મેં વાંચી જ નહિ. વૃંદા શું કરી રહી છે તેનું પણ ભાન રહ્યું નહિ….. વૃંદા…. એક સ્ત્રીની હત્યા કરી નાંખે છે…. એનો એને કોઈ જ પસ્તાવો નથી થતો…. અને મારા કાનની સારવાર કરી રહી છે….
તેણે સારવાર પૂરી કરી. બોક્ષ બંધ કર્યું. ઊભી થવા ગઈ..
“વૃંદા….” મેં તેને અટકાવીને પૂછ્યું- “વીણામાસીની હત્યા કરતા તને સંકોચ નહોતો થયો. મારો તો ફક્ત કાન જ ચીરાયો છે. કાન ચીરાવાથી માણસ મરી તો-” તેણે મારા મોં પર હાથ દાબી દીધો…. નિઃશબ્દતાથી આખોય કક્ષ છલકાઈ રહ્યો છે… વૃંદાના અંતરમાંથી વહેતા અગમ્ય ભાવ આ વિશ્વને કોઈ રહસ્યમાં ઘમરોળી રહ્યા છે…. કદાચ આ વિધાન ‘અતિશયોક્તિ’ હોઈ શકે… પણ…. બે જીવન પરસ્પર પ્રણયાનુભૂતિમાં સમગ્રતા સાથે અનન્યતાને પ્રમાણિત કરી રહ્યા છે…
તેણે હાથ ખસેડ્યો પણ હું જાણે ભાષા ભૂલી ગયો છું. તેણે મારા હાથપગ મુક્ત કર્યા. મારી નજર મૅડમ લાવી હતી તે પુષ્પગુચ્છ પર પડી. હું ઊભો થયો અને પલંગ પર પડેલા એ ફૂલ પાસે આવ્યો. ખૂબ જ સુંદર ફૂલ છે. બે ફૂલ હાથમાં લઈને હું વૃંદા પાસે ગયો. તેના બંને કાન પર ફૂલ ભરાવ્યા. ત્રણેક પગલાં પાછો ખસ્યો અને એ સૌંદર્યનું રસપાન કરતો રહ્યો.
અમે એકમેકને નીરખી રહ્યા…
બોલાવી લાવો કોઈ બુદ્ધિમાનને, જે આ કોયડો ઉકેલી શકે, કોણે કોનું સૌંદર્ય વધાર્યું છે? ફૂલોએ વૃંદાનું કે વૃંદાએ ફૂલોનું? જો જવાબ આપી ન શકતા હોય તો આ ફૂલોને પૂછો કે મધુકરને આકર્ષવાની અભિલાષાથી ઉપજાવેલી તમારી સુંદરતાની સાર્થકતા તમને આ નમણી કન્યાના કર્ણ પર ગોઠવાઈને સમજાઈને? કોઈ એવું કુસુમ શોધી લાવો કે જેને જ્વાળામુખીના મુખ પર લગાવવાથી બધી જ જ્વાળાઓ શમી જાય અને સકારાત્મકતાના મધુવન વ્યાપી જાય…. એ કુસુમ હું વૃંદાના કર્ણ પર લગાવીશ…
તે આગળ વધી. તેનાં મનોજ્ઞ ચક્ષુઓમાંથી વહેતી અનુપમ ભાવસરિતા મને ભીંજવી રહી છે. તેના હાથ મારા ખભા પર મૂકાયા. અમુક ક્ષણો પછી એ સરકીને કરોડરજ્જુ અને મગજના સંગમસ્થાન પર ગોઠવાયા…. ક્યારેય ન અનુભવેલી ઊર્મિઓ સહસા જાગી ઉઠી… એ સ્પર્શથી જાણે મગજ બંધ થઈ ગયું… પગની એડીઓ ઊંચકીને તે જરા ઊંચી થઈ…. તેનો ચહેરો મારા ચહેરાની નજીક આવ્યો... મારા હાથ અનાયાસે જ તેની સુચારુ કમર પર વીંટળાયા… અભૂતપૂર્વ ઉન્માદ… કુસુમેષુની દીપ્તિથી આવેલો અંધાપો… તેના હોઠ મારા હોઠની નજીક આવી રહ્યા છે… અંતર ઘટતું જાય છે….. મારી આંખો આપમેળે જ બંધ થઈ…. અનુભવું છું કે મારું હ્યદય ધબકી રહ્યું છે… મારા શ્વાસ ચાલી રહ્યા છે…. વૃંદાના ધબકારા અનુભવાય છે… તેના ઉષ્ણ શ્વાસ મને અડકે છે…. કોઈ અવર્ણનીય અનુભૂતિની પૂર્વતૈયારીઓ….
