ડ્રીમ ટનલ - ૨

“લીલી અને મેથ્યુ. મારો પ્લાન સાંભળી લો. પહેલી વાત એ કે ઓસ્લોના સેટેલાઇટ રિપોર્ટ પ્રમાણે પેલા ભુકંપનું એપીસેન્ટર અહીંથી ૫૫ કિમી દૂર છે. મારા અંદાજા પ્રમાણે પણ પેલો ભેદી પ્રકાશ લગભગ સાઇઠ-સીતેર કિમી દૂર હતો. એટલે મારે બરફમાં સાઇઠેક કિમીથી વધુ નહીં ચાલવું પડે. આ અંતર હું બે કે ત્રણ દિવસમાં કાપી લઇશ. પછી ત્યાં શું ફેરફાર થઇ રહ્યો છે એ લાઇવ જોઇશ તોજ ખબર પડશે. વળતા પ્રવાસમાં બીજા બે-ત્રણ દિવસ એટલે કુલ એક અઠવાડીયાથી વધુ સમય નહીં જ લાગે. બીજી વાત એ કે મેથ્યુ એનાં કેટલાંક ગેજેટ્સ વડે મને મદદ કરશે એટલે મારો પ્રવાસ જરા વધુ આસાન બનશે અને લીલી અઠવાડીયાના ખોરાકની વ્યવસ્થા કરી આપશે. ત્રીજી વાત એ કે તમારે બંનેએ એક અઠવાડીયા સુધી મારા ઘર તરફ ફરકવાનું નથી અને હું ઘરે એવું બહાનું કાઢીશ કે અમે લોકો અઠવાડીયાના પ્રવાસે જઇ રહ્યાં છીએ. હવે બોલો, કેવી લાગી મારી યોજના?” લિયોએ બંનેની સામે જોઇને કહ્યું. 
“લિયો. મને તારી ચિંતા થાય છે. લિયો તને કંઇ થઇ જશે તો?” લીલી રડમસ અવાજે બોલી.
“હા. લિયો. જો તું ત્રણ-ચાર દિવસ રોકાઇ જાય તો હું સ્વસ્થ થઇ જઇશ. પછી આપણે બંને સાથે જઇએ.” મેથ્યુએ પેટના દુખાવાથી ત્રસ્ત અવાજે કહ્યું.
“લીલી, મેથ્યુ, મારી ચિંતા ન કરો. મને વિશ્વાસ છે કે હું પહોંચી વળીશ. બધું સમુસુતરૂં રહ્યું તો છ-સાત દિવસમાં તો હું પાછો આવી જઇશ.” લિયો આત્મવિશ્વાસથી બોલ્યો. 
“પણ લિયો. તને કંઇ થશે તો નહીં ને! તું ઝડપથી પાછો આવજે.. આઇ લવ યુ લિયો..” લીલી લિયોને ભેટી પડતાં બોલી.
“અરે મારી લીલી.. મને કંઇ નહીં થાય. હું જરૂરથી પાછો આવી જઇશ. અને જો બરફની કોઇ ગુફામાં હું જતો રહું તો એકવાર સાચા દિલથી મને બુમ પાડજે. ગમે એવા ઉંડાણમાંથી પણ હું બહાર આવી જઇશ, લીલી.” આટલું બોલતાં લિયોએ લીલીને બાહુપાશમાં જકડી લીધી.
મેથ્યુએ એની દુકાનના ભંડારમાંથી વાળીને પોર્ટેબલ કરી શકાય એવો ફાઇબર ટેન્ટ, ખાસ મટીરીયલમાંથી બનાવેલા જાડાઇમાં પાતળા પણ અત્યંત ગરમ કપડાં, નાની ઇલેક્ટ્રીક સગડી, અને ડીજીટલ હોકાયંત્ર કાઢી આપ્યું. આ ઉપરાંત ચુંબકીય ક્ષેત્રમાં થઇ રહેલાં વધારા ઘટાડાને સચોટ રીતે માપતું એક ડીવાઇસ જે મેથ્યુએ પોતે બનાવ્યું હતું એ આપ્યું. આ ડીવાઇસના આધારે એ મહત્તમ ચુંબકીય ક્ષેત્ર કઇ જગ્યાએથી પેદા થાય છે એ જગ્યા પીન પોઇન્ટ કરી શકે એમ હતો. મેથ્યુએ એક પોર્ટેબલ ઇલેક્ટ્રીક હીટર પણ આપ્યું જેના આધારે ટેન્ટની અંદર સુતી વખતે ઠંડી સામે રક્ષણ મળી શકે એમ હતું. વધુ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે મેથ્યુ સ્પેશિયલ હતું એ લિયોને મળ્યું. હથેળીમાં આવે એટલું નાનું ડિવાઇસ કે જે એક ચોક્ક્સ ફ્રિક્વન્સીના તરંગો પેદા કરતું. આ તરંગો માણસ માટે તો હાનિકારક ન હતાં પણ એનાથી પોલાર બેર (ધ્રુવિય રીંછ) દૂર રહી શકે એમ હતાં. આમ, આખો ફુલપ્રુફ પ્લાન બનાવી બીજા દિવસે નીકળવાની ગણતરી સાથે ત્રણેય જરૂરી તૈયારીઓમાં મચી પડ્યાં.  
માતા જેનેટ પાસે અઠવાડીયાના પ્રવાસનું બહાનું કાઢી લિયો સવારે આઠ વાગ્યાની આસપાસ નીકળી પડ્યો. મેથ્યુ અને લીલી રોઝનબર્ગની સીમ સુધી એને મુકવા આવ્યાં. એમની શુભેચ્છાઓ લઇ લિયો આગળ વધ્યો. લિયો દેખાતો બંધ ન થયો ત્યાં સુધી લીલી એને જોતી જ રહી. સવારની ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુસર લિયો જોશમાં ચાલી રહ્યો હતો. જેટલું ચલાય એટલું આજે ચાલી નાંખવાનું હતું. છેક બપોર સુધી એ ચાલ્યો. બપોરે કોરો નાસ્તો જમીને થોડીવાર બેઠો અને પાછો ચાલવા લાગ્યો. સાંજ પડતાં પડતાં તો એણે લગભગ ત્રીસ કિમી કાપી નાંખ્યાં હતાં. બરફમાં આટલું ચાલવું અઘરૂં હતું પણ લિયોને બરફમાં રખડવાની પ્રેક્ટીસ હોઇ એનાં માટે આ કામ અત્યંત મુશ્કેલ ન હતું. યોગ્ય જગ્યા પસંદ કરી એણે ટેન્ટ બાંધ્યો અને ગરમ ખોરાક બનાવ્યો. પછી ગરમ સૂટમાં ખાસ્સી ઉંઘ ખેંચી. 