ને એકાએક….
તેના હાથ મારી ગરદન પરથી ખસી ગયા. મારા હાથ તેની કમર પરથી પાછા ખેંચાઈ ગયા. તે ઝડપથી ત્રણ ડગ પાછળ ખસી. બંને કાન પરથી ફૂલ ઊતાર્યાં. બંને હાથે ફૂલ મસળ્યાં અને ફેંકી દીધાં.
તે પલંગ તરફ ઝડપથી ચાલી.
“વૃંદા….”
ગળાની નસો ફાટી જાય એટલા મોટા અવાજે, આખું શરીર તાણીને તે બરાડી-
“મૅ…..ર્….વિ…..ના……”
જાણે મારી જીભ જ કપાઈ ગઈ.
તે પલંગ પર બેઠી. બંને હાથ લમણાં પર ટેકવીને નીચું તાકી રહી. તે અતિશય હાંફી રહી છે. તેના ચહેરા પર વધારે લોહી જમા થઈ ગયું છે. લાલઘૂમ થયેલો ચહેરો જાણે વરાળ છોડી રહ્યો છે. તેની અંદર જાણે જ્વાળામુખી ફાટ્યો છે અને તે એ જ્વાળામુખીને શમાવવા માટે ઝઝૂમી રહી છે. મૅર્વિના અને વૃંદા વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ ભીષણ લડાઈમાં મૅર્વિના હારે અને વૃંદા જીતે એ માટે મારે કંઈક કરવું પડશે.
“શું કહેતો હતો?” નજર મારી સામે કરીને તેણે પૂછ્યું.
“વૃંદાને કહેવું હતું!” મેં બરાબર પ્રહાર કર્યો.
તે સડાકાભેર ઊભી થઈ. ખૂબ જ ત્વરાથી ચાલીને મારી નજીક આવી. હાથ ઉગામ્યો….. અટકી ગઈ.
“માર…” મેં કહ્યું.
ઉગામેલા હાથની મુઠ્ઠી વાળીને પોતાના જ સાથળ પર જોરથી પછાડી. પાછી વળી. પલંગ પાસે જઈને ઊભી રહી. ઘડીક ઊભી રહી. તેનું શરીર હાંફી રહ્યું છે. બોલી-
“તારા સિવાય બીજા કોઈએ મને આટલી હદે ગુસ્સે કરી હોત તો મારીમારીને અધમૂઓ કરી નાખ્યો હોત એને. ગરમ સળીયાથી એની ચામડી ઉતેડી નાંખી હોત મેં.”
“ને મને તો તું એક લાફો પણ નથી મારી શકતી.”
પલંગ પર પડેલી પિસ્તોલ ઉઠાવીને તે મારી સામે ફરી. પિસ્તોલ મારી સામે તાકીને બોલી-
“વેદ, હવે એક પણ શબ્દ ન બોલતો!”
હું નિર્ભયતાથી તેની સામે તાકી રહ્યો. મક્કમતાથી બોલ્યો-
“વૃંદા વેદને ન મારે!”
“મૅર્વિના જરાય ખચકાયા વિના મારી નાંખશે.”
“વૃંદા એને હરાવશે.”
“વેદ, વૃંદા મરી ગઈ છે.”
“મને તો લાગે છે કે મૅર્વિના મરવાની તૈયારીમાં છે.”
“…..” એ ચૂપ.
“…..” હું ચૂપ.
અડધી મિનિટ માટે અમે જાણે મીણના પૂતળાં બની ગયા. પછી…. “આ…..” જાણે અસહ્ય પીડાથી તે બરાડી. પિસ્તોલનો ઘા કર્યો. બંને હાથથી લમાણાં દબાવીને પલંગ પર બેસી પડી. ધીમા અવાજે બોલી-
“વેદ, હવે કંઈ ન બોલીશ, પ્લીઝ!”
હું ચૂપ રહ્યો.
“મને સખત થાક અનુભવાય છે, વેદ.” પલંગમાં નિર્જીવ શરીરની જેમ પડતું મૂકીને તે બોલી- “મારે સૂઈ જવું છે.”
તે પેલી તરફ પડખું ફરી ગઈ.