બીજા દિવસે સવારે લિયો ઉઠ્યો ત્યારે સખત પવન વાઇ રહ્યો હતો. બરફની આંધી ચાલુ હતી. એને થોડીવાર ટેન્ટમાં બેસી રહેવાની ઇચ્છા થઇ આવી, પણ આળસવૃત્તિને ફગાવી એ તરતજ બેઠો થઇ તૈયાર થઇ ગયો. ટેન્ટ પેક કરી બેગ ખભે ભરાવી એ લક્ષ્ય તરફ ઉપડ્યો. બીજું વીસેક કિમીનું અંતર એણે એકધારૂં કાપ્યું. પણ આટલું અંતર કાપ્યાં પછી એનાં હાથપગ કામ કરતાં બંધ થઇ ગયાં હોય એટલો બધો થાક એને લાગ્યો હતો. થાકના લીધે એ જમીન પર ફસડાઇ પડ્યો. થોડીવાર એમ જ પડી રહ્યાં પછી એને લાગ્યું કે આસપાસમાં કંઇક ધ્રુજારી થઇ રહી છે અથવા તો કોઇ મશીન ચાલી રહ્યું છે. એણે જમીન સરસા કાન માંડી જોયાં. આ જે કંઇ હતું એ આટલામાં ક્યાંક નજીકમાં જ હોવું જોઇએ. એણે એની ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ડીવાઇસની સ્ક્રીન પર જોયું તો મહત્તમ ચુંબકીય ક્ષેત્રના બે પોઇન્ટ હતાં. એક તો સ્વાભાવિક રીતે ઉત્તર દિશામાં પૃથ્વીનો ઉત્તર ધ્રુવ દર્શાવતું ગ્રીન ટપકું હતું. પણ લિયોની નજીકમાંજ બે કિમીની ત્રિજ્યામાં બીજું એક ગ્રીન ટપકું બીપ બીપ કરી રહ્યું હતું. બસ, આ જ તો એનું ડેસ્ટીનેશન હતું. શું આ કોઇ માનવસર્જીત મશીન હતું જે ચુંબકીય ક્ષેત્રમાં ડીસ્ટર્બન્સ ઉભા કરી આખો ખેલ પાડી રહ્યું હતું? લિયો આ અજ્ઞાત વસ્તુને શોધવા અધીરો બન્યો. ઠંડા પડી ગયેલાં હાથપગમાં અચાનક જોમ આવ્યું. એ પેલાં ગ્રીન પોઇન્ટ તરફ આગળ વધી રહ્યો હતો. પણ હવે આ રસ્તો એને સહેજ ઉત્તર-પૂર્વમાં લઇ જતો હતો. અહીં તો નોર્વેની સીમાને સ્વીડનની સીમા પણ સ્પર્શતી હશે એવો અંદાજો લિયોએ લગાવ્યો. બે કિમી કરતાં કરતાં લિયોએ ચાર કિમી ચાલી નાંખ્યું અને એક ઉંચા પહાડ આગળ આવીએ ઉભો રહ્યો. પેલું ગ્રીન ટપકું આ પહાડની વચ્ચોવચનો ભાગ પિન-પોઇન્ટ કરતું હતું. હવે પહાડની અંદર કઇ રીતે ઘુસવું? પહાડની અંદર પણ ઘુસી શકાય ખરૂં? છેક પહોંચેલો લિયો હવે રઘવાયો બની ગયો. એ આસપાસમાં કોઇ ભેદી રસ્તો શોધવા દોડાદોડ કરવા લાગ્યો. ક્યાંય કોઇ રસ્તો મળ્યો નહીં. લિયો થોડીવાર ઉભો રહ્યો. મન શાંત કર્યું. આખરે એ એવાં તારણ પર આવ્યો કે આ આખો પર્વત જ ચુંબકીય પર્વત હતો અને એ ભૂસ્તરીય ફેરફારો તથા ચુંબકીય ફેરફારો માટે જવાબદાર હતો. આ તારણ મગજમાં ઉદભવ્યું એટલે લિયો નિરાશ થયો. નિરાશ વદને એ જમીન પર ફસડાઇ પડ્યો. પાંચેક મિનિટ પછી એ જ્યાં ઉંઘા મોં એ પડ્યો હતો એ જગ્યાની બરાબર બાજુમાં બરફ મોટા ચોરસ આકારે નીચે બેસવા લાગ્યો. એનો આકાર જોઇ લિયો સફાળો બેઠો થયો. બરફ નીચે બેસતાં બેસતાં ત્યાંનો દરવાજો ખુલી ગયો. એક છુપો રસ્તો નીકળ્યો. લિયોએ અંદર ડોકિયું કર્યું તો એમાં પગથિયાં હતાં જે નીચે જતાં હતાં. હવે આગળ કંઇ વિચારવાનું હતું જ નહીં. લિયો એનાં સામાન સાથે એ પગથિયા દ્વારા ભુગર્ભમાં નીચે ઉતરવા લાગ્યો. પચાસેક પગથિયા નીચે ઉતર્યાં પછી જમીન સમતળ થતી હતી. એણે છેલ્લા પગથિયા પરથી સમતળ જમીન પર પગ મુક્યો કે તરતજ છેક ઉપરનો દરવાજો બંધ થઇ ગયો. લિયોને સહેજ ડર તો લાગતો હતો પણ જો હોગા દેખા જાયેગા એવું વિચારીને એ આગળ વધ્યો. એની બરાબર સામે બીજો એક દરવાજો હતો. લિયોએ એને હળવેકથી ખોલ્યો કે તરતજ એની આગળની લાઇટો ચાલુ થઇ ગઇ. ત્યાં એકાદ કિમી લંબાઇની બંધ ટનલ જેવી એક લોબી હતી. લિયોએ એક કિમીનું અંતર ચાલીને કાપી નાંખ્યું. ત્યાં ફરી એક દરવાજો આવ્યો. લિયોએ જેવો એ દરવાજો ખોલ્યો કે તરતજ ત્યાંનો નજારો જોઇ એ ચોંકી ઉઠ્યો. એની આંખો પહોળી અને મોઢું ખુલ્લું રહી ગયું. એક અતિવિશાળ હોલ ત્યાં મોજૂદ હતો. હોલની લંબાઇ પહોળાઇ એક મધ્યમ કક્ષાના ફૂટબોલ ગ્રાઉન્ડથી બરાબર અડધી સાઇઝની હતી અને એની ઉંચાઇ લગભગ ચાર માળ જેટલી હતી. આ કોઇ હોલ નહીં પણ જુનવાણી સ્ટાઇલની લેબોરેટરી હોય એવું લાગી રહ્યું હતું. પ્રયોગો કરેલાં હોય એવાં તુટેલાફૂટેલાં સાધનો વેરવિખેર પડ્યાં હતાં. અમુક અંશે આ ઇલેક્ટ્રીકલ એંજીનિયરિંગની લેબોરેટરી હોવાનું લાગી રહ્યું હતું. એ સિવાય ત્યાં થોડો કચરો પડ્યો હતો. અમુક રોબોટિક મશીનો ખૂણે ખાંચરે હલતાં જોઇ શકાતાં પણ એમની બનાવટની સ્ટાઇલ થોડી જુનવાણી લાગતી હતી. લિયો પહોળી આંખે આ બધું જોઇ રહ્યો હતો એટલામાંજ એની બિલકુલ સામેની દિવાલમાંથી એક દરવાજો ખુલ્યો. દરવાજો દિવાલ સાથે એટલી સરસ રીતે વણાયેલો હતો કે એનું અસ્તિત્વ પરખાતું જ નહોતું. ખુલ્યાં પછી જ ખબર પડી કે અહીં દરવાજો છે. એ દરવાજા માંથી વ્હીલચેર પર બેઠેલો એક વ્યક્તિ બહાર આવ્યો. સહેજ નજીક આવતાં લિયોએ જોયું કે એ વ્હીલચેર ઓટોમેટીક હતી અને કેટલાંક ગેજેટ્સ એ વ્હીલચેર સાથે જોડાયેલાં હતાં. એણે વ્હીલચેર પર બેઠેલા માણસ તરફ ધ્યાનથી જોયું. જેમજેમ એ નજીક આવતો જતો હતો એમએમ એનો દેખાવ વધુ સ્પષ્ટ બનતો જતો હતો. 
એ માણસ અત્યંત વયોવૃધ્ધ અને સાવ પાતળા બાંધાનો હતો. વ્હીલચેર પર બેઠો હોવાના કારણે એની ઉંચાઇનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો છતાં એનાં વળેલા લકવાગ્રસ્ત પગને જોઇને એની ઉંચાઇ સામાન્ય કરતાં ઘણી વધારે હશે એવો અંદાજ લિયોએ લગાવ્યો. કેટલાંય સમયથી નહાયો ન હોય એવો લઘરવઘર દેખાવ હતો. આછા ગ્રે કલરના ફાટેલા સુટ જેવું કંઇક એણે પહેર્યું હતું. એનાં વાળ એકદમ વિખેરાયેલાં અને લાંબા હતાં. ચહેરો લંબગોળ અને સહેજ લાંબો હતો. એની દાઢી અસ્તવ્યસ્ત રીતે વધી હતી. છેલ્લે દસેક દિવસ પહેલાં એણે શેવિંગ કર્યું હશે એવું લાગતું હતું. એનાં વાળ સફેદ અને બરછટ હતાં. સમગ્રતયા એનો દેખાવ મેલાઘેલા કપડાંવાળા કોઇ ભીખારી જેવો હતો. લિયો વિસ્ફારીત નયને એને જોઇ રહ્યો હતો. આજે લિયોની સાથે જે કંઇ બની રહ્યું હતું એ બધું રહસ્યમય હતું. થોડીવાર સુધી બંને એકબીજાની સામે જોઇ રહ્યાં. 
“ક...કો...કોણ છો તમે? અને આ..આ.. બધું શું ચાલી રહ્યું છે? આ અન્ડરગ્રાઉન્ડ લેબોરેટરી કોણે બનાવી છે?” થોથવાતી જીભે હિંમત કરીને લિયોએ પુછ્યું. 
જવાબમાં કંઇપણ બોલ્યાં સિવાય એ હસવા લાગ્યો. એના દાંત પીળા પડી ગયેલાં અને ગંદા જણાતાં હતાં. એક-બે દાંત કાળા પડી ગયાં હતાં તો ચારેક દાંત પડી ગયાં હતાં. લિયો સહેજ અણગમા સાથે એને જોઇ રહ્યો.  
“એય છોકરા.. તારૂં નામ લિયો છે ને!” પેલાએ ગાંડુ ઘેલું હસતાં કહ્યું. 
“ત..ત...તમને મા..મારૂં નામ કઇ રીતે ખબર પડી?” લિયો સહેજ ગુંચવાયો. એને હવે આ કંઇક મોટી સમસ્યા લાગી રહી હોઇ મનમાં ફાળ પડી રહી હતી. 
“છોકરા. હું ક્યારનો તારો જ ઇંતેજાર કરી રહ્યો હતો. મારે તારા જેવાં ભૌતિકવિજ્ઞાનના જીનિયસ છોકરાની જરૂર હતી. તને અહીં લાવવા માટે જ તો મારે રોઝનબર્ગમાં આ બધી ઘટનાઓ બનાવવી પડી.” સહેજ સિરિયસ થતાં પેલો શખ્સ બોલ્યો. 
“પણ, તમે છો કોણ? મને કઇ રીતે ઓળખો છો? અને રોઝનબર્ગમાં જે કંઇ ભેદી ઘટનાઓ થઇ રહી છે એની સાથે તમારે શું સંબંધ છે? તમે આ બધું કઇ રીતે કરો છો?” લિયો હિંમત કરીને બોલ્યો. 
“ઓ છોકરા. મારી સામે આજ સુધી કોઇએ ઉંચા અવાજે બોલવાની હિંમત કરી નથી પણ તારી હિંમતને હું દાદ આપું છું. તારે મારી ઓળખાણ જોઇએ છે ને,, તો સાંભળ. તારા દેશ નોર્વેની બાજુના દેશ સ્વીડનમાં વિદ્યુતચુંબકીય ક્ષેત્રનો કોઇ એક્સપર્ટ રહેતો હતો? વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોમેગ્નેટીકલી ડ્રીવન રોકેટ કોણે બનાવ્યું? સ્વીડનનો પહેલો ન્યુક્લિયર બોમ્બ બનાવનાર કોણ? વિશ્વના ઘણાબધાં દેશોનાં ન્યુક્લિયર પાવર સ્ટેશનના બાંધકામ માટે નિષ્ણાંત સલાહકાર કોણ હતું?” પેલાં માણસે મનમાં મલકાતા કહ્યું.
“એ તો ડૉ.ટોમ લેવિન્સ્કી હતાં. વિશ્વ કક્ષાએ વિદ્યુતચુંબકત્વના ક્ષેત્રમાં એમની નામના હતી. પણ ભૌતિકવિજ્ઞાનના એ જીનીયસ માણસ તો રહસ્યમય રીતે ગાયબ થઇ ગયાં હતાં. એમનો કોઇ પત્તો લાગ્યો ન હતો અને થોડાં વર્ષ પછી એમને મૃત ઘોષિત કરવામાં આવ્યાં હતાં. પણ.... તમ.... તમારે... તમારે એમની સાથે શું સંબંધ છે? ક્યાંક તમે જ તો.........???” લિયો પેલા શખ્સને શંકાભરી નજરે જોઇ રહ્યો.
“હા છોકરા.. તું બરાબર સમજ્યો. એ હું જ છું. હું જ છું ડૉ.ટોમ લેવિન્સ્કી... હા..હા..હા.. ધ ગ્રેટ ડૉ.ટોમ લેવિન્સ્કી....” પેલો માણસ અટ્ટહાસ્ય કરતાં બોલ્યો. એની વ્હીલચેરમાં લગાડેલી લાઇટો ઝગમગવા લાગી. એનાં હાસ્યને અનુરૂપ રંગબેરંગી લાઇટોની પેટર્ન બદલાતી હતી. અચાનક એની વ્હીલચેર હવામાં દસ ફૂટ અધ્ધર થઇ ગઇ. ઉપર રહ્યાં રહ્યાં એનાં અટ્ટહાસ્યથી આખો હોલ ગુંજી રહ્યો. એ માણસ પણ એના બંને હાથ પહોળા કરી એ ક્ષણનો આનંદ માણી રહ્યો હતો. આમ વ્હીલચેરને હવામાં અધ્ધર થતી જોઇને લિયો સખત ગભરાઇ ગયો હતો. એનું મન પારેવાની જેમ ફફડી રહ્યું હતું. બરાબર એજ વખતે એનાં મનમાંથી અવાજ આવ્યો.