મારા હાથપગ ખુલ્લાં છે. આ ખૂણામાં પિસ્તોલ પડી છે. ઘરનો દરવાજો ખુલ્લો છે…. આતંકવાદીઓની કેદમાંથી નાસી છૂટવાનો ઉત્તમ અવસર! વૃંદા સૂઈ જાય ત્યાં સુધી નૂડલ્સ ખાઈ લઉં. સવારનું કંઈ જ ખાધું નથી. ભાગવા માટે શક્તિ તો જોઈએ ને!
નૂડલ્સ ખાવા લાગ્યો. વિચારવા લાગ્યો-
‘અહીંથી ભાગીને હું ક્યાં જઈશ? મારી બૅગ તો અહીંયા જ છે. ઘરે જ જતો રહું? કોઈ માથાકૂટ જ નહિ! એમ ઘરે જવાતું હશે, ભલા માણસ? આયોજક મને જવા જ ન દે. અરે,….. આયોજક તો વધુને વધુ રહસ્યમય બનતો જાય છે, યાર! એણે પત્રમાં વૃંદા વિશે કેમ લખ્યું હતું? એને મૅર્વિનાના આ ષડયંત્રની પહેલેથી જાણ હતી? એ કેમ શક્ય બને? ચાલો, માની લઈએ કે એને પહેલેથી જ જાણ હતી, એનો અર્થ એ થયો કે આયોજકે પહેલેથી જ મારા મનમાં વૃંદા નામનું પાત્ર ઊભું કરી નાખ્યું! વૈદેહીએ એ વાત પાક્કી કરી! હવે મૅર્વિનાએ તો ફક્ત વૃંદાનો રોલ ભજવવાનો હતો! અલબત્ત, એ કામ મૅર્વિનાએ લાજવાબ કર્યું! પણ…. આ આખાય તર્કનો નિષ્કર્ષ તો એ નીકળ્યો…. ‘આયોજક, વૈદેહી અને વૃંદા ત્રણેય સાથે મળીને કામ કરે છે!’… નૂડલ્સ ગળા નીચે ઉતરતાં અટકી ગયા…. હે પ્રભુ!….. અવની!…. ક્યાં જતી રહી તું?…. આ અંધારા કૂવામાંથી મને બહાર કાઢ!…
હું ભમરાહમાં શું કરી રહ્યો છું?
બેઝિકલી, વૈદેહીની મદદ કરી રહ્યો છું.
શું મદદ કરી રહ્યો છું?
વૈદેહીએ આ આતંકવાદીઓથી બચવાનું છે. એ કામમાં હું તેને મદદ કરી રહ્યો છું.
પણ વૈદેહીએ તો મૅર્વિનાને મદદ કરી! મૅર્વિના તો આતંકવાદી છે. વૈદેહી આતંકવાદીઓની સાથે છે? તો હું વૈદેહીને કોનાથી બચાવું છું? જો ભાઈ, હું તો પત્રમાં જણાવ્ય મુજબ વર્તી રહ્યો છું. એમ? પણ પત્ર દ્વારા મૅર્વિનાને બહુ મોટી મદદ મળી. પત્રના કારણે જ હું ‘વૃંદા મને મળશે’ એવી માનસિકતા સાથે આવ્યો હતો. વૈદેહી વૃંદાની વાત કરવાનું ભૂલી જતી હતી ત્યારે હું એને યાદ દેવડાવતો હતો! તો, પત્ર લખનાર પણ આતંકીઓના પક્ષમાં છે? અરે હા, પત્રમાં અવનીનો કે ડૉ.પાઠકનો કોઈ ઉલ્લેખ જ નહોતો! કેમ?
બધું ભયંકર ગોટાળે ચડી રહ્યું છે!
હું ઊભો થયો.
પિસ્તોલ તરફ બિલ્લીપગે ચાલ્યો. પિસ્તોલ હાથમાં આવી ગઈ. મારી બૅગ લીધી. બહુ અવાજ ન થાય તે રીતે બૅગ ખભે ભરાવી. વૃંદા ઊંઘી રહી છે. બિલ્લીપગે ચાલતો ચાલતો ઘરની બહાર….. ખુલ્લી હવા…. સ્વતંત્રતા….
ખરેખર? આ બરાબર કરી રહ્યો છું હું?
સ્વતંત્રતા દરેકને જોઈએ.
એ તો બરાબર છે.
તો પછી શું વાંધો છે?