“રિલેક્સ લિયો. હવે અહીં આવી જ ગયાં છીએ તો જે પરિસ્થિતી આવે એનો સામનો કરી લે. ડરીશ નહીં.”
મનનો અવાજ સાંભળી લિયોએ પાંચ ઉંડા શ્વાસ લીધા અને ડર પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો. 
“તમે જે પણ હો એ.. પણ મને આ રીતે ડરાવી નહીં શકો. તમારી વ્હીલચેર નીચે લાવો અને મારા પ્રશ્નોના જવાબ આપો.” લિયો આત્મવિશ્વાસ ટકાવી રાખીને ઉપર જોઇને બોલ્યો. એની વાત સાંભળીને વ્હીલચેર સડસડાટ કરતી નીચે આવી. 
“બસ, આજ કારણે હું તને પસંદ કરૂં છું. તારો આત્મવિશ્વાસ અને તારૂં ભૌતિકવિજ્ઞાનનું જ્ઞાન. મારે તારા જેવા જ બાહોશ માણસની જરૂર છે. અને હા, તારૂં પેલું પાર્ટીકલ એક્સીલરેટર જેને ઓસ્લો ખાતે પ્રાઇઝ મળ્યું હતું, એ ખરેખર જોરદાર હતું.” ડૉ.ટોમ લેવિન્સ્કીએ હસતાં હસતાં કહ્યું. 
“તમે મારા વિશે ઘણુંબધું જાણો છો. હવે મને પણ તમારા વિશે કંઇક જણાવો.” લિયોએ મનના ડરના ખાસ્સી હદે કાબુ કરી આત્મવિશ્વાસથી કહ્યું.
લિયોની આંખોમાં જોઇને ટોમે એની વ્હીલચેરનું એક બટન દબાવ્યું કે તરતજ સામેની દિવાલમાં દસ ફૂટ ઉપરથી એક ખાનું ઓટોમેટીક બહાર આવ્યું. પતરાની મોટી પેટી જેવું લાગતું એ ખાનું ઉડતું ઉડતું લિયો પાસે આવીને અટક્યું. એ ખાના જેવી સંરચનાએ લિયોના પગ પાસે સેફ લેન્ડિંગ કર્યું. આ લેબમાંની ઘણીબધી વસ્તુઓને આમ ઉડાઉડ કરતી જોઇને લિયોના પગ તળેની જમીન ક્યારની સરકી રહી હતી. 
લિયોએ વાંકા નમીને એ ખાનામાં જોયું તો સ્વીડનના સર્વોચ્ચ નાગરિકના એવોર્ડ સહિત એમાં પચાસથીય વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ્સનો ઢગલો પડ્યો હતો. એ બધા પરથી સ્પષ્ટ હતું કે આ માણસ જ ડૉ.ટોમ લેવિન્સ્કી  છે. 
“પણ... ડૉ.ટોમ લેવિન્સ્કી તો ૫૦ વર્ષ પહેલાં ગાયબ થઇ ગયાં હતાં અને એ વખતે એમની ઉંમર ૫૦ વર્ષની આસપાસ હતી. તો પછી...” લિયોએ હાથે કરીને વાક્ય અધૂરૂં છોડ્યું. 
“ત્યારે મારી ઉંમર ૫૫ વર્ષની હતી અને અત્યારે હું ૧૦૫ વર્ષનો છું... આ લેબનું બાંધકામ કરવા માટે હું ગાયબ થયો હતો. મેં ચુંબકીય ક્ષેત્ર પર ક્યારનુંય પ્રભુત્વ હાંસલ કરી લીધું હતું. અત્યારે તો એવી હાલત છે કે હું ચુંબકીય ક્ષેત્રને મારી સેવામાં ઇચ્છું એ રીતે નાથી શકું છું. હું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતાં લાખો ગણું ચુંબકીય ક્ષેત્ર રમતાં રમતાં પેદા કરી શકું છું. ચુંબકીય ક્ષેત્રની મદદથી હું ઇચ્છું એ વસ્તુને હવામાં ઉડાડી શકું છું.” 
આટલું બોલતાં બોલતાં તો એણે વ્હીલચેરના ટચપેડ પર કંઇક કમાન્ડ આપ્યો અને લિયોને અચાનક નીચેથી કંઇક જબરજસ્ત પ્રેશર અનુભવાયું. લિયો કંઇ સમજે એ પહેલાં તો એ હવામાં ઉંચકાયો. 
“હા..હા..હા.. જોયું...!!” ડૉ.ટોમ લેવિન્સ્કીએ ફરીથી અટ્ટહાસ્ય કર્યું. થોડીવાર હવામાં લિયોના હવાતિયાં જોયાં પછી બીજો કમાન્ડ આપી એણે લિયોને નીચે ઉતાર્યો.
“જો તમને એવું લાગતું હોય કે આવા બધાં ગતકડાંઓથી તમે મને ડરાવી દેશો તો એ શક્ય નથી. હવે મને એ પ્રશ્નનો જવાબ આપો કે તમે રોઝનબર્ગ સાથે શું કરી રહ્યાં છો?” લિયોએ જવાબ આપ્યો. ભયાનક માહોલ છતાં ધીરે ધીરે લિયોની હિંમત ખુલી રહી હતી.
“છોકરા.. હું રોઝનબર્ગ સાથે શું કરી રહ્યો છું એ જાણવા માટે તારે મારો ઇતિહાસ જાણવો પડશે. હું વિશ્વનો ખ્યાતનામ વૈજ્ઞાનિક હતો ત્યારની મારી એક જ મહત્વાકાંક્ષા હતી, આ વિશ્વ પર રાજ કરવાની.. પણ ગમે તેટલા ટેલેન્ટ છતાં કોઇ વૈજ્ઞાનિકને વિશ્વની સત્તા મળતી નથી અને મુઠ્ઠીભર અબુધ નેતાઓ આ વિશ્વને ચલાવી રહ્યાં છે. મારે આખા વિશ્વ પર સામ્રાજ્ય સ્થાપવું હતું અને એ સામ્રાજ્ય સાથે મારે અનંતકાળ સુધી જીવવું હતું. એના માટે મેં સરકારી પ્રયોગશાળાના મારા ૩૦ વફાદાર સહકર્મી વૈજ્ઞાનિકો સાથે આ અન્ડરગ્રાઉન્ડ લેબનું બાંધકામ શરૂ કર્યું. સેંકડો કારીગરોએ આ કામને શક્ય બનાવ્યું. બજેટનો પ્રશ્ન ન હતો કારણ કે વિશ્વના કેટલાય દેશોની ન્યુક્લિયર ડિલમાં મેં વિશ્વના અનેક અબજોપતિઓને ફાયદો કરાવ્યો હતો. એટલે એ લોકો આ લેબ માટે મને મોં માગ્યા પૈસા આપવા તૈયાર હતાં. પણ આ આખું સામ્રાજ્ય આખરે તો મારૂં હતું, એટલે મેં પૈસા તો લીધા પણ એનું લોકેશન ક્યારેય જાહેર ન કર્યું. આ માહિતી બહાર લીક ન થાય એ માટે એકપણ કારીગર આ લેબમાંથી બહાર ગયો નહીં. મારે વિદ્યુતચુંબકીય ક્ષેત્રની માનવશરીર પર થતી અસરોનો અભ્યાસ કરવો હતો એટલે એ માનવશરીરોનો મેં પ્રયોગ માટે ઉપયોગ કર્યો. મારે એ જોવું હતું કે બ્લડ સર્ક્યુલેશન, જ્ઞાનતંતુઓમાંના સંવેદનો, હૃદયના ધબકારા વગેરે બધું જ ચુંબકીય ક્ષેત્ર વડે કઇ રીતે કંટ્રોલ થઇ શકે છે. માનવશરીર પરનો આ બધો ચુંબકીય કંટ્રોલ હાંસલ કરતાં કરતાં મારી જીંદગીનો પુષ્કળ સમય વ્યતીત થઇ ગયો. એના માટે કેટલા બધાની જીંદગીની આહુતિ આપવી પડી મારે!! પેલા કારીગરોની જીંદગીઓ પતી એટલે મારા સહકર્મીઓની જીંદગીઓ સાથે રમવાનું શરૂં થયું. અહીં કોઇ હતું નહીં જે મારે સામનો કરી શકે. હું અહીંનો ભગવાન છું એટલે હું ઇચ્છતો એમ થતું ગયું અને છેલ્લે હું એકલો બાકી રહ્યો. હવે મેં ચુંબકીય ક્ષેત્રને મારા પૂર્ણ કાબુમાં લઇ લીધું છે. બસ, આ બધામાં મારી જીંદગી પુરી થઇ ગઇ. મારૂં મૃત્યું પણ આવી જ ગયું છે. આ તો મેં ચુંબકીય ક્ષેત્રના ઓવરડોઝથી મારા શરીરને ચાલુ રાખ્યું છે.” ટોમે ભૂતકાળ વાગોળતા કહ્યું.
“તમે તમારા સાથીદારો સાથે શું કર્યું?” લિયોએ સજળ નયને પુછ્યું.
ટોમે લિયોના બરાબર જમણી બાજુના ખૂણા તરફ હાથ લંબાવ્યો. એની વ્હીલચેર એ તરફ આગળ વધી. પાછળ પાછળ લિયો પણ એ દિશામાં ગયો. એણે ટચપેડ પર કંઇક કમાન્ડ આપી એ દરવાજો ખોલ્યો. દરવાજો સહેજ ખુલતાં જ આખા હોલમાં ભયાનક દુર્ગંધ પ્રસરી ગઇ. લિયોએ નાક અને મોં પર હથેળી દબાવીને એ રૂમમાં ડોકિયું કર્યું. ડોકિયું કરતાંજ ત્યાંનો નજારો જોઇ એને ચક્કર આવી ગયાં. એ રૂમમાં લગભગ ૧૦૦ કરતાંય વધારે માનવકંકાલ પડ્યાં હતાં. કેટલાકની તો ખોપડીઓ અલગ થયેલી પડી હતી. એમાંથી બે-ત્રણ લાશ તો હજી અર્ધકોહવાયેલી હાલતમાં પડી હતી. દસેક કંકાલ કૂતરાં જેવાં પાલતુ પ્રાણીઓના હોય એવું લાગતું હતું. એક કૂતરાની તો તાજી લાશ પડી હતી. લિયો માથું પકડીને ત્યાંજ બેસી ગયો. એને એટલી બધી ચીતરી ચડી રહી હતી કે બે-ચાર મિનિટ પછી એને ઉલટી થઇ ગઇ.
ટોમે કમાન્ડ આપી દરવાજો બંધ કર્યો. અંદરથી આવતી વાસ જરા ઓછી થઇ. લિયોએ પોતાની જાતને સંભાળવા પ્રયત્ન કર્યો. એની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યાં હતાં. 
“તમારા મનમાં લોકો માટે પ્રેમ કે સંવેદના નામની કોઇ વસ્તુ છે કે નહી? ઇશ્વરે તમને દિલ આપ્યું છે કે નહી? આવું બધું તમે કેવી રીતે કરી શકો?” લિયોએ રડતાં રડતાં પુછ્યું. 
“જો છોકરા.. સફળતા કૂરબાની માંગે છે. એટલે એ બધા મારી સફળતા માટે કૂરબાન થઇ ગયાં. હવે જ્યાં સુધી ઇશ્વરની વાત છે ત્યાં સુધી હું બીજા કોઇ ઇશ્વરમાં માનતો નથી. હું જ છું ઈશ્વર. હું અહીં બેઠાં બેઠાં આખી પૃથ્વી પર ગમે ત્યાં તબાહી મચાવી શકું છું. આ લેબની ઉપર એક વિશાળ પહાડ છે અને એ પહાડની અંદરથી ડ્રીલ કરીને એક વિશાળ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. આ ટાવરની મદદથી હું વિશ્વમાં ગમે ત્યાં ભૂકંપ લાવી શકું છું. ગમે ત્યાં ગમખ્વાર તબાહી સર્જી શકું છું. કોઇ મારૂં કંઇ નહીં બગાડી શકે..” આટલું બોલતાં એણે વ્હીલચેર પરનું એક બટન દબાવ્યું અને હોલની એક સાઇડની આખી દિવાલ સ્લાઇડીંગ દરવાજાની જેમ સાઇડમાં ખસી ગઇ. લિયોએ એમાં ઉપર તરફ નજર કરી તો ત્યાં લગભગ બે કિમી ઉંચો એક ટાવર હતો. એની ઉંચાઇ જોઇને લિયો ચોંકી ગયો.  
“હવે તારા બીજા પ્રશ્નનો જવાબ આપું. મારામાં દિલ નામની કોઇ વસ્તુ નથી. મારા દિલને મેં ચુંબકીય ક્ષેત્રના ઓવરડોઝ વડે ચાલ્યું રાખ્યું છે. મારૂં બ્લડ સર્ક્યુલેશન પણ એજ રીતે ચાલી રહ્યું છે. વાત રહી પ્રેમની, તો પ્રેમ કમજોર લોકો માટે છે. પ્રેમ પોતેજ એક કમજોરી છે. મારે કમજોરી નહીં તાકાત જોઇએ છે, તાકાત. મારા જેવા સુપરપાવર વ્યક્તિ માટે પ્રેમ શબ્દનું અસ્તિત્વ જ નથી. હું કોઇનેય પ્રેમ કરતો નથી. હું માત્ર મારા અહંકારને પ્રેમ કરૂં છું. હું આ વિશ્વનો અને આ બ્રહ્માંડનો સ્વામી છું.” અટ્ટહાસ્ય કરતાં ટોમ બોલ્યો. 
“ડૉ.ટોમ. વિજ્ઞાનનો હેતુ છે અજાણી વસ્તુઓને જાણવી. અજ્ઞાતને જ્ઞાત કરવું. એનાં આધારે માનવજાતની સેવા કરવી. તમે જઇ રહ્યાં છો એ રસ્તો માત્ર વિનાશનો રસ્તો છે. પ્લીઝ અટકી જાવ ડો.ટોમ. પ્લીઝ આટલેથી અટકી જાવ.” લિયો ઘૂંટણિયે પડી ટોમને આજીજી કરવા લાગ્યો. 