સ્વતંત્રતા એટલે શું? હાથપગ બંધાયેલા ન હોય અને મરજી પ્રમાણે હરીફરી શકીએ એ સ્વતંત્રતા?
હું દરવાજાની બાજુમાં દીવાલને અઢેલીન બેઠો.
વૃંદા…. એને આતંકવાદીઓની વચ્ચે તરછોડીને હું પોતાની જાતને સ્વતંત્ર કઈ રીતે માની શકું?
હું એ વાત બરાબર જાણું છું કે મારી હાજરીમાં જ એ ‘વૃંદા’ છે. મારા સિવાય સૌને માટે તે ‘મૅર્વિના’ છે, એક આતંકવાદી. અત્યારે એ સંભાવના દેખાઈ રહી છે કે કાયમને માટે વૃંદા બની જાય. આ સમયે હું એને છોડી દઈશ તો કાયમને માટે ‘મૅર્વિના’ જ રહેશે.
હું ભાગી જઈશ તો મૅડમ મૅર્વિનાને ધોઈ નાખશે, જેના કરણે મૅર્વિનામાંથી વૃંદા સંપૂર્ણપણે ધોવાઈ જશે. એ મારા લીધે જ તો થશે. મારે એવું ન જ થવા દેવાય.
એક હું જ તો છું, જેના પ્રત્યે તેનામાં માનવતા જાગી છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે મારા કારણે જ એ ‘મૅર્વિનાથી વૃંદા’ના રસ્તે ગતિ કરી રહી છે. હવે અડધા રસ્તે એને છોડી દેવાય? હું એને એકલી મૂકીને ચાલ્યો જઈશ તો એ ફરી ક્યારેય સકારાત્મકતા તરફ આગળ નહિ વધે. કારણ એ નથી કે હું જ એ કામ કરી શકું છું, કારણ એ છે કે તેનો સકારાત્મકતા પરથી વિશ્વાસ ઊઠી જશે. મારે તેની સાથે રહેવું જ જોઈએ. મારે ‘વૃંદા’ સુધીની સફરમાં તેને સાથ આપવો જ જોઈએ. તેને છોડીને ચાલ્યા જવું મને સ્વીકાર્ય નથી. એટલે એ સ્વતંત્રતા નથી.
ભલે ગમે તેવી સમસ્યાઓ આવે, ગમે તેવા રહસ્યો આવે, કોણ મારી મદદ કરે છે અને કોણ મને ખીણમાં ધકેલી રહ્યું છે એ ખબર ન પડે તો પણ હું અહીં રહીશ…. વૃંદા માટે?…. ના… મારા માટે…. કેમ કે… વૃંદા મારી અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે…..
બસ, થઈ ગયો નિર્ણય.
હું ઊભો થયો.
ઘરમાં પ્રવેશ્યો.
મારા આગમનના અવાજથી તે જાગી. સફાળી બેઠી થઈ. મને જોયો. ખભે ભરાવેલી બૅગ જોઈ. હાથમાં પિસ્તોલ જોઈ. બોલી-
“મારી સામે પિસ્તોલ તાકીને તું ભાગીશ તો હું તારી પાછળ નહિ આવી શકું.”
“હું બહારથી અંદર આવ્યો એ નથી દેખાતું? ઊંઘમાં છે હજી?”
“ખરેખર?” તેને સખત નવાઈ લાગી.
“તો શું હું આમ અવળો ફરીને ભાગવાનો હતો?”
“તું પાછો શા માટે આવ્યો?”
“વૃંદા માટે.” કહીને મેં બૅગ ઊતારી. પિસ્તોલ પલંગ પર મૂકીને બોલ્યો- “લે, તારી પિસ્તોલ.”
તે નિઃશબ્દ બની ગઈ છે. હું મારી જગ્યાએ જઈને બેઠો. બાજુમાં પડેલું દોરડું લીધું અને જાતે જ મારા પગ બાંધી દીધા.
“થાક ઉતરી ગયો તારો?” મેં પૂછ્યું.
“તું પાછો કેમ આવ્યો?” તેની નજર બારણા પર સ્થિર છે.
“બહાર મને સ્વતંત્રતા ન અનુભવાઈ.”
“મારી કેદમાં તને સ્વતંત્રતા અનુભવાય છે?”
“કોણ કોની કેદમાં છે એ બહુ જટિલ પ્રશ્ન છે!”
તેણે ઝાટકા સાથે માથુ મારી તરફ ફેરવ્યું.
“મારા હાથ હું જાતે નહિ બાંધી શકું, મૅર્વિના!”