“હા..હા...હા.... તમે બધા મારા ગુલામ છો. આ ડેથ ટાવર (મૃત્યુનો ટાવર) તે જોયો ને!! તને ખબર છે ને એ ટાવરની સૌથી નજીક કયું શહેર છે? હા...હા.. તારૂં પ્યારું રોઝનબર્ગ.” ટોમ ખંધુ હસતાં બોલ્યો.
“હવે મુદ્દાની વાત કહી દો. મને અહીં કેમ બોલાવ્યો છે?” લિયોએ સહેજ ગુસ્સામાં પુછ્યું. 
“છોકરા.. મેં તને કહ્યું ને.. હવે મારૂં શરીર કામ કરી રહ્યું નથી. મેં વિશ્વ પર સામ્રાજ્ય ઉભું કરવાનું બધું આયોજન કરી લીધું છે અને હવે મારૂં શરીર જો,, કેવું થઇ ગયું છે!!” એટલું બોલતાં ટોમે એક સ્વીચ દબાવી અને અચાનક જ એનું શરીર કરમાઇ ગયેલાં ભાજીપાલા જેવું થઇ ગયું. એનાં શરીરમાંથી બધો રસકસ ચુસી લીધો હોય અને ખાલી કોથળા જેવું થઇ ગયું હોય એમ એનું શરીર વ્હીલચેર પરથી લટકી પડ્યું. લિયોના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. એ લટકી રહેલાં ભાજીપાલાની આંગળી પેલી સ્વીચ પર ચોંટેલી હતી. એ ફરીથી દબાવતાં એ પાછો પૂર્વવત બન્યો. 
“હવે મને મારૂં મૃત્યું નજીક દેખાઇ રહ્યું છે. આ વ્હીલચેર પર નાની નાની અઢળક સોય છે જે મારા શરીરમાં પેસીને મારા શરીરને ચુંબકીય ક્ષેત્રનો ઓવરડોઝ આપે છે. એનાથી જ મારા ધબકારા અને લોહીનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. પણ હવે આ બધું વધુ સમય સુધી ચાલી શકે એમ નથી. આ શરીરની આવરદા પુરી થવાં આવી છે. મારે હવે નવા શરીરની જરૂર છે. પણ એવું શરીર જે ભૌતિકવિજ્ઞાનમાં જીનિયસ હોય. મારી શોધેલી એક સિસ્ટમ ત્યારે જ કામ કરશે જ્યારે સામેવાળા વ્યક્તિનાં મગજમાં ચાલતાં સંવેદનોની તીવ્રતા મારા મગજના સંવેદનોની તીવ્રતા સાથે બરાબર મેચ થાય. એ ઘટનાને અનુનાદ કહેવાય છે. મારે બિલકુલ મારા જેવા જ કોઇની તલાશ હતી એટલે હું તને અહીં લાવ્યો છું.” ટોમે લિયોને લાલચુ નજરે ઘુરતા કહ્યું.
“ના. હું તમારા જેવો તો નથી જ. મારામાં અને તમારામાં આસમાન જમીનનું અંતર છે.” લિયો ગુસ્સામાં બરાડી ઉઠ્યો.
“સોરી લિયો. પણ વાસ્તવિકતા હંમેશા કડવી હોય છે.” ટોમે હસાતાં હસાતાં કહ્યું. 
“તો તમે મારા શરીર પર કયો પ્રયોગ કરવા માંગો છો?” લિયો હજી ગુસ્સામાં હતો.   
“બેટા,, તારા માનસિક સંવેદનો સાથે મેં મારા માનસિક સંવેદનો જોડી દેવાની એક ટેકનીક શોધી છે. એનું નામ છે ‘ડ્રીમ ટનલ’. બહારથી આપવામાં આવેલું ઘાતક ચુંબકીય ક્ષેત્ર તારા સંવેદનોને ચોક્કસ ફ્રીક્વન્સી પર આંદોલિત કરશે. બિલકુલ એજ વખતે મારી લાઇફ સપોર્ટ સિસ્ટમનું ચુંબકીય ક્ષેત્ર મારા મગજના સંવેદનોને એજ ફ્રીક્વન્સી પર આંદોલિત કરશે. બંનેના ચેતાતંતુઓમાં અનુનાદ થશે. બંનેને કોઇ સપનું દેખાશે. તને લાગશે કે તારૂં મગજ ક્યાંક ઉંડાણમાં જઇ રહ્યું છે. આપણા બંને વચ્ચે એક અદૃશ્ય ટનલ બનશે. બંનેમાંથી જેનો આત્મવિશ્વાસ વધુ પાવરફુલ હશે એ ટનલના સામેના છેડે પહોંચી જશે. આપણા બંનેના કિસ્સામાં વધુ આત્મવિશ્વાસ મારો છે એટલે મારી સંવેદના તારામાં ટ્રાન્સફર થઇ જશે અને તરત જ મારી લાઇફ સપોર્ટ સિસ્ટમ બંધ થઇ જશે.” ટોમે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. ટોમનો પ્લાન સાંભળીને લિયોને સખત ડર અનુભવાવા લાગ્યો.
ટોમે વ્હીલચેરના ટચ પેડ પર કંઇક કમાન્ડ આપ્યો અને એ રૂમમાં ચારેબાજુની દિવાલો પરથી ઠેર ઠેર પાતળા નાના નોઝલ નીકળ્યાં. એ દરેક નોઝલમાંથી છુંકારા બોલાવતું ચુંબકીય ક્ષેત્ર પેદા થવા લાગ્યું. ચારે તરફ અદૃશ્ય ચુંબકીય ક્ષેત્રની તડતડાટી સંભળાવા લાગી. થોડીવારમાં લિયોનાં મગજ પર સખત પ્રેશર અનુભવાવા લાગ્યું. એનું માથું ફાટ ફાટ થઇ રહ્યું હતું. ટોમ ધ્યાન લગાવી રહ્યો હોય એવી મુદ્રામાં વ્હીલચેર પર બેઠો હતો. ચુંબકીય ક્ષેત્રની તડતડાટી સતત બોલતી રહી અને આખો તમાશો દસેક મિનિટ ચાલ્યો. અચાનક લિયો મગજનાં ઉંડાણમાં ક્યાંક જતો રહ્યો. 
ચારેબાજુ અનંત સુધી ભાસતો ઉંડો દરિયો હતો. સખ્ખત અંધારેલું વાતાવરણ હતું. અંધારી રાત હતી અને વરસાદ ચાલુ હતો. દસ ફૂટ જેટલાં ઉંચા મોજાં ઉછળી રહ્યાં હતાં. દરિયો તોફાને ચડ્યો હતો. લિયો એક નાનકડી હોડીમાં હલેસા મારી રહ્યો હતો પણ એ ભયાનક તોફાન સામે એ ઝીંક ઝીલી શકે એમ ન હતો. એ વિશાળ ઘુઘવતા સમુદ્રમાં વચ્ચોવચ એક વમળ હતું. પાણી ગોળ ચકરડી ફરીને ધસમસતાં પ્રવાહ સાથે એ ગોળ ભમરીમાં જઇ રહ્યું હતું. લિયો એમાં બરાબરનો ફસાયો હતો. એ મરણિયો થઇને હલેસા મારી રહ્યો હતો પણ વમળ તીવ્ર ગતિથી એને અંદર ખેચીં રહ્યું હતું. લિયોનું ભૌતિકવિજ્ઞાનીય મગજ એને કહી રહ્યું હતું કે આ કોઇ સાદું વમળ નથી. આ તો બ્લેક હોલ જેવું ખતરનાક છે. અચાનક એની નાનકડી હોડી એ ભમરીમાં ફસાઇ અને બોટ સાથે ગોળ ફરતાં ફરતાં એ ભમરીની ટનલમાં સમાઇ ગયો.  