“દુનિયાને ધિક્કારનાર આ આતંકવાદી પાસેથી તને શું મળશે, વેદ?”
“તું આતંકવાદી કેમ બની?” મેં તેને પૂછ્યું.
“આતંકવાદી બનવું કે ન બનવું એવી કોઈ ચોઈસ હોય છે?”
“તારા જીવનનાં નિર્ણય તું જાતે નથી લેતી?”
“વાસ્તવિકતામાં વિકલ્પ ન હોય, વેદ!”
“એ વિધાન સાચું.” મેં કહ્યું- “પણ તેં એનો પ્રયોગ ખોટાં અર્થમાં કર્યો.”
“કોણ આતંકવાદી નથી આ વિશ્વમાં?”
“તું આખા વિશ્વને ગાળો કેમ ભાંડે છે?”
“કારણ કે આ દુનિયા એને જ લાયક છે, વેદ!”
“તું તારી જાત વિશે શું માને છે?”
“આ વિશ્વમાં તારો અને મારો સમાવેશ નથી થતો?”
“હું આતંકવાદી છું?”
“દરેક માણસ આતંકવાદી છે.” તેણે કહ્યું- “દરેક માણસ મનથી આતંકવાદી નથી? વેદ, તું કોઈ પણ માણસને મશીનગન અને થોડી સ્વતંત્રતા આપી દે તો એ માણસ કોઈકનું તો ખૂન કરી જ નાખશે. જો પોલીસ અને મિલિટરી હટાવી લેવામાં આવે તો દરેક માણસ આતંકવાદી ન બની જાય? જ્યારે માણસને એમ લાગે છે કે હું પકડાઈશ નહિ ત્યારે તે ગૂનો કરી નાખે છે કે નહિ? અમારામાં એ હિંમત છે કે અમે દુનિયાને પડકારી શકીએ છીએ અને પોતાને આતંકવાદી તરીકે જાહેર કરી શકીએ છીએ. એમ બાયલાની જેમ જીવવા કરતાં અમારી જેમ હિંમતથી જીવવું વધુ સારું. ને તમે લોકો અમને પતાવી દેવા માટે તત્પર નથી? અમે જે રીતે લોકોને મારીએ છીએ એ રીતે તમે અમને મારો છો. તમારામાં અને અમારામાં શું ભેદ રહ્યો? કૂતરું તને કરડે અને તું કૂતરાંને સામે કરડવા જાય તો તારામાં અને કૂતરાંમાં શું ફેર? હડકાયું કૂતરું લોકોને કરડતું ફરતું હોય તો આપણે એને કરડવા જવાય કે એનો કંઈક ઈલાજ કરાય? કૂતરું કરડવા આવે તો આપણે માનવત્વને ભૂલીને કૂતરાવેડાં કરાય? આ વિશ્વમાં આટલી સામાન્ય બુદ્ધિ છે નહિ અને તું હકારાત્મકતાના ગાણાં ગાતો ફરે છે!”
“તમે પોતાને કૂતરાં ગણો છો?”
મૅર્વિના કંઈ જવાબ આપી ન શકી….. વિચારતી રહી…..
“પણ….” વિચારવા માટે થોડું અટકીને તે બોલી- “દરેક માણસ આતંકવાદી મનોવૃત્તિ તો ધરાવે જ છે. એક માણસ એવો દેખાડ જે પોતાના ભલા માટે કોઈનું નુકસાન ન કરતો હોય.”
“હું.”
“…..” ફરી મૌન.
હું તેના પ્રત્યુત્તરની રાહ જોતો બેસી રહ્યો. તે વીજળીવેગે તર્ક ચલાવી રહી હશે. કદાચ, તેને સમજાઈ રહ્યું છે કે તે ભૂલ કરી રહી હતી…
તેણે નિઃસાસો નાખ્યો. ઊભી થઈ. માટલા પાસે ગઈ. પ્યાલો ભર્યો. પાણી પીધું.
“પીવું છે?” મને પૂછ્યું.
“હા.”
“આપું.” તેણે એ જ ગ્લાસમાં પાણી ભરીને મને આપ્યું. મેં પીધું. ગ્લાસ પાછો આપીને મેં કહ્યું-
“નૂડલ્સ ખાધાં પછી નહોતું પીધું.” મેં કહ્યું- “સીધો જ ભાગ્યો હતો.”
“ભાગીને તું શું કરત?” માટલા પાસે જઈને બુઝારા પર ગ્લાસ ઊંધો મૂકીને તેણે પૂછ્યું- “જો ભાગી ગયો હોત તો?”
“નહોતું વિચાર્યું.”
“આમેય, અવની તને ભાગવા ન દેત!”
“હા, એ સાચું ક…. હેં…. તું અવનીને ઓળખે છે?”
“હાસ્તો!” તે મારી પાસે પાછી આવીને ઊભી રહી.
“કેવી રીતે?”
“લાંબી વાત છે.”
“તો તું આયોજકને પણ ઓળખતી હોઈશ.”
“કોણ આયોજક?”
“જેણે પત્ર લખી મોકલ્યો હતો એ.” મેં ચોખવટ કરી.
“ઓહ! તો તેં મને ‘આયોજક’ નામ આપ્યું હતું!”
…..હમણાં હ્યદય બંધ પડી જાત….
હું હસ્યો! ખબર નહિ કેમ પણ… ખડખડાટ હસવા લાગ્યો… હસતો હસતો બોલતો રહ્યો-
“હે…. કેવું સરસ!….. એ પણ તું જ… પણ તું જ? હા, તું જ…”
“મગજ ગયું આનું!” કહેતી વૃંદા મારી પાસે આવી.
એણે હળવેથી મારા ગાલ થપથપાવ્યા. ખભેથી પકડીને મને ધૂણાવ્યો. હું જરા ભાનમાં આવ્યો.
“આયોજક હું એકલી નથી.” તેણે કહ્યું- “હું અને અવની બંને આ-”
“અવની જૂટ્ઠું બોલી.” હું બોલી ઊઠ્યો- “ગપ્પા મારતી’તી.”
“શું?”
“ગપ્પોળી! સાવ ગપ્પોળી!”
“તું જરા શાંતિ રાખ, વેદ! આમાં છટકી જશે તારું!”
“અલી…. છટકી ગ્યું! નીચોવાઈ ગ્યું! ભમી ગ્યું છે ભમરાહમાં આવીને!” આવેશમાં હું ઊભો થવા ગયો. પગ બંધાયેલા હોવથી હું અડશો ઊભો થયો અને સંતુલન ગુમાવી બેઠો.
“સાચવ…” વૃંદાએ મને પકડવાનો પ્રયત્ન કર્યો..
હું પડ્યો. માથુ જમીન સાથે અથડાયું. વાગ્યું.
“હવે ભેજું ઠેકાણે આવ્યું?” વૃંદાએ પૂછ્યું.
હાથના ટેકે હું બેઠો થયો.
“અવની વિશે શું કહેતો હતો?”
“વિરમગામ રેલવે-સ્ટેશને મને મળી હતી એ. મેં એને પૂછેલું કે પત્ર તેણે લખ્યો છે કે કેમ. ત્યારે તેણે ના પાડી હતી.”
“તો એમાં એણે શું ખોટું કહ્યું? પત્ર તો મેં લખ્યો હતો! હા, લખાવ્યો હતો અવનીએ, બાકી એ અક્ષર મારા છે.”
“….”
કેમ ચૂપ થઈ ગયો?”
“…..”
“હેલો!”
“આપ જિસ વ્યક્તિ સે સંપર્ક કરના ચાહતે હૈ વો અભી કવરેજ ક્ષેત્ર સે બાહર હૈ!”
“આ બધું તારા માટે ઘણું જ વિચિત્ર છે એ-”
“તું આતંકવાદી છે કે આયોજક?”
“બંને!” તેણે મસ્તીથી કહ્યું.
“અલી…. તું….. તને…. શું કહેવું મારે?”
“વેદ!” તે કડક અવાજે બોલી- “હવે તું વ્યવસ્થિત વાત નહિ કરે ત્યાં સુધી આપણે વાત નથી કરવી.”
તે જઈને પલંગ પર બેસી ગઈ.
“મારી મનોદશા કદાચ તને નહિ સમજાય, વૃંદા. કારણ કે તું તારી ઊર્મિઓને દબાવી દે છે. કારણ કે તેં કદી કોઈનેય પ્રેમ કર્યો નથી.”
તે વીજળીવેગે ઊભી થઈને મારી નજીક આવી અને ખેંચીને એક લાફો મને વળગાળી દીધો….. બરાડી-
“કર્યો હતો પ્રેમ…. ત્રણ વર્ષ પહેલાં…”
“કોને?”
“તને…”
(ક્રમશઃ)