અચાનક બધુ શાંત થઇ ગયું. લિયો બેભાન થઇ ગયો. ટોમનું શરીર ભાજીપાલાની જેમ રસકસ વગરનું બની વ્હીલચેર પર લટકી રહ્યું હતું. હવે એમાં જીવન તત્વના અંશ દેખાતા ન હતાં. ધ ગ્રેટ ડૉ.ટોમ લેવિન્સ્કીનો અંત આવી ગયો હતો. ચુંબકીય ક્ષેત્રની તડતડાટી અને સ્પાર્કથી લેબની દિવાલો પર ઘણીબધી જગ્યાએ કાળા ડાઘ પડી ગયાં હતાં. આગળ કંઇપણ હરકત કરનાર હવે કોઇ હતું નહીં. લગભગ બે કલાકનો સમય વીતી ગયો. ધીરે ધીરે લિયો ભાનમાં આવ્યો. એણે આંખો ખોલી. એનાં ચહેરા પર ઘણીબધી જગ્યાએ બળતરા થઇ રહી હતી. એનાં કાનમાંથી લોહી વહી રહ્યું હતું. ચહેરા પર પડેલા અમુક ઘા રક્તરંજીત હતાં. એનાં આખા શરીરમાંથી બધી ઊર્જા ખેંચાઇ ગઇ હોય એવું અનુભવાતું હતું. ચુંબકીય ક્ષેત્રના ઓવરડોઝના કારણે લેબમાંની ઘણીબધી વસ્તુઓ તુટી ગઇ હતી અને એનો કાટમાળ અહીંતહીં પડ્યો હતો. એમાંથી એક તુટેલા અરીસાનો ટુકડો લિયોના હાથમાં આવ્યો એમાં એણે પોતાનો ચહેરો જોયો. હાથ-પગ, મોંઢુ બધું બરાબર ચેક કર્યું. આ તો લિયો - એ પોતે જ હતો. તો પછી ટોમ ક્યાં ગયો? લિયોએ પાંચ ઉંડા શ્વાસ લીધાં. ધીમેધીમે પરિસ્થિતી સાથે અનુકૂલન સાધ્યું. જૂની મેમરીઝ યાદ કરી જોઇ. લીલી અને માતા જેનેટને યાદ કરી જોયાં. બધું બરાબર હતું, ધેટ મિન્સ કે ટોમની ડ્રીમ ટનલનો આઇડીયા ફ્લોપ રહ્યો હતો. ટોમ સફળતાપૂર્વક એની સંવેદના લિયોના મગજમાં ટ્રાન્સફર કરી શક્યો નહીં. લિયોએ રાહતનો ઉંડો શ્વાસ લીધો. આખી લેબ તરફ ઘૃણાભરી નજર નાંખી એ દરવાજા તરફ દોડ્યો. દોડાદોડ પેલા પગથિયા સુધી આવ્યો. એનો સામાન પેક કરી ગરમ કપડા પહેરી એ પગથિયા મારફતે બહાર આવ્યો. પગથિયા પરનો બંધ થયેલો દરવાજો અંદરથી ખોલી શકાય એમ હતું. બહાર આવતાંવેંત કાતિલ ઠંડીએ લિયોને ઘેરી લીધો. લિયો થાક્યો હતો. આવી અવસ્થામાં રોઝનબર્ગ પરત ફરવું અઘરું હતું છતાં હવે અહીંથી દૂર જવા લિયો ઉતાવળો બન્યો હતો. એણે બરફ પર ચાલવાનું શરૂ કર્યું. અડધો રસ્તો કાપ્યો. રાત્રે એક જગ્યાએ વિરામ કર્યો અને બીજા દિવસે પાછું વળતી સફર આરંભી. 
બે દિવસનાં વળતા પ્રવાસે લિયોને સખત થકવી નાંખ્યો હતો છતાં એ રોઝનબર્ગ પાછો પહોંચવા મરણિયો બન્યો હતો. રોઝનબર્ગની સીમા સુધી પહોંચતા પહોંચતા તો એની બધી ઊર્જા પુરી થઇ ગઇ. સદભાગ્યે એ સીમા પર જ છેલ્લું મકાન કમ દુકાન જેની હતી એનું નામ મેથ્યુ હતું. ધરાતળને અંધારાએ ઘેરી લીધું હતું. એવામાં મેથ્યુની દુકાન પાસે જ આવીને લિયો ફસડાઇ પડ્યો. થોડીવાર પછી મેથ્યુ બહાર આવ્યો અને લિયોને નીચે પડેલો જોઇને ચોંકી ઉઠ્યો. એ લિયોને ઉંચકીને અંદર લઇ ગયો. દુકાનમાંના હીટરની ગરમીથી લિયોના જીવમાં જીવ આવ્યો. મેથ્યુએ લિયો માટે ગરમાગરમ ચા બનાવી દીધી. એ ઝડપથી ગરમ પાણી લઇ આવ્યો અને એમાં લિયોના પગ બોળી દીધાં. મોટો જાડો ધાબળો લિયોને ઓઢાડી દીધો. ગરમાવો અનુભવી લિયો ખાસ્સો ફ્રેશ થઇ ગયો. દરમિયાનમાં મેથ્યુએ ફોન કરીને લીલીને બોલાવી લીધી. લીલી આવી ત્યાં સુધીમાં તો લિયો સંપૂર્ણપણે ફ્રેશ થઇ ગયો હતો. લીલી આવતાવેંત લિયોને ભેટી પડી. લીલી અને મેથ્યુ બંને લિયોની આપવિતી સાંભળવા આતુર હતાં. લિયોએ પણ સ્ટેપ બાય સ્ટેપ એક એક ઘટના એ લોકોને કહી. મેથ્યુ અને લીલી મોંમાં આંગળા નાંખી ગયાં. લીલીની આંખોમાં તો પાણી આવી ગયું. 
“લિયો. તું ખરેખર બહુ બહાદુર છે. આટલા ભયાનક વાતાવરણ વચ્ચે પણ તને ડર ન લાગ્યો?” આંખોમાં આંસુ સાથે લીલીએ પુછ્યું. 
“ના લીલી.. જ્યારે મને ડર લાગ્યો ત્યારે મેં તને યાદ કરી લીધી એટલે મારો ડર જતો રહ્યો. મેં તને નહોતું કહ્યું લીલી, હું જરૂર પાછો આવી જઇશ. જો.. હું આવી ગયો” લિયોએ પ્રેમથી લીલીની આંખોમાં જોતાં કહ્યું. 
આ દરમિયાન મેથ્યુએ ફોન દ્વારા માઇકલ અંકલને પણ આખી ઘટનાની જાણ કરી એટલે એ પણ તાબડતોબ આવી પહોંચ્યાં. એમણે પણ આખી ઘટના સાંભળી.
“શાબાશ લિયો. તારા જેવો નાગરીક મેળવી રોઝનબર્ગ ગર્વ અનુભવે છે. તેં માત્ર રોઝનબર્ગ જ નહીં સમગ્ર વિશ્વને એક ગાંડા, ધૂની, ઘમંડી અને ક્રૂર વૈજ્ઞાનિકે ઉભા કરેલાં મોટા ખતરામાંથી બચાવી લીધું છે. આભાર લિયો.” માઇકલ અંકલ લિયો પર ગર્વ લેતાં બોલ્યાં. 
લિયો ઘરે ગયો ત્યારે એના માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયાં. લિયો અત્યંત થાકી ગયો હોઇ એના રૂમમાં સુવા જતો રહ્યો. થાકનાં લીધે લિયોએ ખાસ્સી લાંબી ઉંઘ ખેંચી.
બીજા દિવસે સવારે માતા જેનેટે લિયોને ઉઠાડ્યો. લિયો એકદમ ઝાટકો મારીને સફાળો બેઠો થઇ ગયો. ઉઠતાવેંત એ એનાં બંને પગને ધારી ધારીને જોવાં લાગ્યો. એણે હાથ લાંબા-ટૂંકા, ઉપર-નીચે અને આગળ-પાછળ કરી જોયાં અને પછી કંઇક ભેદી લાગે એવું સ્માઇલ આપ્યું. 
“બેટા લિયો. આ શું હાથ-પગ હલાવ્યાં કરે છે? જા ઝડપથી નહાઇ લે. મોડું થઇ ગયું છે.” માતા જેનેટે હળવા હાસ્ય સાથે ટકોર કરી. 
લિયોને નહાવામાં વાર લાગી એટલે માતા જેનેટે બાથરૂમ આગળ ઉભા રહી બુમ પાડી,
“બેટા, આજે તો નહાવામાં બહુ વાર લગાડી. જલદી કર. લીલી તારી રાહ જોતી હશે. કોલેજ નથી જવાનું કે શું?” માતા જેનેટ માટે લિયોની હરકતો એક આશ્ચર્ય હતું.
“ના આન્ટી. હું રાહ નથી જોતી. લિયોને લેવાં હું ખુદ જ અહીં આવી ગઇ છું.” અચાનક દરવાજે આવી ચડેલી લીલી બોલી. 
લિયો બાથરૂમમાંથી બહાર આવ્યો. કંઇપણ બોલ્યા વગર પોતાના રૂમમાં જઇ ઝડપથી તૈયાર થઇ ગયો. લીલી સાથે કંઇપણ વાત કર્યાં વગર જ સીધો એ ચાલવા લાગ્યો. 
“કેમ લિયો? આજે કંઇ બોલતો નથી? તબિયત તો બરાબર છે ને!” લીલી લિયોનો હાથ પકડતાં બોલી. 
“આપણે ક્યાં જઇ રહ્યાં છીએ?” સહેજ ભારે અવાજ સાથે લિયો બોલ્યો. 
“આજે આપણે કોલેજ નથી જવું. ચલને, પેલાં નવાં મલ્ટીપ્લેક્ષમાં મુવી જોવાં જઇએ.. અને પછી કંઇક નાસ્તો કરીશું.” લીલી સ્ત્રી સહજ ભાવ દર્શાવતાં બોલી.
“ના છોકરી.. હું ક્યાંય બહાર આવવાનો નથી. મારે તો પાછા જવાનું છે.” એમ કહી લિયોએ લીલીને જોરથી ધક્કો માર્યો. લીલી પડી ગઇ અને હાથે સહેજ છોલાઇ ગઇ. લિયો ફટાફટ ઘરે જતો રહ્યો. લીલી તો લિયોના વર્તનથી હેબતાઇ ગઇ. એ રડતી રડતી પોતાના ઘરે જતી રહી. 
લીલી લગભગ એક કલાક સુધી એનાં રૂમમાં પુરાઇને રડતી રહી. લીલીની માતાએ એનાં માટે ગરમ કોફી બનાવી હતી એ લઇને એ લીલીને આપવા એનાં રૂમમાં આવ્યાં.
“કેમ બેટા ઢીલી થઇ ગઇ છે? લિયો સાથે ઝગડો થયો કે શું?” માતાએ પ્રેમથી પુછ્યું. 
“કંઇ નહીં મા. બસ એમ જ..” લીલીએ વાત ઉડાવતાં કહ્યું.
“જો બેટા. હું તારી ઉંમરની હતી ને ત્યારે ક્યારેક હું પણ તારી જેમ ઢીલી થઇ જતી. પણ મારૂં કારણ અલગ હોતું.” લીલીના માતાએ કહ્યું.
“એવું તે કયું કારણ હોતું, મા?” લીલીએ પણ બદલાયેલા ટોપિક સાથે મુડ બદલતાં પુછ્યું.
“બેટા, હું જ્યારે જ્યારે ખરાબ સપના જોતી ત્યારે ત્યારે હું બહુ ઢીલી થઇ જતી. મોટેભાગે મને ડરામણા સપનામાં એક ઉંડી ટનલ જેવી દેખાતું અને હું એમાં પડી ગઇ હોઉ અને એમાં ઉંડે ને ઉંડે જઇ રહી હોઉં એવું લાગતું. મારા માટે એ સપનાની ટનલ હતી” લીલીના માતા ભૂતકાળ વાગોળતાં બોલ્યાં. 
“ઓહ મમ્મી. ડ્રીમ ટનલ.. ઓહ મારા ભગવાન,, આ તો ખતરનક સમસ્યા ઉભી થઇ ગઇ. આ વાત પહેલાં કેમ મારા મગજમાં ન આવી? હવે મને સમજાયું કે લિયો ક્યાં પાછા જવાનું કહેતો હતો.” લીલી અચાનક બૂમ પાડી ઉઠી. 
“બેટા તને અચાનક શું થયું? મને તો કહે!” માતા ચિંતા કરતાં બોલ્યાં.
“મમ્મી, મારે જવું પડશે. લિયો મુસીબતમાં છે.” આટલું બોલતાં લીલી ઝડપથી લિયોના ઘર તરફ દોડી. 
“આન્ટી, લિયો ક્યાં છે?” લિયોના ઘરે પહોંચતાવેંત લીલીએ એકીશ્વાસે પુછી નાંખ્યું.
“બેટા તમે બંને સવારે અહીંથી ગયાં એ પછી દસ જ મિનિટમાં લિયો પાછો આવી ગયેલો અને એનાં ગરમ કપડાં, ટેન્ટ અને કેટલાંક સાધનો લઇને એ ક્યાંક જતો હતો. મેં પુછ્યું તો એ મને કંઇ કીધા વગર જ જતો રહ્યો. ખબર નહી, લિયો કેમ આવું વર્તન કરે છે!” માતા જેનેટ ચિંતા કરતાં બોલ્યાં. એમને આગળ કંઇપણ કહ્યાં વગર લીલી ત્યાંથી નીકળી ગઇ.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Neena Patel 13 કલાક પહેલા

Verified icon

Mayur Lalpura 2 માસ પહેલા

Verified icon

Amisha Shah. Verified icon 2 માસ પહેલા

Verified icon

Abhishek Patalia 2 માસ પહેલા

Verified icon

Balkrishna patel 2 માસ પહેલા

શેર કરો